અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા · વિષય: પરિચય · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 1801

.

પ્રિય અનામિકા,

ફિલ્મ જગતની નવાજૂની પરની તમારી નોંધ ઉપયોગી છે. એ વાત સાચી કે ભારતીય સિનેમાના વિકાસની તવારીખનું દસ્તાવેજીકરણ અપૂરતું છે. કેટલીય ક્લાસિક ફિલ્મોની પ્રિંટ જ બચી નથી! અસંખ્ય ફિલ્મોના  નિર્માણ સંબંધી મહત્ત્વની માહિતી મળતી નથી. વિવિધ સ્રોતોથી બોલિવુડનો જે ઇતિહાસ પ્રાપ્ય છે, તેમાં વિશ્વાસપાત્ર એકસૂત્રતા નથી. સંદિગ્ધ રીતે ખૂટતી કડીઓ ઘણી છે. તમારું ગ્રુપ તે અંગે સંશોધન કરે છે તે આવકારપાત્ર વાત છે.

અનામિકા! તાજેતરમાં ગુગલ સર્ચ હોમ પેજ પર નાદિયા ધ ફિયરલેસને ‘ગુગલ ડુડલ’ નું સન્માન મળ્યું તે કેવી સરસ વાત!  ભારતીય સિનેમાની પ્રથમ સ્ટંટ એક્ટ્રેસનું સન્માન પામેલ નાદિયાજીની વાત કરીએ તો ‘વાડિયા મુવિટોન’ના વાડિયા બંધુઓની ફિલ્મ ‘હંટરવાલી’ પહેલાં યાદ આવે. નાદિયાજીએ સાહસભર્યા સ્ટંટ શૉટ્સથી સજેલ ‘હંટરવાલી’ ફિલ્મથી લોકપ્રિયતા મેળવી હતી.

નાદિયાજીને લોકો વિવિધ નામોથી ઓળખે: નાદિયા ધ ફિયરલેસ કે હંટરવાલી નાદિયા કે ફિયરલેસ નાદિયા.

ઑસ્ટ્રેલિયામાં 1908માં જન્મેલ નાદિયાજીનું જન્મનું નામ મેરી એન ઇવાન્સ.

પરિવાર સાથે પાંચ વર્ષની ઉંમરે મુંબઈ આવેલ મેરી ઇવાન્સ બ્રિટીશ હિંદુસ્તાનમાં મોટા થયા અને યુવાની વટાવતાં દેશભરમાં બેલે ડાંસર તથા સરકસમાં એક્રોબેટ તરીકે મશહૂર થયા. હિંદી ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂકતાં પહેલાં મેરી ઇવાન્સ હિંદુસ્તાની નામ નાદિયા તરીકે પ્રસિદ્ધ થયા. તું જાણે છે, અનામિકા, કે મુંબઈમાં જમશેદ વાડિયા અને હોમી વાડિયાની ફિલ્મ કંપની ‘વાડિયા મુવિટોન’ની વિખ્યાત ફિલ્મ ‘હંટરવાલી’ (1935) માં  નાદિયાજીએ મુખ્ય એક્ટ્રેસ તરીકે રોલ ભજવ્યો. હંટરવાલી (ધ પ્રિન્સેસ એન્ડ ધ હંટર) ફિલ્મ સાથે બોલિવુડના ઇતિહાસમાં ‘ફિયરલેસ નાદિયા’નો સ્ટંટ એક્ટ્રેસ તરીકે જન્મ થયો. આ પછીની અન્ય ફિલ્મ્સ પહાડી કન્યા, મિસ ફ્રંટિયર મેઇલ, હરિકેન હંસા, પંજાબ મેઇલ, ડાયમંડ ક્વિન, બંબઈવાલી, મુકાબલા, જંગલ પ્રિન્સેસ, હંટરવાલી કી બેટી, લેડી રોબિનહૂડ આદિ ફિલ્મોમાં સ્ટંટ ક્વિન ફિયરલેસ નાદિયાએ ધમાકેદાર પાત્રો ભજવ્યાં. 1961માં નાદિયાજીએ હોમી વાડિયા સાથે લગ્ન કર્યાં. વર્ષ 1996માં 88 વર્ષની ઉંમરે સ્ટંટ એક્શન અભિનેત્રી નાદિયાજીનું અવસાન થયું.

બોલિવુડના પ્રથમ સ્ટંટ એક્ટ્રેસ નાદિયા ધ ફિયરલેસના જીવન વિશે રસપ્રદ માહિતી રિયાદ વિન્સી વાડિયાની ડૉક્યુમેન્ટરી ફિલ્મ “ફિયરલેસ: ધ હંટરવાલી સ્ટોરી” માંથી મળે છે. અનામિકા! નાદિયાજીના જીવન પર આધારિત આ એવોર્ડ વિનર ડોક્યુમેંટરી ફિલ્મ રિયાદ વાડિયાએ 1993માં બનાવી હતી. જમશેદ વાડિયાના પુત્ર વિંસી વાડિયાના પુત્ર રિયાદ ફિલ્મ અને ટેલિવિઝન સાથે સંકળાયેલા હતા. કમભાગ્યે રિયાદ વિન્સી વાડિયા યુવાન વયમાં 2003માં મૃત્યુ પામ્યા.

નાદિયાજી વિશે બીજી નોંધપાત્ર વાત એ કે ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત અને હોલિવુડના પટકથા લેખક મેથ્યુ રોબિન્સ દ્વારા લખાયેલ ફિલ્મ ‘રંગૂન’ (2017) ની સ્ટોરી પણ નાદિયાજીની જીવનકથા પર આધારિત હતી તેવા વિવાદો હતા. અહેવાલો મુજબ  ‘રંગૂન’ ફિલ્મની હિરોઇન કંગના રાણાવત (રનૌત / રાનાવત) નું પાત્ર સ્ટંટ ક્વિન ફિયરલેસ નાદિયાજી સાથે સામ્ય ધરાવતું જણાયું હતું.

મુંબઈના શિપ બિલ્ડિંગ તેમજ શિપિંગ ઉદ્યોગના પ્રણેતા લવજી નસરવાનજી વાડિયાના વંશ-પરિવારોએ મુંબઈના વ્યાપાર-ઉદ્યોગના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. લવજી નસરવાનજી વાડિયાએ 1736માં વાડિયા ગ્રુપની સ્થાપના કરી અને તે આજે ભારતના સૌથી જૂના બિઝનેસ ગ્રુપમાંનું એક છે. તને જાણ હશે, અનામિકા, કે બોમ્બે ડાઇંગ અને બ્રિટાનિયા બિસ્કીટવાડિયા ગ્રુપની કંપનીઓ છે. સેલિબ્રિટી પરિવારો સાથે પ્રશ્નો-વિવાદો જોડાયેલા હોય છે, પણ આપણે તે બાજુ પર રાખી ઐતિહાસિક વાતો પર નજર નાખીએ તો વાડિયા પરિવારના વંશજોએ વિવિધ ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવી. વાડિયા મુવિટોનવાળા ભાઈઓ જમશેદ અને હોમી વાડિયા પણ લવજી વાડિયાના પરિવારના વંશજ થાય.  વાડિયા બ્રધર્સની ફિલ્મ કંપની વાડિયા મુવિટોનના લોગોમાં લવજી વાડિયાના વહાણ (શિપ) નું ચિત્ર. વાડિયા મુવિટોનનો સ્ટુડિયો પરેલના ભવ્ય ‘લવજી કેસલ’માં હતો. અનામિકા! વાડિયાનો લવજી કેસલ હાલ વી શાંતારામના રાજકમલ સ્ટુડિયો તરીકે ઓળખાય છે. રાજકમલ સ્ટુડિયોમાં ‘શકુંતલા’થી લઈને ‘નવરંગ’ જેવી શાંતારામજીની વિખ્યાત ફિલ્મોનું નિર્માણ થયું.

લવજી વાડિયાના એક સીધા વંશજ નવરોજી નસરવાનજી વાડિયાએ વર્ષ 1879માં બોમ્બે ડાઇંગ ટેક્સ્ટાઇલ મિલની સ્થાપના કરી. નવરોજી વાડિયાના પરિવાર-વંશજોએ ભારતમાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. નવરોજી વાડિયાના પુત્ર નેસ વાડિયા; નેસ વાડિયાના પુત્રનું નામ નેવિલ વાડિયા. નેસ વાડિયાએ 1920-30ના અરસામાં ભારતમાં આંતરરાષ્ટ્રીય સંદેશાવ્યવહારના આરંભ માટે પ્રથમ વાયરલેસ કંપની સ્થાપવામાં યોગદાન આપ્યું. તે થકી  બ્રિટન સાથે ભારત પ્રથમ વાર વાયરલેસ સંદેશાવ્યવહારથી જોડાયું. અહીં એક બે આડવાતોનો ઉલ્લેખ જરૂરી છે જે ઘણા ગુજરાતીઓ જાણતા નથી. આ વાતો ચર્ચાસ્પદ છે. પરંતુ ઇતિહાસની દ્રષ્ટિએ જાણવા જેવી છે. હિંદુસ્તાનના ભાગલા પડ્યા, ત્યારે પાકિસ્તાનના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના નેતા મહંમદ અલી ઝીણા હતા તે સૌ કોઈ જાણે. બહુ ઓછા જાણે છે, અનામિકા, કે મહંમદ અલી ઝીણાનાં બીજાં પત્ની રતનબાઈ (રત્તિ) પિટીટ પ્રસિદ્ધ પારસી ઉદ્યોગપતિ જે આર ડી તાતાના બહેન સિલ્લા પિટીટનાં પુત્રી થાય. મહમ્મદ અલી ઝીણા અને રતનબાઈના પુત્રી દિનાએ 1938માં નેસ વાડિયાના પુત્ર નેવિલ વાડિયા સાથે લગ્ન કર્યાં. નેવિલ વાડિયા-દિના વાડિયાના પુત્ર તે આજે બોમ્બે ડાઇંગના હાલના કર્તાહર્તા નસ્લી વાડિયા. દિના વાડિયા 2017માં મૃત્યુ પામ્યા.

સંબંધોની આંટીઘૂંટીઓ કેવી અજબ હોય છે!

આપણો ઉત્તર ગોળાર્ધ આ વખતે ઠંડી-બરફવર્ષાની ભારે ઝપેટમાં છે. તમારે ત્યાં પણ હવામાન તકલીફદાયક છે. સંભાળીને રહેશો.

સસ્નેહ આશીર્વાદ.

** ** ** ** ** ** **

અનામિકાને પત્ર: 1801 : પૂરક માહિતી

નાદિયા વાડિયા / ફિયરલેસ નાદિયા: Nadia Wadia / Nadia the Fearless (1908 – 1996)

વાડિયા મુવિટોન: Wadia Movietone

હોમી વાડિયા: Homi Wadia (1911 – 2004)

લવજી નસરવાનજી વાડિયા: Lavji / Lovji Nusserwanjee wadia ( 1702 ? – 1774)

વાડિયા ગ્રુપ: Wadia Group

નવરોજી (નૌરોજી/ નવરોઝજી) નસરવાનજી વાડિયા: Nowroji / Naoroji Nusserwanji Wadia (1849 -1899)

નેસ વાડિયા: Ness Wadia (1873 -1952)

નેવિલ નેસ વાડિયા: Neville Ness Wadia (1911 – 1996)

મહમદ/ મહમ્મદ/ મોહમ્મદ / મહંમદ અલી ઝીણા: Muhammad Ali Jinnah (1876 – 1948)

રતનબાઈ(રત્તિ) પિટીટ: Rattanbai “Ruttie” Petit (1900 – 1929)

દિના વાડિયા: Dina Wadia (1919 – 2017)

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s