.
પ્રિય અનામિકા,
તમારા ફ્રેંચ મિત્ર ઉત્તરાખંડના નીમકરોલી બાબાના ‘કૈંચી ધામ’ આશ્રમની તથા મીરતોલા આશ્રમની મુલાકાતે જવાના છે તે વાત જાણી. ભૂલાતા જતા મીરતોલા અલમોડાના ‘ઉત્તર વૃંદાવન આશ્રમ’ વિશે તમારા મિત્રવર્તુળમાં ચર્ચા થવાની છે તે ય સરસ. ઉત્તરાખંડની તપોભૂમિમાં તો નિજાનંદે રખડવાની મઝા પણ લૂંટવા જેવી! દુ:ખની વાત એ કે હવે તો આવા આશ્રમો સાથે ખાટીમીઠી વાતો જોડાતી જાય છે. પણ જેની પાસે શ્રદ્ધા સાથે ઉત્સુક મન છે અને સત્યની ખોજની તલપ છે, તે સૌએ નામશેષ થતા જતા આવા તેજોમય આશ્રમના આછા ઉજાસને પણ સમજવો રહ્યો! તે ઉજાસમાં પ્રારંભિક જ્યોતનું અસલ તેજ આપણને પરખાઈ જાય તો ય ઘણું!
નીમકરોલી બાબા વિશે તું જાણે છે, અનામિકા! તેમના સંદર્ભમાં મેં તને અગાઉ એક પત્રમાં રિચાર્ડ આલ્પર્ટ અને લેરિ બ્રિલિયંટ વિશે લખેલું. બંને બાબાના શ્રદ્ધાવાન શિષ્યો. નીમ કરોલી બાબાને પાશ્ચાત્ય જગતમાં પ્રસિદ્ધિમાં લાવવામાં હાર્વર્ડ યુનિવર્સિટીના અમેરિકન સાયકોલોજિસ્ટ ડૉ રિચાર્ડ આલ્પર્ટનો ખાસ ફાળો. લેરિ બ્રિલિયંટ હાલ એમેઝોનના સ્થાપક જેફરી સ્કોલના જેફ સ્કોલ ગ્રુપના એડવાઇઝર છે.
અનામિકા! અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ ટેક કંપની એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ યુવાન વયે નીમકરોલી બાબાના નૈનીતાલ (ઉત્તરાખંડ) ના કૈંચી ધામ આશ્રમની મુલાકાત આવ્યા હતા. વળી સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકના માર્ક ઝકરબર્ગની નીમકરોલી બાબાના આશ્રમની મુલાકાત વિશે પણ મેં તને અન્ય એક પત્રમાં લખેલું. નીમકરોલી બાબાનો આશ્રમ ઉત્તરાખંડમાં નૈનીતાલથી અલમોડાના સડક રસ્તે, નૈનીતાલથી આશરે સત્તર કિલોમીટર દૂર કૈંચી ગામ પાસે છે.
આજે આપણે યશોદા મા તથા શ્રીકૃષ્ણપ્રેમના ઉત્તર વૃંદાવન આશ્રમ સંબંધિત વિસ્તૃત વાત કરીશું. તું જાણે છે, અનામિકા, કે યશોદામા પૂર્વાશ્રમમાં મોનિકા દેવીના નામથી ઓળખાતા હતા અને લખનૌ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર ડૉ જ્ઞાનેંદ્રનાથ ચક્રવર્તીનાં પત્ની હતાં. શ્રી કૃષ્ણપ્રેમનું મૂળ નામ રોનાલ્ડ નિકસન હતું અને તે બ્રિટીશ રોયલ એરફૉર્સમાં પાયલટ હતા.
બનારસમાં રહેતા જ્ઞાનેંદ્રનાથ ચક્રવર્તી અભ્યાસ કાળથી પ્રતિભાસંપન્ન હતા. તેમણે અલ્હાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. મોતીલાલ નહેરુ અને તેજ બહાદુર સપ્રુ સાથે તેમને અંગત સંબંધો હતા. કાયદાની ડિગ્રી ધરાવતા હોવા છતાં જ્ઞાનેંદ્રનાથ ચક્રવર્તીને થિયોસોફી પ્રત્યે વિશેષ લગાવ હતો. તેમનાં પ્રથમ પત્ની મૃત્યુ પામતાં 1894માં થિયોસોફિસ્ટ જ્ઞાનેંદ્રનાથનાં બીજાં લગ્ન બાર વર્ષનાં મોનિકા દેવી સાથે થયાં.
મોનિકા દેવી ગાઝીપુર (ઉત્તર પ્રદેશ) ની ઓપિયમ ફેક્ટરીના સુપ્રતિષ્ઠિત અમલદાર રાય બહાદુર ગગન ચંદ્ર રોયનાં પુત્રી હતાં. લખનૌ યુનિવર્સિટીની સ્થાપના થતાં 1921માં તેના પ્રથમ વાઇસ ચાંસેલર તરીકે ડૉ જ્ઞાનેંદ્રનાથ ચક્રવર્તી નિમાયા. મોનિકા દેવી અને જ્ઞાનેંદ્રનાથ બંને પ્રતિભાવાન હતાં અને તેમનાં આંગણે સમાજના વિવિધ વર્ગનાં અગ્રણીઓ મહેમાન થતાં. તેમાંના એક વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ, કવિ અને લેખક દિલીપ કુમાર રાય (દિલીપકુમાર રોય) પણ હતાં.
દિલીપકુમારનાં માતા સુરબાલા દેવી હિંદુસ્તાનના અગ્રગણ્ય હોમિયોપેથ પ્રતાપ ચંદ્ર મજુમદારના પુત્રી હતાં. દિલીપ કુમાર રાયના પિતા દ્વિજેંદ્રલાલ રોય બંગાળના આદરણીય નાટ્યકાર, કવિ અને સંગીતકાર હતા. કોલકતા (કલકત્તા) ના રેડિયો તથા ટીવી પર આજે પણ દ્વિજેંદ્રલાલ રોય (રાય/રે) ની કૃતિઓ રજૂ થતી રહે છે. દિલીપકુમારના દાદા કાર્તિકેય ચંદ્ર રૉય (રાય/રે) બંગાળમાં નાદિયા જિલ્લાના ખ્યાતનામ જમીનદારી – રજવાડા કૃષ્ણનગરના દીવાન હતા. 1820માં જન્મેલા કાર્તિકેય ચંદ્ર પર્શિયન અને અંગ્રેજી ભાષાના જાણકાર હતા તેમજ સંગીતનું પ્રખર જ્ઞાન ધરાવતા હતા. ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણેલ દિલીપકુમાર રાય આઝાદ હિંદ ફોજના જનક, સ્વાતંત્ર્યસેનાની સુભાષચંદ્ર બોઝના સહાધ્યાયી હતા.
યુરોપમાં સંગીતની ઉચ્ચ તાલીમ લઈ અધ્યાત્મમાર્ગ સ્વીકારનારા દિલીપકુમાર રાય લખનૌમાં મોનિકા દેવી અને જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તીના વિશેષ અતિથિ બની રહેતા.
1921માં લખનૌ યુનિવર્સિટીના ડિપાર્ટમેંટ ઓફ ઇંગ્લિશમાં એક યુવાન અંગ્રેજ લેક્ચરર તરીકે આવ્યા. તેમનું નામ રોનાલ્ડ નિકસન. ત્રેવીસ વર્ષના રોનાલ્ડ નિકસન પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઇંગ્લેંડના રોયલ એર ફોર્સમાં ફાઇટર પ્લેનના પાયલોટ હતા.
સમયના વહેણ સાથે મોનિકા દેવી સાંસારિક માર્ગથી દૂર થતા ગયા. રોનાલ્ડ નિકસન અધ્યાત્મ માર્ગથી રંગાતા ગયા. પતિ જ્ઞાનેંદ્રનાથની અનુમતિ લઈ મોનિકા દેવીએ 1927માં સંન્યાસ લીધો. રોનાલ્ડ નિકસન પણ તેમને અનુસર્યા. મોનિકા દેવીએ હિમાલયની તળેટીમાં ઉત્તર હિંદુસ્તાન (હાલ ઉત્તરાખંડ) ના અલમોડા નજીક મીરતોલામાં ‘ઉત્તર વૃંદાવન આશ્રમ’ની સ્થાપના કરી. સંન્યાસગ્રહણ પછી મોનિકા દેવી યશોદામા બન્યા અને તેમના શિષ્ય રોનાલ્ડ નિકસન શ્રીકૃષ્ણપ્રેમ બન્યા. તને કદાચ નવાઈ લાગશે, અનામિકા, કે હિંદુધર્મમાં વૈષ્ણવ સંપ્રદાયમાં સંન્યાસીપદ પામનાર પ્રથમ યુરોપિયન રોનાલ્ડ નિકસન હતા. લખનૌ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ મેજર રોબર્ટ એલેક્ઝાંડર પણ રોનાલ્ડ નિકસનની માફક યશોદામાની ભક્તિના રંગે રંગાયા અને સંન્યાસી થઈ મીરતોલાના ઉત્તર વૃંદાવન આશ્રમમાં રહેવા લાગ્યા. 1943માં એપ્રિલમાં દિલીપકુમાર રાય અને ઑક્ટોબરમાં શ્રી મા આનંદમયી ઉત્તર વૃંદાવન આશ્રમના મહેમાન બન્યા હતા.
1944માં યશોદામાના વૈકુંઠવાસ પછી શ્રીકૃષ્ણપ્રેમે આશ્રમ સંભાળ્યો. શ્રી કૃષ્ણપ્રેમ દ્વારા શ્રીમદ ભગવદગીતા અને કઠોપનિષદ પર લિખિત પુસ્તકો આદર પામ્યાં. આશ્રમવાસીઓ શ્રી કૃષ્ણપ્રેમને ગોપાલદા તરીકે પણ ઓળખતા. 1965માં શ્રીકૃષ્ણપ્રેમના સ્વર્ગવાસ પછી શ્રી માધવ આશિષજીએ મીરતોલા આશ્રમનું સંચાલન સંભાળ્યું. માધવ આશિષજી મૂળ અંગ્રેજ; નામ એલેક્ઝાંડર ફિપ્પ્સ; બીજા વિશ્વયુદ્ધ સમયે એરક્રાફ્ટ એંજિનિયર હતા. શ્રીકૃષ્ણપ્રેમને મળતાં અધ્યાત્મ રંગે રંગાયા અને મીરતોલા આશ્રમમાં સંન્યાસી બની ગયા. 1997માં તેમના દેહાવસાન શ્રી દેવ આશિષજીએ આશ્રમને સંભાળ્યો. દેવ આશિષજી વિશે હાલ ખબર નથી, તેટલું કહું તે જ ઉચિત રહેશે.
આપણા ઘણા આશ્રમો સત્ત્વ ગુમાવી રહ્યા છે તેવી વાતો સાંભળું છું ત્યારે દુ:ખ થાય છે. તારા ફ્રેંચ મિત્રની મીરતોલા આશ્રમની મુલાકાત પછી આપણને કાંઈક આધારભૂત માહિતી મળશે તેવી આશા છે.
સસ્નેહ આશીર્વાદ.
** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **
અનામિકાને પત્ર: 1803: પરિશિષ્ટ
- યશોદામા / સંન્યાસ પૂર્વે મોનિકા દેવી ચક્રવર્તી * Yashoda ma (Monika Devi Chakravarti) (1882 – 1944) * યશોદામાએ મીરતોલા પાસે ઉત્તર વૃંદાવન આશ્રમની સ્થાપના કરી. ઉત્તર વૃંદાવન આશ્રમ ઉત્તરાખંડમાં અલમોડાથી આશરે દસ – પંદર કિલોમીટર દૂર છે.
- શ્રી કૃષ્ણપ્રેમ / સંન્યાસ પૂર્વે રોનાલ્ડ નિકસન * Shri Krishna Prem / Shri Krishnaprem/ Ronald Henry Nixon (1868 – 1965)
- દિલીપકુમાર રાય (દિલિપકુમાર રોય) * Dilip Kumar Roy (1897 – 1980)
- દ્વિજેંદ્રલાલ રોય (1863-1913): Dwijendralal Roy (1863 – 1913)
- કાર્તિકેય ચંદ્ર રૉય ( રાય / રે) * Kartikeya Chandra Roy (1820 – 1885)
** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **
7 thoughts on “અનામિકાને પત્ર: 1803”