અનામિકાને પત્રો · વિષય: ઈતિહાસ · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1804

.

પ્રિય અનામિકા,

તમારા ગ્રુપની ચર્ચા હંમેશા રસપ્રદ હોય છે. તમારી સાથે ફોન પર વાત થતી રહેતી હોય છે, છતાં પત્રની આપલે પણ મઝાની લાગે છે. પત્રલેખનમાં અભિવ્યક્તિને અજબની મોકળાશ મળે છે. વળી વિચારધારાને સરળતાથી વહેવાનો મોકો મળતો હોવાથી પત્રરૂપમાં અભિવ્યક્તિ તેના ફલક અને ગહનતા – બંને મુદ્દે નિરાળી ભાત પાડે છે.

ચર્ચા માટે ફેમિનિઝમ અતિ વિશાળ વ્યાપનો વિષય છે.

આજે સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ એટલી તો સુધરી ગઈ છે કે સત્તરમી-અઢારમી સદીમાં સ્ત્રીઓની કચડાયેલી, દુર્દશાભરી સ્થિતિનો ખ્યાલ પણ ન આવે. સ્ત્રીને શિક્ષણ, નોકરી, મિલકત અંગે કોઈ હક્ક ન હતા. વિમેન એમ્પાવરમેંટની વાતો જ્યારે કલ્પનામાં પણ થઈ શકતી ન હતી, ત્યારે ફેમિનિસ્ટ આગેવાનોએ સમાજને ઝકઝોરવા, મહિલાઓ માટે હક્ક માગવા કેવા ભગીરથ પ્રયત્નો કર્યા હશે! અરે! ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં સ્ત્રીને માંડ એડમિશન મળ્યું હોય, તો પણ તે સ્ત્રી અમુક જ સમયે, અમુક જ ક્લાસ કે સેશનમાં હાજરી આપી શકે! તું માની શકીશ, અનામિકા, કે ઠેઠ ઓગણીસમી સદીમાં અમેરિકામાં એક મેડિકલ કોલેજમાં પ્રથમ અમેરિકન મહિલાને ભગીરથ પ્રયત્નો પછી એડમિશન મળ્યું.

વર્ષ 1847માં ન્યૂ યૉર્કની જીનેવા મેડિકલ કોલેજમાં એડમિશન મેળવનાર એલિઝાબેથ બ્લેકવેલ પ્રથમ મહિલા હતાં. મૂળ ઇંગ્લેન્ડનાં આ હિંમતવાન મહિલા એલિઝાબેથ બ્લેકવેલને અમેરિકાની ઓગણત્રીસ મેડિકલ કોલેજોએ એડમિશન આપવા ઇન્કાર કર્યો હતો! બધેથી નિરાશ થયા પછી આખરે તેમને જીનેવા મેડિકલ કોલેજ (ન્યૂ યૉર્ક) માં પ્રવેશ મળ્યો.

એલિઝાબેથ બ્લેકવેલ અમેરિકામાં પ્રથમ મહિલા ડૉક્ટર બન્યાં, જેમણે એમડીની મેડિકલ ડિગ્રી મેળવી. દાદ દેવી પડે આ મહિલાની ઝઝૂમતા રહેવાની શક્તિને!

તું જાણે છે, અનામિકા, કે ઓગણીસમી સદીની શરૂઆતમાં ફેમિનિઝમનાં સ્પંદનો પાશ્ચાત્ય સમાજમાં ઊઠવા લાગ્યાં. અમેરિકામાં એલિઝાબેથ સ્ટેન્ટન, એમિલિયા બ્લૂમર અને મેરી લ્યોન (મેરી લિયોન) તેમજ ગ્રેટ બ્રિટનમાં ફ્લોરેન્સ નાઇટિંગલ અને ફ્રાંસિસ કોબે જેવા મહિલા વિચારક-સુધારકોએ ફેમિનિઝમને નવી જ દિશા આપી. તે અગાઉ બ્રિટીશ લેખિકાઓ જેન ઓસ્ટિન (જેઇન ઓસ્ટિન) તથા શાર્લોટ બ્રોન્ટિ (બ્રોંટે/ બ્રોન્ટે) ની નવલકથાઓએ સમાજમાં સ્ત્રીઓના સ્થાન અંગે જાગૃતિ આણી હતી. વળી મેરી વોલ્સ્ટોનક્રાફ્ટ, ફ્રાંસિસ રાઇટ અને માર્ગારેટ ફુલર (ફ્યુલર) જેવા બ્રિટીશ-અમેરિકન મહિલા-વિચારકોએ સ્ત્રી કેળવણી વિશે મત ઊભો કર્યો હતો.

એલિઝાબેથ સ્ટેન્ટન અમેરિકામાં સ્ત્રીઓને સમાન હક્કોની માગણી કરતા મહિલા આંદોલનના પ્રણેતા ગણાય છે. સ્ટેંટનના આંદોલનમાં મહિલા મતાધિકાર અને સ્ત્રીઓને સમાન રાજકીય હક્કો ઉપરાંત સ્ત્રીને નોકરી, કમાણી અને મિલકત ધરાવવાના હક્કોની માગણી હતી.

એમિલિયા બ્લૂમર અમેરિકન સુધારાવાદી હતા, જેમણે મહિલાઓને ભારેખમ કોસ્ચ્યુમમાંથી મુક્તિ અપાવવા ઝુંબેશ ચલાવી. જે જમાનામાં સ્ત્રીઓએ પેટીકોટ, ઘેરાવદાર સ્કર્ટ અને કોર્સેટનાં વજનદાર પોશાક પહેરવાં પડતાં, તે જમાનામાં એમિલિયાએ સુવિધાદાયી પેંટ અને હલકા-ફુલકા ‘બ્લૂમર’  જેવા ક્રાંતિકારી ડ્રેસની શરૂઆત કરી. તેમનો પેંટ-બ્લુમરનો પોશાક સુધારાવાદી નારીની ઓળખ બન્યો. વળી એમિલિયા બ્લૂમરે અમેરિકામાં મહિલાઓ માટેના પ્રથમ ન્યૂઝપેપરની શરૂઆત કરી.

અમેરિકન ફેમિનિસ્ટ મેરી લ્યોનનું નામ સ્ત્રીઓના ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલું છે. તેમણે અમેરિકામાં પહેલી મહિલા કોલેજ માઉંટ હોલ્યોક (હોલિઓક) ફીમેલ સેમિનરી શરૂ કરી. મેરી લ્યોનની પ્રથમ અમેરિકન વિમેન્સ કોલેજ માઉન્ટ હોલ્યોક ફીમેલ સેમિનરી આજે માઉન્ટ હોલ્યોક કોલેજ તરીકે ઓળખાય છે.

‘લેડી વિથ ધ લેમ્પ’ તરીકે જાણીતા ફ્લોરેન્સ નાઇટિંગેલ બ્રિટીશ સમાજસેવક અને સુધારક હતા. તેમણે નર્સિંગનો વ્યવસાય અપનાવી સમાજમાં નવો ચીલો પાડ્યો. ક્રિમીયન યુદ્ધમાં રાત-દિવસ સેવા આપનાર દયાની દેવી નાઇટિંગલે ઇંગ્લેન્ડમાં નર્સિંગને આધુનિક રૂપ આપી સમાજમાં પ્રતિષ્ઠા અપાવી. ક્વિન વિક્ટોરિયાના સમયમાં ફ્લોરેન્સ નાઇટિંગલે સ્ત્રી સમાજને પ્રેરણા આપી.

ડબ્લિન, આયર્લેંડમાં જન્મેલ લેખિકા ફ્રાંસિસ પાવર કૉબ્બેએ ઇંગ્લેંડમાં સ્ત્રીઓના મતાધિકાર માટે તેમજ તેમની આર્થિક સ્વતંત્રતા માટે ચળવળ ચલાવી. ફ્રાંસિસ કોબ્બેએ વિવિધ વિષયો પર પોતાના વિચારો પર પુસ્તકો પણ પ્રકાશિત કર્યાં હતાં.

વિચાર કરો, અનામિકા, કે પશ્ચિમી જગતમાં સ્ત્રીઓએ સમાજમાં તેમના સ્થાન માટે આવું ઝઝૂમવું પડ્યું હતું, તો હિંદુસ્તાનની તો વાત જ શી કરવી. બાળવિવાહ જેવો કુરિવાજ સમાજમાં એવો ઘર કરી બેઠો હતો કે સ્ત્રીઓને શિક્ષણની તક જ ન મળતી! અશિક્ષિત સ્ત્રી વિશ્વના મુખ્ય પ્રવાહથી વંચિત રહેતી અને પુરૂષપ્રધાન સમાજમાં ઉપેક્ષિત જીવન જીવતી.

બ્રિટીશ હિંદુસ્તાનમાં જાગૃતિનો શંખ ફુંકનારાઓની યાદી લાંબી છે. સતી રિવાજ નાબૂદ કરાવનાર રાજા રામ મોહન રાય, પ્રખર વિદ્વાન ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, બ્રહ્મોસમાજના સ્થાપક કેશવચંદ્ર સેન, આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી, મહારાષ્ટ્રના ફૂલે દંપતિ –  જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે  – આદિ તરત યાદ આવે. આ સાથે સ્ત્રી સમાજને પ્રેરણા આપનાર અને સમાજ સામે એકલે હાથે ઝઝૂમનાર ફેમિનિસ્ટ સન્નારી પંડિતા રમાબાઈ સરસ્વતીને અચૂક યાદ કરવાં પડે. જોકે તેમના કેટલાંક પગલાં અને નિર્ણયો ઘણા આગેવાનોને પસંદ ન પડ્યાં, પણ તેમના વિવાદોને છોડી આપણે પંડિતા રમાબાઈના જીવન પર ઊડતી નજર નાખીએ.

વર્ષ 1858માં જન્મેલા પંડિતા રમાબાઈ સરસ્વતીનું મૂળ નામ રમાબાઈ ડોંગરે.

રમાબાઈનો જન્મ દક્ષિણ હિંદુસ્તાનમાં મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના વિદ્વાન પિતા સુધારાવાદી હોવાથી સામાજિક બહિષ્કારનો ભોગ બન્યા હતા. શાસ્ત્રજ્ઞ પિતાએ રમાબાઈને સંસ્કૃત ભાષાના ગહન અધ્યયન સાથે શાત્ર-પુરાણોમાં પારંગત કર્યા. માતાપિતાની છત્રછાયા ગુમાવતાં યુવાન રમાબાઈ અને તેમના ભાઈ દેશાટન કરતાં ઉત્તર હિંદુસ્તાન પહોંચ્યાં. કલકત્તામાં રમાબાઈના સંસ્કૃત ભાષાના જ્ઞાન સાથે શાત્રજ્ઞાનની ભારે પ્રશંસા થઈ. કલકત્તાના વિદ્વાનોએ રમાબાઈને પંડિતાઅને સરસ્વતીજેવા સન્માન આપ્યાં. પંડિતા રમાબાઈ સરસ્વતી હવે સ્ત્રી શિક્ષણ દ્વારા મહિલા ઉત્કર્ષની આવશ્યકતા લોકોને સમજાવવા લાગ્યાં. તેમનાં લગ્ન બિપીનબિહારી મેધાવી નામના એક કાયસ્થ સાથે થયાં. ટૂંકા  લગ્નજીવનમાં એક પુત્રી થઈ, પણ પતિનું અકાળ અવસાન થતાં તેઓ વિધવા બન્યાં. પ્રેરક વાત એ, અનામિકા, કે રમાબાઈએ હિંમત હાર્યા વગર મહિલાઉદ્ધારના કાર્યો ચાલુ રાખ્યાં.

તેમણે ઇંગ્લેંડ જઈ સંસ્કૃત ભાષાનું અધ્યાપન કાર્ય કર્યું. બે વાર અમેરિકા ગયાં. રમાબાઈને ભારે આલોચનાઓનો શિકાર એટલે બનવું પડ્યું કે તેમણે ક્રિશ્ચિયન ધર્મ અપનાવ્યો. તેમના હૃદયમાં તો ભારતીય નારીના ઉદ્ધારની જ લગની હતી. ધર્મપરિવર્તન અંગે  ભારે વિરોધ અને ટીકાઓ ઝીલતાં તેમણે મહિલાઓ માટે સંસ્થાઓ ચલાવી.

રમાબાઈ પંડિતાની સંસ્થાઓમાં આર્ય મહિલા સમાજ, શારદા સદન, કૃપા સદન વગેરેનો સમાવેશ થાય છે. કન્યાશિક્ષણ અને વિધવાકલ્યાણ માટે તેઓ જીવનભર પ્રવૃત્ત રહ્યાં.

અમેરિકામાં એમડીની ડિગ્રી લેનાર પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર આનંદીબાઈ ગોપાલરાવ  જોશીને રમાબાઈએ ખૂબ પ્રોત્સાહન આપ્યું. 1886માં ડો આનંદીબાઈ જોશીને અમેરિકામાં વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (ડબલ્યુએમસીપી) એ એમડીની ડિગ્રી એનાયત કરી ત્યારે પંડિતા રમાબાઈ સરસ્વતી ફિલાડેલ્ફિયામાં તે સમારોહમાં હાજર રહ્યાં હતાં. ભારતમાં ફેમિનિઝમના પથપ્રદર્શક તરીકે પ્રથમ ફેમિનિસ્ટ કહેવાતા પંડિતા રમાબાઈ સરસ્વતી 1822માં અવસાન પામ્યાં.

આશા છે, આ માહિતી તમને ઉપયોગી થશે.

સસ્નેહ આશીર્વાદ.

** ** ** ** ** ** **

અનામિકાને પત્ર: 1804: પશ્ચિમમાં મહિલા સશક્તિકરણ- હિંદુસ્તાનમાં પંડિતા રમાબાઈ સરસ્વતી: પરિશિષ્ટ
  • એલિઝાબેથ બ્લેકવેલ: Elizabeth Blackwell (1801-1910)
  • એલિઝાબેથ સ્ટેન્ટન/ સ્ટેંટન: Elizabeth Cady Stanton (1815-1902)
  • એમિલિયા બ્લૂમર: Amelia Jenks Bloomer (1818-1894)
  • મેરી લ્યોન: Mary Mason Lyon (1797-1849)
  • ફ્લોરેન્સ નાઇટિંગલ: Florence Nightingale (182-1910)
  • ફ્રાંસિસ પાવર કોબે: Frances Power Cobbe (1822-1904)
  • પંડિતા રમાબાઈ સરસ્વતી: Pandita Ramabai Saraswati (1858-1922)
  • ડૉક્ટર આનંદીબાઈ ગોપાલરાવ જોશી/જોષી: Dr Anandibai Gopalrao Joshi (1865-1886)
  • વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (ડબલ્યુએમસીપી): Women’s Medical College of Pennsylvania, Philadelphia, USA

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

5 thoughts on “અનામિકાને પત્ર: 1804

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s