અનામિકાને પત્રો · વિષય: ઈતિહાસ · વિષય: ચિંતન/ફિલોસોફી

અનામિકાને પત્ર: 1806

પ્રિય અનામિકા,

વિશ્વ રાજકારણના પ્રવાહો ખૂબ ઉકળ્યા પછી ઠંડા પડતા જણાય છે. માનવજાત પર મંડરાયેલાં કાળાં વાદળો વચ્ચે આશાનાં કિરણો ફૂટતાં લાગે છે. તમારી મિત્રમંડળીએ શાંતિના શ્વાસ લઈ આધ્યાત્મિક ચર્ચા ભણી ઝુકાવ્યું તે આવકાર્ય છે. તમારી ચર્ચા અલમોડાના કસાર દેવી અને ક્રેંક્સ રિજની વાતો પ્રતિ દોરાય તે પણ મઝાની વાત.

હિમાલયની વાતોએ મને હંમેશા આકર્ષ્યો છે. તેમાં બાળપણમાં વાંચેલી ડૉ ઝાકિર હુસેન વાર્તા ‘અબ્બૂખાંકી બકરી’ હોય, કાકાસાહેબ કાલેલકરની ‘હિમાલયનો પ્રવાસ’ હોય, સ્વામી આનંદની ‘ધરતીની આરતી’ હોય, હિમાલયના સિદ્ધ સંતોની વાત હોય કે ‘હિમાલયન બ્લંડર’ સમી યુદ્ધગાથા પણ હોય! અનામિકા! હું તો કદી અલમોડા કે ઉત્તરાખંડ ગયો નથી, પરંતુ ત્યાંની ભૂમિ મને આજેય પોકારતી હોય તેવું મેં અનુભવ્યું છે.

તાજેતરમાં વેન એલન બેલ્ટ અંગે અભ્યાસ કરતાં મને રસપ્રદ હકીકતો જાણવા મળી. અલમોડાના કસાર દેવીના દુર્ગા મંદિર શક્તિપીઠ વિસ્તારમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્રનો અનુભવ થાય છે. તે સંદર્ભે અમેરિકાની ‘નાસા’ સંસ્થાએ તે વિસ્તારનો ઊંડો અભ્યાસ કર્યો છે. કહે છે કે કસારદેવી પ્રદેશ વેન એલન બેલ્ટના ભારે પ્રભાવ તળે છે. અહીં પ્રશ્ન થાય, અનામિકા, કે વેન એલન બેલ્ટ્સ શું છે?

સૌ જાણે છે કે આપણી પૃથ્વી સ્વયં શક્તિશાળી ચુંબકીય પ્રભાવ ધરાવે છે. પૃથ્વીની આસપાસના વાતાવરણમાં પ્રચંડ ચુંબકીય ક્ષેત્રો રહેલાં છે. કેટલીક અવકાશી ઘટનાઓના કારણે આવાં ક્ષેત્રો સર્જાતાં પણ રહેતાં હોય છે.

આપણા સૂર્ય મંડળના કેન્દ્રમાં રહેલ સૂર્ય હાઇડ્રોજન-હિલિયમ જેવા વાયુઓની અખૂટ શક્તિથી ભરેલો ધગધગતો ગોળો છે. સૂર્યના ગોળામાં સતત ચાલતી પ્રક્રિયાઓને લીધે તેની સપાટી પરથી સોલર વિંડ’ (સૌર પવન) ની ઘટના સર્જાય છે; સૂર્યમાંથી પ્રોટોન – ઇલેક્ટ્રોન જેવા ઉર્જાયુક્ત ચાર્જ્ડ પાર્ટિકલ્સ ફેંકાતા રહે છે. ‘સોલર વિંડ’ (સૌર પવન) પૃથ્વી માટે પણ ઘણા પ્રશ્નો ઊભા કરી શકે છે, પરંતુ પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડના બેલ્ટ આવા ચાર્જ્ડ પાર્ટિકલ્સને પૃથ્વી સુધી પહોંચવામાં અવરોધ ઊભો કરે છે. આવા બેલ્ટ વેન એલન બેલ્ટ્સ કહેવાય છે.

આ વેન એલન બેલ્ટ્સ પૃથ્વીના વાતાવરણને પ્રોટોન – ઇલેક્ટ્રોન જેવા હાઇ-એનર્જી ચાર્જ્ડ પાર્ટિકલ્સના મારાથી બચાવે છે. બીજી રીતે વિચારતાં, સૂર્યના રેડિયેશનના ચાર્જ્ડ પાર્ટિકલ્સ પૃથ્વીની આસપાસ મેગ્નેટિક ફિલ્ડમાં સપડાઈને વેન એલન બેલ્ટનો ઝોન ઊભો કરે છે. તેને વેન એલન રેડિયેશન બેલ્ટ પણ કહે છે.

મઝાની વાત એ છે, અનામિકા, કે અમેરિકન સંસ્થા નાસાએ પૃથ્વી પર આવા વિશિષ્ટ ચુંબકીય ક્ષેત્રો ધરાવતાં ત્રણ સ્થાનોને પારખ્યાં છે. પ્રથમ સ્થાન દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં આવેલ જગવિખ્યાત માચુ પિચ્ચુ, બીજું ઇંગ્લેન્ડના અચરજજનક મહાકાય પથ્થરોથી સર્જાયેલ સ્ટોનહેન્જ તથા ત્રીજું સ્થાન ભારતમાં અલમોડામાં આવેલ કસાર દેવી શક્તિપીઠનો પ્રદેશ.

કસાર દેવી ગામના કસાર દેવી માતાનું મંદિર એક શક્તિપીઠ છે. દુનિયાનાં ઉક્ત ત્રણેય સ્થાનો – માચુ પિચ્ચુ, સ્ટોન હેંજ તથા કસાર દેવી શક્તિપીઠ વિસ્તાર–  ભિન્ન ભિન્ન સભ્યતાઓની ભેટ છે;  ખૂબ પ્રાચીન પણ છે. શું વીતેલા યુગોમાં પણ માનવજાતનો ઊર્જા વિષયક અભ્યાસ ગંભીર હશે? ભારતમાં શક્તિપીઠો અને તીર્થસ્થળોની સ્થાપના વિશે વૈજ્ઞાનિક તથ્યો બહાર આવતાં જાય છે. આપણે ચમત્કાર કે શ્રદ્ધા-અંધશ્રદ્ધાને વચ્ચે ન લાવીએ, પણ આપણા પૂર્વજોના ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને ખગોળવિદ્યા જેવા વિષયોના જ્ઞાન માટે ગર્વ જરૂર લઈ શકીએ.

તારા જર્મન મિત્રની અર્ન્સ્ટ લોથર હૉફમેન વિશેની વાત પણ આપણને અલમોડા જ લઈ જાય છે ને?

અર્ન્સ્ટ હોફમેન મૂળે જર્મન અને પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મન સૈન્યમાં રહી લડ્યા. પછી તેમણે ફિલોસોફી અને આર્કિયોલોજીનો અભ્યાસ કર્યો. 1928માં સિલોન (શ્રીલંકા) આવી તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. હવે અર્ન્સ્ટ હોફમેન બૌદ્ધ ધર્મી તરીકે અનાગ્રિકા ગોવિંદાના નામે ઓળખાયા.

હિંદુસ્તાન આવી અનાગ્રિકા ગોવિંદા નોબેલ પ્રાઇઝ વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની વિશ્વભારતી યુનિવર્સિટી (શાંતિનિકેતન) માં જર્મન અને ફ્રેંચ ભાષાના અધ્યાપક બન્યા. 1947માં અનાગ્રિકા ગોવિંદાએ મુંબઈના શ્રીમંત પીટિટ ફેમિલીની પારસી યુવતી રત્તી પીટિટ સથે લગ્ન કર્યાં. શાંતિનિકેતનના કલાકાર વિદ્યાર્થી રત્તી પીટિટ હવે લી ગોતમી ગોવિંદા તરીકે બૌદ્ધ ધર્મી બન્યા. અનાગ્રિકા ગોવિંદા અને લી ગોતમી અલમોડા કસાર દેવી પાસે જઈ વસ્યા.

અલમોડાના ગામ કસાર દેવીમાં દુર્ગા માતાજીનું 1500 વર્ષ પુરાણું મંદિર છે. અનામિકા! અલમોડાનો આ વિસ્તાર આધ્યાત્મિક વિકાસ માટે ઉત્તમ લેખાયો છે. આ પ્રદેશમાં 1890 – 1900ના અરસામાં સ્વામી વિવેકાનંદજીએ બે એક વખત નિવાસ કર્યો હતો. વીસમી સદીમાં કસાર દેવી ગામ યુરોપ અને અમેરિકાના સેલિબ્રિટીઝ માટે શાંતિધામ બન્યું.

1934માં અહીં ડેન્માર્કના ‘મિસ્ટીક’ સર્જક આલ્ફ્રેડ સોરેન્સન આવીને વસ્યા. આ ડેનિશ સાધક આલ્ફ્રેડ સોરેન્સન કવિવર  રવિન્દ્રનાથ ટાગોર અને પંડિત જવાહરલાલ નહેરુના ગાઢ સંપર્કમાં હતા. અલમોડામાં સાદગીપૂર્ણ જીવન જીવનાર આલ્ફ્રેડ સોરેન્સન પછીથી શૂન્યતા (સૂન્યતા બાબા / શૂન્યભાઈ) તરીકે ઓળખાયા. શૂન્યતા બાબાએ તામિલનાડુના અરુણાચલ પર્વત નિવાસી  રમણ મહર્ષિ, હિમાલયમાં મીરતોલાના યશોદામા, આનંદમયી મા, અલમોડાના નીમ કરોલી બાબા, સ્વામી રામદાસ (ડૉ રિચાર્ડ આલ્પર્ટ) આદિ સાધકોનો સત્સંગ સેવ્યો હતો.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં પશ્ચિમી સભ્યતામાં હિપ્પી સમુદાય વિશેષ પ્રચલિત થયો, ત્યારે ખાસ કરીને બીટજનરેશનના યુવાનો ભારત પ્રત્યે આકર્ષાયા. ગંગા તટના તથા હિમાલયના આશ્રમો ઊભરાવા લાગ્યા. અનામિકા!  નીમ કરોલી બાબા પાસે શરૂઆતમાં પહોંચનારા અમેરિકાના સાયકોલોજીસ્ટ ડૉ રિચાર્ડ આલ્પર્ટ વિશે મેં તને આગળના એક પત્રમાં લખ્યું છે.

અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટી (હાર્વર્ડ) ખાતે મનોવિકૃતકારી ડ્રગ્સની અસરો અને સાયકેડેલિક એક્સ્પિરિયન્સીસ પર વિવાદાસ્પદ અભ્યાસ કરનાર ડૉ રિચાર્ડ આલ્પર્ટ સંન્યાસ ધારણ કરી સ્વામી રામદાસ બન્યા અને નીમકરોલી બાબાના આશ્રમમાં રહ્યા. તેમના પગલે હાર્વર્ડના તેમના સાથી ડૉ ટિમોથી લિયરી (તિમોથી લેયરી) પણ અલમોડા પહોંચ્યા. વર્ષો પછી કસાર દેવી પાસેના વિસ્તારમાં જાહેરમાં નિર્વસ્ત્ર થઈ તિમોથી લિયરીએ ‘કુપ્રસિદ્ધિ’ (?)  મેળવી. હંમેશા ચર્ચાસ્પદ રહેલા ટિમોથી લિયરીના આ વર્તાવ (પાગલપન?) પછી આ ટેકરીનો વિસ્તાર ક્રેન્કસ રિજ” તરીકે ઓળખાયો. નીમ કરોલી બાબાના શરણે જનાર વિખ્યાત અમેરિકન ડૉક્ટર લેરી બ્રિલિયંટ પણ હતા. અરે! લેડી ચેટરલીઝ લવર નવલકથાના ખ્યાતનામ બ્રિટીશ લેખક ડી એચ લોરેન્સ પણ કસારદેવીની મુલાકાતે આવી ગયા હતા.

કસાર દેવી – ક્રેંક્સ રિજના અલમોડા વિસ્તારમાં રહેનાર અન્ય સેલિબ્રિટીમાં અમેરિકાના કવિ એલન જિન્સબર્ગ, અમેરિકન સિંગર- મ્યુઝિશિયન બોબ ડિલન, ઇંગ્લેંડના મ્યુઝિશિયન જ્યોર્જ હેરિસન આદિનો સમાવેશ થાય છે. આ બધાને કારણે ક્રેન્ક’સ રિજનો વિસ્તાર હિપ્પી હિલના નામથી પણ જાણીતો થયો.

તમારો જર્મન મિત્ર તમને અનાગ્રિકા ગોવિંદાના લેખનકાર્ય વિશે વાત કરશે તેમાં તમને રસ પડશે તેવી આશા છે.

તમારાં જીવન કાર્યો પ્રેરણાદાયી બની રહો!

સસ્નેહ આશીર્વાદ.

** ** ** ** ** ** **

અનામિકાને પત્ર: 1806: પૂરક માહિતી
  • કસાર દેવી, અલમોડા, ઉત્તરાખંડ: Kasar Devi, Almora, Uttarakhand, India
  • ક્રેન્ક’સ રિજ / ક્રેંક્સ રિજ, અલમોડા: Crank’s Ridge, Almora, Uttarakhand, India
  • અર્ન્સ્ટ લોથર હૉફમેન/ અર્ન્સ્ટ હોફમેન/ અનાગ્રિકા ગોવિંદા: Ernst Lothar Hoffmann / Anagrika Govinda (1898 – 1985)
  • રત્તી પીટિટ/ લી ગોતમી: Ratti Petit / Li Gotami Govinda (1906 – 1988)
  • આલ્ફ્રેડ સોરેન્સન/ શૂન્યતા / સૂન્યતા બાબા / શૂન્યભાઈ: Alfred Julius Emmanuel Sorensen (1890 – 1984)
  • નીમ કરોલી બાબા/ નીમ કરોડી બાબા/ નીબ કરોરી બાબા: Neem Karoli Baba
  • રિચાર્ડ આલ્પર્ટ/ સ્વામી રામદાસ/ બાબા રામદાસ: Dr Richard Alpert / Swami Ramdas (1931- )
  • તિમોથી લિયરી/ ટિમોથી લિયરી/ લેયરી: Dr Timothy Leary (1920 – 1996)
  • લેરી બ્રિલિયંટ: Lawrence “Larry” Brilliant (1944 – )
  • કૈંચી ધામ આશ્રમ(નીમ કરોલી બાબા આશ્રમ), નૈનીતાલ: Kainchi Dham Ashram, Nainital
  • હાર્વર્ડ યુનિવર્સિટી / હાવર્ડ યુનિવર્સિટી: Harvard University, USA
  • વેન એલન બેલ્ટ/ વેન એલન રેડિયેશન બેલ્ટ: Van Allen Belt / Van Allen Radiation Belt

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s