અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1808

.

પ્રિય અનામિકા,

હીરાલાલ સેન વિશે માહિતી આપવાની તારી વિનંતી મને દુ:ખદ આશ્ચર્ય આપે છે. દુ:ખ એટલા માટે કે હીરાલાલ સેન ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસના એક કરુણ, ઉપેક્ષિત પાત્ર છે. આશ્ચર્ય એટલા માટે કે હીરાલાલ સેન જેવા ફિલ્મ-સર્જકના નામ અને કામને બંગાળ સિવાય બહાર ચર્ચે છે કોણ?

આમેય, ઇતિહાસને હંમેશા વિવાદો અને અન્યાયો સાથે જ પનારો પડે છે! તેમાં આ તો ફિલ્મ જગતનો ઇતિહાસ!

હીરાલાલ સેન (1866-1917) હિંદુસ્તાનના સિનેમા ઉદ્યોગના એક પ્રણેતા હોવા છતાં તેમને ભારતના ફિલ્મ-ઇતિહાસમાં  ઉચિત પ્રતિષ્ઠા નથી મળી. આદરણીય દાદાસાહેબ ફાલકેજીના જીવન-કવનના દસ્તાવેજી પુરાવા એવા સબળ બની ચમકતા રહ્યા કે હીરાલાલ સેનજીની અલ્પજીવી કારકિર્દી અંધકારમાં ગર્ત થઈ ગઈ! ક્યારેક એવું લાગે છે કે બંગાળના ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સર્જક હીરાલાલ સેનના પાયોનિયરિંગ વર્કને જે ન્યાય મળવો જોઈએ તે મળ્યો નથી.

દાદાસાહેબ ફાલકે અને હીરાલાલ સેનનું ભારતીય ફિલ્મ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન છે; બેમાંથી કોઈની મહત્તા ઓછી ન અંકાય. પણ છેલ્લા થોડા દાયકાઓના સંશોધનો એ સૂચવે છે કે હીરાલાલ સેન બે-ત્રણ મુદ્દે ભારતીય સિનેમા જગતના પ્રથમસ્થાનને દાવેદાર કદાચ બની શકે ખરા.

એક તો, હીરાલાલ સેને હિંદુસ્તાનની પ્રથમ એડવર્ટાઇઝિંગ ફિલ્મ બનાવી.

બીજું, તેમણે હિંદુસ્તાનમાં પ્રથમ રાજકીય દસ્તાવેજી ફિલ્મ (પોલિટિકલ ડોક્યુમેંટરી ફિલ્મ) ઉતારી.

તેમણે કલકત્તામાં રંગમંચ પરના લાઇવ સ્ટેજ શોની પ્રથમ ટૂંકી ફિલ્મ બનાવી. કેટલાક સમર્થકોના મતે હીરાલાલ સેન પ્રથમ ભારતીય ફિલ્મ સર્જક હતા જેમણે ફુલ લેન્થ ફીચર ફિલ્મ (?)  બનાવી. અનામિકા! ભારતના ફિલ્મ ઉદ્યોગનું કમભાગ્ય ગણાય કે હીરાલાલ સેનની કોઈ ફિલ્મ આપણી પાસે બચી નથી! તેમની કોઈ કૃતિનો અંશ સુધ્ધા રહ્યો નથી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો  ©હરીશ દવે **

હીરાલાલ સેનનો જન્મ બ્રિટીશ હકૂમત હેઠળના હિંદુસ્તાનમાં બંગાળા (હાલ બાંગલા દેશ)માં ઢાકા નજીક થયો હતો. માનિકગંજ જીલ્લા (પૂર્વ બંગાળ, પછી પૂર્વ પાકિસ્તાન, હાલ બંગલાદેશ) ના બોકજુરી ગામે 2 ઑગસ્ટ, 1866 ના રોજ શ્રીમંત કુટુંબમાં હીરાલાલ સેનનો જન્મ થયો. અંગ્રેજ શાસનના બંગાળમાં માનિકગંજ જીલ્લામાં તેમના પિતા વકીલ પણ હતા; જમીનદાર પણ હતા.

તમે સૌ મિત્રો જાણો છો, અનામિકા, કે વિશ્વની પ્રથમ ફિલ્મ ફ્રાન્સ દેશના પેરિસ શહેરમાં દર્શાવાઈ હતી.

ચલચિત્ર કે મોશન પિક્ચરના શોધક ગણાતા ફ્રાંસના લુમિયેર બ્રધર્સની ટૂંકી ફિલ્મોને 28 ડિસેમ્બર, 1895ના રોજ પેરિસમાં ગ્રાંડ કાફે ખાતે બતાવવામાં આવી. દુનિયામાં કોમર્શિયલ સિનેમાનો જન્મ થયો. લ્યુમિયેર ભાઈઓની સિનેમેટોગ્રાફીની નવીન ટેકનીકથી મોશન પિક્ચરની શોધને દુનિયાએ આશ્ચર્ય સાથે આવકારી.

બીજે જ વર્ષે સિનેમેટોગ્રાફર લ્યુમિયેર બ્રધર્સની સાયલેન્ટ ફિલ્મો હિંદુસ્તાન આવી.

બોમ્બે (હાલ મુંબઈ) ના કાલા ઘોડા વિસ્તારની વૉટ્સન હોટેલમાં ભારતની પ્રથમ ફિલ્મ 7 જુલાઈ, 1896ના રોજ બતાવવામાં આવી. એક રૂપિયાની ‘ખર્ચાળ’ ટિકિટ સાથે ભારતનો પ્રથમ કોમર્શિયલ ફિલ્મ શો સફળ થયો. તેમાં લ્યુમિયેર બ્રધર્સની છ ફિલ્મો બતાવવામાં આવી અને ભારતમાં ચલચિત્ર ઉદ્યોગનાં પગરણ થયાં. 14 જુલાઈ, 1896ના રોજ બોમ્બેના જ નોવેલ્ટી થિયેટરમાં પણ કેટલીક ટૂંકી ફિલ્મો બતાવવામાં આવી.

બોમ્બેના વોટસન હોટલ અને નોવેલ્ટીના ફિલ્મ શોએ દેશભરમાં ઉત્તેજના ફેલાવી.

બોમ્બે (મુંબઈ) થી લુમિયેર બ્રધર્સની ફિલ્મો કલકત્તા (હાલ કોલકતા) પહોંચી. અનામિકા! સાયલેન્ટ  સિનેમાના યુગમાં શરૂઆતની ફિલ્મો તદ્દન ટૂંકી, એક-બે મિનિટની બનતી હતી. તે સમયે સ્ટેજ પર નાટકો અને ઓપેરા લોકપ્રિય હતાં. સ્ટેજ શોના મધ્યાંતરમાં ટૂંકી ફિલ્મો બતાવવામાં આવતી અને દર્શકો તે જોઈ મંત્રમુગ્ધ થતાં!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો  ©હરીશ દવે **

આ સમયે હીરાલાલ કલકત્તા (કોલકતા) માં અભ્યાસ કરતા.

યુવાન હીરાલાલને ફોટોગ્રાફીમાં ખૂબ રસ હતો. તેમણે ફોટોગ્રાફી સ્પર્ધામાં ઇનામ જીતવા સાથે ફોટોગ્રાફર તરીકે પ્રસિદ્ધિ પણ મેળવી હતી.

1898 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી-ફોટોગ્રાફર હીરાલાલ સેન કલકત્તાના સ્ટાર થિયેટરમાં સ્ટેજ શો ધ ફ્લાવર ઑફ પર્શિયા જોવા ગયા હતા. તેના મધ્યાંતરમાં અંગ્રેજ પ્રોફેસર સ્ટીવનસન દ્વારા ટૂંકી મોશન ફિલ્મ બતાવવામાં આવી. હીરાલાલ સેન પ્રોફેસર સ્ટીવન્સનના મોશન પિક્ચરથી ખૂબ રોમાંચિત થયા. હીરાલાલજી સ્ટીવન્સનને મળ્યા. પ્રોફેસર તેમના ફોટોગ્રાફી અને ફિલ્મમાં રસથી પ્રભાવિત થયા. તેમણે હીરાલાલને સિનેમેટોગ્રાફી અને મોશન કેમેરાની પાયાની સમજ આપી.

તને વિસ્મય થશે, અનામિકા, કે સ્ટીવનસને આપેલા કેમેરા, જ્ઞાન અને સહયોગથી હીરાલાલે ચાલુ શોએ ‘ધ ફ્લાવર ઓફ પર્શિયા’ માંથી એક દ્રશ્યને ફિલ્માંકિત કર્યું. હીરાલાલ સેનની ટૂંકી ફિલ્મ ધ ડાંસિંગ સીનલાઈવ સ્ટેજ શો પરથી બનેલ ભારતની સર્વ પ્રથમ શોર્ટ ફિલ્મ મનાય છે.

તે પછી અભ્યાસમાંથી હીરાલાલનો રસ ઊઠી ગયો. હીરાલાલ હવે યુરોપથી ટૂંકી સાયલેન્ટ ફિલ્મો મગાવીને પ્રદાર્શિત કરવા લાગ્યા. તેમણે કલકત્તાને જ કાર્યક્ષેત્ર બનાવ્યું. અનામિકા! તે સમયે સિનેમા જગતમાં ઇંગ્લેન્ડની વોરવિક ટ્રેડિંગ કંપનીનું મોટું નામ હતું. મૂળ લંડન (ઇંગ્લેન્ડ) ની વોરવિક કંપનીને સિનેમેટોગ્રાફી ક્ષેત્રે અમેરિકાના શોધક થોમસ એડિસન (થોમસ આલ્વા એડિસન) અને ફ્રાન્સના લ્યુમિયેર બ્રધર્સ સાથે વ્યાવસાયિક સંબંધો હતા. 1898-99 ના ગાળામાં હીરાલાલ સેને ઇંગ્લેન્ડની વોરવિક કંપની પાસેથી સિનેમેટોગ્રાફીને લગતાં સાધનો – ઇક્વિપમેંટ્સ મગાવ્યા. ખૂબ ખર્ચો કરીને હીરાલાલે વોરવિકનું ફિલ્મ પ્રોજેક્ટર ‘અર્બન બાયોસ્કોપ’ ખરીદ્યું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો  ©હરીશ દવે **

હિંદુસ્તાનની  સૌ પ્રથમ ફિલ્મ કંપની સ્થાપવામાં હીરાલાલ સેનને તેમના નાના ભાઈ મોતીલાલનો સાથ મળ્યો. બંને ભાઈઓ – હીરાલાલ સેન અને મોતીલાલ સેન – એ ભાગીદારીમાં કલકત્તામાં ભારતના ફિલ્મ ઉદ્યોગની સર્વ પ્રથમ ફિલ્મ કંપનીની સ્થાપના કરી.

હીરાલાલ સેન દ્વારા સ્થાપિત ભારતની આ સૌથી પહેલી સિનેમા કંપનીનું નામ હતું રોયલ બાયોસ્કોપ કંપની. પછી તો કલકત્તામાં ફરીને તેઓ ટૂંકી ફિલ્મો બનાવવા લાગ્યા. રોયલ બાયોસ્કોપ કંપનીના બેનર  નીચે તેમની ફિલ્મો કલકત્તામાં લોકપ્રિયતાને વરી.

તે જમાનામાં ચલચિત્ર બનાવવા રૉ સ્ટૉક (ફિલ્મ) ની પરદેશથી આયાત કરવી પડતી. ખર્ચો ખૂબ થતો. આમ છતાં, હીરાલાલે પંદરેક વર્ષમાં ચાલીસ જેટલી ફિલ્મો બનાવી હોવાનું કહેવાય છે.

તે સમયે બંગાળની નાટ્યપ્રવૃત્તિઓમાં અમરેન્દ્રનાથ દત્ત નાટ્યલેખક, અભિનેતા અને દિગ્દર્શક તરીકે પ્રખ્યાત હતા. કલકત્તાના થિયેટર જગતમાં મશહૂર એવા અમરેંદ્રનાથ દત્ત સાથે હીરાલાલ સેનને ઘનિષ્ઠ સંબંધો હતા. અમરેંદ્રનાથ દત્તના ક્લાસિક થિયેટરમાં શો દરમ્યાન રોયલ બાયોસ્કોપ કંપનીની શોર્ટ ફિલ્મ્સ બતાવાતી અને પ્રેક્ષકો તેના પર આફરીન થઈ જતા!

યુરોપથી આયાત કરેલી તેમજ સ્વયં નિર્માણ કરેલી હીરાલાલની ફિલ્મો બંગાળમાં ખ્યાતિને વરી. તેમની ફિલ્મના કાર્યક્રમો માત્ર સ્ટેજ શો દરમ્યાન થતા એવું પણ ન હતું. કલકત્તાના ધનાઢ્ય અને વગદાર વર્ગમાં પ્રસંગોપાત તેમની ફિલ્મો દર્શાવાતી. અનામિકા! તારા કલકત્તાના પ્રવાસ વખતે જોરાસાંકો વિસ્તારમાં રાજા રાજેન્દ્ર મલ્લિકના માર્બલ હાઉસની મુલાકાત લીધી હતી, ખરું ને?

કલકત્તાના જોરાસાંકોમાં મુક્તારામ બાસુ સ્ટ્રીટ વિસ્તારમાં આલીશાન માર્બલ હાઉસને બંધાવનાર શ્રીમંત રાજા રાજેંદ્ર મલ્લિક કલાના કદરદાન હતા. રાજા રાજેન્દ્ર મલ્લિકના વૈભવી માર્બલ હાઉસમાં હીરાલાલ સેનની રોયલ બાયોસ્કોપ કંપનીના ફિલ્મ શો સ્વજનો સાથે માણતા. વળી બ્રિટીશ અમલદારોની પ્રિય ક્લબ ડેલહાઉસી ઇન્સ્ટિટ્યૂટમાં પણ અંગ્રેજ મહેમાનોની સામે હીરાલાલની ફિલ્મોના કાર્યક્રમો થતા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો  ©હરીશ દવે **

અમરેન્દ્રનાથ દત્તના ક્લાસિક થિયેટરમાં ભજવાતા કેટલાક નાટકો પરથી ફિલ્મ પણ હીરાલાલ સેન દ્વારા તૈયાર થઈ હતી તેવા ઉલ્લેખ છે. ક્લાસિક થિયેટરના બુદ્ધદેવ, ભ્રમર આદિ નાટકોની ફિલ્મ હીરાલાલની રોયલ બાયોસ્કોપ કંપનીએ બનાવી હતી તેવું નોંધાયેલ છે.

અનામિકા! તારા શાળાના અભ્યાસ દરમ્યાન ઇતિહાસમાં 1905 ના બંગભંગ આંદોલન વિશે જાણ્યું હતું,  યાદ છે ને? વર્ષ 1904 માં બ્રિટીશ રાજના હિંદુસ્તાનના વાઇસરોય લોર્ડ કર્ઝન દ્વારા બંગાળાના ભાગલાની પ્રસ્તાવના આવી. બંગભંગ અથવા બંગાળના ભાગલા પાડવાની વાતનો હિંદુસ્તાનભરમાં ભારે વિરોધ થયો. તે સમયે કલકત્તામાં ટાઉનહોલ ખાતે સભા અને રેલી યોજાયાં હતાં. કોંગ્રેસના સ્થાપક નેતા સુરેંદ્રનાથ બેનર્જી સહિતના અગ્રણીઓએ જંગી માનવમેદનીને સંબોધી હતી. હીરાલાલ સેન દ્વારા બંગભંગના વિરોધની આ રાજકીય ઘટનાની ફિલ્મ ઉતારવામાં આવી હતી. કેટલાક ફિલ્મ ઇતિહાસકારો તેને ભારતની પ્રથમ દસ્તાવેજી ફિલ્મ (ડોક્યુમેન્ટરી ફિલ્મ) માને છે.

હીરાલાલ સેન સિનેમાનો ઉપયોગ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ માટે કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ નિર્માતા હતા. આજે ભારતમાં ઘણા લોકો કોલકતાના ‘જબાકુસુમ હેર ઓઇલ’ને જાણે છે. અનામિકા! વીસમી સદીના પ્રારંભે  કલકત્તાની સી કે સેન એન્ડ કંપનીના કુદરતી હેર ઓઇલ જબાકુસુમતેલ પાછળ આખું બંગાળ ઘેલું થયું હતું. સી. કે. સેન એન્ડ કંપની અને હીરાલાલ સેન વચ્ચે જબાકુસુમ હેર ઓઇલના માર્કેટિંગ માટે એડવર્ટાઇઝિંગ ફિલ્મ બનાવવા વિચાર વિમર્શ થયો. હીરાલાલ સેને જબાકુસુમ તેલ માટે ભારતની પહેલી એડવર્ટાઇઝિંગ ફિલ્મ બનાવી. તે જ રીતે કલકત્તામાં મેલેરિયા અને તાવ માટે ‘એડવર્ડ્ઝ ટોનિક’ પ્રસિદ્ધ હતું. એડવર્ડ્ઝ ટોનિકની એડવર્ટાઇઝિંગ ફિલ્મ પણ હીરાલાલ સેને બનાવી હતી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો  ©હરીશ દવે **

1903-04માં હીરાલાલ સેનની રોયલ બાયોસ્કોપ કંપનીએ તે જમાનાના લોકપ્રિય નાટક ‘અલીબાબા અને ચાલીસ ચોર’ ના સ્ટેજ શો પરથી ફિલ્મ ઉતારી હતી. જુદા જુદા શો સમયે, કકડે કકડે ઉતારાયેલી ‘અલીબાબા એંડ ફોર્ટી થિવ્ઝ’ હીરાલાલ સેનની સૌથી લાંબી – બે કલાકની – ફિલ્મ હતી. કેવી દુ:ખની વાત, અનામિકા, કે ‘અલીબાબા એન્ડ ફોર્ટી થિવ્ઝ’ ડબ્બામાં જ રહી. હીરાલાલનું કમનસીબ કે આ ફિલ્મ ક્યારે પણ પ્રેક્ષકો સામે પડદા પર ન પહોંચી! કેટલાક સમીક્ષકો હીરાલાલની ફિલ્મ અલીબાબા એંડ ફોર્ટી થિવ્ઝને ભારતની પ્રથમ ફીચર ફિલ્મ લેખે છે. પણ પ્રશ્ન એ કે આ દાવો સ્વીકારવો કેવી રીતે?

એક વાત તો એવી પણ છે કે તેમણે દિલ્હી દરબારની ફિલ્મ ઉતારી હતી, પરંતુ તે વાતને સર્વસ્વીકૃતિ મળતી નથી.

ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીની ઉત્તમ સૂઝબૂઝ હોવા છતાં હીરાલાલ સેન વ્યવહારકુશળ ન હતા. ન તો તે સંબંધો જાળવી શક્યા, ન તો વ્યવસાયને સફળતાથી સાચવી શક્યા.

રોયલ બાયોસ્કોપને જમશેદજી ફ્રામજી મદન (માદન) ની એલ્ફિન્સ્ટન બાયોસ્કોપ કંપનીએ પડકાર આપ્યો. કલકત્તામાં જે એફ મદન (જેે એફ માદન)  પોતાની ‘એલ્ફિન્સ્ટન બાયોસ્કોપ કંપની’ને આક્રમક વ્યાવસાયિક નીતિઓથી આગળ દોરવતા ગયા અને સ્પર્ધામાં અગ્રેસર રહ્યા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો  ©હરીશ દવે **

ચાલીસ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં હીરાલાલની તબિયત લથડતી ચાલી. તેમની કાર્યક્ષમતા ઓછી થતી ગઈ. જોતજોતામાં તેમને કેન્સરના વ્યાધિએ ભરડો લીધો.

અપરિણીત રહેલા હીરાલાલ તેમના નાના ભાઈ મોતીલાલ અને અન્ય પરિચિતો સાથે સંબંધ ન ટકાવી શક્યા. અમરેંદ્રનાથ દત્ત સાથે તેમના સંબંધ વણસી ગયા. નાના ભાઈ મોતીલાલ સાથે ખટરાગ થયો. હીરાલાલ અને તેમનો વ્યવસાય તૂટતાં ચાલ્યાં. જે એફ મદનની એલ્ફિન્સ્ટન બાયોસ્કોપ સધ્ધર થતી ગઈ. રોયલ બાયોસ્કોપનાં વળતાં પાણી થયાં. હદ તો ત્યારે થઈ, અનામિકા, કે હીરાલાલને પોતાના કેમેરા વેચવા મજબૂર થવું પડ્યું! 1913 માં હીરાલાલ સેનની છેલ્લી ફિલ્મ બની. તે પછી રોયલ બાયોસ્કોપ કંપની મૃતપ્રાય થઈ. હતાશ હીરાલાલ પોતાના જ ભૂતપૂર્વ કર્મચારીએ સ્થાપેલી એક નાની કંપનીમાં કામ કરવા લાગ્યા.

ધૂમકેતુની હ્રદયસ્પર્શી વાર્તા વિનિપાતમાં વાક્ય છે: પડે છે ત્યારે સઘળું પડે છે.

1917ના ઑક્ટોબરની 24 મી તારીખે ઉત્તર કલકત્તામાં આવેલા રોયલ બાયોસ્કોપ કંપનીના વેર હાઉસ (ગોડાઉન) માં આગ ભડકી ઊઠી. આ ગોડાઉનમાં હીરાલાલ સેનની જિંદગીની અમૂલ્ય અને ઐતિહાસિક ફિલ્મો હતી. રોયલ બાયોસ્કોપ કંપનીની તમામ ફિલ્મો રાખ બની ગઈ.

આગની લપકોમાં હીરાલાલની બધી જ કાર્યસિદ્ધિઓ ભસ્મીભૂત થઈ ગઈ. હિંદુસ્તાનનો ફિલ્મ ઉદ્યોગ તેનો અણમોલ વારસો ખોઈ બેઠો. બધું જ હારી ચૂકેલા, સર્વસ્વ ગુમાવી બેઠેલા હીરાલાલ સેન માટે આ મરણતોલ ફટકો હતો.

બે જ દિવસ પછી, 26 ઓક્ટોબર 1917 ના રોજ હીરાલાલ સેન આ ફાની દુનિયા છોડી ગયા!

ન પ્રસિદ્ધિ, ન માન-અકરામ, ન ચાંદ-ખિતાબ, ન સ્મારક.

અનામિકા! આ લખું છું ત્યારે મારી આંખો ભીની છે. આ મહાન, પાયોનિયર ફિલ્મ મેકરની એક પણ કૃતિ, એક નાનો અંશ સુદ્ધાં નથી બચ્યો તે કેવી કરુણતા! અને પુરાવા વિના હીરાલાલની સિદ્ધિઓના દાવા પણ કોણ સ્વીકારે?

ધરતી ધબકતી રહે છે આવા મુઠીભર માનવીઓથી.

માનવજાત ડગલાં ભરે છે આવા મુઠીભર વિરલાઓથી.

આવા વિરલા જાત ઘસી નાખીને અજાણી ભોમ પર નવી કેડી કંડારે છે; ધૂળમાં ગુમનામ ધરબાઈ જાય છે, પણ પથિકો માટે નવો રસ્તો છોડી જાય છે. પછી એ જ કેડી પર આવનારી પેઢી હરણફાળ ભરતી રહે છે.

જીવનચક્ર આમ જ ચાલે છે.

સસ્નેહ આશીર્વાદ

*** * ** ** ** ** ** ** ** * ** * ** ** ** * ** **

અનામિકાને પત્ર: 1808: પૂરક માહિતી

ભારતના ફિલ્મ ઉદ્યોગના અગ્રીમ ફિલ્મ-મેકર કલકત્તાના હીરાલાલ સેન

 • હીરાલાલ સેન: Hiralal Sen (1866 – 1917)
 • બોકજુરી, માનિકગંજ, બંગલાદેશ: Bokjuri/ Bakjuri/ Bagjuri/ Bogjuri/ Bogjudi, Manikganj, Bangladesh
 • રોયલ બાયોસ્કોપ કંપની, કલકત્તા: Royal Bioscope Company, Calcutta (Kolkata)
 • રોયલ બાયોસ્કોપ કંપની, કલકત્તા: Royal Bioscope Company, Calcutta (Kolkata)
 • જમશેદજી ફ્રામજી માદન (મદન) / જે એફ મદન માદન:  Jamshedji Framji Madan /J F Madan (1856 – 1923)
 • એલ્ફિન્સ્ટન બાયોસ્કોપ કંપની: Elphinstone Bioscope Company
 • માર્બલ હાઉસ, મુક્તરામ બસુ સ્ટ્રીટ,  જોરાસાંકો, કોલકતા: Marble House, Muktaram Basu Street, Jorasanko, Kolkata
 • રાજા રાજેંદ્ર મલ્લિક: Raja Rajendra Mullick
 • ધ ફ્લાવર ઓફ પર્શિયા: The Flower of Persia
 • અલીબાબા એંડ ધ ફોર્ટી થિવ્ઝ: Alibaba and the Forty Thieves
 • જબાકુસુમ હેર ઓઇલ, સી કે સેન એંડ કંપની, કોલકતા: Jabakusum Hair Oil, C K Sen & Company, Kolkata, West Bengal, India
 • લુમિયેર/ લ્યુમિયેર બ્રધર્સ, ફ્રાંસ: Lumiere Brothers, France
 • વોરવિક ટ્રેડિંગ કંપની, લંડન, યુકે: Warwick Trading Company, London, UK
 • અર્બન બાયોસ્કોપ: Urban Bioscope

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો  ©હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

13 thoughts on “અનામિકાને પત્ર: 1808

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s