.
પ્રિય અનામિકા,
જે રાષ્ટ્ર પોતાની રાષ્ટ્રીય વિરાસતની મહત્તા કે ગરિમાને સમજી શકતો નથી, તે રાષ્ટ્ર કાળની થપેડોને ઝીલી શકતો નથી. જે જાતિ પોતાના વારસાનું સંવર્ધન કરી શકે છે, તે વિશ્વમાં પોતાની અસ્મિતા ઉજાગર કરે છે.
અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસમાં વર્ષ 1906 નું આગવું મહત્ત્વ છે. 1906માં અમેરિકાના 26મા પ્રમુખ થિયોડોર રુઝવેલ્ટના હસ્તાક્ષર થતાં ‘એન્ટિક્વિટિઝ એક્ટ’ પસાર થયો; પરિણામે ઐતિહાસિક અને પ્રાગ-ઐતિહાસિક સ્થાનો તેમજ ઐતિહાસિક સ્મારકોને નેશનલ મોન્યુમેન્ટ્સ ઘોષિત કરવાનો માર્ગ ખુલ્લો થયો. પ્રેસિડેન્ટ થિયોડોર રુઝવેલ્ટ (ટેડી રૂઝવેલ્ટ) દ્વારા 24 સપ્ટેમ્બર, 1906ના દિને વાયોમિંગ રાજ્યના ડેવિલ્સ ટાવરને અમેરિકાનો સૌ પ્રથમ નેશનલ મોન્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યો. તાજેતરમાં પ્રેસિડેંટ બરાક ઓબામાના શાસનકાળમાં 34 સ્થળ નેશનલ મોન્યુમેંટ જાહેર થયા અથવા તેમને યથાયોગ્ય વિકસાવવામાં આવ્યા.
આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં 125 થી વધુ સ્થાનો નેશનલ મોન્યુમેન્ટ ગણાય છે. તેમાં વાયોમિંગ સ્ટેટમાં સ્થિત ડેવિલ્સ ટાવર ઉપરાંત કેલિફોર્નિયા સ્ટેટના ડેવિલ્સ પોસ્ટપાઇલ સમાવિષ્ટ છે. એરિઝોના સ્ટેટ સૌથી વધુ રાષ્ટ્રીય સ્મારકો ધરાવતું અમેરિકન રાજ્ય છે. પ્રશ્ન થાય, અનામિકા, કે અમેરિકાના સૌથી વધારે મુલાકાતીઓ ધરાવતા લોકપ્રિય નેશનલ મોન્યુમેન્ટ કયા? અમેરિકામાં મોસ્ટ વિઝિટર્સ ધરાવતા પોપ્યુલર નેશનલ મોન્યુમેંટ્સમાં ન્યૂ યૉર્ક શહેરના હાર્બરમાં લિબર્ટી આઇલેન્ડ પર સ્ટેચ્યુ ઑફ લિબર્ટી તથા વોશિંગ્ટન ડીસીના લિંકન મેમોરિયલ અને વોશિંગ્ટન મોન્યુમેંટનો સમાવેશ થાય છે.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]
વાયોમિંગ રાજ્યના ઉત્તરપૂર્વમાં બેલે ફોર્શ નદીને કિનારે ડેવિલ્સ ટાવર અમેરિકાનો સૌ પ્રથમ નેશનલ મોન્યુમેન્ટ છે. ડેવિલ્સ ટાવર એક સળંગ ખડક છે, એક ઇગ્નિયસ રૉક છે. તે પાંચ કરોડ વર્ષથી પણ વધારે જૂનો ખડક હોવાથી અમેરિકાના સૌથી પ્રાચીન ખડકોમાંથી એક હોવાની માન્યતા છે. અમેરિકાના જાણીતા પ્રેઇરીના મેદાનમાં વહેતી બેલે ફોર્શ નદીની ખીણમાંથી ભૂખરા લીલાશ કે લાલાશ પડતા રંગની આ અખંડ પાષાણ-શિલા ઉપર ઊઠે છે. નદીના નીચા પટથી ગ્રેનાઇટના આ ઇગ્નિયસ ખડકની ઊંચાઈ 1267 ફૂટ છે, પરંતુ ગ્રાઉંડ લેવલથી તેની ઊંચાઈ 867 ફૂટ છે.
ડેવિલ્સ ટાવર પ્રેઇરીના પ્લેઇન્સમાં રહેતા નેટિવ અમેરિકન્સ (અમેરિકન ઇન્ડિયન) આદિ પ્રજાઓ માટે પવિત્ર ધાર્મિક સ્થાન છે. પૃથ્વી પર માનવ જીવનનો વિકાસ થયો તે પહેલાંના સમયથી તે અસ્તિત્વમાં છે. તેથી ભારે શ્રદ્ધા સાથે મૂળ અમેરિકન ઇન્ડિયન જાતિઓ આ પ્રાચીનતમ ખડક ડેવિલ્સ ટાવરની આરાધના કરે છે. લાકોટા, ક્રો, કિયોવા, આરિકારા, નાકોટા, શોશોન જેવી નેટિવ અમેરિકન જાતિઓ તેને અતિ પવિત્ર પર્વત ગણે છે. અનામિકા! ઘણા નેટિવ અમેરિકન્સ માને છે કે ડેવિલ્સ ટાવરમાં દિવ્ય આત્માઓનો નિવાસ છે, તેથી તેઓ તેને દૈવી પહાડ ગણી તેની પૂજા કરે છે. ઘણા ત્યાં પરંપરાગત ધાર્મિક અને સામાજીક વિધિઓ પણ કરે છે. આ નેટીવ અમેરિકન પ્રજાઓ પ્રતિ વર્ષ જૂન મહિનામાં તેની ધાર્મિક વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી ઉત્સવ ઉજવે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો ©હરીશ દવે **
નેટિવ અમેરિકન પ્રજાઓનો આરાધ્યદેવ ડેવિલ્સ ટાવર તેમની અનેક દંતકથાઓમાં વણાયેલો છે. પ્રાચીન કાળથી વાયોમિંગની મૂળ વતની પ્રજાઓના ઇતિહાસમાં વિવિધ નામોથી તેનો ઉલ્લેખ છે. તળપદી કથાઓમાં ડેવિલ્સ ટાવરને મેટીઓ ટિપિલા, ગ્રિઝલી બેર લોજ, બેર લૉજ, બેર્સ ટીપી, ટ્રી રોક, હોમ ઓફ ધ બેર આદિ નામોથી પણ ઓળખવામાં આવ્યો છે.
ડેવિલ્સ ટાવરના ઉદભવ વિશે ચર્ચા ચાલુ રહે છે. જીયોલોજીના એક મત અનુસાર તેને જ્વાળામુખીમાંથી સર્જાયેલ વોલ્કેનિક રોક માનવામાં આવતો હતો. ભૂસ્તરવિદ્યામાં નવા સંશોધનો થતાં હવે જિયોલોજીસ્ટ માને છે કે તે જ્વાળામુખી નથી. તે પૃથ્વીના બાહ્યસ્તર ક્રસ્ટની નીચે સપડાયેલા મેગ્માથી બનેલો અગ્નિકૃત ખડક – ઇગ્નિયસ રૉક છે. તે સ્તંભોનો બન્યો હોવાથી કોલમર જોઇન્ટિંગ ખડક છે. એવું મનાય છે, અનામિકા, કે પાંચ-સાડા પાંચ કરોડ વર્ષ અગાઉ ક્યારેક પૃથ્વીના પેટાળમાંથી બહાર આવતો મેગ્મા સપાટી પર ન પહોંચી શકતાં સેડીમેન્ટરી રૉક્સ વચ્ચે રોકાઈ ગયો હશે. સેડીમેન્ટરી ખડકોની વચ્ચેથી માર્ગ શોધી અતિ ગરમ મેગ્મા ત્યાં ધીરે ધીરે ઠરતો ગયો હશે. તેથી બહુકોણીય સ્તંભો – કોલમ – વાળો ઇગ્નિયસ ખડક બન્યો હશે. બહુધા ષટકોણીય કે અષ્ટકોણીય સ્તંભો ધરાવતો આ કોલમર જોઇન્ટિંગ રૉક દબાયેલો રહ્યો હશે. લાખો વર્ષો વીતતાં પ્રાકૃતિક પરિબળોની અસરથી આસપાસનાં સેડીમેન્ટરી ખડકો ધોવાઈ-ખવાઈ જતાં તેમની વચ્ચે રહેલો ઇગ્નિયસ ખડક બહાર આવ્યો હશે, જે આજે ડેવિલ્સ ટાવર તરીકે આપણી સમક્ષ ખડો છે.
1893ના વર્ષમાં ડેવિલ્સ ટાવર પર પ્રથમ વાર આરોહણ કરવામાં આવ્યું. જૂન 1893 માં બિલ રોજર્સ અને વિલાર્ડ રિપ્લી નામક બે આરોહકોએ પ્રથમ વખત ડેવિલ્સ ટાવર પર ચઢાણ કર્યાનું નોંધાયું છે. તે પછી આજ સુધી હજારો રોક-ક્લાઇમ્બર તેના પર ચઢી ચૂક્યા છે. અનામિકા! પર્વતારોહણને લીધે ડેવિલ્સ ટાવરને તો ભારે નુકસાન પહોંચ્યું જ છે, પણ તેનાથી યે વિશેષ તેની આરાધના કરતા નેટિવ અમેરિકન ઇંડિયન જાતિઓની ભાવના જખમી થઈ છે. પોતાના દેવતા સમાન આરાધ્ય ડેવિલ્સ ટાવર ખીલા ઠોકાય અને તેને ક્ષતિ પહોંચે તે શ્રદ્ધાળુ પ્રજા શી રીતે ખમી શકે? અમેરિકાની મૂળ પ્રજાઓના વિરોધ પછી ડેવિલ્સ ટાવર પર આરોહણ અંગે સમજૂતિપૂર્ણ નિયમો બનાવાયા છે, પરંતુ તેનું યોગ્ય પાલન થતું નથી. અહીં પર્યાવરણને, પ્રકૃતિની એક મહાન કૃતિને તો હાનિ થાય છે, સાથે સમાજના એક વર્ગની સંસ્કૃતિ પર પણ કુઠારાઘાત થાય છે. આ વિશે વિચારવું રહ્યું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો ©હરીશ દવે **
ડેવિલ્સ ટાવર જેવો અન્ય એક પ્રાચીન ખડક કેલિફોર્નિયા રાજ્યમાં ડેવિલ્સ પોસ્ટપાઇલ છે. તેને 1911માં અમેરિકાના નેશનલ મોન્યુમેંટનો દરજ્જો મળ્યો. ડેવિલ્સ પોસ્ટપાઇલ બાસાલ્ટનો કોલમર જોઇંટિંગ રોક છે, જેના સ્તંભો (કોલમ) એક અદભુત દ્રશ્ય ઊભું કરે છે.
અનામિકા! તને આશ્ચર્ય થશે કે આ પ્રકારનો પ્રી-હિસ્ટોરિક કાળનો એક બાસાલ્ટિક કોલમર જોઇંટિંગ રૉક ભારતના મુંબઈ શહેરમાં છે. નવાઈ લાગી ને? પશ્ચિમ અંધેરી, મુંબઈમાં ગિલ્બર્ટ હિલ બાસાલ્ટનો અતિ પ્રાચીન ખડક છે. ગિલ્બર્ટ હિલની રચના આશરે છ કે સાડા છ કરોડ વર્ષ પહેલાં થઈ હતી. તે એક બસો ફૂટ ઊંચો ખડક છે. વિશ્વના સૌથી પ્રાચીન કોલમર જોઇંટિંગ ખડકોમાંથી એક હોવા છતાં આપણે ત્યાં અહીં તે ભારે ઉપેક્ષિત રહ્યો છે તે કેવી કરુણતા! ભારત સરકારે 1952માં ગિલ્બર્ટ હિલને નેશનલ પાર્કનો દરજ્જો આપ્યો હોવા છતાં ભારતમાં કુદરતની આ સૌથી પુરાણી રચનાને બાંધકામોની વચ્ચે દબાવી દેવાની માનવચેષ્ટા રોકાતી નથી! ધરતીમાતાની એક અણમોલ વિરાસતને આપણે સાચવી ન શકીએ તો તે આ દેશનું મોટું દુર્ભાગ્ય!
અરે! એક વાત કહેવાની રહી ગઈ, તે અહીં ઉમેરું? અનામિકા! સ્ટીવન સ્પિલબર્ગની ફિલ્મ ‘ક્લોઝ એનકાઉન્ટર્સ ઓફ ધ થર્ડ કાઇન્ડ’ માં ડેવિલ્સ ટાવરની એક ઝલક છે, તે હવે ધ્યાનથી જોજો.
પ્રી-હિસ્ટોરિક સમયના વિશ્વના આ પ્રાચીનતમ ખડકોની વાત દ્વારા પ્રકૃતિનું સંવર્ધન આપણી મોટી જવાબદારી છે તે સંદેશો તમારા મિત્રોને મળે તેમ કરશો. કેરોલિના તથા વર્જિનિયાને ધમરોળવા ફ્લોરેન્સ હરિકેન આવી રહ્યું છે ત્યારે પર્યાવરણનો આ મુદ્દો ચર્ચવો યોગ્ય જ લેખાશે.
સસ્નેહ આશીર્વાદ
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો ©હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** **
અનામિકા લેખ: અમેરિકાનો ડેવિલ્સ ટાવર અને મુંબઈની ગિલ્બર્ટ હિલ: વિશ્વના પ્રાચીનતમ ખડક: પૂરક માહિતી
- ડેવિલ્સ ટાવર નેશનલ મોન્યુમેન્ટ, વાયોમિંગ, યુએસએ: Devils Tower National Monument, Wyoming, USA
- ગિલ્બર્ટ હિલ, અંધેરી (વેસ્ટ), મુંબઈ: Gilbert Hill, Andheri (west), Mumbai, India
- ડેવિલ્સ પોસ્ટપાઇલ નેશનલ મોન્યુમેન્ટ, કેલિફોર્નિયા, યુએસએ: Devils Postpile National Monument, California, USA
- કોલમર જોઇન્ટિંગ રૉક: Columnar Jointing Rock
- VIDEO on Gilbert Hill by Bambaiya Gumakkad: Credit goes to Bambaiya Ghumakkad and YouTube With thanks
*** * * ** * *** ** ** *** *** **
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો ©હરીશ દવે **
*** * * ** * **** * * ** *** * ** ** *** *** * * *** * * ** * *
Nice
LikeLike