ભારતમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ક્રિકેટની રમત ખીલવા લાગી, ત્યારે બોમ્બે (મુંબઈ) તેના કેંદ્રસ્થાને હતું. 1880 પછી તો બોમ્બેની પારસી ક્રિકેટ ક્લબની ટીમે ઇંગ્લેન્ડના પ્રવાસો પણ કર્યા.
અંગ્રેજોએ હિંદુસ્તાનમાં ક્લબ કલ્ચરના પાયા નાખ્યા. સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ કરતી ક્લબો જિમખાના તરીકે ઓળખાતી. બૉમ્બે જીમખાના અને પારસી ક્રિકેટ ક્લબ પછી હિંદુ જીમખાનાના સભ્યો પણ ક્રિકેટ રમવા લાગ્યા. તે સૌ વચ્ચે મુંબઈમાં ત્રિપાંખિયા- ત્રિકોણીય સ્પર્ધાઓ રમાતી થઈ અને તે ફૂલીફાલીને ચતુરંગી અને પચરંગી ક્રિકેટ સ્પર્ધાઓમાં ફેરવાઈ. 1910-1950 વચ્ચેના દાયકાઓમાં તો મુંબઈની ટ્રાઇએંગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર તથા પેન્ટાન્ગ્યુલર ટુર્નામેન્ટો વિશ્વમાં ખ્યાતિ પામી. મુંબઈની આ ટુર્નામેન્ટોએ ભારતમાં પ્રથમ કક્ષાના ક્રિકેટમાં નવા રંગો પૂર્યા. ભારતીય ક્રિકેટના મહાન સિતારાઓ સી કે નાયડુ, વિજય હઝારે, વિજય મર્ચન્ટ આદિ બોમ્બેના ક્વૉડ્રેન્ગ્યુલર-પેન્ટેન્ગ્યુલર ક્રિકેટમાં ચમક્યા હતા.
આવો, ‘અનામિકા’ના આજના લેખમાં મુંબઈની ટ્રાઇએન્ગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર તથા પેન્ટાન્ગ્યુલર ટુર્નામેન્ટ્સ પર ઊડતી નજર નાખીએ તેમજ ભારતીય ક્રિકેટના વિસરાતા જતા અતીતને તાજો કરીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
1721માં ભારતમાં પ્રથમ વખત ક્રિકેટની રમત રમાઈ.
બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નાવિકો ગુજરાતના દરિયાકાંઠે ખંભાત ખાતે સૌ પ્રથમ ક્રિકેટ રમ્યા. અંગ્રેજ કંપનીના ખલાસીઓ ક્રિકેટ રમ્યા હતા, તે બનાવ ગલ્ફ ઑફ કેમ્બે પર આવેલ ખંભાતના પોર્ટ-ટાઉન ખાતે બન્યો હોવાનું મનાય છે, પરંતુ કેટલાકના મતે તે સ્થળ ગુજરાતના દરિયાકિનારે કચ્છ પ્રદેશ પણ હોઈ શકે. જે હોય તે, હકીકત એ કે હિંદુસ્તાનની ભૂમિ પર સૌ પહેલી વખત ક્રિકેટની રમત અઢારમી સદીના આરંભે ગુજરાતમાં રમાઈ.
ગુજરાતમાં ગુજરાતીઓ દ્વારા ક્રિકેટની રમત પહેલી વખત ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સુરતમાં ખેલાઈ હોવાનું મનાય છે.
ભારતીય ક્રિકેટના ઇતિહાસની કહાણી આપે અમારા અન્ય બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી છે.
મુંબઈમાં પારસી ક્રિકેટ ક્લબ થકી જાણીતી થઈ ક્રિકેટની રમત
અંગ્રેજોએ હિંદુસ્તાનમાં ક્લબોની સ્થાપના કરીને ઓગણસીમી સદીમાં ક્લબ કલ્ચર પ્રચલિત કર્યું. ભારતની પ્રારંભની ‘યુરોપિયન ઓન્લી’ મુખ્ય ક્લબોમાં બેંગાલ ક્લબ (કલકત્તા / કોલકતા), મદ્રાસ ક્લબ (મદ્રાસ/ ચેન્નાઇ) તથા ભાયખલા ક્લબ (બૉમ્બે/ મુંબઈ) ને ગણી શકાય. આ બધી ક્લબમાં માત્ર અંગ્રેજોને કે યુરોપિયનોને જ પ્રવેશ મળતો હતો. બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ઓફિસરો દ્વારા બેંગાલ ક્લબ 1827માં કલકત્તામાં ચૌરંઘી વિસ્તારમાં સ્થપાઈ. ચેન્નાઈની મદ્રાસ ક્લબ 1832માં અને ભાયખલા ક્લબ (ભાયખલા, મુંબઈ) 1833માં સ્થાપવામાં આવી.
પારસી સમાજ અંગ્રેજ ઢબછબને અપનાવવામાં અવ્વલ નંબરે રહ્યો. 1830ના દાયકામાં મુંબઈના મેદાનો પર પારસી બાળકોએ ‘કપડાના બોલ’ અને ‘છત્રીના બેટ’ વડે ક્રિકેટ રમવાની શરૂઆત કરી! ક્રિકેટને પ્રોત્સાહન આપવા પારસીઓએ હિંદુસ્તાનની પ્રથમ ક્રિકેટ ક્લબ ‘ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ’ 1848માં સ્થાપી. યંગ ઝોરોએસ્ટ્રિયન ક્રિકેટ ક્લબ કે પારસી ક્રિકેટ ક્લબ તરીકે જાણીતી થનાર ક્લબનાં મૂળ ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબમાં હતાં. આમ, ભારતમાં ક્રિકેટ શરૂ કરવાનો શ્રેય પારસી કોમ્યુનિટીને જાય છે.
પારસી ક્રિકેટ ક્લબની ટીમે કેમ્બ્રિજમાં ભણેલ ડૉક્ટર ડી એચ પટેલના સુકાનીપદ નીચે 1886માં ઇંગ્લેન્ડનો પ્રથમ ક્રિકેટ પ્રવાસ કર્યો. તે પછી 1888માં પેસ્તનજી કાંગાની આગેવાનીમાં પારસી ક્રિકેટ ક્લબ ટીમે ઇંગ્લેન્ડનો બીજો પ્રવાસ કર્યો. આ બીજી ટૂરમાં પારસી ટીમના મેહેલ્લાશા એદલજી પાવરી નામના એકવીસ વર્ષના યુવાને પ્રવાસની 31 મેચોમાં અંગ્રેજોની 170 વિકેટો ઝડપીને સનસનાટી મચાવી દીધી હતી!
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
બોમ્બે જિમખાનાની સ્થાપના અને પ્રેસિડેન્સી મેચ
દેશમાં જે ક્લબો રમતગમતની પ્રવૃત્તિઓ માટે શરૂ થઈ તે ‘જીમખાના’ તરીકે ઓળખાવા લાગી. જીમખાના એટલે સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપતી ક્લબ.
1875માં અંગ્રેજ અધિકારીઓએ અન્ય યુરોપિયન સજ્જનોના સહકારથી સાઉથ મુંબઈમાં ફોર્ટ વિસ્તારમાં ‘બૉમ્બે જિમખાના’ની સ્થાપના કરી. બ્રિટીશ અને યુરોપિયન સભ્યો બોમ્બે જીમખાનાના મેદાન પર ક્રિકેટ તેમજ અન્ય પાશ્ચાત્ય રમતો રમવા લાગ્યા. 1877થી બોમ્બે જીમખાનાની યુરોપિયન ટીમ અને પારસી ક્લબની ટીમ વચ્ચે ક્રિકેટ મેચો રમાવા લાગી.
1889-90માં ઇંગ્લેન્ડની એક અનધિકૃત ટીમ હિંદુસ્તાનના પ્રવાસે આવી. ઇંગ્લિશ ટીમ (કોઈ પણ વિદેશી ટીમ) નો ભારતનો આ પ્રથમ (અનઓફિશિયલ) પ્રવાસ હતો. મુંબઈમાં બોમ્બે જીમખાના ગ્રાઉન્ડ પર પારસી ક્રિકેટ ક્લબની ટીમે મહેમાન ઇંગ્લિશ ટીમને હરાવીને ઇતિહાસ સર્જ્યો!
ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો આરંભ
ઇંગ્લિશ ટીમના ભારત-પ્રવાસ પછી બોમ્બે જીમખાનાના યુરોપિયનોની ટીમ અને પારસી ટીમ વચ્ચે ક્રિકેટ મેચો ઑર રોમાંચક બની. મુંબઈમાં બોમ્બે જીમખાના-પારસીઓ વચ્ચેની મેચને બોમ્બે પ્રેસિડેન્સી મેચ નામ અપાયું. યુરોપિયનો-પારસીઓ વચ્ચેની પ્રેસિડેન્સી મેચો સ્પર્ધાત્મક ધોરણે રમાવા લાગી અને વર્ષાંતે વિજેતા ટીમ ‘બોમ્બે પ્રેસિડેન્સી વિનર’ ટીમ ઓળખાવા લાગી. દસ-બાર વર્ષ સુધી પારસીઓએ યુરોપિયન્સને ભારે ટક્કર આપી; પ્રેસિડેન્સી વિનર્સ તરીકે ક્યારેક પારસીઓ તો ક્યારેક યુરોપિયનો સફળ થયા.
1892ના ઑગસ્ટના છેલ્લા અઠવાડિયામાં બૉમ્બે જીમખાના ગ્રાઉન્ડ પર રમાયેલ યુરોપિયન-પારસી પ્રેસિડેન્સી મેચને પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચનો દરજ્જો મળ્યો. ભારતીય ક્રિકેટને અધિકૃત ફર્સ્ટ ક્લાસ સ્ટેટસ મળતાં ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો આરંભ થયો.
અહીં એક વાત નોંધવી રહી કે ભારતમાં પ્રથમ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ વિશે વિવાદ છે. વીસમી સદી પહેલાં ઇંટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- આઇસીસી- એ ફર્સ્ટ ક્લાસ મેચ કોને ગણવી તે માટેનાં ધોરણો સ્પષ્ટ કર્યાં ન હતાં. તેથી કેટલાક રેકોર્ડ્ઝમાં ભારતની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ 1864માં મદ્રાસ અને કલકત્તા વચ્ચે ખેલાઈ હતી તેવા ઉલ્લેખ પણ છે.
1911ના ઇંગ્લેન્ડ પ્રવાસ વેળા ભારતની અનઓફિશિયલ ક્રિકેટ ટીમ વિદેશની ધરતી પર પ્રથમ વખત ફર્સ્ટ ક્લાસ મેચો રમી. આ પ્રવાસમાં ભારતના પાલવનકર બાલુ નામના ચમાર વર્ગના યુવાને સૌને ચોંકાવી દીધા. લેફ્ટ-આર્મ સ્પિનર પલવનકર બાલુએ સમગ્ર પ્રવાસ દરમ્યાન 114 વિકેટો લઈને પોતાની જ્વલંત કારકિર્દીના શ્રીગણેશ કર્યા. તે પૈકીની 75 વિકેટો તો બાલુએ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ઝડપી હતી!
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
મુંબઈમાં જાતિ-વર્ણ-ધર્મના આધારે જિમખાના
અંગ્રેજો મુંબઈમાં સમાજના વર્ગોને પોતપોતાના જીમખાના વિકસાવવા જગ્યા આપતા ગયા. એક વાતની નોંધ લેશો કે હિંદુસ્તાનીઓની નબળાઈઓનો અંગ્રેજોએ પૂરો લાભ લીધો હતો. બ્રિટીશ રાજમાં રમતગમત ક્ષેત્રે પણ ધર્મ કે કોમના આધારે ભાગલા પડ્યા હતા. જાતિ-વર્ણ-કોમ-ધર્મના ધોરણે જિમખાનાઓ ઊભા કરાવવા બ્રિટીશ હકૂમતે મદદ કરી.
મુંબઈમાં ફોર્ટ વિસ્તાર, મરીન લાઇન્સ અને ચર્ની રૉડ-કેનેડી સી ફેસ વિસ્તારમાં તે સમયે વિશાળ જગ્યાઓ ધરાવતાં મેદાનો હતાં; મરીન ડ્રાઇવ કે ક્વિન્સ નેકલેસનું અસ્તિત્વ હજી ન હતું. ફોર્ટના આઝાદ મેદાન વિસ્તારમાં યુરોપિયનો માટે બોમ્બે જીમખાના હતું; ત્યાંથી પશ્ચિમ-ઉત્તરમાં બે-પાંચ કિલોમીટરના વિસ્તારમાં બધા જિમખાનાઓને અંગ્રેજ શાસન દ્વારા જમીન આપવામાં આવી.
ચર્ચગેટ સ્ટેશન પાસે વાનખેડે સ્ટેડિયમથી ઉત્તરે બે-ત્રણ કિલોમીટર વિસ્તારમાં પારસી જિમખાના, ઇસ્લામ (મોહમેડન) જિમખાના અને પી જે હિંદુ જિમખાના આવી જાય.
હિંદુ જીમખાનાની સ્થાપના
હિંદુ સમાજમાં ક્રિકેટના પ્રસારનો શ્રેય પરમાનંદદાસ જીવણદાસ હિંદુ જીમખાના – પી.જે. હિન્દુ જીમખાના – ને જાય છે.
1870 ના દાયકામાં મુંબઈના સીએસટી-ફોર્ટ વિસ્તારના મેટ્રો આઇનોક્સ થિયેટર પાસે આવેલ એલ્ફિન્સ્ટન હાઇ સ્કૂલના હિંદુ વિદ્યાર્થીઓએ ક્રિકેટ રમવાની શરૂઆત કરી. 1877-78માં એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલના કેટલાક મરાઠી-હિંદુ યુવાનોએ હિંદુ ક્રિકેટ ક્લબની સ્થાપના કરી. હિંદુઓની આ ક્લબ ક્રિકેટ ક્ષેત્રે હિંદુ કોમ્યુનિટીને આગળ લઈ જવા ઉત્સુક હતી.
1894માં મુંબઈના એક અગ્રણી ગુજરાતી ભાટિયા શેઠ ગોરધનદાસ પરમાનંદદાસે તેમના પિતા પરમાનંદદાસ જીવણદાસની સ્મૃતિમાં હિંદુ ક્રિકેટ ક્લબના કાર્યકર્તાઓને મોટું દાન આપ્યું; તેમાં અન્ય દાતાઓ ભળ્યા અને પરમાનંદદાસ જીવણદાસ હિંદુ જિમખાના (પી.જે. હિન્દુ જિમખાના) નો આરંભ થયો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
હિંદુ જીમખાના અને બૉમ્બે ટ્રાઇએન્ગ્યુલર ટુર્નામેન્ટ
બોમ્બે જિમખાના અને પારસી ક્રિકેટ ક્લબ તો વર્ષોથી ક્રિકેટ રમતા જ હતા. તેમની મેચ પ્રેસિડેન્સી મેચ કહેવાતી. હિંદુ જિમખાના સ્થપાતાં હિંદુઓએ પહેલાં તો પારસી ટીમ સાથે અને પછી બૉમ્બે જિમખાના સાથે ક્રિકેટ મેચ શરૂ કરી.
વર્ષ 1906થી બોમ્બે જિમખાના, પારસી જિમખાના અને હિંદુ જિમખાના વચ્ચે ત્રિકોણીય મુકાબલો શરૂ કરવાના પ્રયત્નો થયા. પરંતુ તે વર્ષે પારસીઓ ન રમ્યા; હિંદુ-યુરોપિયનો વચ્ચેની મેચમાં હિંદુઓ જીત્યા. 1907-11 વચ્ચે મુંબઈમાં યુરોપિયનો, પારસીઓ અને હિંદુઓ વચ્ચેની આવી ત્રિકોણીય ક્રિકેટ સ્પર્ધાઓ ‘બોમ્બે ટ્રાઇએન્ગ્યુલર ટુર્નામેન્ટ’ તરીકે જાણીતી થઈ.
ઇસ્લામ જિમખાના અને બૉમ્બે ક્વૉડ્રેન્ગ્યુલર ટુર્નામેન્ટ
વર્ષ 1912 માં બૉમ્બે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇસ્લામ જિમખાના (મોહમેડન જિમખાના) નો પ્રવેશ થયો. બોમ્બે જિમખાના, પારસી જિમખાના. હિંદુ જિમખાના અને ઇસ્લામ જિમખાના – આમ મુંબઈની ચાર ટીમો વચ્ચે ચતુરંગી ક્રિકેટ સ્પર્ધા શરૂ થઈ. હવે તેને બૉમ્બે ક્વોડ્રેન્ગ્યુલર ટુર્નામેન્ટ નામ મળ્યું.
ઇંગ્લેન્ડના રાજા પાંચમા જ્યોર્જ (પંચમ જ્યોર્જ/ ફિફ્થ જ્યોર્જ) ના પાટવી કુંવર (રાજકુમાર) પ્રિન્સ ઑફ વેલ્સ એડવર્ડ (ભવિષ્યના રાજા આઠમા એડવર્ડ) વર્ષ 1921-22માં હિંદુસ્તાનની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે મુંબઈની ક્વૉડ્રેન્ગ્યુલર ટુર્નામેન્ટની એક મેચ નિહાળી હતી. ગાંધીજીની દાંડી કૂચ વેળાના મીઠા (નમક) ના સત્યાગ્રહ (સોલ્ટ મુવમેન્ટ – દાંડી માર્ચ) પછી ચારેક વર્ષ ક્વોડ્રેન્ગ્યુલર ટુર્નમેન્ટ રમાઈ ન હતી.
યુરોપિયનો, પારસીઓ, હિંદુઓ તથા મુસ્લિમો વચ્ચેની ક્વૉડ્રાન્ગ્યુલર ક્રિકેટ ટુર્નામેન્ટથી દેશમાં તે રમત પ્રત્યે ઝોક વધ્યો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમ જોડાતાં સ્પર્ધા બની પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ
1937માં ચતુરંગી સ્પર્ધામાં પાંચમી ટીમ ‘રેસ્ટ ઓફ ઇન્ડિયા’ જોડાતાં તે પંચરંગી ક્રિકેટ ટુર્નામેન્ટ બની. રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમમાં ભારતમાં વસતા એંગ્લો-ઇન્ડિયન, ક્રિશ્ચિયન, જ્યુઝ-યહુદીઓ તથા બૌધ ધર્મીઓનો પણ સમાવેશ થતો હતો. મુંબઈના ચાર પ્રમુખ જિમખાનાઓ સાથે સ્પર્ધામાં પાંચમી રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમ ઉમેરાતાં તેને બૉમ્બે પેન્ટેન્ગ્યુલર ક્રિકેટ ટુર્નામેન્ટ નામ અપાયું.
તેની સાથે ટુર્નામેન્ટનું સ્થળ પણ બોમ્બે જીમખાના ગ્રાઉન્ડને સ્થાને નવા બ્રેબોર્ન સ્ટેડિયમ પર ખસેડાયું.
તે અરસામાં ચર્ચગેટ સ્ટેશન પાસે નવું ક્રિકેટ સ્ટેડિયમ ‘બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ’ બાંધવામાં આવ્યું હતું. 1937ની પ્રથમ પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ નવા બ્રેબોર્ન સ્ટેડિયમ પર રમાડવા નિર્ણય થયો. ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું અને હિંદુ જીમખાનાને કોઈ વાંધો પડતાં હિંદુ ટીમ સ્પર્ધામાંથી ખસી ગઈ!
1945-46માં છેલ્લી પેન્ટેન્ગ્યુલર સ્પર્ધા રમાઈ. 1947માં ભારત સ્વતંત્ર થયું અને દેશમાં જાતિ-વર્ણ-ધર્મ આધારિત પેન્ટેન્ગ્યુલર ક્રિકેટ ટુર્નામેન્ટ બંધ કરવામાં આવી.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ટ્રાઇએંગ્યુલર – ક્વોડ્રેન્ગ્યુલર – પેન્ટાન્ગ્યુલર ટુર્નામેન્ટના પ્રસિદ્ધ ક્રિકેટરો
ભારતમાં પ્રથમ કક્ષાના ક્રિકેટના આરંભે જ મહારથી ક્રિકેટરો મળ્યા. વીસમી સદીના પૂર્વાર્ધના બધા મહાન ક્રિકેટરો વિશે પુસ્તક પણ નાનું પડે; અહીં આપણે કેટલાક ક્રિકેટરો પર નજર નાખીશુ.
પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ (ડેબ્યુ મેચ) માં શતક (સદી/ સેન્ચુરી) લગાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર હતા મુકુંદરાવ દામોદર પાઈ. 1906-07ની પ્રેસિડેન્સી મેચમાં ચોવીસ વર્ષના એમ ડી પાઇએ પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમતાં 107 રન કર્યા. હિંદુ ટીમ તરફથી રમતાં મુકુંદરાવ પાઈએ આ સદી યુરોપિયન ટીમ સામે બોમ્બે જીમખાના મેદાન પર લગાવી ઇતિહાસ બનાવ્યો અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ડેબ્યુ મેચમાં સદી (સો રન/ સેન્ચુરી) કરનાર સર્વ પ્રથમ ભારતીય ક્રિકેટર તરીકે નામના મેળવી.
મહાન ભારતીય ક્રિકેટર અને ભારતની પ્રથમ ટેસ્ટ ટીમના કેપ્ટન સી કે નાયડુ 1916માં પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ બૉમ્બે ક્વોડ્રેન્ગ્યુલરમાં રમ્યા અને તેમણે પોતાના પ્રથમ સ્કૉરિંગ શોટ તરીકે સિક્સર મારીને ઇતિહાસ સર્જ્યો. નાયડુએ ઇંગ્લેન્ડની એક કાઉન્ટી મેચમાં 115 મીટરની સિક્સર મારીને લોંગેસ્ટ શોટનો રેકોર્ડ બનાવ્યો હતો. સી કે નાયડુએ 1926-27માં, હિંદૂ ટીમ તરફથી રમતાં એમસીસી (ઇંગ્લેન્ડ) ની વિઝિટિંગ ઇંગ્લિશ ટીમ સામે, બોમ્બે જિમખાનાના ગ્રાઉન્ડ પર 11 સિક્સર મારીને 153 રન કર્યા હતા!
1915-16ની એક ક્વોડ્રેન્ગ્યુલર મેચ યુરોપિયન ટીમ અને મુસ્લિમ ટીમ વચ્ચે પૂનામાં રમાઈ હતી! આ મેચમાં કુલ પંદર ખેલાડીઓ શૂન્ય રન (ડક) પર આઉટ થયા હતા, જે ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રેકોર્ડ છે.
વિજય મર્ચન્ટ અને વિજય હઝારેએ પચરંગી પેન્ટેન્ગ્યુલર ટુર્નમેન્ટમાં અજબના રંગો ભરી દીધા! વિજય ઠાકરશી ઉર્ફે વિજય મર્ચન્ટ મુંબઈના ગુજરાતી ક્રિકેટર હતા; સાથે ભારતના સફળ ઓપનિંગ બેટ્સમેન હતા. ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અગિયાર ડબલ-સેંચ્યુરીનો વિજય મર્ચન્ટનો વર્ષો જૂનો રેકોર્ડ 2017માં ગુજરાતના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ બારમી ડબલ સેંચ્યુરી (બેવડા શતક) કરીને તોડ્યો. વિજય હઝારે ભારત તરફથી રમતાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રથમ ટ્રિપલ સેન્ચ્યુરી કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર હતા. વળી ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં એક ટેસ્ટના બંને દાવમાં શતક (સદી) કરનાર વિજય હઝારે પ્રથમ ક્રિકેટર હતા.
પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટમાં વિજય મર્ચન્ટ હિંદુ ટીમ તરફથી રમતા, તો વિજય હઝારે રેસ્ટ ઓફ ઇન્ડિયા તરફથી રમતા. બંને ગજબના હરીફ હતા!
1941-42ની બૉમ્બે પેન્ટેન્ગ્યુલરમાં હિંદુ તરફથી વિજય મર્ચન્ટે 243 રન કર્યા, તો નવેમ્બર 1943માં રેસ્ટ ઑફ ઇંડિયા તરફથી મુસ્લિમ સામે રમતાં વિજય હઝારેએ 248 રન કરી તે રેકોર્ડ તોડ્યો.
બીજા જ મહિને ડિસેમ્બર 1943માં હિંદુ અને રેસ્ટ ઑફ ઇંડિયા વચ્ચે પેન્ટેન્ગ્યુલર ફાઇનલ હતી. તેમાં વિજય મર્ચન્ટે 250 રન કરી વિજય હઝારેનો રેકોર્ડ તોડ્યો, તો તે જ મેચમાં રેસ્ટની બીજી ઇનિંગ્સમાં હઝારેએ 309 રન કરી, મર્ચન્ટનો રેકોર્ડ તોડ્યો, એટલું જ નહીં, હઝારેએ પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટમાં પ્રથમ ટ્રિપલ સેન્ચ્યુરી કરી નવો રેકોર્ડ બનાવી દીધો!
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
મુંબઈની ટ્રાઇએંગ્યુલર, ક્વોડ્રેન્ગ્યુલર અને પેન્ટેન્ગ્યુલર ક્રિકેટ ટુર્નામેન્ટ્સનું મહત્ત્વ
આજે વર્લ્ડ ક્રિકેટમાં ભારતનો ડંકો વાગે છે, તેનાં મૂળ ઊંડે ઊંડે મુંબઈની પ્રેસિડેંસી, ટ્રાઇએંગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર અને પેન્ટાન્ગ્યુલર ટુર્નામેન્ટોમાં રહેલાં છે. મુંબઈની આ સ્પર્ધાઓએ દેશમાં ક્રિકેટના પ્રસારમાં મદદ કરી, તેને લોકભોગ્ય કર્યું અને શક્તિશાળી પ્રતિભાઓને ચમકાવવાની ગરજ સારી.
પારસી-યુરોપિયન પ્રેસિડેન્સી મેચોએ ભારતમાં ‘ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ’નો પાયો નાખ્યો. તેમાંથી બોમ્બે ટ્રાયેન્ગ્યુલર, ક્વોડ્રેન્ગ્યુલર, પેન્ટેન્ગ્યુલર અદિ ક્રિકેટ ટુર્નામેન્ટ્સને જન્મ મળ્યો. 1934-35માં રણજી ટ્રોફી શરૂ થવા છતાં બોમ્બે ટુર્નામેન્ટ્સનો આગવો રોમાંચ જળવાઈ રહ્યો. વિવિધ બોમ્બે ટુર્નામેન્ટ્સમાંથી સી. કે. નાયડુ, વિજય હઝારે, વિજય મર્ચન્ટ, મુસ્તાક અલી સમાન મહાન ભારતીય ક્રિકેટરો દુનિયાની નજરમાં આવ્યા. સી કે નાયડુ 1932માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્ઝ (ગ્રેટર લંડન) ખાતે રમાયેલ ભારતની સર્વ પ્રથમ ટેસ્ટ મેચના કેપ્ટન હતા..
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ 1933-34 દરમ્યાન ભારતના પ્રથમ પ્રવાસે આવી. મુંબઈમાં તે સમયે ન હતું બ્રેબોર્ન સ્ટેડિયમ, કે ન હતું વાનખેડે સ્ટેડિયમ. બધી મેચો બોમ્બે જીમખાના ગ્રાઉન્ડ પર રમાતી. ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ બોમ્બે (હવે મુંબઈ) ના જિમખાના ગ્રાઉન્ડ પર જ રમાઈ હતી. બીજી ટેસ્ટ ઇડન ગાર્ડન, કલકત્તા (હાલ કોલકતા) તથા ત્રીજી ટેસ્ટ ચેપૉક સ્ટેડિયમ, મદ્રાસ (હાલ ચેન્નાઈ) પર ખેલાઈ હતી. ભારતીય ટેસ્ટ ક્રિકેટ માટેના ક્રિકેટરો ઘણે ભાગે ક્વોડ્રેન્ગ્યુલર અને પેન્ટાગ્યુલર સ્પર્ધાઓમાંથી જ પસંદ થતા હતા!
ભારતના ક્રિકેટ ઇતિહાસમાં સોનેરી પ્રકરણો ઉમેરી બોમ્બેની ટ્રાઇએન્ગ્યુલર – ક્વોડ્રેન્ગ્યુલર – પેન્ટેગ્યુલર ટુર્નામેન્ટ્સ 1945-46માં અતીતમાં સમાઈ ગઈ.
તાજા કલમ: આ લેખનો છેલ્લો ભાગ લખાતો હતો ત્યારે ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલ આઇસીસી વર્લ્ડ કપ 2019 ની સેમી ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડ સામે ભારતની હારના નિરાશાજનક સમાચાર આવ્યા છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
** * *** * **** ** * ** * * ** *
અનામિકા-લેખ: ભારતીય ક્રિકેટનો ઇતિહાસ – ભારતમાં ક્રિકેટના આરંભની વાત:
- ભારતમાં સૌ પ્રથમ ક્રિકેટ ખેલાયું વર્ષ 1721માં બ્રિટીશરો દ્વારા ગુજરાતમાં
- મુંબઈના પારસીઓએ સ્થાપી પ્રથમ ભારતીય ક્રિકેટ ક્લબ ‘ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ’; પાચાળથી તેનો વિકાસ યંગ ઝોરોએસ્ટ્રિઅન ક્રિકેટ ક્લબ કે પારસી ક્રિકેટ ક્લબ રૂપે
- બ્રિટીશરો- યુરોપિયનો દ્વારા ફોર્ટમાં સ્થપાઈ મુંબઈની પ્રથમ વિદેશી ક્રિકેટ ક્લબ બૉમ્બે જીમખાના
- ભારતને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સ્ટેટસ માન્ય થતાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચો આરંભાઈ મુંબઈના બોમ્બે જીમખાના પર
- પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પોતાની ડેબ્યુ મેચમાં સદી કરનાર પ્રથમ ભારતીય મુકુંદરાવ પાઈ
- બોમ્બે જીમખાના ગ્રાઉન્ડ પર રમાતી લોકપ્રિય અને મશહૂર બનેલ ટ્રાઇએન્ગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર, પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ ક્રિકેટ સ્પર્ધાઓ
- ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ/ પારસી ક્રિકેટ ક્લબ/ યંગ ઝોરોએસ્ટ્રિઅન ક્રિકેટ ક્લબ, બોમ્બે (મુંબઈ): Oriental Cricket Club/ Parsee Cricket Club/ Young Zoroastrian Club; Bombay (Mumbai)
- બૉમ્બે જિમખાના/ બોમ્બે જીમખાના, ફોર્ટ, મુંબઈ: Bombay Gymkhana, Fort, Mumbai
- હિન્દુ જિમખાના/ પરમાનંદદાસ જીવણદાસ હિંદુ જિમખાના (પી.જે. હિન્દુ જિમખાના): P J Hindu Jimkhana, Mumbai
- સી. કે. નાયડુ/ કોટ્ટારી કનકૈયા નાયડુ, ભારતની પ્રથમ ટેસ્ટ ટીમના કેપ્ટન: C K Nayudu / Cottari kanakaiya Nayudu (1895-1967); First Captain of the first-ever Indian Test Team
- મુંબઈની જગપ્રસિદ્ધ ટ્રાઇએન્ગ્યુલર/ ક્વોડ્રેન્ગ્યુલર / પેન્ટેન્ગ્યુલર બોમ્બે ક્રિકેટ ટુર્નામેન્ટ: Triangular / Quadrangular/ Pentangular Bombay Cricket Tournament, Mumbai
- વિજય મર્ચન્ટ (ઠાકરશી), મુંબઈના મશહૂર ગુજરાતી ભારતીય ક્રિકેટર: Vijay Merchant (1911-1987), Famous Indian cricketer
- વિજય હઝારે, વિક્રમસર્જક ભારતીય ક્રિકેટર: Vijay Hazare (1915-2004), First Indian cricketer to score a hundred in each inning of the same Test match
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
5 thoughts on “મુંબઈની રોમાંચક ટ્રાઇએન્ગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર અને પેન્ટેન્ગ્યુલર ક્રિકેટ મેચો”