અધ્યામ-ફિલોસોફી · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

સ્વામી વિવેકાનંદની વિશ્વપ્રસિદ્ધિ પાછળ નિમિત્ત બન્યા ખેતડી નરેશ

સ્વામી વિવેકાનંદજીએ અમેરિકામાં વિશ્વ ધર્મ સંસદમાં વિદ્વત્તાભર્યા પ્રવચનથી સૌને મંત્રમુગ્ધ કર્યા અને તેમને દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી. સ્વામીજીની વિશ્વપ્રસિદ્ધિ પાછળ રાજસ્થાનના ખેતડી (ખેતરી) સ્ટેટના રાજવી રાજા અજીતસિંહ બહાદુરનો અમૂલ્ય ફાળો હતો. વર્ષ 1893માં અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું અને જગતભરમાં હિંદુત્વ અને ભારતીય આધ્યાત્મિકતાને ખ્યાતિ અપાવી. વેદાંત અને યોગને પાશ્ચાત્ય વિશ્વમાં પ્રચલિત કર્યાં.

સ્વામી વિવેકાનંદજી સમા સંન્યાસીને રાજપૂતાના (રાજસ્થાન) ના એક યુવાન રાજવી શિષ્યરૂપે અને મિત્રરૂપે મળ્યા તે કહાણી ભાવનાસભર છે.

ઓગણીસમી સદીમાં બ્રિટીશ શાસન નીચેના હિંદુસ્તાનના રાજપૂતાનામાં ખેતડી સ્ટેટ (ખેતરી, રાજસ્થાન) એક સમૃદ્ધ રાજ્ય – રજવાડું – હતું. યોગી રામકૃષ્ણ પરમહંસના સ્વર્ગારોહણ પછી તેમના પ્રીતિપાત્ર શિષ્ય નરેન્દ્રનાથ દત્ત દેશાટન કરતાં 1891માં રાજસ્થાન પહોંચ્યા. ત્યાંના ખેતડી રાજ્યના મહારાજા અજિતસિંહ બહાદુર પ્રતિભાવાન તપસ્વી નરેન્દ્રનાથ (સંન્યાસી નામ વિવિદિશાનંદ) થી ભારે પ્રભાવિત થયા અને તેમના શિષ્ય બન્યા. ટૂંકમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) ના શિકાગોમાં “વર્લ્ડ’સ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ”  (વિશ્વ ધર્મ સંસદ) યોજાઈ રહી હતી. ખેતડી નરેશનાં સ્નેહભર્યાં સૂચનોને સ્વીકારી નરેન્દ્રનાથે માથા પર સાફો બાંધવાની શરૂઆત કરી અને સ્વામી વિવેકાનંદ તરીકે નવું નામ ધારણ કર્યું. વળી રાજાએ સ્વામીજીને વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા તેમજ અમેરિકાની યાત્રા માટે શ્રદ્ધાપૂર્વક મદદ કરી. સ્વામીજીના પશ્ચિમના પ્રવાસે તેમને વિશ્વપ્રસિદ્ધિ અપાવી. વિશ્વ ધર્મ સંસદ (વિશ્વ ધર્મ મહાસભા/ વિશ્વ ધર્મ પરિષદ) માટે સ્વામી વિવેકાનંદજીની અમેરિકા યાત્રામાં નિમિત્ત બનનાર ખેતડીના રાજાની વાતો વિગતે જાણવાનો આનંદ તો નિરાળો છે!

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં સ્વામી વિવેકાનંદજી અને ખેતડીના રાજા અજીતસિંહ બહાદુર વચ્ચેના દિવ્ય સંબંધની અનોખી વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

રાજસ્થાનમાં ઝુંઝુનુનું રળિયામણું રજવાડું ખેતડી (ખેતરી)

ખેતડી રાજસ્થાન રાજ્યમાં અરાવલી પર્વતમાળામાં પ્રાકૃતિક સુંદરતાથી શોભિત ટાઉન છે. હાલ તે રાજ્યના ઝુંઝુનૂં (ઝુંઝુનુ)  જિલ્લાનું નગર છે. રાજસ્થાનની રાજધાની જયપુરથી 130 કિલોમીટર દૂર ડુંગરાળ વિસ્તારોમાં વસેલ ખેતડી (ખેતરી) અંગ્રેજી હકૂમત સમયે રજવાડી રાજ્ય હતું. પંદરમી સદીમાં નવાબોના શાસનમાં રહેલ ઝુંઝુનું અઢારમી સદીમાં શેખાવતી રાજાઓના હાથમાં આવ્યું. કાળ વીત્યે ઝુંઝુનું રાજ્યના ટુકડા થયા. અન્ય રજવાડાંઓની સાથે ખેતડીનું અલગ રજવાડું – ખેતડી સ્ટેટ – બન્યું.

સ્થાપત્યપ્રેમી નરેશ ભોપાલસિંહજી (1735-1770) એ વ્યુહાત્મક રચના ધરાવતો કિલ્લો બાંધી ખેતડીને નવું રૂપ આપ્યું. તેમણે ખેતડીની ટેકરીઓ પર 1754-1770 દરમ્યાન બેનમૂન દુર્ગ (ફોર્ટ) અને મહેલ (પેલેસ) બંધાવ્યાં. રાજા ભોપાલ સિંહજીએ બંધાવેલ ભોપાલગઢ ફોર્ટ આશ્ચર્યજનક બાંધણી ધરાવે છે. ભોપાલગઢ કિલ્લાનો રાજા-રાણીનો મહેલ તેની વાસ્તુકલાને કારણે ખૂબ વખણાયો છે.

1887માં કલકત્તા (કોલકતા) માં શ્રી રામકૃષ્ણ મઠ સ્થાપ્યા પછી દેશના પરિભ્રમણે નીકળેલા સ્વામી વિવેકાનંદજી 1891માં પ્રથમ વખત ખેતડી સ્ટેટના મહારાજા અજીત સિંહના મહેમાન બન્યા અને ખેતડી ટાઉન ખાતે રોકાયા. ત્યાર પછી રાજા અને સંન્યાસી સ્વામીજીની આધ્યાત્મિક મિત્રતા જીવનપર્યંત ગાઢી રહી.

ખેતડી સાથે સ્વામી વિવેકાનંદ ઉપરાંત નહેરુ પરિવારની સ્મૃતિઓ પણ સંકળાયેલી છે. મોતીલાલ નહેરુના મોટા ભાઈ નંદલાલ નહેરુ ખેતડી રિયાસતમાં નાનાં-મોટાં પદ ભોગવી દીવાનપદે પહોંચ્યા હતા.

આજનું નવું ખેતડી નગર મૂળ રજવાડાના ખેતડી ટાઉનથી દસેક કિલોમીટર દૂર વસેલ છે. ખેતડી નગરના પર્વતીય પ્રદેશમાં તાંબા જેવા દુર્લભ ખનિજની કીમતી ખાણો હોવાથી ઝુંઝુનું જિલ્લાનું મહત્ત્વ વધ્યું છે.

તાંબાના ઉદ્યોગને કારણે ખેતડી આજે ‘તામ્રનગરી’ તરીકે નામ પામ્યું છે, પરંતુ તેની પ્રસિદ્ધિનાં મૂળ સ્વામી વિવેકાનંદજીના ત્યાંના નિવાસમાં છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ખેતડી સ્ટેટના શાસકો

એવું જણાય છે કે ખેતસિંહજી નિર્વાણ નામના રાજાએ ઝુંઝુનૂં (ઝુંઝુનુ)  જિલ્લામાં ખેતડી (ખેતરી) ટાઉન વસાવ્યું. જો કે રાજપૂતોમાં ઘણી શાખાઓ હોવાથી  ખેતડીના શાસકોના નામ વિશે વિરોધાભાસી નોંધો મળે છે.

1730માં શાર્દૂલ સિંહ નામક રાજવીના સમયથી ઝુંઝુનુ પર શેખાવત રાજાઓની સત્તા શરૂ થઈ. સમય વીત્યે વારસદારોમાં રાજ્યના ભાગલા પડ્યા. રાજા ભોપાલસિંહ શેખાવતજીએ ખેતડીની ટેકરીઓ પર અદભુત કિલ્લો બાંધ્યો. રાજાના નામ પરથી ખેતડીના તે કિલ્લાને ભોપાલગઢ ફોર્ટ કહે છે.

ભોપાલગઢ ફોર્ટ તરીકે પ્રસિદ્ધ ખેતડીનો કિલ્લો (ખેતડી ફોર્ટ) આજે પણ તેની વિસ્મયજનક સ્થાપત્યવિદ્યા (આર્કિટેક્ચર) થી દેશી-વિદેશી સહેલાણીઓને આકર્ષે છે. ભોપાલગઢના મહેલમાં હવાની આવજા એવી નિર્બંધ થતી હતી કે તેના પરથી પ્રેરણા લઈ જયપુરના મહારાજાએ જયપુરમાં વિશ્વપ્રસિદ્ધ હવા મહેલ બનાવ્યો!  વિદેશી આર્કિટેક્ટસને મંત્રમુગ્ધ કરનાર ખેતડી ફોર્ટની સ્થાપત્યકલાની દુનિયાભરમાં નોંધ લેવાઈ છે. આજે અઢીસો વર્ષ પછી પ્રાચીન દુર્ગ ભોપાલગઢ ફોર્ટની ઇમારતો કાળની થપાટો ખાઈને જીર્ણ-ક્ષીણ બની ગઈ છે.

1870માં ખેતડીના સાતમા શેખાવત શાસક રાજા ફતેહસિંહનું અપુત્ર મૃત્યુ થયું. તે વખતે ખેતડી સ્ટેટના દીવાન તરીકે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના કાકા નંદલાલ નહેરુ હતા. નંદલાલ નહેરુ મૂળ દિલ્હીના ગંગાધર નહેરુના પુત્ર અને જવાહરલાલજીના પિતા મોતીલાલ નહેરુના મોટાભાઈ હતા. દીવાન નંદલાલ નહેરુએ કુનેહપૂર્વક રાજા ફતેહ સિંહના દત્તક પુત્ર અજીતસિંહને ગાદી પર બેસાડી દીધા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ખેતડી નરેશ રાજા અજીતસિંહ

1861માં જન્મેલા અજીતસિંહ બહાદુર ખેતડીના આઠમા શાસક હતા. માત્ર નવ વર્ષની ઉંમરે અજીતસિંહ રાજા તરીકે ગાદી પર બેઠા. રાજા અજીત સિંહ ઠાકુર ખાનદાનમાં જન્મેલા હતા અને બાળપણથી ઉચ્ચ સંસ્કારો ધરાવતા હતા. રાજા લલિતકલા પ્રેમી હતા. કલા તેમજ સંગીતના ઉપાસક હતા. તેમને વિજ્ઞાનમાં પણ રસ હતો.

રાજા અજીતસિંહ ધાર્મિક-આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા રાજવી હતા. ખેતડીનો રાજ-પરિવાર માઉન્ટ આબુ (આબુ પર્વત) પર નખ્ખી તળાવ પાસે મહેલ-સમો ખેતડી પેલેસ (ખેતડી હાઉસ) ધરાવતો હતો. 1891માં રાજા અજીતસિંહ માઉન્ટ આબુમાં હતા, ત્યારે પ્રથમ વખત સ્વામી વિવેકાનંદ (પૂર્વ નામ નરેન્દ્રનાથ દત્ત / સ્વામી વિવિદિશાનંદ) ની મુલાકાત થઈ. પ્રથમ મુલાકાતમાં જ પ્રભાવિત થયેલા રાજાએ સ્વામીજીને પોતાના ગુરુ પદે સ્થાપ્યા. રાજાના આગ્રહથી સ્વામીજી ખેતડી ગયા અને ત્યાં અઢી મહિના જેટલો સમય રહ્યા.

સ્વામી વિવેકાનંદ તે પછી અમેરિકામાં શિકાગોની સર્વ ધર્મ પરિષદ (‘વર્લ્ડ’સ પાર્લમેન્ટ ઑફ રિલિજિયન્સ’) માં જતાં પહેલાં 1893માં બીજી વાર રાજા અજીતસિંહના મહેમાન બન્યા. સ્વામીજી છેલ્લે 1897માં ત્રીજી અને આખરી વાર ખેતડીની મુલાકાતે ગયા હતા. રાજા અને સ્વામીજીનો, ગુરુ અને શિષ્યનો કેવો ભાવભર્યો સંબંધ!

રાજાજીને બે રાજકુમારી અને એક રાજકુમાર એમ ત્રણ સંતાનો હતાં.

1897માં ઇંગ્લેન્ડમાં રાણી વિક્ટોરિયાના રાજ્યાભિષેકને 60 વર્ષ પૂરાં થતાં હીરક મહોત્સવ ઉજવવામાં આવ્યો. 1897ના જૂનમાં લંડનમાં ક્વિન વિક્ટોરિયા ડાયમન્ડ જ્યુબિલી ઉજવણી થઈ. રાજા અજીતસિંહ તે  હીરક મહોત્સવમાં હાજરી આપવા ઇંગ્લેન્ડ ગયા હતા.

1901માં કલાપ્રેમી રાજા અજીતસિંહ આગ્રામાં કોઈ પ્રાચીન ઇમારતનો જીર્ણોદ્ધાર કરાવવા ગયા હતા, ત્યારે આકસ્મિક રીતે પડી ગયા. 18 જાન્યુઆરી 1901 ના રોજ સિકંદરા આગ્રામાં માત્ર 39 વર્ષના રાજા અજીતસિંહનું અકાળ અવસાન થયું. સ્વામીજીએ બીજે જ વર્ષે 1902માં માત્ર 39 વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો. ગુરુ-શિષ્યની કેવી અનોખી જોડી!

આપણે સ્વામી વિવેકાનંદજીની ખેતડીની ત્રણેય મુલાકાતો વિશે વિગતે જાણીએ.

તે વાતો આપ ‘અનામિકા’ના હવે પછીના લેખમાં વાંચશો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

અનામિકા-લેખ: સ્વામી વિવેકાનંદની વિશ્વપ્રસિદ્ધિ પાછળ નિમિત્ત બન્યા ખેતડી નરેશ
  • સ્વામી વિવેકાનંદ (1863-1902) સ્વામી રામકૃષ્ણ પરમહંસના કૃપાપાત્ર શિષ્ય
  • સ્વામી વિવેકાનંદજીએ હિંદુ ધર્મ તથા વેદાંત અને યોગ સમી હિંદુ ફિલોસોફીનો કર્યો પ્રચાર અને પ્રસાર
  • સ્વામીજીએ વર્ષ 1893માં અમેરિકામાં શિકાગોની વિશ્વ ધર્મ સંસદ (World’s Parliament of Religions, Chicago, USA) માં ગજાવ્યું હિંદુ ધર્મનું નામ
  • સ્વામી વિવેકાનંદજીના પરમ શ્રદ્ધાવાન શિષ્ય ખેતડી (ખેતરી) ના રાજા અજીતસિંહ બહાદુર (1861-1901)
  • ખેતડી (ખેતરી Khetri) હતું બ્રિટીશ રાજના હિંદુસ્તાનમાં રાજપૂતાના (રાજસ્થાન) નું રજવાડું
  • સ્વામી વિવેકાનંદજીની અમેરિકા યાત્રાનો શ્રેય ખેતડી નરેશ રાજા અજીતસિંહ બહાદુરને
  • પોતાના જીવનકાળમાં સ્વામીજીએ ત્રણ વખત લીધી ખેતડીની મુલાકાત

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

ગુજરાતી સાક્ષર રમણભાઈ નીલકંઠના પિતાશ્રી મહીપતરામ રૂપરામ નીલકંઠના વર્ષ 1860ના ઇંગ્લેન્ડના પ્રવાસ વિશે અહીં વાંચો.

ક્વિન વિક્ટોરિયા દ્વારા સન્માનિત ભારતનાં પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઈ ગોપાલરાવ જોશીની કહાણી અહીં વાંચો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

3 thoughts on “સ્વામી વિવેકાનંદની વિશ્વપ્રસિદ્ધિ પાછળ નિમિત્ત બન્યા ખેતડી નરેશ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s