આવતી કાલે 11 સપ્ટેમ્બર છે.
126 વર્ષ પહેલાં, 1893ના સપ્ટેમ્બરની 11મી તારીખે સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ સંસદ (વર્લ્ડ’સ પાર્લમેન્ટ ઑફ રિલિજન્સ) માં હિંદુ ધર્મ અને ભારતની ફિલોસોફી પર ચોટદાર પ્રવચન આપ્યું હતું.
1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ માટે સ્વામી વિવેકાનંદજીને અમેરિકા જવાની વ્યવસ્થા ખેતડી (ખેતરી) ના રાજા અજીતસિંહ બહાદુરે કરી હતી. અંગ્રેજ હકૂમત તળેના હિંદુસ્તાનના રાજપૂતાના (રાજસ્થાન) માં ખેતડી (ખેતરી) એક દેશી રાજ્ય. પશ્ચિમ ભારતની પર્વતમાળા અરાવલીના ડુંગરોમાં નયનરમ્ય પ્રકૃતિની ગોદમાં વસેલ રજવાડા ખેતડી વિશેનો ‘અનામિકા’ પરનો વિસ્તૃત લેખ આપે વાંચ્યો.
ખેતડીના રાજા અજીતસિંહ બહાદુરે સ્વામી વિવેકાનંદજીને પોતાના ગુરુ બનાવેલા. વર્લ્ડ’સ પાર્લમેન્ટ ઑફ રિલિજીયન્સ (વિશ્વ ધર્મ સંસદ/ વિશ્વ ધર્મ પરિષદ/ વિશ્વ ધર્મ મહાસભા) માં હાજરી આપવા સ્વામીજીની વિદેશયાત્રાની વ્યવસ્થા રાજા અજીતસિંહે ગોઠવી હતી.
આજે ‘અનામિકા’ના લેખમાં સ્વામીજીની અમેરિકા યાત્રા અને ખેતડીની ત્રણ મુલાકાતો વિશે અવનવી વાતો જાણીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ખેતડી નરેશ અજીતસિંહ સાથે સ્વામી વિવેકાનંદનો પ્રથમ મિલાપ
ખેતડીના યુવાન રાજા અજીતસિંહ માત્ર 28 વર્ષના સંન્યાસી સ્વામી વિવેકાનંદને આબુ પર્વત (માઉન્ટ આબુ) પર પહેલી વાર મળ્યા.
આપ સુજ્ઞ વાચકો જાણો છો કે 1863માં બંગાળમાં કલકત્તા (કોલકતા) માં જન્મેલ સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. યુવાન વયે નરેન્દ્રનાથ દક્ષિણેશ્વરનાં મહાન સંત અને મા કાલીના ઉપાસક શ્રી રામકૃષ્ણ પરમહંસના ભક્ત બન્યા. તેજસ્વી પ્રતિભા ધરાવતા નરેન્દ્રનાથે રામકૃષ્ણદેવને ગુરુપદે સ્થાપ્યા.
1886માં ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસના સ્વર્ગવાસ પછી સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓ સાથે મળી કલકત્તામાં બરાનગર (બારાનગર/બડાનગર/ બડાનગોર) ખાતે પ્રથમ મઠની સ્થાપના કરી. રામકૃષ્ણ પરમહંસના ઉપદેશો અને અધ્યાત્મમાર્ગ અનુસાર પવિત્ર જીવન જીવવાનો સ્વામીજીએ સંકલ્પ કર્યો. 1888માં માત્ર 25 વર્ષના સ્વામીજી એક અદના સંન્યાસી રૂપે દેશના પરિભ્રમણે નીકળ્યા.
ઉત્તર ભારતથી કાશ્મીર સુધીના જુદા જુદા પ્રદેશોમાં ફરતાં ફરતાં 1891માં સ્વામીજી દિલ્હી થઈ રાજપૂતાના (રાજસ્થાન) પહોંચ્યા. અલ્વર-જયપુર-અજમેર થઈ તેઓ આબુ પર્વત આવ્યા. માઉન્ટ આબુના નખ્ખી તળાવ (નક્કી લેક) પાસેની એક ગુફામાં તેમણે તપસ્યા આદરી. સ્વામી વિવેકાનંદજીએ સાધના કરી, તે ગુફા આજે ચંપા ગુફા તરીકે ઓળખાય છે અને નખ્ખી લેઇક નજીકના ટોડ રૉક (ડાયનાસોર રોક) વિસ્તારમાં આવેલી છે.
તે સમયે ખેતડીના રાજા અજીત સિંહ પણ માઉન્ટ આબુમાં તેમના નિવાસસ્થાન ‘ખેતડી હાઉસ’ (ખેતડી પેલેસ, આબુ) માં રહેતા હતા. રાજપૂતાનાના રજવાડાંઓમાં ખેતડી સંપત્તિવાન અને અતિ સમૃદ્ધ સ્ટેટ ગણાતું હતું. ખેતડીના કિલ્લા ભોપાલગઢ ફોર્ટ અને મહેલ વિશિષ્ટ સ્થાપત્યરચનાને કારણે ભારે ખ્યાતિ ધરાવતાં હતાં
આબુ પર્વત પર ખેતડી નરેશનું ખેતડી હાઉસ નખ્ખી તળાવની પાસે જ હતું. આજે ખેતડી હાઉસના પ્રાંગણમાં મિશનરી સોફિયા હાઇસ્કૂલ (આબુ) ચાલે છે. સ્વામીજીની ગુફા અને ગુણવાન રાજાનો મહેલ પાસે પાસે હતાં, તો તેમનો મિલાપ સ્વાભાવિક હતો! 4 જૂન 1891ના રોજ રાજા અજીતસિંહ અને સ્વામી વિવેકાનંદનો મેળાપ પ્રથમ વખત માઉન્ટ આબુમાં થયો.
પહેલી મુલાકાતમાં સ્વામીજીની પ્રખર વિદ્વત્તા અને તેજસ્વી પ્રતિભા રાજા પામી ગયા. બંગાળી અને સંસ્કૃત સાથે છટાદાર ઇંગ્લિશ ભાષામાં અધ્યાત્મમાર્ગની છણાવટ કરતા સ્વામીજીને જ્ઞાનપિપાસુ રાજાએ ગુરુપદે સ્થાપ્યા. જોકે બંને લગભગ સમવયસ્ક હોવાથી તેમના સંબંધમાં મૈત્રીભાવ તો હતો, પણ રાજાની શ્રદ્ધામાં ભારોભાર શિષ્યભાવ ઝલકતો હતો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
સ્વામી વિવેકાનંદની ખેતડીની પહેલી મુલાકાત
માઉન્ટ આબુમાં સ્વામી વિવેકાનંદજીના સત્સંગે રાજા અજીતસિંહજીને પ્રભાવિત કર્યા. રાજાએ સ્વામીજીને પોતાના રાજ્યમાં પધારવા વિનંતી કરી. 7મી ઑગસ્ટ 1891ના રોજ સ્વામીજી પહેલી વાર ખેતડી આવ્યા. અરાવલી (અરવલ્લી) ના મનોહર ટેકરાઓની મધ્યે વસેલ ખેતડીનું પર્વતીય સૌંદર્ય અને જ્ઞાનસંપન્ન રાજાના ભક્તિભાવથી સ્વામિજી અભિભૂત થયા. સ્વામીજી ખેતડીમાં અઢી મહિનાથી પણ વધુ રોકાઈ ગયા! ત્રણ વર્ષથી ભ્રમણ કરતા સ્વામીજી પ્રથમ વખત કોઈ એક સ્થળે આટલો લાંબો સમય રોકાયા!
રાજાએ સ્વામીજીને માથે સાફાની ઉપયોગિતા સમજાવી. રાજસ્થાનના ડુંગરાળ વિસ્તારોની ગરમીથી બચવા માથે સાફો કેવો મદદરૂપ થાય! રાજાએ સ્વામીજીને સાફો બાંધતાં શીખવ્યું. સ્વામી વિવેકાનંદજીના પરિધાનમાં પાછળથી સાફાનો ઉમેરો થયો તે રાજા અજીતસિંહને આભારી હતો.
ખેતડીમાં 1891ના ઑગસ્ટની 7મીથી ઑક્ટોબરની 27 સુધી અગિયારેક અઠવાડિયાં રોકાઈ સ્વામીજી ભારત ભ્રમણ કરવા આગળ વધ્યા.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
શિકાગોની સર્વ ધર્મ મહાસભા અને સ્વામીજીને ખેતડીનરેશની મદદ
રાજપૂતાના (રાજસ્થાન) થી આગળ વધતાં સ્વામીજી ગુજરાત અને કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) ના પ્રવાસે આવ્યા. 1892માં પોરબંદરના રોકાણ દરમ્યાન સ્વામીજીને અમેરિકાની વિશ્વ ધર્મ મહાસભાની માહિતી મળી. અમેરિકાના શિકાગો શહેરમાં 1893ના સપ્ટેમ્બરમાં “વર્લ્ડ’સ પાર્લામેન્ટ ઓફ રિલિજન્સ” (વિશ્વ સર્વ ધર્મ મહાસભા) યોજાવાની હતી. સ્વામીજીને ધર્મ સંસદમાં ભાગ લેવા તીવ્ર ઈચ્છા થઈ આવી. ગુજરાતથી મહારાષ્ટ્ર થઈ તેઓ દક્ષિણ ભારત પહોંચ્યા. દક્ષિણ ભારતમાં હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા સ્વામી વિવેકાનંદજીને આગ્રહ કરવામાં આવ્યો. હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે સર્વ ધર્મ સંસદમાં હાજરી આપવા સ્વામીજીએ નિર્ણય કર્યો.
સ્વામીજીને અમેરિકા મોકલવા શરૂઆતમાં તો કેટલાક રાજવીઓ અને પ્રતિષ્ઠિત સજ્જનો આગળ આવ્યા. પણ તેમાંના મોટા ભાગના સહયોગીઓ પાણીમાં બેસવા લાગ્યા! સ્વામીજીને મદ્રાસ (ચેન્નાઇ) ના કેટલાક શુભેચ્છકો અને દક્ષિણ ભારતના રાજાઓએ મદદનો ભરોસો આપ્યો હતો, પણ તે ઠગારો નીવડ્યો. સ્વામીજીને ભારે નિરાશા ઉપજી જે તેમણે આકરા શબ્દોમાં પત્રોમાં પણ વ્યક્ત કરી.
આ તરફ, 1893ના જાન્યુઆરીની 26મીએ ખેતડીના રાજા અજીતસિંહ બહાદુરને ત્યાં પુત્ર જન્મ થતાં તેમણે આશીર્વચન અર્થે સ્વામીજી ખેતડી પધારે તેવી ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે સ્વામીજીના અમેરિકાના પ્રવાસે જવાની આશાઓ પર પાણી ફરી ગયું હતું. 1893ના ફેબ્રુઆરીમાં આ વાત રાજાજી સુધી પહોંચતા તેમણે પોતાના ગુરુદેવના અમેરિકા પ્રવાસની જવાબદારી લીધી. તેમણે પોતાના સચિવ મુન્શી જગમોહન લાલને શિકાગો સર્વ ધર્મ મહાસભામાં સ્વામીજીને મોકલવા વ્યવસ્થા કરવા સૂચનો કર્યાં.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
સ્વામીજીની ખેતડીની બીજી મુલાકાત
1893ના એપ્રિલમાં સ્વામી વિવેકાનંદજીએ ખેતડીની બીજી વાર મુલાકાત કરી. આપ સુજ્ઞ વાચકો જાણો છો કે સ્વામીજીએ 1893ના સપ્ટેમ્બરમાં શિકાગો (યુએસએ) માં પાર્લિયામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ (વિશ્વ ધર્મ સભા) માં હાજરી આપી હતી. સ્વામીજીનો ખેતડીનો બીજો પ્રવાસ અમેરિકાની વિશ્વ ધર્મ પરિષદ પહેલાં સંપન્ન થયો. દક્ષિણ ભારતમાં મદ્રાસમાં રહેલ સ્વામીજીને મુન્શી જગમોહન લાલ સ્વયં ખેતડી લઈ આવ્યા.
વર્ષ 1893માં ખેતડીની બીજી મુલાકાતમાં સ્વામી વિવેકાનંદજી 21 એપ્રિલથી 10 મે 1893 દરમ્યાન રોકાયા. આ દરમ્યાન રાજાજીએ સ્વામીજીના અમેરિકા પ્રવાસમાં મદદરૂપ થવા યોજના બનાવી લીધી હતી. રાજાજીએ પોતાના અંગત ફંડમાંથી તે માટે રકમ ફાળવવાનો પણ નિર્ધાર કર્યો હતો.
સંસારી નામ નરેન્દ્રનાથ દત્તમાંથી સ્વામીજીએ શરૂઆતમાં સ્વામી વિવિદિશાનંદ નામ ધારણ કરવા નિર્ધાર કરેલો, પરંતુ રાજાજીએ સ્વામી વિવેકાનંદ નામ સૂચવ્યું. સ્વામીજીને તે નામ પસંદ પડતાં તેમણે સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું. આમ, ખેતડી નરેશ અજીતસિંહના સૂચનથી સ્વામીજીએ માથે સાફો અને ‘વિવેકાનંદ’ નામ અપનાવ્યાં.
જ્યારે સ્વામીજીએ મુંબઈ પ્રસ્થાન કરવા ખેતડીના ગિરિનગરની વિદાય લીધી, ત્યારે રાજા સ્વયં પોતાના ગુરુજીને આદરપૂર્વક વળાવવા જયપુર સુધી ગયા. ત્યાંથી પોતાના સચિવ મુંશી જગમોહન લાલને સ્વામીજી સાથે ઠેઠ મુંબઈ સુધી ટ્રેઇનમાં મોકલ્યા અને તેમના અમેરિકા પ્રવાસ માટેની સઘળી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા. દરિયાઈ માર્ગે અમેરિકા જવા માટે સ્વામીજીની જહાજની ટિકિટ સામાન્ય દરજ્જાની હતી, જે રાજાજીના સચિવે બદલાવીને ઉચ્ચ દરજ્જાની કરાવી. વળી સ્વામીજીને અમેરિકામાં ઉપયોગી થાય તેવા ‘થોમસ કૂક’ કંપનીના ટ્રાવેલર્સ ચેક્સ પણ તેમણે આપ્યા.
આમ, ખેતડીના રાજા અજીતસિંહ બહાદુરના ઔદાર્યપૂર્ણ સૌજન્યથી સ્વામી વિવેકાનંદજી શિકાગો અમેરિકા જવા રવાના થયા. સ્વામીજીની સ્ટીમર 31 મે 1893ના રોજ બ્રિટીશ સિલોન (શ્રીલંકા), હોંગકોંગ-ચીનના રસ્તે જાપાન જવા રવાના થઈ.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
શિકાગોમાં વર્લ્ડ કોલંબિયન એક્સ્પોઝિશન અને પાર્લામેન્ટ ઑફ રિલિજન્સ
- વર્ષ 1492માં ક્રિસ્ટોફર કોલંબસ દ્વારા અમેરિકા ખંડની “શોધ” થઈ.
- તેના ચારસો વર્ષ પૂરા થયાની ઉજવણી નિમિત્તે અમેરિકાના પ્રેસિડેન્ટ બેન્જામિન હેરિસનના આદેશ હેઠળ 1893માં શિકાગો શહેરમાં “વર્લ્ડ’સ કોલંબિયન એક્સ્પોઝિશન’ (‘એક્સ્પો’ પ્રદર્શન) નામથી વિશ્વમેળો (વર્લ્ડ ફેર) યોજવાનું નક્કી કર્યું.
- આ કોલંબિયન એક્સ્પોઝિશન સાથે શિકાગોમાં “વર્લ્ડ’સ પાર્લામેન્ટ ઓફ રિલિજીયન્સ” (વિશ્વ ધર્મ સંસદ/ વિશ્વ ધર્મ પરિષદ/ વિશ્વ ધર્મ મહાસભા) નું આયોજન પણ નક્કી થયું.
- એક આડવાત કરીએ- ઇતિહાસમાં વર્ષ 1893નું આગવું મહત્ત્વ છે.
- 1893માં સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની વિશ્વ ધર્મ મહાસભામાં ભારતીય ફિલોસોફીને દુનિયા સમક્ષ બુલંદ રીતે રજૂ કરી.
- 1893માં વીસ વર્ષના મહાયોગી શ્રી અરવિંદ (મહર્ષિ અરવિંદ/ અરવિંદ ઘોષ) ઇંગ્લેન્ડથી ભારત પરત ફર્યા અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના રાજ્યમાં ઉચ્ચ હોદ્દા પર નિમાયા.
- વર્ષ 1893માં જ ત્રેવીસ વર્ષના યુવાન બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી) ઇંગ્લેંડથી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા.
- 1893ના શિકાગોના વિશ્વમેળા કોલંબિયન એક્સ્પોઝિશન ખાતે અમેરિકામાં પ્રથમ વાર ઇલેક્ટ્રિસિટીના ઉપયોગનું જાહેર નિદર્શન કરવામાં આવ્યું.
- અમેરિકાના પ્રેસિડેન્ટ ગ્રોવર ક્લિવલેન્ડ દ્વારા ઇલેક્ટ્રિક બટન દબાવીને શિકાગો વર્લ્ડ ફેર (એક્સ્પો 1893) નું ઉદઘાટન કરવામાં આવ્યું.
અમેરિકાની વર્લ્ડ’સ પાર્લમેન્ટ ઑફ રિલિજન્સમાં સ્વામી વિવેકાનંદ
સ્વામીજી મુંબઈથી હોંગકોંગ-જાપાન થઈ સ્ટીમર માર્ગે વાનકુંવર (વેનકુંવર, કેનેડા) પહોંચ્યા. ત્યાંથી રેલવે ટ્રેઇન દ્વારા 30 જુલાઈ, 1893ના રોજ અમેરિકાના શિકાગો શહેર પહોંચ્યા.
વર્લ્ડ’સ પાર્લમેન્ટ ઑફ રિલિજન્સ (પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ) ની બેઠકને સ્વામી વિવેકાનંદજીએ 11 સપ્ટેમ્બર, 1893ના રોજ સંબોધી અને તેમના વિદ્વતાભર્યા સંબોધનથી દુનિયાભરના ધર્મ પ્રતિનિધિઓ અને શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા. હિંદુ ધર્મ અને ભારતીય ફિલોસોફી પરના સ્વામીજીના શિકાગો પ્રવચનના પડઘાઓ અમેરિકામાં જ નહીં, સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યા. અમેરિકા-યુરોપમાં સ્વામીજી સાડા ત્રણ વર્ષ સુધી રહ્યા.તે દરમ્યાન તેમણે અમેરિકા ઉપરાંત ત્યાંથી ઇંગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ જેવા યુરોપના દેશોના પણ પ્રવાસ કર્યા. પશ્ચિમી દુનિયામાં યુરોપ અને અમેરિકામાં હિંદુ ધર્મ અને વેદાંત દર્શનનો જયજયકાર કરીને સ્વામીજીએ 1897ના જાન્યુઆરીમાં હિંદુસ્તાનની ધરતી પર પગ મૂક્યો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
સ્વામી વિવેકાનંદજીની ખેતડીની ત્રીજી અને આખરી મુલાકાત
ભારત આવીને સ્વામી વિવેકાનંદજીએ કલકત્તા (કોલકતા) માં મે 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. 1897ના ડિસેમ્બરમાં સ્વામીજીએ ત્રીજી અને છેલ્લી વખત ખેતડીની મુલાકાત લીધી. સ્વામીજીએ દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને ફિલોસોફીના પ્રચાર અને પ્રસાર માટે અવિરત પ્રયત્નો કર્યા હતા તે માટે રાજા અજીતસિંહ બહાદુરે સ્વામીજીના માનમાં ભવ્ય સ્વાગત કાર્યક્રમો યોજ્યા. રાજાજી અને સ્વામીજીનો આ આખરી મેળાપ હતો. ખેતડીનરેશ ખુદ શાહી રસાલા સાથે સ્વામીજીને વધાવવા ખેતડીથી વીસેક કિલોમીટર સુધી ગયા. રાજાજીએ સ્વામીજી માટે 20 ડિસેમ્બર 1897ના રોજ ખેતડીમાં રમણીય શેઠ પન્નાલાલ શાહ તળાવ પર ભવ્ય સ્વાગત સમારોહ યોજ્યો. તે દિવસે સમગ્ર ખેતડી ટાઉનને દીપમાળાઓથી ઝગમગાવવામાં આવ્યું. આખા ખેતડી ગામમાં અને પન્નાલાલ તળાવની ચોમેર ઘીના દીવાઓમાં 40 મણ (આશરે 800 કિલોગ્રામ) ઘી વપરાયું હતું તેવી નોંધ છે. શાહી ઠાઠથી આયોજિત સમારંભમાં આખા ગામને નિમંત્રણ અપાયું હતું. આમ સ્વામીજીનો આ છેલ્લો ખેતડી પ્રવાસ અવિસ્મરણીય બની રહ્યો. 21 ડિસેમ્બર 1897ના દિવસે સ્વામીજીએ ખેતડીથી વિદાય લીધી. ગુરુ-શિષ્યની આ છેલ્લી મુલાકાત હતી. તે પછી ખેતડી નરેશ અને સ્વામીજી પત્રવ્યવહારથી સંપર્કમાં રહ્યા, પણ રૂબરૂ કદી ન મળી શક્યા.
18 જાન્યુઆરી, 1901ના દિવસે રાજા અજીતસિંહ બહાદુરે માત્ર 39 વર્ષની વયે પ્રાણ છોડ્યા; 4 જુલાઈ 1902ના દિવસે સ્વામી વિવેકાનંદજીએ 39 વર્ષે સમાધિ લીધી.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ખેતડી સ્ટેટની આઘાતજનક દુર્દશા
આજે ખેતડી રજવાડું નામશેષ થઈ ગયું છે. ખેતડી (ખેતરી Khetri) સ્ટેટની ભોપાલગઢ કિલ્લા-મહેલ જેવી કરોડો કરોડો રૂપિયાની મિલકતો અનેક વિખવાદોમાં ઘેરાઈને હવે સરકારને હવાલે થઈ છે. તાંબા ઉદ્યોગ વિકસતાં તામ્રનગરી ખેતડી ફેલાતી રહી છે; પાસે જ ખેતડી ટાઉન બરબાદ થઈ ગયું છે. દાયકાઓ સુધી ચાલેલા વારસાઈ કાનૂની જંગમાં ખેતડીનો કિલ્લો ભોપાલગઢ ફોર્ટ અને રાજા-રાણીનો મહેલ ક્ષતવિક્ષત થઈ બિસ્માર હાલતમાં ઊભાં છે. 1871માં બંધાવાયેલ પન્નાલાલ શાહ તળાવને જાળવવાના પ્રયત્નો થયા છે. આશ્વાસન પૂરતી વાત એ કે સ્વામી વિવેકાનંદજીની સ્મૃતિઓનું જતન કરતું રામકૃષ્ણ મિશન ખેતડીમાં આજે ય પ્રવૃત્તિશીલ છે અને સાધક-પ્રવાસીઓને આવકારે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
અનામિકા-લેખ: સ્વામી વિવેકાનંદજી અને ખેતડીના રાજા અજીતસિંહનો દિવ્ય સંબંધ
- યોગી રામકૃષ્ણ પરમહંસ (1836-1886) ના પ્રમુખ શિષ્ય સ્વામી વિવેકાનંદ (1863-1902)
- ખેતડી (ખેતરી Khetri) પશ્ચિમ ભારતની અરાવલીની ગિરિમાળામાં રાજપૂતાના (રાજસ્થાન) નું રજવાડું
- ખેતડી નરેશ રાજા અજીતસિંહ બહાદુર (1861-1901) સ્વામી વિવેકાનંદજીના સમર્પિત શિષ્ય
- 1891માં રાજા અજીતસિંહની સ્વામી વિવેકાનંદજી સાથે પ્રથમ મુલાકાત માઉન્ટ આબુમાં
- 1893માં શિકાગો વિશ્વ ધર્મ પરિષદ માં ભાગ લેવા સ્વામીજીની અમેરિકા યાત્રાનો શ્રેય રાજા અજિતસિંહને
- સ્વામીજીનું નામ “સ્વામી વિવેકાનંદ” સૂચવનાર તથા તેમના માથા પર સાફો પહેરવાનું સૂચન કરનાર પણ રાજા અજીત સિંહ
- યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં શિકાગોમાં મે મહિનાથી ઑક્ટોબર 1893 દરમ્યાન વર્લ્ડ’સ કોલંબિયન એક્સ્પોઝિશન તરીકે પ્રસિદ્ધ વિશ્વ મેળો (એક્સ્પો વર્લ્ડ ફેર, 1893)
- શિકાગો વિશ્વમેળા સાથે વર્લ્ડ’સ પાર્લમેન્ટ ઑફ રિલિજન્સ (વિશ્વ ધર્મ સંસદ/ વિશ્વ ધર્મ પરિષદ/ વિશ્વ ધર્મ મહાસભા) નું પણ આયોજન
- સ્વામી વિવેકાનંદજીએ પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન્સમાં પ્રવચન દ્વારા વિશ્વભરમાં ગાજતી કરી ભારતીય ફિલોસોફી
- સ્વામીજીએ ન્યૂ યૉર્ક શહેર (યુએસએ) માં નવેમ્બર 1894માં સ્થાપી ‘વેદાંત સોસાયટી ઑફ ન્યૂ યૉર્ક’
- વિશ્વ ધર્મ સભા પછી સાડા ત્રણ વર્ષ સુધી સ્વામીજીનું અમેરિકા અને યુરોપમાં ભ્રમણ
- સ્વામી વિવેકાનંદજીની વિશ્વપ્રસિદ્ધિ માટે રાજા અજીતસિંહ નિમિત્તરૂપ
- સ્વામી વિવેકાનંદજીએ જીવનકાળમાં ત્રણ વખત ખેતડી પધારી રાજા અજીતસિંહ બહાદુર સાથે કર્યો સત્સંગ-મેળાપ: પ્રથમ મુલાકાત 1891માં, બીજી મુલાકાત 1893માં, ત્રીજી મુલાકાત 1897માં
- ખેતડીની ત્રીજી અને આખરી મુલાકાતમાં સ્વામીજીના સન્માનમાં ભવ્ય સમારોહ
- ખેતડી નરેશ અજીતસિંહનો સ્વર્ગવાસ 1901માં 39 વર્ષની ઉંમરે; સ્વામી વિવેકાનંદજીએ મહાસમાધિ લીધી 1902માં 39 વર્ષની ઉંમરે
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
7 thoughts on “સ્વામી વિવેકાનંદજી, શિકાગો વિશ્વ ધર્મ પરિષદ અને ખેતડીના રાજા અજીતસિંહ”