ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો

ફિલ્મ ઇતિહાસના મૂક સાક્ષી સમા મુંબઈના સિનેમા થિયેટર્સની કહાણી

 

મુંબઈને શું કહેવું? સ્વપ્નનગરી કે ફિલ્મ નગરી?

મુંબઈ ભારતીય સિનેમા ઉદ્યોગનું પ્રમુખ કેંદ્ર છે. બોલિવુડના નામથી ઓળખાતી ફિલ્મ નગરી મુંબઈએ વર્ષ 1896માં ભારતનો પહેલો ફિલ્મ શો જોયો. પછી દાદાસાહેબ ફાળકે નિર્મિત ભારતીય ફિલ્મ ઇતિહાસની સર્વ પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બૉમ્બે (હાલ મુંબઈ) ના કોરોનેશન સિનેમામાં દર્શાવાઈ. ત્યાર પછી મુંબઈના સિનેમા હોલ્સના રૂપેરી પડદાઓએ અસંખ્ય ફિલ્મો નિહાળી છે. તે પૈકી કેટલાક સિનેમા હોલ આજે ચાલુ છે, જ્યારે સંખ્યાબંધ હોલ બંધ થઈ ગયા છે.

મુંબઈમાં પોતપોતાના એરિયાનાં લેન્ડમાર્ક બનેલાં રીગલ, ઇરોસ અને મેટ્રો થિયેટર્સને બધાં જાણે. શાનદાર સિનેમા હોલનાં ઉદાહરણ ગણાતાં મરાઠા મંદિર અને મેટ્રો થિયેટરો આજે પણ સુરખીઓમાં રહે છે. બીજી તરફ, મેજેસ્ટિક, નોવેલ્ટી, અપ્સરા અને મિનરવા જેવાં દિગ્ગજ સિનેમા હોલ નામશેષ થતાં જાય છે. કેબલ ટીવી અને મલ્ટિપ્લેક્સના જમાનામાં જૂનાં થિયેટરોને કોણ પૂછે?

મુંબઈના એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘાતક ફટકો હાલના કોરોના વાયરસના કોવિડ-19 પેનડેમિકથી પડ્યો છે. કોરોનાના વિશ્વવ્યાપી રોગચાળાને પગલે મુંબઈના સિનેમા થિયેટરો માર્ચ ત્રીજા અઠવાડિયાથી બંધ કરવા પડ્યાં છે. પરિસ્થિતિ થાળે પડશે, પછી પણ મુંબઈનો સિને ઉદ્યોગ ક્યારે અને કેવી રીતે બેઠો થશે તે કોઈ જાણતું નથી!

અનામિકા’ના આજના લેખમાં મુંબઈમાં સિનેમા ઉદ્યોગના ઉદયથી માંડી શહેરના યાદગાર થિયેટરોની રંગીન અને અવિસ્મરણીય વાતો જાણીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મુંબઈમાં જન્મ લેતો સિનેમા ઉદ્યોગ

1895 ના ડિસેમ્બરમાં  લ્યુમિયેર બ્રધર્સ દ્વારા પેરિસ (ફ્રાંસ) માં વિશ્વનો પ્રથમ ફિલ્મ શો  થયો. 1896માં લ્યુમિયેર બ્રધર્સની ફિલ્મો મુંબઈમાં રૂપેરી પડદે રજૂ થઈ!

ભારતમાં સિનેમા ઉદ્યોગના પ્રણેતા કોણ? આ વાત હવે ચર્ચાસ્પદ બનતી જાય છે.

ભારતના પ્રથમ ફિલ્મ નિર્માતા દાદાસાહેબ ફાળકેને માનવામાં આવે છે. આમ છતાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે, તેમના પહેલાં બંગાળમાં કલકત્તાના સર્વ પ્રથમ ફિલ્મ નિર્માતા હીરાલાલ સેન અને મહારાષ્ટ્રના રામચંદ્ર ગોપાલ તોરણેની કાર્યસિદ્ધિઓ ભૂલી શકાય તેવી નથી, તે આપ જાણો છો.

આપણે મુંબઈના ફિલ્મ ઉદ્યોગ પર ફોકસ કરીએ.

દાદા તોરણે (રામચંદ્ર ગોપાલ તોરણે) એ દેશમાં પ્રથમ ફીચર ફિલ્મ ‘’રાજા પુંડલિક’ બનાવી.

18 મે  1912ના રોજ આર જી તોરણેની ‘રાજા પુંડલિક’ ગિરગામમાં સેન્ડહર્સ્ટ રોડ પર કોરોનેશન સિનેમા (કોરોનેશન સિનેમેટોગ્રાફ) માં રજૂ થઈ. ઇતિહાસની દ્રષ્ટિએ રાજા પુંડલિક આપણા દેશની પ્રથમ ફીચર ફિલ્મ હતી, પરંતુ તેના નિર્માણમાં વિદેશી મદદ લેવાઈ હતી. એક અંગ્રેજ કેમેરામેનની મદદથી ઉતારાયેલ આ ફિલ્મ વિદેશમાં પ્રૉસેસ થઈ હતી. તેથી તે પૂર્ણતયા ભારતીય તો ન ગણાય?

તે પછી, 3 મે 1913 ના રોજ એ જ કોરોનેશન સિનેમામાં દાદાસાહેબ ફાળકેની પૂર્ણ રીતે ભારતીયો દ્વારા બનેલ ફીચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ રજૂ થઈ. સિનેમેટોગ્રાફી અને પ્રોસેસિંગ સંપૂર્ણપણે ભારતીય હોવાથી દાદાસાહેબ ફાળકેની ‘રાજા હરિશ્ચંદ્ર’ ભારતીય સિનેમા ઉદ્યોગની સર્વ પ્રથમ ફીચર ફિલ્મ સ્વીકારવામાં આવી.

પછી તો મુંબઈનો ફિલ્મ ઉદ્યોગ ખીલતો ગયો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મુંબઈનાં સિનેમા થિયેટરોનો ઇતિહાસ

વીસમી સદીના આરંભે કલકત્તા અને મુંબઈ જેવા શહેરોમાં ફિલ્મો બતાવવા સિનેમા ઘરો બન્યાં ન હતાં. ત્યારે ટૂંકી ફિલ્મો તંબૂ થિયેટરોમાં બતાવાતી તે વાત આપે સવિસ્તર અમારા બ્લૉગ ‘અનન્યા’ પર વાંચી છે.

પછી મૂંગી ફિલ્મો – સાયલેન્ટ મુવિઝ – એવા થિયેટરોમાં પ્રદર્શિત થવા લાગી જેમાં પ્રેક્ષકો લાકડાના બાંકડા પર બેસતાં.પ્રેક્ષકો અને સિનેમા સ્ક્રીન વચ્ચે ખાડા જેવો ભાગ રહેતો. તે ખાડામાં કોમેન્ટેટર-સ્ટોરી ટેલર (કથા કહેનાર) બેસતો અને સાથે હાર્મોનિયમ-તબલા જેવાં વાજિંત્રો લઈને વાદકો બેસતા. પડદા પર મૂંગી ફિલ્મનાં દ્રશ્યો બદલાતાં જાય, સ્ટોરી ટેલર બુલંદ અવાજે દ્રશ્ય સમજાવતો જાય, સાથે ગાયન-વાદન થાય અને દર્શકો ખુશ થઈને સાયલેન્ટ મુવિ માણતા જાય.   

વર્ષ 1912-13માં જ્યાં ભારતની પહેલી ફિલ્મો ‘રાજા પુંડલિક’ અને ‘રાજા હરિશ્ચંદ્ર’ પડદા પર રજૂ થઈ, તે કોરોનેશન સિનેમેટોગ્રાફ (કોરોનેશન સિનેમા) ગિરગામમાં હતું. સેન્ડહર્સ્ટ રોડ પર ગિરગામ કોર્ટ વિસ્તારમાં કોરોનેશન થિયેટર હતું.

ગિરગામ ચર્ચની વાત કરતાં મેજેસ્ટિક થિયેટર યાદ આવે કે જ્યાં ભારતની સૌથી પહેલી બોલતી ફિલ્મ (ટૉકી ફિલ્મ – બોલપટ) આલમ આરા પ્રદર્શિત કરવામાં આવી હતી.

1880માં બંધાયેલ રિપન નાટ્યગૃહ સિનેમાના યુગમાં આલ્ફ્રેડ સિંનેમા હોલમાં ફેરવાયું. 1879માં બોરીબંદર સ્ટેશન (વિક્ટોરિયા ટર્મિનસ – હાલ સીએસટી) સામે બનેલ ગેઇટી થિયેટરમાં પર્ફોર્મિંગ આર્ટ્સના કાર્યક્રમો થતા. ગેઇટી થિયેટરમાં અંગ્રેજી, પારસી અને ગુજરાતી નાટકો ભજવાયાં. ગેઇટીમાં ભજવાયેલ ‘સૌભાગ્યસુંદરી’ નાટકમાં કિશોર વયના અભિનેતા જયશંકર ભોજક ‘જયશંકર સુંદરી’ કહેવાયા અને ગુજરાતી રંગમંચના પિતામહ કહેવાયા. ગુજરાતી  1929માં ગેઇટી થિયેટરના નવા માલિક ગ્લોબ થિયેટર્સે તેને સિનેમાઘરમાં ફેરવ્યું. ગ્લોબ  થિયેટર્સના મૂળ માલિક ફ્રામજી સિધવા હતા. ગેઇટી થિયેટરને કેપિટોલ સિનેમા તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું. આજે પણ આપ છત્રપતિ શિવાજી ટર્મિનસની સામે કેપિટોલ સિનેમાના હેરિટેજ બિલ્ડિંગને જોઈ શકો છો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

1931માં ફિલ્મ નિર્માતા અરદેશર ઇરાનીએ ભારતની સર્વ પ્રથમ ટૉકી ફિલ્મ ‘આલમ આરા’  રજૂ કરી. તેમણે ચારેક મહિનામાં આ ફિલ્મ ઉતારેલી. આલમ આરામાં અભિનેત્રી ઝુબેદા અને અભિનેતા માસ્ટર વિઠ્ઠલ હતાં. વિલેન તરીકે પૃથ્વીરાજ કપૂર હતા.

મુંબઈના ગિરગામમાં મેજેસ્ટિક થિયેટરમાં 14 માર્ચ 1931ના દિવસે ભારતની આ પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમ આરા’ પ્રદર્શિત થઈ. સિનેમા ઉદ્યોગમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યાં. પ્રેક્ષકો તો આવી ટોકી ફિલ્મો પાછળ ઘેલાં બન્યાં! તત્પશ્ચાત મુંબઈમાં એટલી ફિલ્મો બનવા લાગી કે તે સાચા અર્થમાં ફિલ્મ નગરી બની ગઈ! કેટલાંક રંગમંચ ધરાવતાં નાટ્યગૃહો હતાં, તે ફિલ્મ બતાવતાં થિયેટરોમાં ફેરવાયાં. ઉપરાંત  ફિલ્મ પ્રદર્શિત કરતાં નવા સિનેમા હોલ બંધાવા લાગ્યાં.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મુંબઈનાં લેન્ડમાર્ક થિયેટરો

મુંબઈના ફિલ્મ ઇતિહાસમાં કેટલાંક થિયેટરોએ શહેરને ઓળખ આપી છે. તેમાં પસંદગીનાં નામ ગણવામાં આવે તો સૌ પહેલાં ચાર સિનેમા ઘરોનાં નામ જીભે ચઢશે: રીગલ, મેટ્રો, ઇરોસ અને મરાઠા મંદિર.

મુંબઈનાં લેન્ડમાર્ક થિયેટરો: કોલાબામાં રીગલ, ધોબી તળાવમાં મેટ્રો, ચર્ચગેટમાં ઇરોસ તથા મુંબઈ સેંટ્રલ વિસ્તારમાં મરાઠા મંદિર

રીગલ સિનેમા, કોલાબા  

મેજેસ્ટિક સિનેમામાં પહેલી ટોકી ફિલ્મઆલમઆરા’ રજૂ થયા પછી સિનેમા ઉદ્યોગમાં નવી ચેતના ફૂંકાઈ. ત્યારે ગ્લોબ થિયેટર્સના ફ્રામજી સિધવા (ગેઇટી – કેપિટોલના માલિક) નામક પારસી સજ્જને ઝાકમઝાળ કોલાબામાં મુંબઈનું સૌથી વૈભવી થિયેટર ‘રીગલ’ બાંધવા નિર્ણય કર્યો.

લક્ઝરી હોટેલ તાજમહાલ પેલેસની પાસે, વેલિંગ્ટન ફાઉન્ટેન સર્કલ (શ્યામાપ્રસાદ મુખરજી ચોક) પર પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ સામે, શાનદાર રીગલ સિનેમા બાંધવા નક્કી થયું.

રીગલની  ડિઝાઇન ચાર્લ્સ સ્ટિવન્સ દ્વારા તૈયાર થઈ. ચાર્લ્સ સ્ટિવન્સના પિતા  વિખ્યાત અંગ્રેજ આર્કિટેક્ચર એન્જિનિયર ફ્રેડરિક વિલિયમ સ્ટિવન્સ હતા, જેમણે મુંબઈના વિશ્વપ્રસિદ્ધ વિક્ટોરિયા ટર્મિનસ (છત્રપતિ શિવાજી ટર્મિનસ – સીએસટી) ની ડિઝાઇન બનાવી હતી. રીગલ સિનેમાનાં આર્ટ-ડેકો ઇંટીરિયર આખા દેશમાં ચર્ચામાં રહ્યાં હતાં! તેમાં ઝેકોસ્લોવાકિયાના ખ્યાતનામ કલાકાર કાર્લ શારાના અદભુત આર્ટ વર્કની સજાવટ હતી.

ફ્રામજી સિધવાની કંપની ગ્લોબ થિયેટર્સનું રીગલ સિનેમા 1933માં ખુલ્લું મૂકાયું. તેમાં પ્રદર્શિત પ્રથમ ફિલ્મ હોલિવુડ (યુએસએ) ના લોરેલ એન્ડ હાર્ડીની ‘ડેવિલ્સ બ્રધર’ હતી.

રીગલ મુંબઈનું પ્રથમ ફુલ્લી એર કંડિશન્ડ થિયેટર હતું. વળી તે આરસીસી કન્સ્ટ્રક્શનથી બંધાયેલ પ્રથમ થિયેટર હતું, જેમાં એલિવેટર (લિફ્ટ) તથા અંડરગ્રાઉંડ પાર્કિંગની વિશેષ સગવડો હતી. એક જમાનામાં અહીં ‘લાઇવ પરફોર્મન્સ’ પણ થતા. કહે છે કે ઇજિપ્તના પ્રેસિડેન્ટ જનરલ નાસર, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેંદ્રપ્રસાદ, વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, મશહૂર વાયોલિનવાદક યહુદી મેન્યુહીન જેવા અગણિત મહાનુભાવો રીગલના મહેમાન બની ચૂક્યા છે.

ગેટ વે ઑફ ઇન્ડિયા નજીક વેલિંગ્ટન સર્કલ (એસ પી મુખરજી ચોક) પર, છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ) ની સામે આ પ્રાચીન થિયેટર રીગલ આજેય ઊભું છે. 1200 સીટની કેપેસિટી ધરાવતા આ સિનેમા હોલનો પડદો 50 ફૂટ લંબાઈ અને 22 ફૂટ ઊંચાઈ ધરાવે છે. યુનેસ્કો દ્વારા હેરિટેજ વર્ક જાહેર થયેલ રીગલની આવરદા હવે કેટલી હશે તે કોઈ કહી ન શકે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મેટ્રો થિયેટર, ધોબી તળાવ

ધોબી તળાવનું મેટ્રો થિયેટર પણ એક લેન્ડમાર્ક ગણાય. છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી – અગાઉ વિક્ટોરિયા ટર્મિનસ) નજીક મહાત્મા ગાંધી રોડના વી બી ફડકે ચોક પર 82 વર્ષોથી મેટ્રો થિયેટર ઊભું છે, જે આજે મેટ્રો આઇનોક્સના નામે ઓળખાય છે.

હોલિવુડ (યુએસએ) ની વિશ્વ વિખ્યાત અમેરિકન ફિલ્મ સ્ટુડિયો મેટ્રો ગોલ્ડવિન મેયર (એમજીએમ) દ્વારા 1938માં મેટ્રો સિનેમાને બનાવવામાં આવ્યું. મેટ્રોની ડિઝાઇન કરનાર અમેરિકામાં ઘણા થિયેટરો બનાવનાર સ્કોટિશ-અમેરિકન આર્કિટેક્ટ થોમસ લેમ્બ હતા. તે સમયમાં મુંબઈમાં ખૂબ પ્રચલિત બનેલ આર્ટ ડેકો શૈલીમાં તેને સજાવવામાં આવેલું. ખૂબસુરત માર્બલ ફોયર અને આકર્ષક મ્યુરલ્સ થકી પ્રેક્ષકો એક લક્ઝુરિયસ થિયેટરનો અનુભવ પામતા. મ્યુરલ વર્ક માટે સર જમસેત્જી જીજીભોય દ્વારા સ્થાપિત જે જે સ્કૂલ ઓફ આર્ટની સેવાઓ લેવામાં આવેલી.

મેટ્રો થિયેટરમાં શરૂઆતમાં એમજીએમ (હોલિવુડ)  ફિલ્મ નિર્માણ કંપનીની જ ફિલ્મો પ્રદર્શિત થતી. આપ સૌ ભારતીય સિનેમા જગતના સર્વોચ્ચ એવોર્ડ ગણાતા અને પ્રતિવર્ષ અપાતા ફિલ્મફેર એવોર્ડને જાણો છો. બોલિવુડ ફિલ્મ ઉદ્યોગના ‘ઓસ્કાર એવોર્ડ’ કહેવાતા ફિલ્મફેર એવોર્ડનો પ્રારંભ મેટ્રો સિનેમાથી થયો હતો. જી હા, પ્રથમ ફિલ્મફેર એવોર્ડ સમારોહ માર્ચ 1954માં મેટ્રો સિનેમા ખાતે યોજાયો હતો. વર્ષો વીતતાં ગયાં, મેટ્રો ગોલ્ડવિન મેયર પાસેથી મેટ્રો સિનેમાની માલિકી બદલાતી રહી. તેની માલિકી આઇનોક્સ લેઝર કંપની પાસે જતાં આજે તેનું નામ ‘મેટ્રો આઇનોક્સ’ છે. આપ જાણતા હશો કે આઇનોક્સ કંપની ભારતનાં 68 શહેરોમાં 140થી વધુ મલ્ટિપ્લેક્સના 600થી વધારે સ્ક્રીન પર હક્ક ધરાવતી ભારતની અગ્રગણ્ય ફિલ્મ એક્ઝિબિશન કંપની બની છે.

ફોર્ટ-કોલાબા વિસ્તારની શાન મેટ્રો સિંગલ સ્ક્રીન થિયેટરને મલ્ટીસ્ક્રીન મેટ્રો આઇનોક્સ મલ્ટિપ્લેક્સમાં ફેરવવામાં આવ્યું છે. મેટ્રો આઇનોક્સ આશરે 1490 સીટ્સ અને 6 સ્ક્રીન્સ સાથે મુંબઈના અગ્રીમ મલ્ટિપ્લેક્સમાંથી એક છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇરોસ થિયેટર, ચર્ચગેટ

ભારતીય ચલચિત્ર ઉદ્યોગની પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમઆરા’ ને પગલે મુંબઈમાં સિનેમા થિયેટરો જન્મ્યાં, તેમાંનું મહત્વનું એક દક્ષિણ મુંબઈમાં ચર્ચગેટ સ્ટેશન પાસેનું ઇરોસ થિયેટર (ઇરોઝ થિયેટર)  હતું. મુંબઈના ફોર્ટ-કોલાબા વિસ્તારમાં હુતાત્મા ચોક (ફ્લોરા ફાઉન્ટેન) પાસે ઇરોઝ સિનેમા હાઉસ આવે. 1938માં બનેલ ઇરોસ સિનેમાની ડિઝાઇન અને સજાવટમાં આર્ટ ડેકો સ્ટાઇલ સાથે વિક્ટોરિયન ગોથિક શૈલીની છાંટ હતી. તેના બાંધકામમાં આગ્રાના સેન્ડસ્ટોન અને શ્વેત-શ્યામ સંગેમરમરનો ઉપયોગ થયો હતો. થોડાં વર્ષો અગાઉ તેમાં અદ્યતન ડિજીટલ પ્રોજેક્ટર્સ સાથે આધુનિક સાઉન્ડ સિસ્ટમ્સ ઉમેરાતાં તેની લોકપ્રિયતા વધી હતી.  ઇરોસમાં ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક’ અને ‘વેઇટ અન્ટીલ ડાર્ક’ જેવાં હોલિવુડનાં હીટ મુવિ રજૂ થયાં હતાં. સમયનાં પરિવર્તનોની થપાટો ન ઝીલી શકતાં ચર્ચગેટનું ઇરોઝ સિનેમા હાઉસ આખરે બંધ થઈ ગયું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મરાઠા મંદિર, મુંબઈ સેન્ટ્રલ

મુંબઈના ઐતિહાસિક, ભવ્ય સિનેમા ઘરોની ચર્ચા થતી હોય તો તેમાં મુંબઈ સેન્ટ્રલ (અગાઉ બોમ્બે સેંટ્રલ) સ્ટેશન વિસ્તારના ‘મરાઠા મંદિર’ની વાત કરવી જ પડે! જમાના જૂનાં રીગલ, મેટ્રો અને ઇરોઝ જેવાં થિયેટરોની સામે મરાઠા મંદિર યુવાન કહેવાય!

મરાઠા મંદિર થિયેટરનો પ્રારંભ 16 ઑક્ટોબર 1958ના દિવસે થયો, જ્યારે તેમાં ‘સાધના’ ફિલ્મ (સુનિલ દત્ત-વૈજયંતિમાલા) પ્રદર્શિત થઈ. આલીશાન સિનેમા ઘરની આરામદાયક સુવિધાઓએ પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં છે.

કોણ જાણે કેમ, મરાઠા મંદિર હંમેશા ભવ્યતા અને શ્રેષ્ઠતાની યાદ અપાવતું રહે છે. મોટા મોટા અરીસા. ફ્લોર પર પોચી રૂ જેવી મુલાયમ કાર્પેટ, આરામદેહ સીટો અને છત પર આકર્ષક ઝુમ્મરો સાથેનો વિશાળ એર કન્ડીશન્ડ હોલ સાથેનું મરાઠા મંદિર સિનેદર્શકોનું પ્રિય બની ગયું.

1960માં કે આસિફ દિગ્દર્શિત ઐતિહાસિક ફિલ્મ  ‘મુઘલ-એ-આઝમ’ના પ્રીમિયર શો માટે મરાઠા મંદિરની પસંદગી થઈ. ભારતીય સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં મુઘલ-એ-આઝમ (મોગલ એ આઝમ) ના મરાઠા મંદિર પ્રીમિયર જેવી અન્ય કોઈ ઘટના ભાગ્યે જ હશે! થિયેટરના ફોયરને શાહી મહેલની જેમ સજાવવામાં આવેલ. થિયેટરની બહાર પૃથ્વીરાજ કપૂરનું 40 ફૂટનું જંગી કટ આઉટ મૂકવામાં આવ્યું હતું. મુગલ-એ-આઝમનું પ્રીમિયર ફિલ્મની વાર્તાને અનુરૂપ દબદબાભર્યું હતું. ફિલ્મની પ્રિન્ટને હાથી પર મૂકીને, બ્યુગલ-શરણાઈ જેવાં વાજિંત્રોના સંગીત સાથે શાહી ઠાઠથી મરાઠા મંદિર પર લાવવામાં આવી હતી. 1960ના 5મી ઓગસ્ટે રજૂ થયેલ મુઘલ-એ-આઝમ ફિલ્મ પૂરા છ વર્ષ સુધી મરાઠા મંદિરમાં ચાલતાં એક રેકોર્ડ બન્યો. દિલીપકુમાર, મધુબાલા અને પૃથ્વીરાજ કપૂર જેવા કલાકારો સાથે મુઘલ-એ-આઝમ ભારતીય સિનેમાની સૌથી યાદગાર ઐતિહાસિક  ફિલ્મ બની ગઈ!

મરાઠા મંદિરમાં ઇતિહાસ રચનાર ફિલ્મ બની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ – ડીડીએલજે. આ ફિલ્મનું પ્રીમિયર 1995ના 19 ઓક્ટોબરે થયું. 20 ઓક્ટોબર 1995 ના રોજ મરાઠા મંદિરમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રજૂ થઈ. કેટલાંક વર્ષો રેગ્યુલર શો થયા પછી ડીડીએલજે ફિલ્મ સવારના મેટીની શોમાં તે જ થિયેટરમાં ચાલી રહી છે. બીજા શબ્દોમાં, એક જ થિયેટરમાં સતત 24 વર્ષથી વધારે પ્રદર્શિત થવાનો  ડીડીએલજેનો વિક્રમ અભૂતપૂર્વ છે. 1995માં પ્રદર્શિત થયા પછી, મરાઠા મંદિરમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ 1250 અઠવાડિયાંથી વધારે ચાલતાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેકોર્ડ બન્યો છે. તાજેતરમાં કોરોના વાયરસ – કોવિડ 19ના પગલે દેશભરમાં લોકડાઉન થવાથી થિયેટરો બંધ થતાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ પણ પ્રદર્શિત થતું રોકાયું છે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મુંબઈનાં અન્ય નોંધપાત્ર સિનેમાઘરો

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનની સામે જ આનંદરાવ નાયર માર્ગ પર મરાઠા મંદિર તો આપને તરત મળી જાય. હવે આપણે મુખ્ય થિયેટરો સિવાય અન્ય જૂનાં થિયેટરો પર નજર દોડાવીએ.

અહીં નોંધશો કે આમાંના ઘણા થિયેટર, સ્થળ, રોડ આદિનાં નામ બદલાઈ ચૂક્યાં છે; કેટલાંક નવા બિલ્ડિંગ બન્યાં છે. તેથી, એવું પણ બને કે ગુગલ મેપ પર આ બધાં ન મળી શકે! તેથી, આપની સુવિધા માટે શક્ય ત્યાં જૂનાં-નવાં નામ લખ્યાં છે.

આજથી પાંચ-સાત દાયકા પહેલાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન (ત્યારે બૉમ્બે સેંટ્રલ) ની આજુબાજુના પાંચેક કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તો થિયેટરોનો જમેલો હતો. તે સમયે મુંબઈ સેંટ્રલ સ્ટેશનથી બહાર નીકળી જમણા હાથે જતો લેમિંગ્ટન રોડ (હવે દાદાસાહેબ ભાડામકર રોડ) પકડી લો. કોઈને પૂછતા જાવ અને આપને બધાં જૂના થિયેટરો જોવા મળી જાય!

લેમિંગ્ટન રોડ પર પહેલાં જમણા હાથે મિનરવા (મિનર્વા) થિયેટર આવે. મિનર્વામાં જી પી સિપ્પી – રમેશ સિપ્પીની મેગાહિટ ફિલ્મ ‘શોલે’ 15 ઑગસ્ટ 1975ના દિને રજૂ થઈ. આ ફિલ્મ મિનરવામાં પાંચ વર્ષ ચાલી હતી! બી આર ચોપરાનું ‘કાનૂન’ અને દિલીપકુમારનું ‘નયા દૌર’ રજૂ થયાં હતાં.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મિનરવાથી આગળ ગ્રાન્ટ રોડ તરફ વધો તો ડાબા હાથે અપ્સરા અને નોવેલ્ટી સિનેમા. નોવેલ્ટીમાં હાવરા બ્રિજ અને ચલતીકા નામ ગાડી જેવી ફિલ્મો રજૂ થઈ હતી. નોવેલ્ટી આજે રૂપાંતરિત થઈ ચૂક્યું છે.

અપ્સરા અને નોવેલ્ટીની થોડી પાછળ ડ્રીમલેન્ડ થિયેટર રહી જાય. આગળ વધો તો નાઝ આવે અને પાસે ઇમ્પીરિયલ મળી જાય. ઇમ્પીરિયલ થિયેટરની સ્થાપના 1905માં થઈ હતી અને તે ઓરકેસ્ટ્રા-મ્યુઝિક કાર્યક્રમો માટે બન્યું હતું.

ત્યાં રોકાઈને કોઈને પૂછો તો, એક તરફ આપને અરદેશર ઇરાનીની સ્મૃતિમાં બનેલ અરદેશર ઇરાની બ્રિજ બતાવે, બીજી તરફ ગિરગામના રસ્તે મેજેસ્ટિક સિનેમા પણ બતાવી દે જ્યાં વર્ષ 1931માં ભારતની પહેલી બોલતી (ટોકી) ફિલ્મ આલમ આરા પ્રદર્શિત થઈ હતી. મેજેસ્ટિક થિયેટર અરદેશર ઇરાનીની માલિકીનું.

નાઝ – ઇમ્પીરિયલથી આગળ ચર્ની રોડ – ચોપાટી તરફ જાવ તો ઓપેરા હાઉસ સિનેમા આવે, તેની પાસે રોક્સી થિયેટર. હાલમાં નવનિર્માણ પામેલ ગોંડલ નરેશનું રોયલ ઓપેરા હાઉસ ન્યૂ ક્વિન્સ રોડ – મહર્ષિ કર્વે રોડ પર પર મરાઠે બંધુ ચોક પાસે આવે. થોડે જ આગળ ગિરગામ ચોપાટી વિસ્તાર શરૂ થાય.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ગિરગામ ચોપાટી તરફથી એક રસ્તો ગિરગામને કાપીને હાર્બર લાઇનના સેંડહર્સ્ટ સ્ટેશન તરફ જતો. ગિરગામમાં ઘણા થિયેટર આ સેન્ડહર્સ્ટ રોડની આસપાસના વિસ્તારોમાં જોવા મળી જતાં. અહીં અમેરિકન-ઇન્ડિયા સિનેમેટોગ્રાફ, ઓલિમ્પિયા સિનેમેટોગ્રાફ અને આગળ જાવ તો અલ્હમ્બ્રા સિનેમા હતાં.

ઓપેરા હાઉસથી આપ જગન્નાથ શંકર શેઠ રોડ પર ગિરગામના સેંટ થેરેસા ચર્ચ પહોંચી શકો. તેની પાસે મેજેસ્ટિક શોપિંગ સેન્ટર બન્યું છે. આ વિસ્તારમાં મેજેસ્ટિક સિનેમા હતું જ્યાં પ્રથમ ભારતીય બોલપટ આલમ આરા દર્શાવાયું હતું. એક જમાનામાં મેજેસ્ટિક થિયેટરની માલિકી અરદેશર ઇરાનીની મેજેસ્ટિક ફિલ્મ કંપનીની હતી,

ત્યાંથી નોર્થમાં રાજા રામ મોહન રોય રોડ તરફ આગળ જતાં ગિરગામ મેટ્રોપોલિટન કોર્ટ આવે. આ વિસ્તારમાં કોરોનેશન સિનેમેટોગ્રાફ  કે કોરોનેશન સિનેમા હતું જ્યાં દાદા તોરણેની ‘રાજા પુંડલિક’ તથા દાદાસાહેબ ફાળકેની ‘રાજા હરિશ્ચન્દ્ર’ પ્રદર્શિત થતાં ભારતીય સિનેમા યુગનો પ્રારંભ થયો હતો. આ વિસ્તારમાં પાસે જ ડ્રીમલેન્ડ થિયેટર. ડ્રીમલેન્ડ પહેલાં કૃષ્ણ ટૉકિઝના નામે ઓળખાતી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ડ્રીમલેન્ડથી એમ એસ અલી રોડ (મૌલાના શૌકત અલી રોડ) પર જતા રહો તો નજીકમાં કમાઠીપુરાના ફોકલેન્ડ રોડ (હવે પી બી રોડ -પાઠી બાપુરાવ માર્ગ) પર કેટલાંક થિયેટરો હાથવેંતમાં, જેવાં કે દોલત, નિશાત, રોયલ, આલ્ફ્રેડ, ન્યુ રોશન, ગુલશન, મોતી, અલંકાર વગેરે.

તેમાં દૌલત અને ન્યૂ રોશન થિયેટર આશરે 80 થી 90 વર્ષો જૂનાં હશે! નિશાત સિનેમામાં શરૂઆતમાં સ્ટેજ પરફોર્મન્સ થતા. 1952માં નિશાત સિનેમાનો આરંભ. ગ્રાંટ રોડ વિસ્તારમાં નિશાત ટોકિઝ સામે રોયલ ટોકિઝને સૌ ઓળખે. 1911માં બનેલ રોયલ થિયેટરમાં રંગમંચ – સ્ટેજ પરફોર્મન્સ થતા.

આલ્ફ્રેડ ટોકિઝ મુંબઈના સૌથી જૂનાં થિયેટરો પૈકી એક. આલ્ફ્રેડ 1880માં બનેલું. પહેલાં તે રિપન થિયેટરના નામે ઓળખાતું. ટૉકી ફિલ્મનો જમાનો શરૂ થયા પછી, 1932માં, તેનું નામ આલ્ફ્રેડ ટૉકિઝ થયું. અલંકાર સિનેમા પહેલાં કમલ થિયેટર હતું. આજે અલંકાર બંધ થઈ ગયું છે.

દેખીતાં કારણોથી આલ્ફ્રેડ ટોકિઝ અને ગુલશન ટોકિઝ જેવાં સિનેમાગૃહો ફિલ્મી ક્ષેત્રે વિકસી ન શક્યાં.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ગિરગામથી કાલબાદેવી તરફ કાલબાદેવી રોડ પર વી બી ફડકે ચોક (ધોબી તળાવ ચોક) પર પહોંચો તો ત્યાં સો વર્ષથી વધુ જૂનું એડવર્ડ થિયેટર આવે. આ જ વી બી ફડકે ચોક પર લેન્ડમાર્ક સમી મેટ્રો સિનેમા ઊભેલ છે, તો એડવર્ડના હાલ કોણ પૂછે? પરંતુ મેટ્રો કરતાં પણ જૂનું છે એડવર્ડ. આ થિયેટર 1914માં શરૂ થયું. એડવર્ડ થિયેટરનું મહત્વ એટલે કે 1975માં તેમાં રીલીઝ થયેલ ફિલ્મ ‘જય સંતોષી મા’એ તેને પ્રસિદ્ધિના શિખરે મૂક્યું! આપને ખ્યાલ હશે કે ‘જય સંતોષી મા’ એ 1975ના બે બ્લોકબસ્ટર મુવિ ‘દીવાર’ અને ‘શોલે’ સાથે સ્પર્ધા કરી હતી!

ફરી આપ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પહોંચી જાવ.

સ્ટેશન બહાર નીકળો તો બેલાસીસ રોડ (જહાંગીર બોમન બેહરામ રોડ) આપની નજરે પડશે. બેલાસીસ રોડ પૂર્વમાં નાગપાડા જંકશન તરફ અને પશ્ચિમમાં તારદેવ તરફ જાય.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

બેલાસીસ રોડ પર કમાઠીપુરા-નાગપાડા તરફના રસ્તે, સ્ટેશનથી થોડે દૂર, મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડેપો છે. મુંબઈ સેન્ટ્રલ એસટી ડેપો સામે હતું એલેક્ઝાન્ડ્રા થિયેટર. આ એલેક્ઝાંડ્રા (એલેકઝાન્ડર) થિયેટર પ્રથમ ભારતીય ટૉકી ફિલ્મ બનાવનાર અરદેશર ઇરાનીના હાથે વિકાસ પામ્યું હતું. આજે તે ધર્મસ્થાનમાં ફેરવાયેલ છે.

મુંબઈ સેંટ્રલથી પશ્ચિમે તારદેવ તરફ જતો બેલાસીસ રોડ (જહાંગીર બોમન બેહરામ રોડ) પકડો તો વસંતરાવ નાયક ચોક નજીક ડાયના થિયેટર પહોંચી શકો; પાસે જ ગંગા અને જમુના થિયેટર આવે.

છત્રપતિ શિવાજી ટર્મિનસ – સીએસટીના કેપિટોલ સિનેમાની પાસે ન્યુ એમ્પાયર થિયેટર એટલે નોંધનીય કે તેમાં પ્રથમ જેમ્સ બોન્ડ ફિલ્મ ડૉ. નો રજૂ થયું હતું. આપ જાણો છો કે ઇયાન ફ્લેમિંગની નવલકથા પરથી સર્જાયેલ મુવિ ડો. નો (1961) માં સીન કોનેરી (શ્યોં કોનેરી) અને ઉર્સુલા એન્ડ્રેસ જેવાં સેન્સેશનલ કલાકારો હતાં.

લોઅર પરેલ વિસ્તાર એક જમાનામાં મિલોથી ધમધમતો હતો. અહીંના બે જૂનાં સિનેમા ઘરોની નોંધ લેવી ઘટે. લોઅર પરેલના બોમ્બે ડાઇંગ મિલ વિસ્તારમાં આશરે 80 – 90 વર્ષ જૂની બે ટૉકિઝ તે દીપક ટોકિઝ અને બીજી ભારતમાતા સિનેમા.

મુંબઈના સિનેમા ઘરોની વાત કરતાં રહીએ અને પાર જ ન આવે! હજી તો મુંબઈનાં બીજાં ઘણાં થિયેટરો – ટોકિઝો રહી જાય છે પણ તેમની વાત ફરી ક્યારેક.

વાચક મિત્રો! આપને આ લેખ કેવો લાગ્યો? આપના પ્રતિભાવ/ કોમેન્ટ જરૂર આપશો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

નીચેના માહિતીસભર લેખ વાંચવા ક્લિક કરવા વિનંતી:

‘હંટરવાલી’ સ્ટંટ અભિનેત્રી નાદિયા ધ ફિયરલેસ

વિશ્વ ભરનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સની આશ્ચર્યજનક વાતો

 

ભારતીય ક્રિકેટનો અત્યંત રસપ્રદ ઇતિહાસ

મહાન નાટ્યકાર વિલિયમ શેક્સ્પિયરના જીવનની અજાણી-શી કહાણી 

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

 

2 thoughts on “ફિલ્મ ઇતિહાસના મૂક સાક્ષી સમા મુંબઈના સિનેમા થિયેટર્સની કહાણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s