મારા ‘અનામિકાને પત્ર’ બ્લૉગ પર મેં ડિસેમ્બર 20, 2006ના રોજના પત્રમાં માનવસભ્યતા વિશે વાત કરી હતી. આજે તે પર વિશેષ છણાવટ કરી રહ્યો છું. © હરીશ દવે 6th July, 2020 .
આપના પ્રતિભાવ આવકાર્ય છે.
**** * ** * * * * ** *** *** * ** * ** * * **** * ** * * ** *** ** *
સમાજ અને સભ્યતા પ્રત્યે આપણી જવાબદારી
ગુગમ દ્વારા આપણે એક અદના ગુજરાતી તરીકે ગુજરાત તથા ગુજરાતીની ગરિમાને ઉજ્વલિત કરવા પ્રયત્નશીલ છીએ. જ્યારે એક પ્રદેશ અને પ્રજાની ગરિમાનું સંવર્ધન થાય છે ત્યારે સમગ્ર દેશ અને દેશવાસીઓ જ નહીં, વિશ્વ અને માનવજાત પણ ગૌરવાન્વિત થાય છે.
હું ‘હરીશ દવે’ અમદાવાદનો એક ગુજરાતી જ નથી, સમગ્ર વિશ્વના માનવસમાજનો એક સભ્ય છું. હું જ્યારે ગુજરાત અને ભારતની વાત કરું છું, ત્યારે જગત પણ મારે હૈયે વસેલું હોય છે.
પ્રદેશો અને પ્રજાઓમાં વહેંચાયેલા આપણે સૌ માનવસમાજના અભિન્ન અંગ છીએ. આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા છીએ. આપણી સામુદાયિક પ્રવૃત્તિઓ અર્વાચીન સંસ્કૃતિને પ્રભાવિત કરું છું.
આપણી પ્રાદેશિક સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ માનવસભ્યતાને સમૃદ્ધ કરે છે તે આપણે કદી ન ભૂલીએ.
આપણે સિંધુ કિનારે વિકસિત આપણી પ્રાચીન સભ્યતાની વાત કરતા રહીએ છીએ. નાઇલ કિનારાની તથા યુફ્રેટિસ – ટાઇગ્રિસ નદી તટની સભ્યતાઓ વિશે આપણે જાણીએ છીએ.
ઘડીભર વિચારીએ કે સંસ્કૃતિ શું છે? સભ્યતા શું છે? સભ્યતાનાં લક્ષણો કયાં?
આવા પ્રશ્નોના સચોટ અને સંતોષકારક ઉત્તર પાઠવવા શક્ય નથી. પણ આપણે તે પરત્વે થોડું ચિંતન તો કરી શકીએ.
ક્યાં ડગલે અને પગલે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતો, અસ્પષ્ટ સ્ફુરણો કરતો એ પ્રાકૃત માનવ અને ક્યાં આજનો સંસ્કૃત માનવ! પ્રાકૃત માનવને સંસ્કારો પામતાં, ઘડતાં, કેળવાતાં યુગો વીતી ગયાં!
સંસ્કારોના વિકાસ સાથે સભ્યતાનો વિકાસ શક્ય બને છે.
સભ્યતાનું એક મહત્વનું લક્ષણ છે સર્જનશીલતા. જીવનના વિવિધ પાસાંઓમાં સર્જન છલકી શકે! વિવિધ ક્ષેત્રોમાં સુંદર કૃતિઓનું સર્જન સભ્યતાના પાયામાં છે. આ સાથે આપણને સૌંદર્યદ્રષ્ટિનો ખ્યાલ આવે. જીવનમાં સૌંદર્યદ્રષ્ટિ ન ખીલે તો સભ્યતા વિકસી શકે ખરી?
સભ્યતાના સંવર્ધન માટે અનિવાર્ય છે વિચારશીલતા. નિર્બંધ વહેતી વિચારધારા અને તેની અભિવ્યક્તિ સભ્યતાની પરિપક્વતા દર્શાવે છે. મુક્ત વાતાવરણ હશે ત્યાં વ્યક્તિ સાથે સમષ્ટિનો વિકાસ હશે, જે સભ્યતાના પાયામાં હોય છે.
સ્વતંત્ર અને સ્વસ્થ વિચારધારા તેને અનુરૂપ કર્તવ્યભાવનાને જન્મ આપશે. ઉમદા વિચારોથી, પ્રેરક કાર્યોથી, નિતનવ આવિષ્કારોથી જીવન અને સમાજને સમૃદ્ધ કરવાં તે સભ્યતાનાં સૂચક ચિન્હો છે.
એક અતિ વિશિષ્ટ લક્ષણ નોંધીએ: સમાજ અને સૃષ્ટિ પ્રત્યેની જવાબદારીઓ સ્વીકારવી અને સભાનતાથી નિભાવવી; સમાજના સર્વ ઘટકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવો, સર્વને યથોચિત ન્યાય અને સન્માન આપવાં.
આપણે નિર્ધાર કરીએ કે આજથી મારી અભિવ્યક્તિ, પ્રવૃત્તિ, સર્જનશીલતામાં સમષ્ટિના શ્રેયનો ખ્યાલ હશે! આપ પણ મારી સાથે જોડાવ છો ને? આભાર .
આપણે ગુગમના સભ્ય તરીકે, ગુજરાતી તરીકે, ભારતીય તરીકે, વિશ્વમાનવ તરીકે આપણી પ્રવૃત્તિઓ વિકસાવીશું તો માનવસંસ્કૃતિના સંવર્ધનમાં યોગદાન આપી શકીશું.
*હરીશ દવે અમદાવાદ*