અનામિકાને પત્ર: 13

.

પ્રિય અનામિકા,

આજે અમદાવાદના ગુજરાતી દૈનિક “દિવ્ય ભાસ્કર”માં ભાઈ શ્રી ઉર્વીશ કોઠારીનો રસપ્રદ લેખ છે. “દિવ્ય ભાસ્કર”ની રવિવારની મહેફિલ પૂર્તિના ચોથા પાને લેખ “સાહિત્યવારસાનો ટુરિઝમ મેપ” છપાયો છે.

શ્રી ઉર્વીશભાઈએ સાહિત્યસર્જકોના સંભારણાં અને સ્મારકો વિષે મનનીય વાતો લખેલ છે જેમાં સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીના ગોવર્ધન સ્મૃતિમંદિરની વાત કરેલ છે. ઉર્વીશભાઈના લેખના સંદર્ભમાં ગોવર્ધનરામ વિષે થોડી બીજી વાતો કરીએ.

નડિયાદમાં ગોવર્ધનરામભાઈના ઘર સાથે કેટલાક અન્ય નામ પણ યાદ આવે; ઘટનાઓ પણ.

સાહિત્યકાર-રાજકારણી ઈન્દુલાલ યાજ્ઞિક (ઈન્દુચાચા) નો ત્રિપાઠી કુટુંબ સાથેનો સંબંધ તું જાણતી હોઈશ.

ગોવર્ધનરામ ત્રિપાઠીને ત્યાં મણિલાલ નભુભાઈ દ્વિવેદી, બાલાશંકર કંથારિયા આદિ સાહિત્યકારોની બેઠક થતી. તેમાં એક કલાપ્રેમી શિક્ષક ફૂલચંદભાઈ શાહ પણ આવતા. ફૂલચંદભાઈ માસ્તરને ચિત્ર, સંગીત, સાહિત્યમાં રૂચિ. પાછળથી ફૂલચંદભાઈએ નાટ્યલેખનમાં સારું નામ મેળવ્યું. તેમનું “માલતીમાધવ” નાટક પારાવાર લોકચાહના પામ્યું હતું.

ગોવર્ધનરામના કાકા મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠી (1840-1907). મન:સુખરામભાઈ મુંબઈમાં વસ્યા હતા. ગુજરાતી રંગભૂમિના નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ તેમના ઘનિષ્ઠ મિત્ર. તે સમયે ગુજરાતી સાક્ષરોમાં મતભેદ પડ્યા હતા.

એક જૂથ સનાતન ધર્મનું ચુસ્ત આગ્રહી. તેમાં મન:સુખરામભાઈ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ દ્વિવેદી વગેરે હતા. બીજા જૂથમાં સુધારાવાદીઓ હતા. તેમાં દુર્ગારામ મહેતાજી અને વીર કવિ નર્મદથી પ્રભાવિત થયેલા મહિપતરામ રૂપરામ નીલકંઠ, ભોળાનાથ સારાભાઈ દિવેટિયા વગેરે હતા.

ગોવર્ધનરામ ત્રિપાઠીનો એક મહત્વનો વારસો છે તેમની સ્ક્રેપબુક્સ. ગોવર્ધનરામભાઈએ લગભગ એકવીસ વર્ષ સુધી રોજનીશી પ્રકારની નોંધો લખેલી છે. જાન્યુઆરી 1885થી માંડીને નવેમ્બર 1906 સુધીની સ્ક્રેપબુક્સ સચવાયેલી છે. તે ઘણી મહત્વની મનાય છે.

સસ્નેહ આશીર્વાદ.