અનામિકાને પત્રો · ગુર્જિયેફ / ગુર્જિફ /

અનામિકાને પત્ર: 24

.

પ્રિય અનામિકા,

તેં ગુર્જિયેફ (ગુર્જેફ કે ગુર્જિફ)નો ઉલ્લેખ કર્યો!

હું ચોંકી ઊઠું છું. અનામિકા! તારા દિમાગમાં ગુર્જિયેફ ક્યાંથી જાગ્યા!

હું માનું છું કે માનસિક પુખ્તતાના જુદા જુદા સ્તર હોય છે. માનસિક પરિપક્વતા અને વિચારશક્તિ ધીરે ધીરે ખીલે તે સ્વસ્થ જીવનની આવશ્યકતા છે.

રામકૃષ્ણ પરમહંસના વચનોની સરળતા તમને સ્પર્શશે અને તમારા હૃદયમાં ઊતરશે. રમણ મહર્ષિની સ્પષ્ટ ભાષા સામાન્ય બુદ્ધિથી તમારા મગજમાં ઊતરી શકશે. રજનીશજી (ઓશો)  તમારી બુદ્ધિને આકર્ષશે, અને તમારા મગજમાં ધોધ બનીને પડવા લાગશે. જ્યારે મહર્ષિ અરવિંદ સહેલાઈથી મગજમાં ન પણ ઊતરે. કૃષ્ણમૂર્તિ અને નિત્શે માટે તો તમારે ઘણી દિમાગી કસરત કરવી પડે! ગુર્જિયેફને વાંચતાં પહેલાં તમારે મગજને ખાલી કરવું પડે અને છતાં યે તેને ભર્યું ભર્યું હાઈ એલર્ટ પર રાખવું પડે.

મહાન ફિલોસોફરોની નજીક જતાં પહેલાં તમારા મગજે ભારે સાવધાનીઓ રાખવી પડે! ટોચના કેટલાક ફિલોસોફરોની સામાન્ય વાતો યે એવી છે કે તમે તેને સહી પરિપ્રેક્ષ્યમાં ન સમજો, તો તે – વિમલા તાઈ કહે છે તેમ- કાચા પારાની પેઠે ઝેર બનીને તમારા દિમાગમાં પ્રસરે.

અનામિકા! ગુર્જિયેફ વિશે કાંઈ કહેવાની મારી ક્ષમતા નથી. બૌદ્ધિક સ્તરે ગુર્જિયેફે મને જરૂર પ્રભાવિત કર્યો છે. ગુર્જિયેફને સંપૂર્ણ સમજવા હજી મારો અભ્યાસ ચાલુ છે. નિખાલસતાથી કબૂલું કે ચોથા માર્ગને હું પુરો નથી સમજી શકતો, આમ છતાં ચાલ, તારી ઉત્સુકતા સંતોષવા તને ગુર્જિયેફનો ઊડતો પરિચય કરાવીશ.

અનામિકા! તને નવાઈ લાગશે કે ગુર્જિયેફના જીવન વિશે ઘણી વાતો સંદિગ્ધ છે.

ગુર્જિયેફ (George Ivanovitch Gurdjieff) નો જન્મ હાલના આર્મેનિયા (અગાઉના યુ.એસ.એસ.આર – સોવિયેટ સંઘનો ભાગ; Armenia – a part of erstwhile USSR) ના કોઈ સ્થળે 1877 (કે 1866 કે .. ?)માં થયો હતો.

તેમના પિતાને એક વૃદ્ધ પાદરી મિત્ર હતા. બંને મિત્રો વચ્ચે અધ્યાત્મ અને ઈતિહાસ પર ચર્ચા થતી રહેતી જે બાળ ગુર્જિયેફ રસપૂર્વક સાંભળતા. કિશોરવયે તેમને ગૂઢ વિદ્યાઓમાં રસ પડવા લગ્યો. તેઓ ઘર છોડી અગમનાં રહસ્યોની ખોજમાં નીકળી પડ્યા. ગુર્જિયેફ તુર્કસ્તાન, ઈજિપ્ત, મધ્ય એશિયાના દેશોથી લઈ પૂર્વમાં ભારત સુધી રઝળપાટ કરતા રહ્યા.  તેમણે જ્ઞાન મેળવવા સાહસભર્યાં જોખમો ખેડ્યાં. રહસ્યવાદી, મંત્ર-તંત્રજ્ઞ, ફકીર, સાધકોને ચરણે બેઠા.મજૂરી કરી, બૂટ પોલિશ કરી અને ફૂલો પણ વેચ્યાં.

અલગારી રખડપટ્ટી છોડી 1912માં મોસ્કોમાં ઠરીઠામ થયા.

અહીં એક નાનકડી હોટેલમાં પીટર ઉસ્પેન્સ્કી (Peter D. Ouspenski 1878-1947) અને ગુર્જિયેફ (ગુર્જેફ કે ગુર્જિફ) ની ઐતિહાસિક મુલાકાત થઈ. બંનેએ એકબીજાને પરખી લીધા.

મહાન ‘મિસ્ટીક’, વિચારક, માસ્ટર ગુર્જિયેફના પ્રારંભના પ્રમુખ શિષ્ય તરીકે ઉસ્પેંસ્કી ગણાય છે. અનામિકા! વિધિની વિડંબના કે ઉસ્પેન્સ્કી પાછળથી ગુર્જિયેફથી છૂટા પડ્યા. આમ છતાં તેમની ગુર્જિયેફના પાયાના ચિંતનમાં શ્રદ્ધા અવિચળ રહી. જીવનભર ઉસ્પેન્સ્કીએ ગુર્જિયેફના વિચારોને આદર આપી સંકલિત કર્યા અને ગ્રંથસ્થ કર્યા. ગુર્જિયેફ ના ‘ચોથા માર્ગ’ (the fourth way) ને ઉસ્પેન્સ્કીએ શબ્દદેહ આપ્યો(The Fourth Dimension).

ગુર્જિયેફનું ચિંતન ઉસ્પેન્સ્કીના ગ્રંથ ઈન સર્ચ ઓફ ધ મિરેક્યુલસ (In Search of the Miraculous) માં ઝલકે છે.

ગુર્જિયેફના અન્ય શિષ્યોમાં સમાજના ઉચ્ચ સ્તરના બૌદ્ધિકો, કલાઉપાસકો, વ્યાવસાયિકો આદિ હતા. લેનિનના નેતૃત્વમાં રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ (ઓક્ટોબર ક્રાંતિ) વેગ પકડતી હતી અને પ્રથમ વિશ્વયુદ્ધના કારણે વાતાવરણ ડહોળાયેલું હતું ત્યારે ગુર્જિયેફને ફરીથી પોતાનાં શિષ્યો સાથે રઝળપાટ કરવી પડી.

છેવટે 1922માં ફ્રાંસમાં પેરિસની દક્ષિણે ફોન્ટેંબ્લુ-એવન ખાતે ગુર્જિયેફની પ્રતિષ્ઠિત સંસ્થા ‘ઈંસ્ટીટ્યુટ ફોર ધ હાર્મોનિયસ ડેવલપમેન્ટ ઓફ મેન’ (Institute for the Harmonious Development of Man, Fontainebleau-Avon, Paris, France founded by Gurdjieff. Also known as Le Prieure) ની સ્થાપના થઈ.

જીવનનાં ગૂઢ રહસ્યોને ખોજવા માર્ગદર્શક બનતી ગુર્જિયેફની આ સંસ્થા વિશ્વપ્રસિદ્ધ અધ્યાત્મકેન્દ્રી સ્કૂલ (esoteric spiritual school of Gurdjieff) બની.

1949માં ગુર્જિયેફનું અવસાન થયું.

તારા મિત્રો સાથે આ વિષયમાં આદાન-પ્રદાન કરજે અને મને વિગતે જણાવજે. સસ્નેહ આશીર્વાદ.

6 thoughts on “અનામિકાને પત્ર: 24

  1. ગુર્જિયેફ વિશે ગુજરાતી નેટ પર આ પ્રથમ ઉલ્લેખ હશે. ગુર્જિયેફની શિક્ષા-પદ્ધતિ અંગે લખી શકો? ચોથા માર્ગ પર આપ ક્યારે પ્રકાશ પાડશો તેની પ્રતીક્ષા રહેશે. આપના પ્રયત્નો સફળ થાય અને ઇંટરનેટ પર ગુજરાતના વાચકોની રુચિ કેળવાય તેવી કામના. આપને અભિનંદન.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s