અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1810

પ્રિય અનામિકા,

બીબીસીની ‘બ્લ્યુ પ્લેનેટ’ અંગે તમારા ગ્રુપની વિડીયો ક્લિપ મને ખૂબ જ ગમી. તમારું ગ્રુપ મરીન પોલ્યુશન પર જાગૃતિ જગાવી રહ્યું છે તે પ્રશંસાપાત્ર છે.

કદાચ બે ત્રણ મહિના પહેલાં તેં એક પત્રમાં ‘વોગ’ મેગેઝિનના લેખનો ઉલ્લેખ કરેલ જેમાં યુકેની મોસ્ટ ઇન્ફ્લ્યુએન્શિયલ વિમેનની યાદી હતી. તેમાં ખ્યાતનામ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે બાયોટેકનોલોજીમાં સંશોધન કરતાં ભારતીય મહિલા વૈજ્ઞાનિક પ્રિયંકા જોશીનું નામ મને ચમકાવી ગયું હતું. યુવાન ભારતીય બાયો ટેકનોલોજીસ્ટ પ્રિયંકા જોશી કેમ્બ્રિજમાં પ્રોટીન અને અલ્ઝાઇમર ડિસીઝને લગતી રીસર્ચના કારણે પ્રસિદ્ધિ પામ્યાં છે. તેમનું નામ મેગાન માર્કલ (ડચેસ ઓફ સસેક્સ), ‘હેરી પોટર’ ફેઇમ જેકે રાઉલિંગ અને ‘બ્લ્યુ પ્લેનેટ ભાગ 2’ ફેઇમ  ઓર્લા ડોહર્ટી સાથે વાંચીને મને પ્રિયંકા જોશી માટે વિશેષ માન થયું હતું.

‘બ્લ્યુ પ્લેનેટ’ની ક્લિપ જોતાં ઓર્લા ડોહર્ટી સાથે ઘણાં બધાં નામ સામે આવે છે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અમારા બાળપણમાં તો શું, કોલેજ કાળે પણ હજી ટેલિવિઝન આવ્યું ન હતું! સરી જતી યુવાની સમયે ઘરોમાં ટીવી ગોઠવાવાં લાગ્યાં!

પહેલાં તો નિરસ દૂરદર્શનને વેઠવું પડ્યું. પછી દૂરદર્શનના નવા અવતારે ટીવી પડદે વિશ્વ દેખાતું થયું.

પ્રૌઢત્વના ઉદયકાળે બીબીસી, નેશનલ જ્યોગ્રાફિક, ડિસ્કવરી અને હિસ્ટ્રી જેવી ચેનલોએ મારા ઘડતરમાં ઘણો મોટો ફાળો આપ્યો છે. બ્રહ્માંડ તથા પૃથ્વી પરત્વે મારી સંવેદનશીલતા વધારી મને વિચારશીલ બનાવવામાં આ ચેનલોનું ખાસ યોગદાન છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો  ©હરીશ દવે **

આજે બેનમૂન ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘બ્લ્યુ પ્લેનેટ’ની વાત કરીએ તો ડેવિડ એટનબરો તરત નજરે તરે!

આમ તો પૂરું એટનબરો ખાનદાન પ્રતિભાવાન, પણ રિચાર્ડ એટનબરો અને ડેવિડ એટનબરોની વાત લખતાં પુસ્તકો ભરાય. રિચાર્ડ મોટાભાઈ, ડેવિડ તેમના નાના ભાઈ.

રિચાર્ડ એટનબરો બ્રિટીશ એકેડેમી ઑફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (બાફ્ટા) ના પ્રેસિડેન્ટ હતા. મારે મન રિચાર્ડ એટનબરો નામ પ્રત્યે ત્વરિત પ્રતિભાવ એટલે ફિલ્મ ‘ગાંધી’ અને  ‘જુરાસિક પાર્ક’. હા, ફિલ્મ ‘ગ્રેટ એસ્કેપ’ પણ પછી યાદ આવે ખરી! રિચાર્ડ એટનબરો આજે નથી, પણ તેમના લઘુ બંધુ ડેવિડ એટનબરો આજે 92 વર્ષની ઉંમરે ય બ્રિટનના આદરપાત્ર રાષ્ટ્રીય સેલિબ્રિટી ગણાય છે.

ડેવિડ એટનબરો બ્રિટીશ ટીવી પર પ્રેઝન્ટર – બ્રોડકાસ્ટર તરીકે નામના પામ્યા. તું કદાચ જાણતી હોઇશ, અનામિકા, કે વિશ્વની સૌથી જૂની બ્રોડકાસ્ટિંગ કંપની ‘બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન’  (બીબીસી) સાથે ડેવિડ દાયકાઓ સુધી સંકળાયેલ રહ્યા છે. તેમની ‘લાઇફ ઓન અર્થ’ સિરિઝમાં ‘લિવિંગ પ્લેનેટ’ (1984) દ્વારા ડેવિડ એટનબરોને વિશ્વપ્રસિદ્ધિ મળી.  ડેવિડ એટનબરોએ જે લગન, સમર્પણ અને પરિશ્રમ સાથે લિવિંગ પ્લેનેટનું સર્જન કર્યું તે બેમિસાલ છે. તેમની ડોક્યુમેંટરી ફિલ્મ ‘બ્લ્યુ પ્લેનેટ’ (2001) પણ ખૂબ લોકપ્રિય થઈ.

અણદીઠી દરિયાઈ સૃષ્ટિને જીવંત કરતી બ્લ્યુ પ્લેનેટ તેની અદભુત અંડરવોટર ફોટોગ્રાફીને લીધે એક બેજોડ નેચર ડોક્યુમેન્ટરી સાબિત થઈ. તેની સફળતાના પગલે 2017માં ‘બ્લ્યુ પ્લેનેટ – 2’ (Blue Planet II) બનાવવામાં આવી. નેવું વર્ષ પાર કરી ચૂકેલા વયોવૃદ્ધ ડેવિડ એટનબરોએ નેરેટર-પ્રેઝન્ટર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી. હોલિવુડના જગવિખ્યાત મ્યુઝિક કંપોઝર હાન્સ ઝીમરનું કર્ણપ્રિય  સંગીત ‘બ્લ્યુ પ્લેનેટ–2’ માટે આકર્ષણ બન્યું. અનામિકા! હાંસ ઝીમરનું નામ પડે અને ડસ્ટિન હોફમેન – ટોમ ક્રુઝની અદાકારીવાળું ‘રેઇન મેન’ યાદ આવે ને? હાન્સ ઝીમરના મધુર મ્યુઝિક કોમ્પોઝિશનને આપણે ‘રેઇન મેન’થી માંડી ઇન્ટરસ્ટેલર અને ‘ઇન્સેપ્શન’ જેવી હોલિવુડની સુપરહીટ ફિલ્મોમાં માણી ચૂક્યા છીએ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો  ©હરીશ દવે **

 ‘બ્લ્યુ પ્લેનેટ – 2’નો એપિસોડ ‘ધ ડીપ’ રજૂ થયો ત્યારે તો દર્શકો તાજ્જુબ થઈ ગયા! એપિસોડ પ્રોડ્યુસર ઓર્લા ડોહર્ટીની કામગીરીએ બીબીસીની ડોક્યુમેંટરી ‘બ્લ્યુ પ્લેનેટ – 2’ની લોકપ્રિયતાને નવી ઊંચાઈએ પહોંચાડી! જે દરિયામાં માનવી અગાઉ કદી ગયો ન હતો, ત્યાંની જળચર સૃષ્ટિને કેમેરામાં કેદ કરી ઓર્લા ડોહર્ટીએ દુનિયાને ચકિત કરી દીધી! કદી ન નિહાળેલાં દરિયાઈ જીવોનાં જીવનનાં અવિશ્વસનીય દ્રશ્યો!

ઓર્લા ડોહર્ટીએ બ્લ્યુ પ્લેનેટ – 2 માટે ‘ધ ડીપ’ અને ‘અવર બ્લ્યુ પ્લેનેટ’ એપિસોડ નિર્માણ કર્યા.

યુકે અને યુએસએના ટેલિવિઝન પર રજૂઆત પામ્યા પછી  ‘બ્લ્યુ પ્લેનેટ – 2’ વિશ્વમાં ચર્ચા જગાવી ગઈ છે. દરિયાઈ સંપત્તિને પ્લાસ્ટિક જેવાં પ્રદૂષણોથી બચાવવા જનમત જાગૃત થયો છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો  ©હરીશ દવે **

મૂળે આઇરિશ એવા ઓર્લા ડોહર્ટી સમુદ્ર-સૃષ્ટિના પ્રેમી.

દસ વર્ષથી વધારે સમયથી વધારે દરિયાને ખોળે રહી એશિયાથી આર્ક્ટિક સુધીના સમુદ્ર ખૂંદી ચૂક્યા હતા.

ડીપ-સી ફિલ્મિંગમાં ડોહર્ટીની સિદ્ધહસ્ત કાબેલિયત. અનામિકા! આ અનુભવ તેમને ‘ધ ડીપ’ ના શુટિંગ વખતે કામ લાગ્યો. એક કલાકના એપિસોડ માટે ઓર્લા ડોહર્ટીએ આશરે 500 કલાક દરિયાના ઊંડા, અજાણ્યા પ્રદેશોમાં ‘સબમર્સિબલ’માં વીતાવ્યા. ન તો જગ્યા જાણીતી, ન પરિસ્થિતિ, ન તો ત્યાંના જળચર પ્રાણીઓ.

પડકારરૂપ શુટિંગ માટે દુનિયાના એકલાઅટૂલા એન્ટાર્ક્ટિક ખંડના અગોચર બર્ફીલા સમુદ્રમાં, ભારે દબાણવાળા દરિયાઈ વાતાવરણમાં, સેંકડો મીટર ઊંડે કલાકો વીતાવનાર આ મહિલા પ્રોડ્યુસરની જવાંમર્દીને દાદ દેવી પડે! ક્યારેક ક્યારેક તો દરિયાના પાણીમાં ઊંડે સતત બે-ત્રણ કલાક રહેવું પડ્યું હોય તેમ પણ બન્યું! આવી બેમિસાલ જહેમત પછી જે ‘બ્લ્યુ પ્લેનેટ – 2’નું સર્જન થાય તે બેમિસાલ જ હોય ને!

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વોગ મેગેઝીને  ‘બ્લ્યુ પ્લેનેટ – 2’ના એપિસોડ ‘ધ ડીપ’ના પ્રોડ્યુસર ઓર્લા ડોહર્ટીને પ્રતિભાવંત મહિલા તરીકે નવાજ્યા છે , તે યથાયોગ્ય છે.

બ્લ્યુ પ્લેનેટની વાત પરથી એક પ્રશ્ન ઊઠે છે: ફોટોગ્રાફીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રોલ કેટલો વિકસશે? ‘મધુસંચય’ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેની પોસ્ટમાં તારો રસ જોઈને આ પ્રશ્ન મૂકું છું.

તમારા ગ્રુપની ચર્ચાથી વાકેફ કરતા રહેશો.

સસ્નેહ આશીર્વાદ

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો  ©હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** **

અનામિકા લેખ: ડેવિડ એટનબરો, બ્લ્યુ પ્લેનેટ તથા ઓર્લા ડોહર્ટી: પૂરક માહિતી

  • રિચાર્ડ એટનબરો: Richard Attenborough (1923-2014), UK
  • ડેવિડ એટનબરો: David Attenborough (1926- ), UK
  • લિવિંગ પ્લેનેટ: Living Planet – Documentary (1984) by BBC, directed by David Attenborough
  • બ્લ્યુ પ્લેનેટ: Blue Planet – Documentary (2001)
  • બ્લ્યુ પ્લેનેટ – 2: Blue Planet II – Documentary (2017)
  • ઓર્લા ડોહર્ટી: Orla Doherty
  • હાન્સ ઝીમર/ હાંસ ઝિમર/ હાન્સ ઝીમ્મર: Hans Zimmer (1957- ), German composer settled in USA

*** * * ** * **** * * ** *** * ** ** *** *** * * *** * * ** * *

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો  ©હરીશ દવે **

*** * * ** * **** * * ** *** * ** ** *** *** * * *** * * ** * *

Leave a comment