સાયન્સ અને ટેકનોલોજીની પાંખે સવાર થયેલું વિશ્વ અકલ્પનીય વેગે પ્રગતિના પંથે દોડી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા માનવીની જિંદગીમાં વણકલ્પ્યાં આયામો ઉમેરી રહ્યાં છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધુનિક વિશ્વના તમામ વ્યવહારોમાં સ્થાન લઈ ચૂકી છે. માનવજીવનનાં વિધવિધ પાસાંઓને સ્પર્શવા લાગેલી એઆઈનો હેલ્થકેર ક્ષેત્ર પર ઘેરો પ્રભાવ છે. પલટાતી જીવનશૈલી અને પરિવર્તિત થતું પર્યાવરણ મનુષ્યના સ્વાસ્થ્યને ગંભીર ક્ષતિ પહોંચાડી રહ્યાં છે. હેલ્થકેર ફિલ્ડમાં નિદાન અને ચિકિત્સા સેવાઓ માટે ભારે પડકારો છે. પરિણામે આરોગ્ય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે.
“અનામિકા’ના આજના લેખમાં હેલ્થકેર ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વિસ્તરતી ઉપયોગિતા વિશે જાણીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેબ્રુઆરી 11, 2019ના રોજ ‘અમેરિકન એઆઇ ઇનિશિયેટિવ’ માટેના એક્ઝીક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર થયા અને અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નવા યુગનાં મંગળાચરણ થયાં. વિશ્વભરમાં તે સમાચાર ચમકી ઊઠ્યાં.
યુનાઇટેડ સ્ટેટ્સ ગવર્નમેન્ટ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રસાર માટે ખાસ પોર્ટલ ઊભું કરાયેલ છે. અમેરિકાના વ્હાઇટ હાઉસ (યુએસએ)ની ઓફિશિયલ વેબસાઇટ પર ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ધ અમેરિકન પીપલ’ આપને આશ્ચર્યચકિત કરી દેશે!
દુનિયાભરના દેશોને એઆઇની જરૂરત સમજાઈ ગઈ છે. પરિણામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માનવજીવનના વ્યવહારોમાં અભિન્ન રીતે ગૂંથાતી જાય છે. એઆઇનો ઉપયોગ માત્ર વિજ્ઞાન ક્ષેત્રે મર્યાદિત નથી રહ્યો તે ‘અનામિકા’ના વાચકો જાણે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
બિગ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: પાયાની સમજ
આ લેખમાં આપણે વિજ્ઞાનની ચુસ્ત પરિભાષાઓ અને ગહન સમજૂતિઓને છોડી, ;અનામિકા’ના સામાન્ય વાચકને પણ સમજાય તેવી ખપ પૂરતી માહિતી મેળવીશું.
દુનિયા જેમ જેમ નાની થતી જાય છે, તેમ તેમ વિશ્વના નાગરિકો, સંસ્થાઓ, વ્યાપારી એકમો અને તેઓની વચ્ચે થતા વ્યવહારોનો ડેટા વધતો જ જાય છે. રોજબરોજના વ્યાવસાયિક કે બિનવ્યાવસાયિક વ્યવહારો જંગી ડેટા પેદા કરે છે.
વિવિધતાભર્યા માસિવ, કોમ્પ્લેક્સ ડેટાને ‘બિગ ડેટા’ કહેવામાં આવે છે. જો કે બિગ ડેટાને સમજવા ‘અનામિકા’ પરનો 29 જુલાઈ 2019નો લેખ વાંચવા વિનંતી છે.
બિગ ડેટાને અર્થપૂર્ણ બનાવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અર્થાત એઆઇ! આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે જાણે મશીન (ડિવાઇસ/ ગેજેટ) ને આપવામાં આવેલી, ‘માનવબુદ્ધિ’ જેવી બુદ્ધિ! કમસે કમ આજે તો એવું જણાય છે કે તે માનવબુદ્ધિનો પર્યાય નથી, આખરે તે છે તો મર્યાદિત કૃત્રિમ બુદ્ધિ!
ક્લાઉડ ટેકનોલોજી ડેવલપ થતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટાની ઉપયોગિતાનો વ્યાપ વધ્યો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી મશીન સ્વયં, સ્વતંત્રતાથી અમુક ચોક્કસ કાર્યો (ટાસ્ક) કરતાં શીખે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જંગી બિગ ડેટામાંથી પેટર્ન શોધી લે છે, તારણો મેળવે છે, નવા આવતા જતા ડેટામાંથી શીખતાં જઈને સોંપેલ કાર્ય/ કામગીરી વધારે સફળતાથી કરી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મુખ્ય હેતુઓમાં લર્નિંગ, લોજીક અને રીઝનિંગ, પર્સેપ્શન ઉપરાંત નેચરલ લેંગ્વેજ પ્રૉસેસિંગ (એનએલપી) આદિ સમાવિષ્ટ છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ શું છે?
મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતું મશીન અલ્ગોરિધમ (આલ્ગોરિધમ) તરીકે ઓળખાતા સોફ્ટવેર (પ્રોગ્રામ / સૂચન-સંગ્રહ) નો ઉપયોગ કરે છે. મશીનનું આવું અલ્ગોરિધમ તેને પ્રાપ્ય ડેટા પરથી કામગીરી (ટાસ્ક) શીખતું જાય તેને મશીન લર્નિંગ (એમએલ) કહે છે.
મશીન લર્નિંગ (એમએલ) માટે ભાતભાતની સ્ટેટિસ્ટિકલ મેથડ્સ/ ટેકનિક્સ દ્વારા થયેલ ડેટા એનાલિસિસ/ પ્રૉસેસિંગ જરૂરી છે. મશીન લર્નિંગથી તારણો મેળવવા ડેટા ક્લાસિફિકેશન (વર્ગીકરણ) અને ડેટામાંથી પેટર્ન લર્નિંગ જાણવાની જરૂર પડે છે. ક્લાસિફિકેશન અને પેટર્ન લર્નિંગ માટે ‘ન્યુરાલ નેટવર્ક સિસ્ટમ’ મદદરૂપ થાય છે.
વોલ્યુમિનસ અને કોમ્પ્લેક્સ ડેટાના પ્રૉસેસિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉચ્ચ કક્ષાની ટેકનિક ‘ડીપ લર્નિંગ’ પ્રયોજાય છે, તે ‘અનામિકા’ના વાચકો જાણે છે. કોમ્પ્લેક્સ ડેટામાં વિવિધ સ્તરો પર જટિલ રીતે સંકળાયેલા ઘણા બધા ચલ (વેરિયેબલ્સ) પર કામ કરવું પડે છે જેમાં સાદી સીધી મશીન લર્નિંગ ટેકનિક્સ ઉપયોગી નીવડતી નથી. તેમાં ‘ડીપ લર્નિંગ’ની મદદ લેવાય છે. સાદી સમજૂતિ માટે, ડીપ લર્નિંગને અતિ સંકુલ પ્રકારની એડવાન્સ્ડ મશીન લર્નિંગ ટેકનોલોજી ગણી શકાય.
તાજેતરના સમાચારોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની એક ક્રાંતિકારી સિદ્ધિ વાજતે ગાજતે ચમકી છે. ઇંગ્લેન્ડમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટે એક તદ્દન નવી દવા (ડ્રગ/ મેડિસિન) સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ‘શોધવામા’ આવી છે અને હવે તે ક્લિનિકલ ટ્રાયલ માટે તૈયાર છે. એઆઇ દ્વારા ડેવલપ થઈ ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂર થનાર તે પ્રથમ મેડિસિન (ડ્રગ) છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના મહત્ત્વના લાભ
અર્વાચીન યુગમાં વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી વ્યાપક રૂપે પ્રચલિત બની છે. આધુનિક વ્યવહારોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશિષ્ટ રીતે ફાયદાકારક છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મહત્ત્વના લાભ પર નજર નાખીએ:
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અગણિત પ્રકારનાં કાર્યો સ્વતંત્રતાથી કરી શકે છે અને માનવીને તેની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે. મનુષ્યની માનસિક શારીરિક શક્તિ બચવા સાથે સમયનો બચાવ પણ થાય છે.
- અનેકવિધ ઉપકરણોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને રોજિંદા ઉપયોગમાં પ્રયોજિત કરી શકાય છે, જેમકે સ્માર્ટ ફોન. આજે ટ્રાન્સ્પોર્ટેશનના આધારરૂપ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ- ‘જીપીએસ ટેકનોલોજી’માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અનિવાર્ય છે.
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લાંબા સમય સુધી એકની એક કામગીરી બજાવી શકે છે. માનવીની મર્યાદા એ છે કે તેની કાર્યશક્તિ મર્યાદિત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતાં મશીન થાક્યા વિના, સતત, વિના વિરામે સોંપેલ કામ કર્યા કરે છે.
- એઆઇ ધરાવતું ઉપકરણ તેને સોંપેલ કામને ભૂલ વગર કરી શકે છે અને ક્ષતિરહિત પરિણામો આપી શકે છે.
- સમાન પ્રોગ્રામ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતાં જુદાં જુદાં મશીન/ ડિવાઇસ એકસરખાં પરિણામ આપે છે. તેમને સ્થળ અને સમય પ્રભાવિત નથી કરતાં.
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતાં રોબોટ હોટેલ, એન્ટરટેઇનમેન્ટથી માંડી ફેક્ટરી અને ડિફેન્સ જેવાં પડકારરૂપ ક્ષેત્રોમાં પણ કામ કરે છે. જે કામ મનુષ્ય માટે જોખમી હોય છે, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતી ડિવાઇસ સહેલાઈથી કરી શકે છે.
- ડાર્ક મેટરથી માંડી એસ્ટ્રોફિઝિક્સના અનેક રહસ્યમય ભેદ ઉકેલવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લાભકારી નીવડશે. સૂર્યમંડળ (સોલર સિસ્ટમ) ના દૂર-સુદૂરના અગમ્ય પ્રદેશોમાં એઆઇ- પાવર્ડ સ્પેસક્રાફ્ટ મોકલી શકાશે જે વિકટ પરિસ્થિતિઓમાં પણ મહત્ત્વની કામગીરી બજાવી શકશે.
- એઆઇનો એક વિસ્મયકારી ઉપયોગ ‘ક્લાઇમેટ ચેઇન્જ’ ક્ષેત્રે પર્યાવરણ બચાવવા માટે કરી શકાશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ડ્રોનને અવકાશમાં તરતા મૂકાશે જે મહાસાગરો પર પડતા આકરા સૂર્યકિરણોને ખાળશે અને પરિવર્તિત કરીને પૃથ્વીના પર્યાવરણને બચાવશે. .
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
મેડિકલ ક્ષેત્રે બિગ ડેટા
મેડિકલ ક્ષેત્ર કેટલું વિશાળ છે! વિશ્વમાં રોજેરોજ કરોડો દર્દીઓ, અગણિત ડૉક્ટરો, ક્લિનિકો, પેથોલોજી લેબ, રેડિયોલોજી સેન્ટરો અને હોસ્પિટલો પરસ્પર ઇન્ટરએક્ટ કરે છે. તેનાથી કેટલો જંગી ડેટા પેદા થતો હશે! તેમાં વળી પ્રિસ્ક્રિપ્શનની દવાઓ, ફાર્મસીઓ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ જોડાય તો તો પૂછવું જ શું!
મેડિકલ ક્ષેત્રમાં બિગ ડેટા પડકારરૂપ છે. આ પ્રકારના ‘મેડિકલ બિગ ડેટા’માં પેશન્ટ વિષયક ટેક્સ્ચ્યુઅલ ડેટા હોય જેમકે દર્દીનાં નામ-ઠામ આદિ વિગતો, ડૉક્ટરે નોંધેલા રોગનાં ચિહનો, નિદાન, પેથોલોજી રિપોર્ટ્સ, પ્રિસ્ક્રિપ્શન આદિથી બનતો ‘ટેક્સ્ટ ડેટા’ હોય, ઉપરાંત એક્સ રે – સ્કેનનો જટિલ ‘ઇમેજ ડેટા’ હોય. સંશોધન કેંદ્રોના ક્લિનિકલ રિપોર્ટ્સ પણ હોય. ફળસ્વરૂપ અતિ જંગી માત્રામાં સ્ટ્રક્ચર્ડ – અનસ્ટ્રક્ચર્ડ ડેટા બને. મેડિકલ ક્ષેત્રમાં આવા કોમ્પ્લેક્સ, માસિવ અને અનરિલેટેડ જણાતા ડેટાને પ્રૉસેસ કરવો અને તેમાંથી અર્થપૂર્ણ તારણો મેળવવા તે બિગ ડેટા ટેકનોલોજીનું કામ છે. તેમાં ક્લાઉડ ટેકનોલોજી મદદરૂપ થાય છે..
બિગ ડેટા ટેકનોલોજીના પ્રયોજનથી ડૉક્ટર પોતાના પેશન્ટના રોગનું ત્વરિત અને ભરોસાપાત્ર નિદાન કરી શકે છે અને તેના માટે યોગ્ય ટ્રીટમેન્ટ (ચિકિત્સા) સૂચવી શકે છે. બિગ ડેટાની સફળતા પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, તે આપે અગાઉના લેખમાં વાંચ્યું છે. ક્લિનિકલ પ્રેક્ટિસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મહત્તા દિન-પ્રતિદિન વધવા લાગી છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હેલ્થકેર ક્ષેત્રે વ્યાપક ઉપયોગ
ગ્લોબલ હેલ્થ કેર માર્કેટ 10 ટ્રિલિયન ડોલર પહોંચ્યાની ધારણા છે. વિશ્વમાં ફિઝિશિયન્સ અને ડેંટિસ્ટ્સ દોઢ કરોડથી વધારે અને અન્ય નર્સિંગ-પેરામેડિકલ સ્ટાફ અઢી કરોડ જેટલો હોવાનો અંદાજ છે. ગ્લોબલ ફાર્મા માર્કેટ 1200 બિલિયન ડોલર પાર કરી ચૂક્યું છે. આવા બહોળા પાયા પરની આરોગ્ય સંબંધિત સેવાઓના આયોજન અને સંચાલન અર્થે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જંગી મેડિકલ ડેટાનો તલસ્પર્શી અભ્યાસ કરી વિના વિલંબે વિશ્વાસપાત્ર તારણો આપી શકે છે. તેનાથી મેડિકલ પ્રોફેશનને વિવિધ રોગજન્ય સ્થિતિઓનો ચિતાર મળે છે અને પેશન્ટની બીમારીઓ અને આરોગ્ય-સમસ્યાઓની માહિતી મળે છે. આમ, એઆઈની મદદથી ઝડપી નિદાન થતાં ડૉક્ટર દર્દીની ત્વરિત અને યોગ્ય ચિકિત્સા શરૂ કરી શકે છે.
એઆઇ પાવર્ડ રોબોટ્સ હેલ્થકેર ક્ષેત્રે પ્રવેશી ચૂક્યા છે. એઆઇ સંચાલિત રોબોટનો એક મહત્ત્વનો ઉપયોગ દર્દીની સાર-સંભાળ (દાત નિયત સમયે દવા આપવી) માં સૂચવાયો છે.
હોસ્પિટલ મેનેજમેન્ટમાં એઆઇનો મોટો ફાળો છે. વળી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને નવી દવાઓ શોધવા અને ચકાસવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદગાર બની છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
મેડિકલ વિજ્ઞાનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આધુનિક મેડિકલ સાયન્સનો આધારસ્તંભ બનતી જાય છે.
વિશ્વભરમાં હેલ્થ કેર પ્રોફેશન પરસ્પર અખૂટ મેડિકલ ડેટાની આપલે કરે છે. જે કોમ્પ્લેક્સ અને અસંબંધિત જણાતા ડેટામાંથી તારણો નીકાળતાં ફિઝિશિયનને દિવસો લાગી જાય છે, તે જ ડેટાની એનાલિસિસ કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ત્વરિત નિષ્કર્ષ આપે છે. આવો પરિણામલક્ષી નિષ્કર્ષ ડૉક્ટરનો સમય બચાવે છે અને દર્દીને સમયસર, યોગ્ય સારવાર મળી શકે છે.
મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રૉસેસિંગ, ન્યુરાલ નેટવર્ક– ડીપ લર્નિંગના પ્રયોજનથી મેડિકલ સાયન્સને નવી પાંખો ફૂટી છે. કેન્સર અને વિભિન્ન ન્યુરોલોજીકલ ડિસઓર્ડરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અનિવાર્ય બની છે. મેડિકલ ઇમેજિંગમાં એઆઇ વિસ્મયકારી મદદ કરે છે, સીટી સ્કેન અને એમઆરઆઇના અખૂટ ડેટા પરથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપ લર્નિંગની મદદથી, કેન્સરનું ચોકસાઈથી નિદાન કરી શકાય છે. તે જ પ્રમાણે ન્યુરોલોજીના અટપટા ડિસઓર્ડર્સનાં નિદાનમાં પણ તે ખૂબ જ વિશ્વાસપાત્ર સાબિત થાય છે. ડૉક્ટરની નજરે ન ચઢે તેવી નાની, બિનમહત્ત્વની જણાતી માહિતીમાંથી પણ એઆઇ કોઈક અર્થ નીકાળી શકે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક અગત્યની ટેકનિક ‘એનએલપી’ તરીકે ઓળખાતી નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ છે. ‘અનામિકા’ના વાચકો જાણે છે કે એનએલપીની મદદથી વિશ્વભરનાં ક્લિનિકલ રીસર્ચ ડોક્યુમેન્ટેશનનાં વર્ગીકરણ તથા અર્થઘટન સુગમ બનેલ છે. પરિણામે એઆઇ તબીબી સંશોધનોના આયોજનમાં તથા નિર્ણયોમાં ઉપયોગી છે. તે વિશ્વભરમાં થયેલ અગણિત ક્લિનિકલ રીસર્ચ ટ્રાયલોના ડેટામાંથી ઇચ્છનીય માહિતી પલકારામાં આપી શકે છે.
તબીબી વિજ્ઞાનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) નો એક નોંધપાત્ર ફાયદો એ છે કે ‘રિમોટ મેડિકલ સેવા’ શક્ય બની છે. અંતરિયાળ વિસ્તારમાં રહેલ દર્દીના મેડિકલ ડેટાનું પૃથક્કરણ કરી, દૂર શહેરમાં રહેલ ડૉક્ટર મેડિકલ એડવાઇઝ આપી શકે છે.
એઆઇ આધારિત ઇન્ડસ્ટ્રિયલ રોબોટ્સની ઉપયોગિતા આપણને વિદિત છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા રોબોટ્સ મેડિકલ સાયન્સની સેવામાં આવી ગયા છે. અમેરિકામાં સર્જીકલ ફિલ્ડમાં ‘સર્જીકલ રોબોટ’ના ઉપયોગને વર્ષ 2000માં મંજૂરી મળી. અમેરિકા પછી યુરોપમાં પણ રોબોટિક સર્જરી થવા લાગી અને આજે તો દુનિયાભરમાં સર્જનોની મદદે ઓપરેશન થિયેટરોમાં સર્જીકલ રોબોટ્સ આવી ગયા છે.
તબીબી વિજ્ઞાન અને દવા ઉદ્યોગ અંતરંગ રીતે સંકળાયેલ છે. સ્વાસ્થ્યરક્ષણ અને સંવર્ધન માટે નવીનતમ અને વિશેષ અસરકારક દવાઓ માર્કેટમાં મૂકતા રહેવાની જવાબદારી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર છે. મેડિકલ ક્ષેત્ર અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં હવે બિગ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહોળા પાયે પ્રયોજિત થઈ રહ્યાં છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
One thought on “મેડિકલ વિજ્ઞાનમાં આધારસ્તંભ બનતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ”