અનામિકાને પત્રો · વિષય: પરિચય

વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ: કેટલીક પ્રસિદ્ધ યુનિવર્સિટીઓની ઝલક

 

વિશ્વની પ્રથમ શ્રેણીની યુનિવર્સિટીઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની શ્રેષ્ઠતમ કોલેજો તથા યુનિવર્સિટીઓ ઉચ્ચ સ્થાન પામે છે.

દુનિયાની શ્રેષ્ઠ શિક્ષણસંસ્થાઓનાં નામ લેવાય તો યુએસએની હાર્વર્ડ, એમઆઇટી અને સ્ટેનફર્ડ સાથે યુકેની ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ આદિ યુનિવર્સિટીઓ પ્રથમ હરોળમાં આવે. આમ છતાં શિક્ષણ ક્ષેત્રે અમેરિકન એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ્સની વિશેષ મહત્તા છે.

ઇંગ્લેન્ડની પ્રાચીન યુનિવર્સિટીઓ ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય છે. સંયુક્ત રીતે ઑક્સબ્રિજના નામે ઓળખાતી આ બે બ્રિટીશ યુનિવર્સિટીઓ અમેરિકાની  હાર્વર્ડ – એમઆઇટી – સ્ટેનફર્ડની પ્રતિષ્ઠા સાથે સ્પર્ધા કરી શકે છે.

અહીં પ્રશ્ન ઊભો થાય કે એજ્યુકેશનના ફિલ્ડમાં શ્રેષ્ઠ યુનિવર્સિટી કે કોલેજ કયા આધારે ગણવી? આવી શિક્ષણસંસ્થાઓને ક્રમાંક કેવી રીતે આપવા? શિક્ષણ ક્ષેત્રે સંસ્થાની ગુણવત્તા આંકવાના માપદંડ કયા? અહીં એકમત ન હોવાથી દેશની કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીઓ ભિન્ન ભિન્ન સ્રોતોમાં અલગ અલગ જોવા મળે છે, વળી તે યાદીઓ સતત બદલાતી પણ રહે છે. .

‘અનામિકા’ના આજના લેખમાં દુનિયાભરની શ્રેષ્ઠ કોલેજ-યુનિવર્સિટીઓ-શિક્ષણસંસ્થાઓ પર નજર નાખીએ  અને વિશ્વની પ્રથમ ક્રમની કેટલીક યુનિવર્સિટીઓ વિશે પાયાની જાણકારી મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

લાખો વર્ષો પહેલાં પૃથ્વી પર આવેલા માનવીને પ્રાકૃત અવસ્થામાંથી સંસ્કૃત અવસ્થામાં આવતાં યુગો વીત્યાં. છેલ્લાં થોડાં હજાર વર્ષોમાં તેણે સંસ્કાર કેળવ્યા. થોડા સૈકાઓ પહેલા શિક્ષણની સંસ્થાઓ શરૂ થઈ.

આજે શિક્ષણનું ક્ષેત્ર એટલું વિકસેલ છે કે દુનિયાની ઉત્તમ શિક્ષણ સંસ્થાઓ પસંદ કરવા માટે 1000થી વધુ કોલેજ-ઇંસ્ટીટ્યૂટ-યુનિવર્સિટીઓને ધ્યાનમાં લેવામાં આવે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિશ્વની સૌ પ્રથમ યુનિવર્સિટી

ભારતવર્ષની સંસ્કૃતિના ગૌરવરૂપ વિશ્વવિદ્યાલયો નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠની વાત આપણે વાંચી છે. સદીઓ પૂર્વ આ વિદ્યાપીઠો નામશેષ બની. દુ:ખદ હકીકત એ છે કે આજે ભારતીય શિક્ષણ વ્યવસ્થા અને સ્તર એવાં કથળી ગયાં છે કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં, પ્રથમ 200 યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટીને સ્થાન નથી!

નાલંદા અને તક્ષશિલા વિશ્વવિદ્યાલયો આજે નથી. વર્તમાનમાં પણ કાર્યરત હોય તેવી વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટી કઈ? વિશ્વની સૌ પ્રથમ યુનિવર્સિટી કઈ છે?

યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સની સંસ્થા) તેમજ ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ’ અનુસાર આફ્રિકાના મોરોક્કો દેશની યુનિવર્સિટી ઑફ કારાવિય્યિન (કારુઇન / કારવિયિન) વિશ્વની સૌ પ્રથમ યુનિવર્સિટી છે, જે હાલમાં પણ અસ્તિત્વમાં છે. દુનિયાની સૌથી જૂની યુનિવર્સિટી કારાવિય્યિન યુનિવર્સિટી મોરોક્કો દેશમાં ઇસ 859 માં સ્થાપવામાં આવી હતી.

વિશ્વની બીજી સૌથી પ્રાચીન યુનિવર્સિટી યુરોપના ઇટલી દેશમાં આવેલ યુનિવર્સિટી ઑફ બોલોગ્ના (બોલોન્યા/ બોલોગ્ન્યા/ બોલોજ્ઞા) છે. ઇસ 1088માં સ્થપાયેલ યુનિવર્સિટી ઓફ બોલોગ્ના (બોલોન્યા) ને યુરોપની પ્રથમ યુનિવર્સિટી ગણવામાં આવે છે.

એક વાત નોંધવી રહી કે ધાર્મિક શિક્ષણને પ્રાધાન્ય આપતી હોવાથી યુનિવર્સિટી ઓફ કારાવિય્યિનનું સ્થાન ચર્ચામાં રહે છે. જ્યારે માત્ર એકેડેમિક યુનિવર્સિટીઓની ગણના થાય છે, ત્યારે યુનિવર્સિટી ઑફ બોલોન્યા (બોલોગ્ના / બોલોગ્ન્યા) વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટી ગણાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ગ્રેટ બ્રિટનની સૌથી પ્રાચીન યુનિવર્સિટીઓ: ઑક્સફર્ડ તથા કેમ્બ્રિજ

યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ તથા યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજની ગણના વિશ્વની સર્વોત્તમ યુનિવર્સિટીઓમાં થાય છે. યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ (ઓક્સફોર્ડ) તથા યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજ ગ્રેટ બ્રિટનની સૌથી પ્રાચીન યુનિવર્સિટીઓ  છે.

ઇંગ્લેન્ડની સૌ પ્રથમ યુનિવર્સિટી ઇસ 1096માં સ્થપાયેલી યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ છે. વળી ઓક્સફર્ડ અંગ્રેજી ભાષા બોલતા દેશોની સૌ પહેલી યુનિવર્સિટી ગણાય છે. આમ, યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ ગ્રેટ બ્રિટનની સૌથી પ્રાચીન યુનિવર્સિટી છે. તે પછી 1209માં ઇંગ્લેન્ડની બીજી યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટીની સ્થાપના થઈ.

ઑક્સફર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટી સંયુક્તપણે ‘ઓક્સબ્રિજ’ તરીકે ઓળખાય છે.

વિશ્વપ્રસિદ્ધ થિયોરેટિકલ ફિઝિસિસ્ટ અને કોસ્મોલોજીસ્ટ સ્ટીફન હૉકિંગથી આપ પરિચિત છો. બ્લેક હોલની થિયરી અને ‘અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઇમ’ જેવાં પુસ્તકોથી ખ્યાતિમાં આવનાર જીનિયસ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું નામ ‘ઑક્સબ્રિજ’ સાથે સંકળાયેલ છે. સ્ટીફન હૉકિંગનો અંડરગ્રેજ્યુએટ અભ્યાસ ઑક્સફર્ડમાં તથા ગ્રેજ્યુએટ અભ્યાસ કેમ્બ્રિજમાં થયો. વિશ્વમાં 160થી વધારે નોબેલ પ્રાઇઝ વિજેતાઓ ઑક્સબ્રિજની દેન છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતના બે મહાન પરમાણુ વિજ્ઞાન – અવકાશ વિજ્ઞાનના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો: ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામના પિતા ડૉ હોમી ભાભા તથા સ્પેસ પ્રોગ્રામના પ્રણેતા ડૉ વિક્રમ સારાભાઈ. પ્રખર બુદ્ધિમાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન ટ્રીનિટી કોલેજ, કેમ્બ્રિજના ફેલો બનનાર પ્રથમ ભારતીય. આ ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર હિંદુસ્તાની વિભૂતિઓમાં મહાયોગી શ્રી અરવિંદ ઉપરાંત સર્વશ્રી સુભાષચંદ્ર બોઝ, દિલીપકુમાર રાય, જગદીશ ચંદ્ર બોઝ આદિનાં નામ પહેલાં યાદ આવે.

યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ તથા યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજ બંને વિશ્વની પ્રથમ દસ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં સ્થાન પામે છે.

અમેરિકાની સૌ પ્રથમ યુનિવર્સિટી

દુનિયામાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓ વિશે સમજૂતિ અલગ અલગ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં તો સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીના કંસેપ્ટ સૌથી અટપટા છે. સ્કૂલ સાથે કોલેજ અને કોલેજ સાથે યુનિવર્સિટીના કન્સેપ્ટ એવા ગૂંથાયેલા છે કે ચકરાઈ જવાય! પરિણામે ‘અમેરિકાની સૌ પ્રથમ કોલેજ કઈ’ અથવા ‘અમેરિકાની સૌથી પહેલી યુનિવર્સિટી કઈ’ જેવા પ્રશ્નોના ઉત્તર સરળતાથી ન મળે.

અમેરિકાની સૌથી પ્રાચીન કોલેજ-યુનિવર્સિટીઓના દાવેદાર હાર્વર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા, યેલ યુનિવર્સિટી, કોલેજ ઓફ વિલિયમ એન્ડ મેરી વગેરે છે.

હાર્વર્ડ યુનિવર્સિટી મેસેચ્યુસેટ્સ રાજ્યના કેમ્બ્રિજ (ગ્રેટર બૉસ્ટન) વિસ્તારમાં સ્થિત છે. 1636માં સ્થપાયેલ હાર્વર્ડ યુનિવર્સિટીને અમેરિકાની સૌથી જૂની યુનિવર્સિટી ગણવામાં આવે છે. અમેરિકાની પ્રથમ ક્રમાંકની યુનિવર્સિટીઓમાં હાર્વર્ડ અને એમઆઇટી આવે છે. સ્કુલ, કોલેજ અને યુનિવર્સિટીના કંસેપ્ટની ભેળસેળનું ઉદાહરણ યેલ યુનિવર્સિટી છે. યેલ યુનિવર્સિટીનું મૂળ નામ ‘કોલેજિયેટ સ્કૂલ’ હતું, 1701માં સ્થપાયેલ કોલેજિયેટ સ્કૂલ 1718થી યેલ યુનિવર્સિટી તરીકે ઓળખાઈ. અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યની યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પછી ગ્રેજ્યુએટ ડિગ્રી આપનાર પ્રથમ યુનિવર્સિટી હતી. 1740માં સ્થાપિત યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાનો પ્રારંભ તો એક સેકંડરી સ્કૂલ તરીકે થયો હતો!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિશ્વમાં શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીમાં ટોચની યુનિવર્સિટીઓ કઈ?

દુનિયામાં એકેડેમિક ક્ષેત્રે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરતી નોંધપાત્ર શિક્ષણ સંસ્થાઓની સંખ્યા 1000થી પણ વધુ છે. તેમાંથી ગણતરીના થોડા બેસ્ટ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યૂટ પસંદ કરવા પડકારરૂપ કાર્ય છે.

વિશ્વની બેસ્ટ યુનિવર્સિટીઝ કે સર્વ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદી કેવી રીતે બનાવવી? યાદીમાં ટોચની યુનિવર્સિટી કે કોલેજોનો ક્રમ શી રીતે નક્કી કરવો? આ કામ મુશ્કેલ છે. યુનિવર્સિટીની શ્રેષ્ઠતા નક્કી કરવાના માપદંડો વિશે સર્વસામાન્ય મત નથી. યુનિવર્સિટીના ક્રમ નક્કી કરવા માટે સ્ટુડન્ટ્સની સંખ્યા (એનરોલમેંટ), ફેકલ્ટીની ગુણવત્તા, ફંડ અને બજેટ સાથે આર્થિક સદ્ધરતા, યુનિવર્સિટીની સુવિધાઓ, સંશોધન પ્રવૃત્તિઓ, નોલેજ ટ્રાન્સફર, આંતરરાષ્ટ્રીય નામના, લોકપ્રિયતા, માર્કેટ રેપ્યુટેશન, પ્લેસમેન્ટ, પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીગણ (એલમ્ની) આદિ મુદ્દાઓમાંથી કોને કેટલું મહત્ત્વ આપવું તે સરળ નથી. આમ છતાં, ‘ટાઇમ્સ હાયર એજ્યુકેશન’, ‘ક્યુએસ’ વગેરે સંસ્થાઓ પોતપોતાના માપદંડો અનુસાર, વખતોવખત શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનાં લિસ્ટ જાહેર કરે છે.

યાદ રાખશો કે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના ક્રમ જુદી જુદી સંસ્થાઓની યાદીઓમાં પણ પ્રતિ વર્ષ બદલાતા રહે છે.

તેના પરથી દુનિયાનાં ઉત્તમ શિક્ષણ સંસ્થાનો અંગે તારણો નીકાળી શકાય. આવાં તારણો પરથી દુનિયાની ટોચની, સર્વોત્તમ યુનિવર્સિટીઓની યાદી બનાવી શકાય. વિશ્વની પ્રથમ ક્રમની દસ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ કઈ? વિશ્વની સર્વશ્રેષ્ઠ દસ યુનિવર્સિટીઓના આ લિસ્ટમાં યુએસએની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજીએમઆઇટી, હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ (સ્ટેનફર્ડ) યુનિવર્સિટી સાથે યુનાઇટેડ કિંગ્ડમની કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ટૉપ પર આવે; સાથે કેલિફોર્નિયા ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી (કાલ્ટેક), યુનિવર્સિટી ઓફ શિકાગો, યુનિવર્સિટી કોલેજ લંડન, ઇમ્પીરિયલ કોલેજ લંડન, ઇટીએચ ઝુરિચ (સ્વિસ ફેડરલ ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી- ઝ્યુરિચ) જેવી વિશ્વપ્રસિદ્ધ સંસ્થાઓ પણ આવે.

ભારત માટે ગંભીરતાથી વિચારવાનું છે કે વિશ્વની પ્રથમ 200 યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી સ્થાન પામતી નથી! શું ભારતીય શિક્ષણશાસ્ત્રીઓ આની નોંધ નહીં લેતા હોય? સત્તા માટે હલકી હરકતો પર ઊતરી આવતા રાજકારણીઓએ જાગવાની જરૂર નથી?

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

અમેરિકાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ

અમેરિકાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના લિસ્ટમાં  મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી (એમઆઇટી), હાર્વર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પ્રથમ આવે તેમાં શંકા નથી. તેમની સાથે કેલિફોર્નિયા ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી – કાલ્ટેક, યેલ યુનિવર્સિટી, પ્રિન્સ્ટન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ શિકાગો, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-બર્કલી જેવી શિક્ષણ સંસ્થાઓ આવે.

મેસેચ્યુસેટ્સ સ્ટેટમાં ચાર્લ્સ નદીને કિનારે અમેરિકાની બે સર્વશ્રેષ્ઠ શિક્ષણસંસ્થાઓ હાર્વર્ડ અને એમઆઇટી આવેલ છે. ગ્રેટર બૉસ્ટનના કેમ્બ્રિજમાં મેસેચ્યુસેટ્સ એવન્યુના બે છેડાના વિસ્તારોમાં હાર્વર્ડ યુનિવર્સિટી અને  મેસેચ્યુસેટ્સ ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી આવેલ છે. વિશ્વની આ શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ એકબીજાથી માંડ ત્રણેક કિલોમીટરના અંતર પર છે.

હાર્વર્ડની ખ્યાતિ મેનેજમેન્ટ, લૉ અને મેડિસિનના શિક્ષણ ક્ષેત્રે છે, તો એમઆઇટીની ખ્યાતિ એપ્લાઇડ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે વિશેષ છે.

હાર્વર્ડ યુનિવર્સિટીની કેમ્બ્રિજ અને બૉસ્ટન ખાતેની વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં પ્રતિ વર્ષ 20,000 થી વધારે વિદ્યાથીઓ એનરોલ થાય છે. 3,60,000થી વધુ એલમ્ની (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ) દ્વારા હાર્વર્ડનું મોટું યોગદાન છે. હાર્વર્ડના ડિગ્રીધારકોમાંથી 49 નોબેલ પારિતોષિક વિજેતા બન્યાં છે. 1861માં સ્થપાયેલ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજીના  પ્રતિ વર્ષ નોંધાતા (એન્રોલમેન્ટ) વિદ્યાર્થીઓની સંખ્યા વીસેક હજારથી વધુ છે, જ્યારે એલમનીનો આંક 1,37,000ને પાર કરે છે. (જો કે વિદ્યાર્થીઓના એનરોલમેંટનું અર્થઘટન જુદી જુદી રીતે થતું હોય છે). એમઆઇટીએ 90 નોબેલ પ્રાઇઝ વિજેતા અને 15 ટ્યુરિંગ પ્રાઇઝ (એ એન તુરિંગ/ ટ્યુરિંગ પારિતોષિક)  વિજેતા આપ્યાં છે.

યુરોપની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ

વિશ્વની પ્રથમ 1000 શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં યુરોપ ખંડની 400 થી વધારે યુનિવર્સિટી સ્થાન પામે છે. યુરોપની પ્રથમ ચારસો  યુનિવર્સિટીઓમાં સૌથી વધારે ગ્રેટ બ્રિટનની તથા જર્મનીની છે. યુરોપની ટોપ યુનિવર્સિટીઓમાં કેમ્બ્રિજ અને ઑક્સફર્ડ, યુસિએલ – યુનિવર્સિટી કોલેજ લંડન, આઇસિએલ – ઇમ્પીરિયલ કોલેજ લંડન અને સ્વિટ્ઝરલેંડની ઇટીએચ ઝુરિચ પ્રથમ ક્રમની યુનિવર્સિટીઓ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

એશિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ

એશિયા – પેસિફિક પ્રદેશોની વાત આવે તો આપણે એશિયાથી ઓસ્ટ્રેલિયા સુધીના વિસ્તારને ધ્યાનમાં લઈએ: ઇસ્ટ એશિયા, સાઉથ ઇસ્ટ એશિયા, ઓશનિયા (ઓશેનિયા) સહિત. આ રીજિયનમાં શિક્ષણ ક્ષેત્રે – શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની સંખ્યા જોતાં – જાપાન અને ચીનનો દબદબો છે.

એશિયા-પેસિફિકની 300 શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં જાપાનની એક સો જેટલી યુનિવર્સિટી સમાવિષ્ટ થાય છે.

એશિયા પેસિફિક વિસ્તારમાં ટોપ રેન્કર, બેસ્ટ યુનિવર્સિટીઓ કઈ? એશિયા-પેસિફિકની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ચીનની સિંઘુઆ યુનિવર્સિટી (Tsinghua University), સિંગાપુરની નેશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપુર અને નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ મેલબોર્ન, જાપાનની યુનિવર્સિટી ઑફ ટોક્યો (ટોકિયો), હોંગકોંગની હોંગ કોંગ યુનિવર્સિટી ઑફ સાયન્સ એંડ ટેકનોલોજી, હોંગ કોંગ યુનિવર્સિટી આદિ પ્રથમ ક્રમાંકની યુનિવર્સિટીઓ છે.

એશિયા-પેસિફિકની પ્રથમ 40 શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટી સ્થાન પામતી નથી તે કેવા દુ:ખની વાત! ભારતના રાજકીય નેતાઓ અને શિક્ષણવિદોએ આ શરમજનક પરિસ્થિતિ પર ગંભીર ચિંતન કરવું રહ્યું! જાગો! ભારતવાસીઓ! જાગો!

ચીનની રાજધાની બેઇજિંગ (બાઇજિંગ) ના વિસ્તારમાં સ્થિત સિંઘુઆ (સાઇનઘુઆ ? ) યુનિવર્સિટી 1911માં સ્થપાઈ હતી. તેમાં 3,000થી વધારે અધ્યાપકોના માર્ગદર્શનમાં 35,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસરત છે. સિંગાપુર (સિંગાપોર)ની નેશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપુર વર્ષોથી એશિયાની પ્રથમ, શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે વિશ્વપ્રસિદ્ધ રહી છે. તે 1905માં એક મેડિકલ સ્કૂલ તરીકે શરૂ થયેલ, પણ 1980માં યુનિવર્સિટી ઓફ સિંગાપુર તથા નાન્યાંગ યુનિવર્સિટી સાથે જોડાણ પામ્યા પછી તે નેશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપુર તરીકે ઓળખાય છે. તેમાં 2,500થી વધારે અધ્યાપકો છે અને 35,000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સિંગાપુરની જ નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઉચ્ચ ટેકનોલોજી શિક્ષણ માટે ઉત્તમ યુનિવર્સિટી ગણાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

અનામિકા: લેખ ‘વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ: કેટલીક પ્રસિદ્ધ યુનિવર્સિટીઓની ઝલક’: સંક્ષિપ્ત માહિતી

  • The world’s best universities like Harvard, MIT, Stanford, Cambridge, Oxford etc attract international students from across the world
  • The oldest educational institutes (running even today) in the world are Al Quaraouiyine (Morocco) and University of Bologna (Italy)
  • The oldest universities in United Kingdom are University of Oxford and University of Cambridge
  • The best Universities in the United States of America include Harvard University, Massechusetts Institute of Technology, Stanford University and other top rank universities
  • The best universities in Asia are National University of Singapore, Nanyang Technological University (Singapore), Tsinghua University (China), University of Melbourne (Australia), University of Tokyo (Japan), Hong Kong University of Science and Technology (Hong Kong) and others
  • વિશ્વની સર્વ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ નક્કી કરવાના માપદંડ અલગ અલગ; પ્રતિ વર્ષ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદી બદલાયા કરે; વર્તમાન સમયમાં વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીમાં હાર્વર્ડ, એમઆઇટી, સ્ટેનફર્ડ (સ્ટેનફોર્ડ), કેમ્બ્રિજ, ઓક્સફર્ડ (ઓક્સફોર્ડ) આદિ ટોચના સ્થાને
  • સ્ટેનફર્ડ / સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, યુએસએ
  • ઑક્સફર્ડ / ઓક્સફોર્ડ યુનિવર્સિટી, યુકે

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

14 thoughts on “વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ: કેટલીક પ્રસિદ્ધ યુનિવર્સિટીઓની ઝલક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s