ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય · વિષય: સમાચાર

સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ

થોડાં વર્ષોથી વિવાદે જોર પકડ્યું છે: વિશ્વમાં પ્રથમ મુવિ ફિલ્મ બનાવનાર કોણ?

લુઇ લિ પ્રિન્સ કે લુમિએર બ્રધર્સ?

વિશ્વનું પ્રથમ મોશન પિક્ચર કયું? લુઇ લિ પ્રિન્સનું ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ કે લુમિએર બ્રધર્સનું ‘ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન’?

અગાઉ એમ મનાતું હતું કે ફ્રાન્સના ઓગસ્ટે લુમિએર અને લુઇ લુમિએર (લુમિએર બ્રધર્સ/ લુમિયેર બંધુઓ) દ્વારા વિશ્વની પ્રથમ ફિલ્મ બનાવવામાં આવી. તાજેતરનાં સંશોધનો કહે છે કે વિશ્વમાં સૌ પ્રથમ બનેલ અને આજે પણ સચવાઈ રહેલ, આજે પણ ઉપલબ્ધ ફિલ્મ ઇંગ્લેન્ડના લુઇ લિ પ્રિન્સની ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ ગણાવી જોઈએ. તે હિસાબે વિશ્વમાં સર્વ પ્રથમ ફિલ્મના સર્જક તરીકે લુઇ લિ પ્રિન્સને માન મળવું જોઈએ.

સાથે જ, એ નિર્વિવાદ હકીકત છે કે વિશ્વમાં મુવિ ફિલ્મનો જાહેરમાં પડદા પર પ્રથમ કોમર્શિયલ શો કરનાર લુમિએર બ્રધર્સ હતા. લુમિએર બ્રધર્સની ફિલ્મોનો પેરિસનો કોમર્શિયલ શો તો સફળ થયો જ. તે પછી તેમણે ભારત અને અન્ય દેશોમાં પણ પોતાની ફિલ્મોને વ્યાવસાયિક ધોરણે પ્રદર્શિત કરી. આમ કોમર્શિયલ સિનેમેટોગ્રાફી દ્વારા સિનેમા ઉદ્યોગના પાયા નાખવામાં લુમિએર ભાઈઓનું યોગદાન ઘણું મહત્ત્વનું ગણાયું છે.

કોમર્શિયલ સિનેમા રૂપેરી પડદે પહોંચી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઉદભવ થયો. જો કે તે પૂર્વે ‘મોશન ઇન ફોટોગ્રાફી’ ટેકનિકના જનક એડવર્ડ માયબ્રિજ, સ્ટિલ ફોટોગ્રાફીને લોકભોગ્ય કરનાર જ્યોર્જ ઇસ્ટમેન તથા કાઇનેટોસ્કોપના સર્જક ટોમસ એડિસનના ફાળાને પણ ન્યાય આપવો જોઈએ. આજે ‘અનામિકા’ના લેખમાં તે રસપ્રદ યાત્રાનાં ભૂંસાતાં જતાં પદચિન્હો પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

સ્ટિલ ફોટોગ્રાફીથી મોશન-પિક્ચર ફોટોગ્રાફીનો વિકાસ

ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ફોટોગ્રાફીની ટેકનિકનો નોંધપાત્ર વિકાસ થયો. ક્રમશ: કેમેરાની ગુણવત્તા સુધરતાં કલર ફોટોગ્રાફી તેમજ ફોટોગ્રાફિક પ્લેટ્સ – ગ્લાસ નેગેટિવ અસ્તિત્વમાં આવ્યાં. ફોટોગ્રાફિક ફિલ્મ શોધાઈ તે પૂર્વે ઇમેજ મેળવવા ગ્લાસ ફોટોગ્રાફિક પ્લેટ્સનો ઉપયોગ થતો. ગ્લાસ પ્લેટ પર ઇમેજ લેવાનો અને તેને સાચવવાનો પ્રશ્ન મોટો હતો.

વિશ્વનો પ્રથમ સ્ટિલ ફોટોગ્રાફ વર્ષ 1827માં લેવામાં આવ્યો હતો. ગ્લાસ પ્લેટ ટેકનિકથી લેવાયેલા આ ફોટોગ્રાફ માટે આઠ કલાકના લાં…બા ગાળાના એક્સ્પોઝરની જરૂર પડી હતી!!

1875 પછી અમેરિકન ફોટોગ્રાફર એડવર્ડ માયબ્રિજના ચલચિત્રનો આભાસ આપતા ગતિસૂચક ફોટોગ્રાફી – મોશન-ઇન-ફોટોગ્રાફીના પ્રયોગો ખૂબ જાણીતા થયા. એડવર્ડ માયબ્રિજે દોડતા ઘોડાના શ્રેણીબદ્ધ ફોટાઓને ગતિમાં ફેરવીને હાલતાં-ચાલતાં ચિત્રોના ‘ચલચિત્ર’ જોવાનો આભાસ ઊભો કર્યો.

પરંતુ પ્રારંભના તે કહેવાતાં ચલચિત્રો(!)  ‘રોલ’ કે ‘ફિલ્મ’ પર લેવાયા ન હતા. 1880-90ના દાયકામાં અમેરિકામાં જ્યોર્જ ઇસ્ટમેન નામક સાહસિક શોધકે ફોટોગ્રાફિક ઇમેજ લઈ શકે તેવો પહેલો સેન્સિટાઇઝ્ડ  પેપર રોલ બનાવ્યો. તેમણે ઇસ્ટમેન કોડાક કંપની બનાવી. જ્યોર્જ ઇસ્ટમેનની કંપનીએ કોડાક ફિલ્મ અને કોડાક કેમેરા બનાવ્યા, જે લોકપ્રિય થયાં.

કોડાક ફિલ્મનો ઉપયોગ સૌ પ્રથમ અમેરિકાના એડવર્ડ માયબ્રિજ તથા ઇંગ્લેન્ડ (મૂળ ફ્રાન્સ) ના લુઇ લિ પ્રિન્સ દ્વારા કરવામાં આવ્યો. તે પછી મોશન પિક્ચર ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીનો પાયો નાખનાર અમેરિકાના  ટૉમસ (થોમસ) આલ્વા એડિસન તેમજ ફ્રાન્સના લુમિયેર બ્રધર્સ તથા જ્યોર્જ મેલિઝ (મેલ્યેઝ) દ્વારા પણ કોડાક પેપર રોલ ફિલ્મ ઉપયોગમાં લેવાઈ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મોશન-પિક્ચર ફોટોગ્રાફીમાં એડવર્ડ માયબ્રિજનું પાયારૂપ કામ

મોશન પિક્ચર ફોટોગ્રાફીનો વિકાસ પ્રેરનાર સંશોધકોમાં એડવર્ડ માઇબ્રિજ અને લુઇ લિ પ્રિન્સનાં નામ અગ્ર હરોળમાં આવે.

ફોટોગ્રાફીમાં પાયોનિયરિંગ કામ કરનાર ફોટોગ્રાફર એડવર્ડ માઇબ્રિજનો જન્મ ઇંગ્લેન્ડમાં 1830માં થયો હતો. વીસ વર્ષની ઉંમરે માઇબ્રિજ અમેરિકા પહોંચ્યા. શરૂઆતનાં થોડાં વર્ષો તેમણે પુસ્તક-વિક્રેતા તરીકે વ્યવસાય કર્યો. અમેરિકા અને યુરોપ વચ્ચે રઝળપાટ પણ કરી. તેમનાં કેટલાંક વર્ષો અકથ્ય વિટંબણાઓ અને સંતાપમાં વીત્યાં. પછી તેમણે ફોટોગ્રાફીમાં, વિશેષ તો ગતિ (મોશન) રેકોર્ડ કરી શકતી ફોટોગ્રાફીમાં રસ કેળવ્યો.

એડવર્ડ માઇબ્રિજ અમેરિકાના શ્રીમંત વ્યવસાયી લેલેન્ડ સ્ટેનફોર્ડના સંપર્કમાં આવ્યા. ‘અનામિકા’ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે લેલેન્ડ સ્ટેનફોર્ડ  1861-63 દરમ્યાન કેલિફોર્નિયા રાજ્યના ગવર્નર રહી ચૂક્યા હતા. ઉપરાંત તેઓ અમેરિકાની ફર્સ્ટ ટ્રાન્સકોન્ટિનેન્ટલ રેલરોડ લાઇનમાં સહયોગી કંપની ‘સેન્ટ્રલ પેસિફિક રેલ રોડ’ (CPRR) ના સ્થાપક પણ હતા.

સ્ટેનફોર્ડને ઘોડાઉછેર અને ઘોડાની રેસનો શોખ હતો. તેમણે પોતાના ફાર્મ પર એડવર્ડ માઇબ્રિજને આમંત્રિત કર્યા. તેમણે માઇબ્રિજને દોડતા ઘોડાની ગતિ અને હલનચલનના અભ્યાસ માટે ફોટોગ્રાફી કરવા કહ્યું. લેલેંડ સ્ટેનફોર્ડના ઘોડાઉછેરના વિશાળ ફાર્મ ‘પાલો આલ્ટો સ્ટોક ફાર્મ’ ખાતે એડવર્ડ માઇબ્રિજે ઘોડાઓની વિવિધ ગતિના સેંકડો ફોટાઓ લઈ ફોટોગ્રાફીની ટેકનિક વિકસાવી.  .

સંખ્યાબંધ કેમેરાની મદદથી એડવર્ડ માયબ્રિજે દોડતા ઘોડાના શ્રેણીબદ્ધ ફોટાઓ વડે ‘હાલતાં-ચાલતાં ચિત્રો’ કે ‘ચલચિત્ર’ને સાકાર કર્યાં. 1883માં યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાએ એડવર્ડ માઇબ્રિજને ફોટોગ્રાફીમાં વિશેષ સંશોધન માટે આમંત્રણ આપ્યું. ત્યાં માનવશરીર અને પ્રાણીના હલનચલનની સૂક્ષ્મ બારીકીઓ પ્રગટ કરતા તેમના હજારો ફોટોગ્રાફ્સ કીમતી ખજાનો બની ગયા. ગતિમાન પ્રાણીઓના ફોટોગ્રાફ્સને ચલચિત્રનો આભાસ આપવા પ્રૉજેક્શન માટે ‘ઝૂપ્રેક્સિસ્કોપ’ નામની ડિવાઇસ બનાવી. એડવર્ડ માઇબ્રિજના સંશોધનોએ મોશન-ઇન-ફોટોગ્રાફી શક્ય બનાવી.

જો કે મોશન દર્શાવતી ‘મુવિ ફિલ્મ’ ઉતારવા અને તેને દર્શાવવા માટે આવશ્યક રોલ કે ફિલ્મની ટેકનોલોજી હજી શોધાઈ ન હતી, આમ છતાં, લેલેન્ડ સ્ટેનફોર્ડના ઉદાર આર્થિક સહયોગથી એડવર્ડ માઇબ્રિજે મોશન પિક્ચર ફોટોગ્રાફી માટે આધારશિલા રાખી.

એક આડવાત ઉમેરીએ કે પાછલી જિંદગીમાં લેલેન્ડ સ્ટેનફોર્ડની ઉદાર સખાવતથી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સ્થાપના થઈ. 1884માં લેલેન્ડ સ્ટેનફોર્ડના યુવાન દીકરાનું યુરોપ-પ્રવાસ દરમ્યાન અવસાન થયું. પુત્રની પુણ્ય સ્મૃતિમાં સ્ટેનફોર્ડ દંપતિએ ચાર કરોડ ડોલરનું જંગી દાન કરી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સ્થાપના કરાવી (તે જમાનાના ચાર કરોડ ડોલર એટલે આજના 7500 કરોડ રૂપિયાથી વધુ રકમ).

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

જ્યોર્જ ઇસ્ટમેનની ઇસ્ટમેન કોડાક કંપનીની ફિલ્મ

1884માં અમેરિકામાં રોચિસ્ટર (ન્યૂ યૉર્ક) ના જ્યોર્જ ઇસ્ટમેને ફોટોગ્રાફી માટે વિશ્વનો પ્રથમ ફિલ્મ રોલ બનાવ્યો. 1888માં તેમને હેન્રી સ્ટ્રોન્ગ નામના બિઝનેસમેનનો સાથ મળ્યો. જ્યોર્જ ઇસ્ટમેન અને સ્ટ્રોન્ગે સાથે મળી ઇસ્ટમેન કોડાક કંપનીની સ્થાપના કરી ફોટોગ્રાફીના વ્યવસાયમાં ઝુકાવ્યું. તે જ વર્ષમાં કોડાક કંપનીએ વાપરવામાં સરળ એવો કોડાક બોક્સ કેમેરા બનાવ્યો. જ્યોર્જ ઇસ્ટમેનની કોડાક તરીકે જાણીતી થયેલી ઇસ્ટમેન કોડાક કંપનીકોડાક ફિલ્મ તથા કોડાક કેમેરાથી વિશ્વભરમાં ખ્યાતિ મેળવી.

ફોટોગ્રાફી માટે કોડાક ફિલ્મનો ઉપયોગ એડવર્ડ માઇબ્રિજ અને લુઇ લિ પ્રિન્સ જેવા પાયોનિયર ફોટોગ્રાફર-આવિષ્કારકોએ કર્યો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિશ્વના પ્રથમ મોશન પિક્ચર ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ના સર્જક લુઇ લિ પ્રિન્સ

ફ્રાન્સમાં જન્મેલ લુઇ લિ પ્રિન્સ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં કાર્યરત રહ્યા. કુશલ ફોટોગ્રાફર હોવા ઉપરાંત લુઇ લિ પ્રિન્સ બુદ્ધિમાન શોધક હતા. તેમણે ઇંગ્લેન્ડમાં અત્યંત ટૂંકી ફિલ્મો બનાવી. થોડી સેકંડની આ ફિલ્મ સ્ટ્રિપ્સના ફોટાઓને ‘રિકન્સ્ટ્રક્ટ’ કરી પ્રિન્સની ફિલ્મોને જાળવવાના પ્રયત્નો થયા છે.

પોતાના શોધેલા સિંગલ લેન્સ કેમેરા વડે 1888ના ઓક્ટોબરમાં દુનિયાનું સૌ પ્રથમ ચલચિત્ર ઉતારવામાં તેઓ સફળ થયા. ઇંગ્લેન્ડના લિડ્ઝ શહેરમાં લુઇ લિ પ્રિન્સ દ્વારા ઉતારાયેલ વિશ્વની પ્રથમ ફિલ્મનું નામ હતું “રાઉન્ડહે ગાર્ડન સિન”.

લુઇ લિ પ્રિન્સની આ પહેલી મુવિ ફિલ્મ ઇંગ્લેન્ડના લિડ્ઝના રાઉન્ડહે વિસ્તારમાં પ્રિન્સના સસરા વ્હિટલી મહાશયના રેસિડેન્સ – વ્હિટલિ હાઉસ – માં ઉતારવામાં આવી હતી. વ્હિટલિ નિવાસસ્થાનના બગીચામાં વર્તુળાકારે હરતા ફરતા કુટુંબના સદસ્યોની આ ટચૂકડી ફિલ્મ ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ વિશ્વના પ્રથમ ચલચિત્ર તરીકે જાણીતી થઈ. તે ફિલ્મના પાત્રોમાં પ્રિન્સના સાસુ અને શ્વસુર ઉપરાંત ખુદ પ્રિન્સનો પુત્ર પણ એક પાત્ર તરીકે છે.

1888ના ઓક્ટોબરમાં જ ઉતારેલ લુઇ લિ પ્રિન્સની બીજી મુવિ ફિલ્મ ‘ટ્રાફિક ક્રોસિંગ લિડ્ઝ બ્રિજ’ અથવા ‘લિડ્ઝ બ્રિજ ટ્રાફિક સિન’ લિડ્ઝ શહેરની નદીના પુલ પરના વાહનવ્યવહારને બતાવે છે. આ બે ફિલ્મ ઉપરાંત તેમની જળવાઈ રહેલ ત્રીજી ફિલ્મ ‘મેન પ્લેયિંગ એકોર્ડિયન’ છે, જેમાં તેમનો પુત્ર એકોર્ડિયન વગાડી રહ્યો છે. આ ત્રણે ફિલ્મ્સ પ્રિન્સના પોતાના પેટન્ટેડ સિંગલ લેન્સ કેમેરા પર ઉતારાઈ હતી. (ફિલ્મ્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે).

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

તે સમયે નવી શોધાયેલ ઇસ્ટમેન કોડાક પેપર ફિલ્મ પર ઉતરેલ માત્ર બે સેકંડનું મોશન પિક્ચર ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ રીકન્સ્ટ્રક્શન દ્વારા આજ સુધી સચવાયેલ છે.

ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્ઝ’ મુજબ લુઇ લિ પ્રિન્સની ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ ફિલ્મ વિશ્વની સૌથી પહેલી – અર્થાત દુનિયાની સૌથી જૂની – મુવિ ફિલ્મ લેખાય છે. જો કે કેટલાક ફિલ્મ વિવેચકોના મતે લુઇ લિ પ્રિન્સની એક અન્ય અતિ ટૂંકી ફિલ્મ ‘મેન વોકિંગ અરાઉન્ડ અ કોર્નર’ કદાચ 1887(?) માં ઉતરી હોવાથી તે વિશ્વનું પ્રથમ ચલચિત્ર હોઈ શકે.

સાશ્ચર્ય ખેદની વાત એ કે લુઇ લિ પ્રિન્સ સપ્ટેમ્બર 1890માં રહસ્યમય રીતે ગુમ થઈ ગયા. ફ્રાન્સના એક સ્ટેશન ડિઝ્યોં (ડિજોં/ ડિજોન/ Dijon)  થી તેઓ પેરિસ જવા ટ્રેનમાં બેઠા. તે પછી તેમના કોઈ સમાચાર ન મળ્યા. ન તો કદી તેમની કોઈ ભાળ મળી, ન તેમનો સામાન મળ્યો. વિશેષ આઘાતજનક વાત એ કે બે વર્ષ પછી તેમના પુત્ર એડોલ્ફ પ્રિન્સનું ભેદી સંજોગોમાં ન્યૂ યૉર્કમાં ખૂન થઈ ગયું. એડોલ્ફ પ્રિન્સ તેમના સ્વર્ગીય પિતા લુઇ લિ પ્રિન્સને મોશન પિક્ચરના શોધક તરીકે પેટન્ટ હક્ક મળે તે માટે અમેરિકામાં ટૉમસ આલ્વા એડિસન સામે લિગલ કેસ લડી રહ્યા હતા.

સિનેમાજગતના કેટલાક સંશોધક-વિવેચકો વિશ્વની સર્વ પ્રથમ મુવિ ફિલ્મ ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ના સર્જક લુઇ લિ પ્રિન્સને ‘ફાધર ઓફ સિનેમેટોગ્રાફી’ તરીકે નવાજે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

અમેરિકામાં એડિસનના કાઇનેટોસ્કોપની સફળતા

અમેરિકામાં જીનિયસ શોધક થોમસ (ટૉમસ) આલ્વા એડિસન મોશન પિક્ચર ટેકનોલોજી પર વર્ષોથી કામ કરી રહ્યા હતા. 1891માં એડિસન અને તેમના સહાયક ડિક્સન પ્રોજેક્ટર સમું મોશન પિક્ચર મશીન બનાવવામાં સફળ થયા. તેમણે તેને કાઇનેટોસ્કોપ નામ આપ્યું. એડિસનની ન્યૂ જર્સી ખાતેની પ્રયોગશાળામાં ત્રણ સેકંડની ટચૂકડી ફિલ્મ ઉતારવામાં આવી અને તે ફિલ્મને પ્રોજેક્ટ કરવાનો પ્રયોગ સફળ થયો.

1893માં ટોમસ એડિસનને તેમની શોધ મોશન પિક્ચર કેમેરા – કાઇનેટોગ્રાફ  અને પ્રૉજેક્ટર – કાઇનેટોસ્કોપ  માટેના પેટન્ટ મળ્યા. આપે  ‘અનામિકા’ પરના લેખમાં શિકાગોના વર્લ્ડ કોલંબિયન એક્સ્પોઝિશન વિશે જાણ્યું છે. 1893ના શિકાગો એક્સ્પો સાથે વિશ્વ સર્વ ધર્મ પરિષદ યોજાયેલી જેમાં સ્વામી વિવેકાનંદજીએ જગપ્રસિદ્ધ શિકાગો પ્રવચનથી અમેરિકાને મંત્રમુગ્ધ કર્યું હતું. થોમસ એડિસને શિકાગો એક્સ્પો (1893) માં કાઇનેટોસ્કોપ પ્રોજેક્ટરથી ટૂંકી ફિલ્મો પ્રદર્શિત કરી. વર્લ્ડ કોલંબિયન એક્સ્પોઝિશનમાં વિશ્વભરના મુલાકાતીઓ આવ્યા હોવાથી એડિસનના કાઇનેટોસ્કોપને ખૂબ પ્રસિદ્ધિ મળી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ફ્રાન્સમાં લુમિએર બ્રધર્સની ઐતિહસિક પ્રથમ મુવિ ફિલ્મ

ફ્રાન્સના શોધકો ઓગસ્ટે લુમિએર અને લુઇ લુમિએર નામક બે ભાઈઓ સિનેમા ઉદ્યોગમાં લુમિએર બ્રધર્સ તરીકે ઓળખાય છે.

લુમિએર બંધુઓએ પોતે બનાવેલ કેમેરા-પ્રોજેક્ટરથી ફ્રાન્સની પ્રથમ મુવિ ફિલ્મ બનાવી. તેમની કેમેરા-પ્રોજેક્ટર સિસ્ટમ ‘સિનેમેટોગ્રાફ’  તરીકે ઓળખાઈ. સિનેમેટોગ્રાફથી ઉતારેલ લુમિએર (લુમિયેર/ લ્યુમિએર) બ્રધર્સનું પ્રથમ મોશન પિક્ચર ‘ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન’ હતું તે આપે અમારા ‘અનન્યા’ બ્લોગ પર વાંચેલ છે.

સિનેમાના ઇતિહાસમાં પ્રેક્ષકો સામે પડદા પર રજૂ થનાર વિશ્વની સર્વ પ્રથમ ફિલ્મ લુમિએર બ્રધર્સની ‘ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન’ હતી, જે 1895ના ક્રિસમસ સમયે રજૂ થઈ. ફ્રાંસની રાજધાની પેરિસની ગ્રાન્ડ કાફે હોટેલમાં 1895ની 28મી ડિસેમ્બરના રોજ ફિલ્મ ઉદ્યોગનો પહેલો કોમર્શિયલ શો થયો જેમાં લુમિએર બ્રધર્સ દ્વારા ‘ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન’ સાથે અન્ય નવેક ફિલ્મો પડદા જેવા માધ્યમ પર દર્શાવવામાં આવી. ત્રીસ પ્રેક્ષકોએ ટિકિટ ખરીદીને, સ્ક્રીન સામે એક સાથે બેસીને વિશ્વનો પહેલો ફિલ્મ શો માણ્યો. સિનેમાજગતનો આ પ્રથમ કોમર્શિયલ શો સફળ થતાં દુનિયાભરમાં સનસનાટી ફેલાઈ ગઈ.

વિશ્વમાં મુવિ ફિલ્મ-ચલચિત્રનો સૌ પ્રથમ વ્યાવસાયિક પબ્લિક શો કરવાનો શ્રેય ફ્રાન્સના ઓગસ્ટે લુમિએર અને લુઇ લુમિએરને મળ્યો. તે પછી લુમિએર બ્રધર્સ તેમની ફિલ્મોને આંતરરાષ્ટ્રીય બજારમાં લઈ ગયા. તેમનું આ સાહસ ફિલ્મ ઉદ્યોગના પ્રસવ કાળના એંધાણ સમું હતું.

એક વર્ષમાં લુમિએર ભાઈઓની કંપનીએ યુરોપ, એશિયા અને અમેરિકાનાં મહત્ત્વનાં શહેરોમાં પોતાનાં સિનેમેટોગ્રાફ અને ફિલ્મોનું પ્રદર્શન કર્યું. તત્કાલીન હિંદુસ્તાનમાં બૉમ્બે (મુંબઈ)ની વોટ્સન હોટેલમાં 1896ના જુલાઈની 7મી તારીખે લુમિએર બ્રધર્સનો પ્રથમ ફિલ્મ શો થયો, તે કહાણી આપે અમારા અન્ય બ્લૉગ ‘અનુપમા’ પર વાંચેલ છે.

સમય વીત્યે તેમાંથી પ્રેરણા લઈ ભારતમાં હીરાલાલ સેન અને દાદાસાહેબ ફાળકે જેવા ફિલ્મસર્જકોએ ભારતમાં સિનેમા ઉદ્યોગનો પાયો નાખ્યો.

લુમિએર ભાઈઓએ 1400 જેટલી ટૂંકી ફિલ્મો બનાવી વિશ્વના સિનેમા ઉદ્યોગને મજબૂત પાયા પર ઊભો કર્યો. આમ, લુમિએર બ્રધર્સની સિનેમેટોગ્રાફીની સફળતાએ કોમર્શિયલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જન્મ આપ્યો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

કાઇનેટોસ્કોપથી સિનેમેટોગ્રાફની સફર

1888માં થોમસ (ટૉમસ) આલ્વા એડિસને વ્યાવહારિક પ્રોજેક્ટર (કાઇનેટોસ્કોપ) બનાવવા કમર કસી અને તેમના સાથીદાર ડબલ્યુ. લોરી ડિકસનની મદદથી ‘પીપહોલ વ્યુ” પ્રકારનું કાઇનેટોસ્કોપ બનાવ્યું. ફિલ્મ ઉતારવા તેમણે જ્યોર્જ ઇસ્ટમેનની કોડાક કંપનીની સેલ્યુલોઇડ ફિલ્મનો ઉપયોગ કર્યો. કાઇનેટોસ્કોપના બોક્સના એક મોટા કાણા (પીપ હોલ) માંથી મુવિંગ ફિલ્મને જોઈ શકાતી. તે  કાઇનેટોસ્કોપ પીપ હોલ વ્યુ પ્રકારનું (બાયોસ્કોપ જેવું?) હતું. આ અર્થમાં પ્રથમ મોશન પિક્ચર દર્શાવનાર શોધક ટૉમસ એડિસન હતા. પરંતુ એડિસન-ડિક્સનના કાઇનેટોસ્કોપની મર્યાદા એ હતી કે તેમાં એક સમયે માત્ર એક જ વ્યક્તિ ફિલ્મ જોઈ શકતી!

લુમિએર બ્રધર્સના પિતાએ પોતાના પુત્રોને પ્રેરણા આપી હતી કે એક સાથે વધારે પ્રેક્ષકો મુવિ ફિલ્મ જોઈ શકે તેવું પ્રોજેક્ટર બનાવવું. વાચકમિત્રો! લુમિએર બ્રધર્સના સિનેમેટોગ્રાફથી પ્રથમ વખત મોશન પિક્ચરને પડદા જેવા માધ્યમ પર જોઈ શકાયું. સ્ક્રીન પર ફિલ્મ જોવાનું સમૂહમાં શક્ય બનતાં સિનેમેટોગ્રાફ વધારે વ્યાવહારિક સાબિત થયું અને કાઇનેટોસ્કોપ કરતાં સિનેમેટોગ્રાફ કોમર્શિયલ સિનેમામાં સફળતાને વર્યું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

જ્યોર્જ મેલિઝ (મેલ્યેઝ) ને લુમિએર બ્રધર્સથી મળી પ્રેરણા

1895માં લુમિએર બ્રધર્સનો પ્રથમ મુવિ ફિલ્મ શો પેરિસની હોટેલ ગ્રાન્ડ કાફેમાં થયો, ત્યારે તે જોનાર પ્રેક્ષકોમાંથી એક જ્યોર્જ મેલ્યેઝ (મેલિઝ/ મેલિયેઝ) હતા.

જ્યોર્જ મેલ્યેઝ સ્વયં વ્યવસાયે જાદુગર હતા, ફ્રાંસના વિખ્યાત ઇલ્યુઝનિસ્ટ હતા. તેમના મેજિક શોમાં સ્પેશ્યલ ઇફેક્ટ્સથી તે એવી અફલાતૂન ભ્રમણાઓ ઊભી કરતા કે દર્શકો ચકરાઈ જતા. જ્યોર્જ મેલ્યેઝને સિનેમેટોગ્રાફીમાં તીવ્ર રસ જાગ્યો. તેમણે ભારે જહેમતથી સંખ્યાબંધ પ્રયોગો કરી પોતાનાં મોશન ફોટોગ્રાફી ડિવાઇસ – પ્રોજેક્ટર – બનાવ્યાં. તેમણે શરૂઆતમાં ટોમસ આલ્વા એડિસન અને અન્ય નિર્માતાઓનાં ચલચિત્રો પ્રદર્શિત કર્યાં. પછી પોતાનાં જ પ્રોજેક્ટર વડે મોશન પિક્ચર ટેનિકથી ફિલ્મો ઉતારીને બતાવી.

1902માં બનેલ જ્યોર્જ મેલ્યેઝની ફિલ્મ ‘ટ્રીપ ટુ ધ મુન’ સિનેમાના ઇતિહાસમાં એક સીમાસ્તંભ (માઇલસ્ટોન) ફિલ્મ લેખાય છે. નોંધાયું છે કે જ્યોર્જ મેલ્યેઝ દ્વારા 1913 સુધીમાં 500 જેટલી ટૂંકી ફિલ્મો બનાવાઈ. તેમણે ફિલ્મ નિર્માણમાં ટ્રિક ફોટોગ્રાફી અને સ્પેશિયલ ટેકનિક્સને વિકસાવ્યાં. મોશન પિક્ચર ફોટોગ્રાફીની ‘ફેડ ઇન’ તથા ‘ફેડ આઉટ’ જેવી ટેકનિક જ્યોર્જ મેલિયેઝની દેન! આપ વિચારો! સ્પેશ્યલ ઇફેક્ટ્સ વિના આપણી આજની મુવિ ફિલ્મ કેવી ફિક્કી લાગતી હોત!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

સિનેમા ઉદ્યોગની વિડંબના

વાચક મિત્રો! ‘અનામિકા’ના આજના લેખમાં સ્ટિલ ફોટોગ્રાફીથી મોશન પિક્ચર ફોટોગ્રાફીના સફર થકી ફિલ્મ ઉદ્યોગના પગરણ મંડાયાં તે વાત આપે જાણી. તેમાં એડવર્ડ માઇબ્રિજ, લુઇ લિ પ્રિન્સ, જ્યોર્જ ઇસ્ટમેન, ટૉમસ આલ્વા એડિસન, લુમિએર બ્રધર્સ તથા જ્યોર્જ મેલ્યેઝ (મેલિઝ) ઉપરાંત ઘણા નાના-મોટા ફિલ્મપ્રેમીઓનો ફાળો છે. પરંતુ દુ:ખની વાત એ છે કે સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં નવા ચીલા ચાતરનાર ઘણા શોધકો-સર્જકોને યથાર્થ પ્રસિદ્ધિ મળી નથી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

અનામિકા લેખ:  સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ

 • અમેરિકન ફોટોગ્રાફર એડવર્ડ માયબ્રિજ દ્વારા ‘મોશન ઇન ફોટોગ્રાફી’ના સફળ પ્રયોગો
 • સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્થાપક લેલેન્ડ સ્ટેનફોર્ડના અનુરોધથી એડવર્ડ માયબ્રિજે લીધા દોડતા ઘોડાઓના હજારો ફોટોગ્રાફ્સ
 • ગતિમય ઘોડાઓ અને પ્રાણીઓના ફોટાઓની સિક્વન્સને ગતિમાં ફેરવીને ‘ઝૂપ્રેક્સિસ્કોપ’થી એડવર્ડ માયબ્રિજે કર્યો ‘ચલચિત્ર’નો ‘આભાસ’
 • અમેરિકાના જ્યોર્જ ઇસ્ટમેનની ‘ઇસ્ટમેન કોડાક કંપની’ના કોડાક પેપર રોલ અને કોડાક કેમેરાથી લોકભોગ્ય બની ફોટોગ્રાફી, કોડાક કંપનીએ બનાવ્યો પ્રથમ સેન્સિટાઇઝડ પેપર ફિલ્મ રોલ
 • ફ્રાન્સમાં જન્મેલ ફોટોગ્રાફર-શોધક લુઇ લિ પ્રિન્સના સિંગલ-લેન્સ કેમેરાથી ઉતારાયું વિશ્વનું પ્રથમ ચલચિત્ર (ફિલ્મ) ‘રાઉન્ડહે ગાર્ડન સિન’
 • લુઇ લિ પ્રિન્સની આજે પણ સચવાયેલ, દુનિયાની સૌ પ્રથમ, સૌથી જૂની ‘મુવિ ફિલ્મ’ (!) ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ ઉતારાઈ હતી ઇંગ્લેન્ડના લિડ્ઝ શહેરમાં 1888ના ઑક્ટોબરમાં
 • અમેરિકન શોધક ટૉમસ આલ્વા એડિસન પણ મોશન પિક્ચર ફોટોગ્રાફીના પાયોનિયર; એડિસનના મોશન પિક્ચર કેમેરા ‘કાઇનેટોગ્રાફ’ અને પ્રૉજેક્ટર ‘કાઇનેટોસ્કોપ’ માર્કેટમાં સફળ; તેમનું પ્રથમ મોશન પિક્ચર દર્શાવાયું ‘પિપ હોલ વ્યુ’થી, એક સમયે માત્ર એક પ્રેક્ષક જોઈ શકે તે ફિલ્મ
 • ફ્રાંસના લુમિએર બ્રધર્સ – ઓગસ્ટે લુમિએર અને લુઇ લુમિએર – દ્વારા 1895માં એક સાથે ત્રીસ પ્રેક્ષકો સામે પડદા પર રજૂ થઈ વિશ્વની પ્રથમ મુવિ ફિલ્મ ‘ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન’
 • લુમિએર બ્રધર્સનો ફિલ્મ શો પેરિસ (ફ્રાન્સ) ની ગ્રાન્ડ કાફે હોટેલમાં યોજાયો 28 ડિસેમ્બર 1895ના રોજ; મોશન પિક્ચર ‘ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન’નો શો ટિકિટના વેચાણ દ્વારા રજૂ થયેલ વિશ્વનો પ્રથમ કોમર્શિયલ ફિલ્મ શો
 • લુમિએર બંધુઓનો પ્રથમ શો જોનાર એક પ્રેક્ષક હતા જ્યોર્જ મેલ્યેઝ (મેલિઝ/ મેલિયેઝ), ફ્રાંસના વિખ્યાત ઇલ્યુઝનિસ્ટ, તેમણે સર્જી ટ્રિક ફોટોગ્રાફી અને સ્પેશ્યલ ટેકનિક્સથી અદભુત ફિલ્મો
 • એડવર્ડ માયબ્રિજ: Eadweard Muybridge/ Edward J Muggeridge (1830-1904)
 • લુઇ લિ પ્રિન્સ: Louis Le Prince (1841-1890)
 • જ્યોર્જ ઇસ્ટમેન: George Eastman (1854-1932)
 • ટૉમસ આલ્વા એડિસન: Thomas Alva Edison (1847-1931)
 • ઓગસ્ટે લુમિએર/ ઑગસ્ટ લ્યુમિયેર: Auguste Lumiere (1862-1954)
 • લુઇ લુમિએર/ લુમિયેર: Louis Lumiere (1864-1948)
 • જ્યોર્જ મેલ્યેઝ/ જ્યૉર્જ મેલિઝ/ જ્યોર્જ મેલિયેઝ: Georges Melies (1861-1938)

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

 

5 thoughts on “સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s