અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 1812

પ્રિય અનામિકા,

પરિવર્તન આ સૃષ્ટિની ઓળખ છે.

ભવિષ્યને જાણી લેવું સરળ નથી, તો વર્તમાનના પ્રવાહો સમજવા બહુ મુશ્કેલ પણ નથી.

સમયના વહેણને પારખીને યોગ્ય માર્ગ પર ચાલવામાં જીવન વિકાસ પામે છે. સંયોગોને માન આપી ઉચિત પરિવર્તનો સ્વીકારવાથી ધ્યેયલક્ષી યાત્રા આગળ ધપતી રહે છે. તારી પરિસ્થિતિ સમજી શકાય તેવી છે. પલટાતા સંજોગોમાં પત્રવ્યવહારને ન્યાય આપવો શક્ય નથી તેમ હું પણ માનું છું. વર્તમાનમાં પત્રવ્યવહાર પ્રસ્તુત ન હોવાની વાત પણ વિચારવા જેવી ખરી.

પત્રને સ્થાને પ્રસંગોપાત લેખ પ્રકાશિત કરવાના તારા સૂચનને હું સ્વીકારું છું. ‘અનામિકા’ પરિવર્તન સ્વીકારવા સજ્જ છે તે વિશ્વાસ થયા પછી આ નિર્ણય લઈ રહ્યો છું. ડાયરીનાં પાનાંઓ અને પ્રસંગોપાત નોંધો પરથી હું લેખો તૈયાર કરતો રહીશ અને તે ‘અનામિકા’ પર મૂકતો જઈશ. આ વ્યવસ્થા વિશેષ પ્રસ્તુત જણાય છે.

પત્રમાળાનો અંત આવે છે; લેખમાળા આરંભાય છે.

સાચું પૂછો તો, અંત શું? આરંભ શું?

જે અંત છે, તે પ્રારંભ છે તેમ આપણે માનીએ છીએ. વાસ્તવિકતા એ છે કે સમયના અનંત ફલક ઉપર નથી અંત, નથી આરંભ.

ચાલો, આગળ પ્રયાણ કરીએ.

સસ્નેહ આશીર્વાદ.

*** * * ** * *** ** ** *** *** *

** * *** * **** ** * ** * * ** *

Leave a comment