ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: સમાચાર

અમેરિકા-ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ જંગી ડોનેશન તથા એન્ડાઉમેન્ટથી માલામાલ

પશ્ચિમી દેશોમાં શૈક્ષણિક સંસ્થાનોને માતબર રકમનાં ડોનેશન મળતાં હોય છે. અમેરિકા અને યુરોપમાં બહુકરોડપતિ ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને કંપનીઓ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓને વિભિન્ન એસેટનાં દાન આપતાં હોય છે. હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, એમઆઇટી જેવી અમેરિકન યુનિવર્સિટીઓ તથા ઑક્સફોર્ડ-કેમ્બ્રિજ જેવી ઇંગ્લેંડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ પાસે જંગી ફંડ અને પ્રોપર્ટી જમા થતાં હોય છે. પરિણામે  અમેરિકા અને યુરોપની શિક્ષણ સંસ્થાઓ આવાં ‘એન્ડાઉમેન્ટ’ અને ડોનેશનના ઉપયોગથી વિશાળ પાયા પર સંશોધન કાર્યક્રમો અને એકેડેમિક પ્રવૃત્તિઓ ચલાવી શકે છે.

તાજેતરમાં ઇંગ્લેન્ડ (યુનાઇટેડ કિંગ્ડમ) ના પ્રાચીનતમ  વિશ્વવિદ્યાલય ઑક્સફર્ડ યુનિવર્સિટીને સૌથી મોટું – 150 મિલિયન પાઉન્ડ – નું અભૂતપૂર્વ ડોનેશન મળ્યું છે. છેલ્લા પાંચસો વર્ષના ઇતિહાસમાં ઑક્સફોર્ડ યુનિવર્સિટીને આટલી મોટી રકમનું ‘સિંગલ ડોનેશન’ ક્યારેય મળ્યું નથી! અમેરિકાના સ્ટિફન શ્વાર્ઝમેન નામના બહુકરોડપતિ બિઝનેસમેને ઑક્સફર્ડને આ ડોનેશન આપ્યું છે.

અમેરિકાની યુનિવર્સિટીઓને બિલ ગેટ્સ સહિત અનેક ઉદ્યોગપતિઓ – ધનપતિઓએ ભૂતકાળમાં જંગી રકમનાં દાન આપેલાં છે. વળી અમેરિકા અને ઇંગ્લેન્ડની યુનિવર્સિટીઓ પાસે ખૂબ મોટાં એન્ડાઉમેન્ટ (એન્ડૉવમેન્ટ) હોય છે. (અહીં) એન્ડાઉમેન્ટ એટલે કોઈ શિક્ષણ સંસ્થાને મળતી મોટી રકમ (દાન) અથવા વિભિન્ન એસેટ, કે જેના યોગ્ય લાંબા ગાળાના રોકાણથી સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલતી રહે.

‘અનામિકા’ના વાચકમિત્રો નવાઈ પામશે કે મસમોટાં ડોનેશન અને તગડાં એન્ડાઉમેન્ટને લીધે ત્યાંની યુનિવર્સિટીઓ કેવી માલામાલ થઈ ગઈ છે! અરે! ગુજરાત સરકારના શિક્ષણ ક્ષેત્ર માટેના વાર્ષિક બજેટ કરતાં નવ-દસ ગણું મોટું એન્ડાઉમેન્ટ તો અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી પાસે છે! આપને સમજાશે કે વિદેશની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓમાં શિક્ષણનાં સ્તર ઊંચાં શા માટે છે!

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં આપણે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનાં શિક્ષણ સ્તરને સમજવા તેમનાં ડોનેશન, એન્ડાઉમેન્ટ અને બજેટ પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ટેકનોલોજી અને સાયન્સના અપ્રતિમ વિકાસ સાથે શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાનો તાલમેલ બેસાડવો આવશ્યક બન્યો છે.

ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓવિશ્વની પ્રથમ ક્રમાંકની યુનિવર્સિટીઓના વિકાસ પર નજર રાખવી જરૂરી છે. ભારત સરકાર તથા દેશભરનાં શૈક્ષણિક સંસ્થાનોના સંચાલકો અને શિક્ષણશાસ્ત્રીઓ વિચારમંથન કરે તે સમય પાકી ગયો છે.

હાયર એજ્યુકેશનના લેવલ પ્રભાવિત કરતાં પરિબળોમાં ઉચ્ચ કક્ષાનાં શૈક્ષણિક સંસ્થાનો, વિષય વૈવિધ્ય, અભ્યાસક્રમ, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને તે માટેની અદ્યતન સુવિધાઓ આદિ મહત્ત્વનાં છે. ઉચ્ચ કક્ષાએ શિક્ષણની ગુણવત્તા સુધારવા મોટાં બજેટને પહોંચી વળવા મોટાં ફંડ જોઈએ. વિદેશમાં સુપ્રસિદ્ધ યુનિવર્સિટીઓને અધધધ કહી શકાય તેવાં દાન, એન્ડાઉમેન્ટ અને ભેટ મળતાં હોય છે. પરિણામે આવી યુનિવર્સિટીઓને હાઇલી ક્વૉલિફાઇડ ફેકલ્ટી, એકેડેમિક પ્રવૃત્તિઓ, ‘સ્ટેટ-ઑફ-ધ-આર્ટ’ ઇંફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, સંશોધન પ્રવૃત્તિઓ ઇત્યાદિ માટે પહાડ જેવાં બજેટ પરવડે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

શિક્ષણસંસ્થાને મળતાં ડોનેશન અને એન્ડાઉમેન્ટ શું છે?

કોઈ સંસ્થાને દાતા દ્વારા મળતું ડોનેશન એટલે નાણાંકીય દાન. બહુધા, આવા કેશ/ રોકડ દાનની રકમ પ્રાપ્ત થતાં જ ટૂંકા સમયમાં નિર્ધારિત હેતુ માટે વપરાઈ જતી હોય છે.

સરળ શબ્દોમાં, એન્ડાઉમેન્ટ એટલે નન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનને મળેલ એસેટ કે જેના યોગ્ય ઉપયોગ/ રોકાણથી સંસ્થાની ઉચિત પ્રવૃત્તિઓ ચાલી શકે. એન્ડાઉમેન્ટ આર્થિક દાન હોઈ શકે, અથવા એસેટ-મિલકત (કેશ, રિયલ એસ્ટેટ-પ્રોપર્ટી, સ્ટૉક-બોન્ડ આદિ વિભિન્ન પ્રકારની એસેટ) ના સ્વરૂપે હોઈ શકે. એન્ડાઉમેન્ટ ફંડને ક્યારેક રાષ્ટ્રીય કે વિદેશી માર્કેટમાં ઇક્વિટી સ્ટોક કે બોન્ડ રૂપે કે રિયલ એસ્ટેટમાં પણ રોકવામાં આવે છે. આવા એન્ડાઉમેન્ટને દાતાની શરતો (જો હોય તો) અનુસાર દીર્ઘ સમયના ઇન્વેસ્ટમેન્ટ તરીકે રોકી, તેમાંથી થતી આવક વડે સંસ્થામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારી શકાય છે કે નિર્ધારિત પ્રવૃત્તિઓ વર્ષો સુધી ચલાવી શકાય છે.

વિશ્વનાં શિક્ષણ સંસ્થાનોને ડોનેશન ઉપરાંત એન્ડાઉમેન્ટ સ્વરૂપે મહત્ત્વપૂર્ણ આર્થિક ટેકો મળી રહે છે. વિદેશમાં  ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની માતૃસંસ્થા યુનિવર્સિટીઓને દાન આપતાં રહે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યુકે જેવા દેશોમાં અતિ ધનવાન ઉદ્યોગપતિઓ અને ટોચની  કંપનીઓ પ્રસિદ્ધ કોલેજોને તેમજ યુનિવર્સિટીઓને દાન કે ગિફ્ટ રૂપે નાણાકીય મદદ ઉપરાંત એસેટ સ્વરૂપે એન્ડાઉમેન્ટ બક્ષે છે. આ એન્ડાઉમેન્ટના લાંબા ગાળાના યથાર્થ આવકમાંથી તે કોલેજ/યુનિવર્સિટીમાં દાતાની શરત મુજબ દીર્ઘ સમય માટે સુનિશ્ચિત પ્રવૃત્તિઓ ચલાવી શકાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

અમેરિકા-ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનાં એન્ડાઉમેન્ટ

અમેરિકાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની વાત કરીએ તો,

  • હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (એમઆઇટી) સૌ પ્રથમ યાદ આવે. તે અમેરિકાની પ્રથમ ક્રમાંકની, ટોચની યુનિવર્સિટીઓ છે.
  • સાથે યેલ યુનિવર્સિટી, પ્રિન્સ્ટન યુનિવર્સિટી, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી જેવી યુનિવર્સિટીઓને પણ ઉચ્ચ ક્રમનો દરજ્જો આપવો પડે.
  • હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાના કેમ્બ્રિજ (ગ્રેટર બૉસ્ટન, મેસેચ્યુસેટ્સ) માં સ્થિત છે. હાર્વર્ડ યુનિવર્સિટી પાસે 36 બિલિયન ડોલરથી વધારે વેલ્યુનાં એન્ડાઉમેન્ટ છે.
  • ‘અનામિકા’ના વાચક મિત્રો હાર્વર્ડના આ એન્ડાઉમેન્ટ 36 બિલિયન ડોલરને ગુજરાત ગવર્નમેન્ટના એન્યુઅલ બજેટ સાથે સરખાવશે તો આશ્ચર્યમાં ડૂબી જશે! 36 બિલિયન ડોલર એટલે આજના 2,48,400 કરોડ રૂપિયાથી પણ મોટી રકમ! ગુજરાત સરકારના 2018-19ના સ્ટેટ બજેટમાં ‘ટોટલ એક્ષ્પેન્ડિચર’ની રકમ 1,81,945 કરોડ રૂપિયા હતી!
  • હાર્વર્ડના 36 બિલિયન ડોલરના એન્ડાઉમેન્ટથી આગળ વધીએ તો યેલ યુનિવર્સિટી (કનેક્ટિકટ, યુએસએ) ના 27 બિલિયન ડોલરથી વધારે વેલ્યુના એન્ડાઉમેન્ટની વાત આવે.
  • સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (કેલિફોર્નિયા, યુએસએ) તથા પ્રિંસ્ટન યુનિવર્સિટી (ન્યૂ જર્સી, યુએસએ) – પ્રત્યેક પાસે આશરે 24 બિલિયન ડોલર એન્ડાઉમેન્ટ છે.
  • મેસેચ્યુસેટ્સ રાજ્યના કેમ્બ્રિજમાં આવેલ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી – એમઆઇટી – ના એન્ડાઉમેન્ટની વેલ્યુ 15 બિલ્યન ડોલરને પહોંચે છે!
  • બ્રિટીશ યુનિવર્સિટીઓમાં એન્ડાઉમેન્ટની દ્રષ્ટિએ સર્વ પ્રથમ સ્થાને કેમ્બ્રિજ યુનિવર્સિટી તથા ઑક્સફર્ડ યુનિવર્સિટી આવે. બંને પાસે લગભગ આઠ – આઠ બિલિયન ડોલર એન્ડાઉમેન્ટ છે. આઠ બિલિયન ડોલર એટલે આશરે 55,200 કરોડ રૂપિયા થયા!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને મળેલ ડોનેશન

ઇંગ્લેન્ડ/ ગ્રેટ બ્રિટનની ટૉપ યુનિવર્સિટીઓની વાત કરીએ, તો સ્વાભાવિક છે કે ઑક્સબ્રિજ યુનિવર્સિટીઓ પહેલાં યાદ આવે. ‘અનામિકા’ના વાચકો જાણે છે કે ઇંગ્લેન્ડનું ગૌરવ ગણાતી ઑક્સફોર્ડ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીઓને સંયુક્ત રીતે ‘ઑક્સબ્રિજ’ તરીકે ઓળખવામાં આવે છે. એન્ડાઉમેન્ટ તેમજ ડોનેશનની બાબતે ઓક્સબ્રિજ યુનિવર્સિટીઓ પ્રથમ હરોળમાં છે.

ગ્રેટ બ્રિટનની સૌ પ્રથમ યુનિવર્સિટી ઑક્સફોર્ડ યુનિવર્સિટી (સ્થાપના ઇસ 1096) તેની ભવ્ય વિરાસત અને ઉચ્ચ સ્તરનાં શિક્ષણ માટે વિશ્વની એક શ્રેષ્ઠ યુનિવર્સિટીની ગણનામાં આવે છે.

વિદ્વાન કમ્પ્યુટર સાયન્સ એક્સ્પર્ટ અને લેખક ડૉ જેમ્સ માર્ટિન દ્વારા વર્ષ 2004-10 દરમ્યાન ઑક્સફર્ડ યુનિવર્સિટીને લગભગ 90 મિલિયન પાઉન્ડ જેટલી રકમ ડોનેશન/ એન્ડાઉમેન્ટ તરીકે આપવામાં આવી હતી.

વર્ષ 2012માં અમેરિકાનાં મારિયા ‘મિકા’ એર્ટિગન તરફથી તેમના સ્વર્ગીય પતિની સ્મૃતિમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીને 26 મિલિયન પાઉન્ડનું દાન કરાયું હતું. આપ જાણતા હશો કે મિકા એર્ટગન એટલાન્ટિક રેકોર્ડ્સના પ્રણેતા સ્વર્ગસ્થ એહમત એર્ટગન (એર્ટિગન/ એર્ટેગન) ના પત્ની છે. તે જ વર્ષમાં સાન ફ્રાન્સિસ્કો, યુએસએના માઇકેલ મોર્ટિઝ અને હેરિયેટ હેયમેન જેવા ખ્યાતનામ બહુકરોડપતિઓએ ઓક્સફર્ડને 75 મિલ્યન પાઉન્ડનું માતબર દાન આપ્યું હતું.

બ્રિટીશ ફિલાન્થ્રોપિસ્ટ ડેવિડ હાર્ડિંગ અને ક્લૉડિયા હાર્ડિંગ (હાર્ડિંગ ફાઉન્ડેશન, યુકે) તરફથી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીને 100 મિલિયન પાઉન્ડનું ડોનેશન જાહેર થયું (ફેબ્રુઆરી, 2019) ત્યારે ઇંગ્લેંડમાં હલચલ મચી ગઈ હતી. ફેબ્રુઆરી 2019માં આ વિક્રમસર્જક દાનની જાહેરાત કરનાર ડેવિડ હાર્ડિંગ બ્રિટનના વિન્ટોન ગ્રુપના કર્તાહર્તા રહ્યા છે, અગ્રણી હેજ ફંડ મેનેજર અને ફાયનાન્સિયર છે અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે.

તાજેતરમાં અમેરિકાના સ્ટિફન શ્વાર્ઝમેન (સ્ટિફન શ્વૉઝમેન) નામના કરોડાધિપતિ ઇન્વેસ્ટર-ફાયનાન્સિયરે ઇંગ્લેન્ડની ઑક્સફોર્ડ યુનિવર્સિટીને 150 મિલિયન પાઉંડનું ડોનેશન આપી નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ઓક્સબ્રિજના તાજેતરના ઇતિહાસમાં આવી જંગી રકમનું સિંગલ ડોનેશન નથી મળ્યું! અમેરિકન બિલિયોનાયર (બિલ્યનર)  સ્ટિફન શ્વાર્ઝમેન વિશ્વની સૌથી મોટી પ્રાઇવેટ ઇક્વિટી કંપની ‘બ્લેકસ્ટોન ફાઇનાન્શિયલ ગ્રુપ’ (યુએસએ) ના સ્થાપક અને ચેરમેન છે. છેલ્લા પાંચસો વર્ષની તવારીખમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીને મળેલ આ સૌથી મોટી રકમ (150 મિલિયન પાઉન્ડ)નું દાન છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે દાનવીર શ્વાર્ઝમેને  ક્યારેય ઑક્સફોર્ડમાં અભ્યાસ નથી કર્યો. વર્ષ 1963માં પંદર વર્ષના પ્રવાસી અમેરિકન વિદ્યાર્થી તરીકે તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીની મુલાકાત લીધી, ત્યારે જ ઇંગ્લેન્ડની આ સૌથી પ્રાચીન યુનિવર્સિટીની ભવ્યતાથી અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીઓથી મંત્રમુગ્ધ થયા હતા!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઑક્સફોર્ડ યુનિવર્સિટીને સ્ટિફન શ્વાર્ઝમેનનું ડોનેશન શા માટે?

સ્ટિફન શ્વાર્ઝમેન (શ્વૉઝ્મેન) ની ઇક્વિટી કંપની બ્લેકસ્ટોન ફાઇનાન્શિયલ ગ્રુપ અદ્વિતીય સફળતાને વરતાં તેઓ કરોડાધિપતિ બન્યા. આજે તેઓ સફળ અમેરિકન બિઝનેસમેન જ નહીં, માનવજાતના વિકાસ અર્થે પ્રયત્નશીલ ફિલાન્થ્રોપિસ્ટ દાનવીર છે. શિક્ષણની ઉચ્ચતમ ગુણવત્તાના હિમાયતી પણ છે. બ્લેકસ્ટોન કંપનીના સ્થાપક સ્ટિફન શ્વાર્ઝમેને 2018માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (એમઆઇટી) ને 350 મિલ્યન ડોલરનું દાન આપ્યું હતું. તે સમાચાર જાણી ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ તેમનો સંપર્ક કર્યો, તો તાજેતરમાં તેમણે ઑક્સફોર્ડને એકસો પચાસ મિલ્યન પાઉન્ડનું વિક્રમી ડોનેશન આપ્યું છે. ઑક્સફોર્ડ આ રકમમાંથી એક ‘શ્વાર્ઝમેન સેન્ટર’ (શ્વૉઝ્મેન સેન્ટર)  ઊભું કરશે જ્યાં હ્યુમેનિટીઝ રીસર્ચ માટે અને નવી વિસ્તરતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ઇથિક્સ અને ફિલોસોફી પર સંશોધન થશે.

‘શ્વાર્ઝમેન સેન્ટર’ ખાતે લેંગ્વેજીઝ, મ્યુઝિક, ફિલોસોફી, ઇતિહાસ જેવા હ્યુમેનિટીઝના વિષયો પર સંશોધન થશે. સ્ટિફન શ્વાર્ઝમેન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) વિશે તો ચિંતિત છે જ, સાથે કમ્પ્યુટિંગ ટેકનોલોજીને સંલગ્ન ક્ષેત્રો ઇન્ટરનેટ ઑફ થિંગ્સ તથા ઇન્ટરનેટ ઑફ થોટ્સ આદિ વિશે ચિંતિત છે. તેમને લાગે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો અમર્યાદ વિકાસ અણચિંતવ્યા સામાજીક પ્રશ્નો ઊભા કરશે અને તેના હલ અર્થે અત્યારથી પ્રયત્નો આદરવા પ્રયત્નો કરવા પડશે. ઑક્સફર્ડના શ્વૉઝમેન સેંટર ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અર્થાત એઆઇ ટેકનોલોજીના ઉપયોગ તેમજ તેમાંથી સર્જાતી સામાજીક સમસ્યાઓના સમાધાન વિશે રીસર્ચ કરવા માટે તેમણે 150 મિલ્યન પાઉન્ડ (આશરે 19 કરોડ ડોલર અથવા 1300 કરોડ રૂપિયા) નું ડોનેશન આપ્યું છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

અમેરિકાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને મળેલ ડોનેશન

અમેરિકાના શિક્ષણ ક્ષેત્રે ડોનેશન શબ્દ ભાગ્યે જ દેખાય છે, પરંતુ ગિફ્ટ અને એન્ડાઉમેન્ટ શબ્દો પ્રચલિત છે.

જગપ્રસિદ્ધ માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેઇટ્સ તેમની ઉદાર સખાવતો માટે પ્રખ્યાત છે. તેમના બિલ એન્ડ મેલિંડા ગેઇટ્સ ફાઉન્ડેશન તરફથી શિક્ષણપ્રવૃત્તિઓ માટે કરોડો ડોલરનાં દાન અપાયાં છે.

ગયા વર્ષે (2018)માં અમેરિકન બિઝનેસમેન-પોલિટિશિયન-ફિલાન્થ્રોપિસ્ટ માઇકલ બ્લુમબર્ગ તરફથી જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટી (બાલ્ટીમોર, મેરીલેંડ, યુએસએ; Johns Hopkins University, Baltimore, MD, USA) ને 1.8 બિલ્યન ડોલરનું દાન એન્ડાઉમેન્ટ/ ગિફ્ટ સ્વરૂપે મળ્યું. બહુકરોડપતિ માઇકલ બ્લુમબર્ગ અમેરિકાની ‘આર્થિક રાજધાની’ કહેવાતા ન્યૂ યૉર્ક શહેરના મેયર (2001-2013) રહી ચૂક્યા છે. આ દાનવીર અમેરિકાની ગ્લોબલ ફાયનાન્શિયલ કંપની ‘બ્લુમબર્ગ’ના સ્થાપક છે, ઉપરાંત મીડિયા બિઝનેસમાં પણ છે.

સ્વાસ્થ્ય આરોગ્ય ક્ષેત્રે જેનેટિક્સમાં અમેરિકામાં ઇ. એન્ડ ઇ. એલ. બ્રૉડ ઇંસ્ટિટ્યૂટનું નામ ભારે ચમકી ઊઠ્યું છે. કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સમાં કાર્યરત ઇ એન્ડ ઇ એલ બ્રૉડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એમઆઇટી એન્ડ હાર્વર્ડ હાલ બાયોમેડિકલ સંશોધન અને જીનોમિક રીસર્ચ માટે અમેરિકાનું અગ્રીમ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગણાય છે. ડેનબરી મિન્ટના કો-ફાઉન્ડર ટેડ સ્ટેન્લીએ વર્ષ 2014માં બ્રોડ ઇન્સ્ટિટ્યૂટને  650 મિલ્યન ડોલર જેટલી મોટી રકમ જીનેટિક રીસર્ચ અને સ્વાસ્થ્ય સારવાર ક્ષેત્રે સંશોધન અર્થે આપી હતી.

બ્રોડ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીઓ હાર્વર્ડ અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીના સહકારથી બાયોમેડિસિન અને જીનોમ રીસર્ચ દ્વારા સ્વાસ્થ્ય ચિકિત્સા ક્ષેત્રે સંશોધન કાર્ય કરે છે.

વર્ષ 2018માં પ્રસિદ્ધ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (એમઆઇટી) ને 350 મિલ્યન ડોલરનું દાન અમેરિકન ઇક્વિટી બોસ સ્ટિફન શ્વાર્ઝમેને આપેલ છે. એમઆઇટી આ ફંડથી કમ્પ્યુટિંગ સાયંસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી (એઆઇ ટેકનોલોજી) ના વિકાસ માટે સેન્ટર ઊભું કરશે.

અમેરિકાની નાઇકી (Nike Inc.) કંપનીના સ્થાપક ફિલિપ નાઇટ (ફિલ નાઇટ) દ્વારા જંગી રકમોની સખાવત અમેરિકન શિક્ષણ સંસ્થાઓને અપાતી રહી છે. નાઇકીના ફિલાન્થ્રોપિસ્ટ પ્રણેતા ફિલિપ નાઇટ અને તેમનાં પત્ની પેનેલોપ નાઇટ (ફિલ નાઇટ અને પેન્ની નાઇટ) ની મલ્ટિ મિલિયન સખાવતોનો લાભ ઑરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ ઓરેગોન આદિને મળેલ છે.

અમેરિકાની અગ્રીમ યુનિવર્સિટીઓને મળેલ કરોડોનાં દાનોની અન્ય ઘણી કહાણીઓ છે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

અમેરિકન યુનિવર્સિટીઓનાં જંગી બજેટ

હાર્વર્ડ યુનિવર્સિટીના તાજેતરના બજેટમાં ઓપરેટિંગ એક્સ્પેન્સિસની રકમ આશરે 5 બિલિયન ડોલર (34,500 કરોડ રૂપિયા લગભગ) દર્શાવેલ છે. આની સામે આપણે અમદાવાદ, ગુજરાતમાં આવેલ સ્ટેટ યુનિવર્સિટીની વાત કરીએ. જી હા, ગુજરાત યુનિવર્સિટીનું વાર્ષિક બજેટ રૂપિયા 150 કરોડની આસપાસ પહોંચે છે! અત્રે ઉમેરવાનું કે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસની વાર્ષિક ફીઝ થોડા હજાર રૂપિયા હોય છે, જ્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ કૉર્સની એવરેજ વાર્ષિક ફીઝ ત્રીસ લાખ રૂપિયાથી વધારે હોય છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનું બજેટ પણ લગભગ હાર્વર્ડ જેટલું હોય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરની એવરેજ સેલેરી વાર્ષિક દોઢ કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે!

એમઆઇટી તરીકે પ્રસિદ્ધ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીનું 2018નું ઓપરેટિંગ બજેટ અધધ…ધ…ધ.. 357 કરોડ ડોલરનું હતું!

1746માં સ્થપાયેલ પ્રિન્સ્ટન યુનિવર્સિટી (પ્રિંસ્ટન, ન્યૂ જર્સી) નું તાજેતરનું ઓપરેટિંગ બજેટ 225 કરોડ ડોલરને વટાવી ગયું છે! બસો પચ્ચીસ કરોડ ડોલર એટલે રૂપિયા 15,525 કરોડથી પણ મોટી રકમ! આપ વિચારો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ના અમદાવાદ શહેર માટેના ગયા બજેટમાં રેવન્યુ એક્ષ્પેંડિચરનો અંદાજ 3500 કરોડ રૂપિયાનો હતો!

શૈક્ષણિક સંસ્થાઓમાં એન્ડાઉમેન્ટ, ગિફ્ટ અને ડોનેશનનું મહત્ત્વ શું છે?

આપે આ લેખમાં વાંચ્યું કે વિદેશમાં હાયર સ્ટડીઝ માટેનાં શિક્ષણ સંસ્થાનો પાસે જંગી જ નહીં, મહાજંગી રકમનાં એન્ડાઉમેન્ટ, ગિફ્ટ અને ડોનેશનનો કદી ન સૂકાતો સ્રોત હોય છે. ફલત: કોલેજો અને યુનિવર્સિટીઓ ઉચ્ચ ગુણવત્તાના ટીચિંગ સ્ટાફ-પ્રોફેસરો-ફેકલ્ટીને નિભાવી શકે છે અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પૂરું પાડી શકે છે. યાદ રાખશો કે હાર્વર્ડ સહિતની મોટા ભાગની ટોચની અમેરિકન યુનિવર્સિટીઓનાં બજેટમાં લાયક વિદ્યાર્થીઓને સ્કોલરશિપ કે વિવિધ પ્રકારની આર્થિક મદદ મળી જતી હોય છે. અમેરિકા-ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને ‘સ્પોન્સર્ડ રીસર્ચ’નો લાભ પણ મળતો હોય છે. તેમનાં સંશોધન ફંડ મોટાં હોય છે અને તેનાથી યુનિવર્સિટીઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમૃદ્ધ થતાં જાય છે.

મોટા ભાગનાં દેશોમાં યુનિવર્સિટીઓને મળતી સરકારી મદદ હવે ઘટતી જાય છે. આ સંજોગોમાં શ્રીમંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાનવીર વ્યક્તિઓ, સમાજસેવી સંસ્થાઓ કે કંપનીઓ તરફથી મળતાં ડોનેશન, ગિફ્ટ અને એન્ડાઉમેન્ટ થકી યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણ (હાયર એજ્યુકેશન) નાં સર્વોચ્ચ સ્તરોને જાળવી શકે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** ***

નોંધ: ‘અનામિકા’નો આજનો લેખ હું ભારત સરકારને, ગુજરાત સરકારને, દેશના શિક્ષણશાસ્ત્રીઓ, શિક્ષણ સંસ્થાનોના સંચાલકો અને ધનપતિઓને અર્પણ કરું છું. લેખની ખરબચડી માહિતી અને શુષ્ક જણાતા શબ્દો પાછળનો મર્મ કોઈક તો પામી જશે! એજ્યુકેશન પ્રતિ આપણા અભિગમમાં અને શિક્ષણ વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તનો આવશે તો મને ખુશી થશે! ધન્યવાદ!

વિશેષ નોંધ: લેખમાં રજૂ થયેલ આંકડા અને માહિતી સમયાનુસાર અને સ્રોત અનુસાર બદલાતાં રહે છે.

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

અનામિકા: લેખ અમેરિકા-ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ જંગી ડોનેશન તથા એન્ડાઉમેન્ટથી માલામાલ’: સંક્ષિપ્ત માહિતી

  • હાયર એજ્યુકેશન માટે શૈક્ષણિક સંસ્થાનો પાસે મોટાં ફંડ હોવાં આવશ્યક
  • યુએસએ તથા યુકેમાં શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને મળતાં મોટી રકમનાં ડોનેશન, ગિફ્ટ તથા એન્ડાઉમેન્ટ (Donation, Gift, Endowment)
  • ડોનેશન, ગિફ્ટ તથા એન્ડાઉમેન્ટથી અતિ સમૃદ્ધ અમેરિકા અને ઇંગ્લેન્ડની ટોચની યુનિવર્સિટીઓ
  • એન્ડાઉમેન્ટ થકી મોટી આવક ધરાવતી યુનિવર્સિટીઓમાં હાર્વર્ડ, યેલ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ, પ્રિન્સ્ટન આદિ ટોચની અમેરિકન યુનિવર્સિટીઓ; યુનાઇટેડ કિંગ્ડમમાં ઑક્સબ્રિજ તરીકે ઓળખાતી ઓક્સફોર્ડ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટી મોખરે
  • શ્રેષ્ઠ અમેરિકન – બ્રિટીશ યુનિવર્સિટીઓનાં જંગી બજેટમાં એન્ડાઉમેન્ટ અને ડોનેશનનો ફાળો
  • હાર્વર્ડ યુનિવર્સિટી (કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ, યુએસએ) પાસે 3600 કરોડ ડોલર એન્ડાઉમેન્ટ, તેનું વાર્ષિક બજેટ 500 કરોડ ડોલરથી વધુ!
  • તાજેતરમાં અમેરિકાના બહુકરોડપતિ બિઝનેસમેન સ્ટિફન શ્વાર્ઝમેન દ્વારા ઇંગ્લેન્ડની ઑક્સફોર્ડ યુનિવર્સિટીને 150 મિલ્યન પાઉન્ડનું અભૂતપૂર્વ ડોનેશન
  • સ્ટિફન શ્વાર્ઝમેન/ સ્ટીફન શ્વૉઝમેન, બ્લેકસ્ટોન ગ્રુપ, ન્યૂ યોર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા: Stephen Schwarzman (1947- ), Blackstone Group L.P.; New York, USA
  • માઇકલ બ્લુમબર્ગ, એક્સ-મેયર, ન્યૂ યોર્ક; સ્થાપક – બ્લુમબર્ગ કંપની, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા: Michael Bloomberg (1942-), Ex-Mayor New York (2001-2013); Founder of Bloomberg, USA
  • બ્લુમબર્ગ એલપી, મેનહટન, ન્યૂ યૉર્ક, યુએએસએ: Bloomberg L.P., Manhattan, New York, USA
  • ટેડ સ્ટેન્લિ, સ્થાપક – ડેનબરી મિન્ટ: Ted Stanley (1931-2916), Founder – Danbury Mint, USA
  • એહમત એર્ટગન / મારિયા ‘મિકા’ એર્ટગન / એર્ટિગન/એર્ટેગન/; એટલાન્ટિક રેકોર્ડ્સ, અમેરિકા: Ahmet Ertegun (1923-2006); Maria ‘Mica’ Ertegun – Wife of A Ertegun; Atlanic Records, USA
  • ડેવિડ હાર્ડિંગ – ક્લૉડિયા હાર્ડિંગ, વિન્ટોન ગ્રુપ/ હાર્ડિંગ ફાઉન્ડેશન, યુનાઇટેડ કિંગ્ડમ: David Harding – Cludia Harding, Winton Group/ Harding Foundation, UK
  • ફિલિપ નાઇટ – પેનેલોપ નાઇટ; નાઇકીના સ્થાપક ફિલ નાઇટ, અમેરિકા: Philip Hampson ‘Phil’ Knight (1938- ) – Penelope Knight (wife of Phil), Founder-Nike Inc, USA

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

મિલિયન (મિલ્યન) તથા બિલિયન (બિલ્યન) જેવી સંખ્યાઓ સમજવી છે? આ લેખ વાંચશો.

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

3 thoughts on “અમેરિકા-ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ જંગી ડોનેશન તથા એન્ડાઉમેન્ટથી માલામાલ

Leave a comment