વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

વિશ્વમાં એન્ટિબાયોટિક રેસિસ્ટન્સની સમસ્યા: બિનઅસરકારક થતી એન્ટિમાઇક્રોબિયલ દવાઓ

 

રોગજન્ય જીવાણુઓ કે પેથોજેનિક ઓર્ગેનિઝમ્સથી થતા રોગોના ઉપચાર માટેની દવાઓ એન્ટિબાયોટિક્સ કે એંટિમાઇક્રોબિયલ્સ કહેવાય છે.

માઇક્રોઓર્ગેનિઝમ્સથી થતા ઇન્ફેક્શન્સ વધતાં જાય છે; સાથે એન્ટિબાયોટિક કે એન્ટિમાઇક્રોબિયલ દવાઓનો ઉપયોગ આડેધડ વધતો જાય છે. વિવેકહીન ઉપયોગના પરિણામે એન્ટિમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ (એએમઆર AMR) વધતો જાય છે અને ઇન્ફેક્શનો સામે એન્ટિબાયોટિક દવાઓની અસરકારકતા ઘટવા લાગી છે.

ભારતમાં જ નહીં, વિશ્વભરમાં સ્વાસ્થ્ય-આરોગ્ય ક્ષેત્રે એન્ટિબાયોટિક રેસિસ્ટન્સની સમસ્યા પડકારરૂપ બની છે.

આયુર્વેદિક મેડિસિન હોય કે એલોપેથિક, એ જરૂરી છે કે ઔષધ-દવાના સેવનમાં માત્રા, સેવન-પદ્ધતિ, સમય અને સારવારની અવધિ માટેનાં ચિકિત્સકનાં તમામ સૂચનોનું પાલન થવું જોઈએ. પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ્સ (શરીરમાં રોગ પેદા કરતા જીવાણુઓ) સામે લડવા એન્ટિમાઇક્રોબિયલ મેડિસિનનો ઉપયોગ યોગ્ય રીતે ન થાય, તેવા કિસ્સામાં માઇક્રોઓર્ગેનિઝમ્સ તે એન્ટિમાઇક્રોબિયલ સામે પ્રતિરોધ શક્તિ મેળવી શકે છે. આમ થતું રહે તો તે જીવાણુ સામે એન્ટિમાઇક્રોબિયલ દવાની અસરકારકતા ઘટતી જાય છે. ફલત: એન્ટિમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ ડેવલપ થતો જાય છે. આજે ‘સુપર બગ કહેવાતા ડ્રગરેસિસ્ટંટ માઇક્રોર્ગેનિઝમ્સ વધતાં જાય છે.

ઘણા ઇન્ફેક્શન માટે એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ અનિવાર્ય બને છે. જો આવા ઇન્ફેક્શન વકરી જાય કે બેકાબૂ બની જાય તો દર્દીના જીવ પર જોખમ ઊભું થાય છે. આવા સંજોગોમાં જો જીવાણુઓએ એન્ટિબાયોટિક્સ  સામે પ્રતિરોધકતા હાસિલ કરી લીધી હોય, તો રોગ જીવલેણ નીવડે છે.

એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ આજે ફાર્માસ્યુટિકલ અને હેલ્થ-કેર ઉદ્યોગ માટે ભારે મોટો પ્રશ્ન છે.

આવો, ‘અનામિકા’ ના આજના લેખમાં એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ અને ‘સુપર બગ્સ વિશે જાણીએ તથા એન્ટિમાઇક્રોબિયલ દવાઓની ઓસરતી જતી અસરકારકતાને સમજીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

આપણી ચોમેર સૂક્ષ્મ જીવાણુઓ – માઇક્રોર્ગેનિઝમ્સ – રહેલાં છે. સજીવોનાં શરીરની અંદર, બહાર,  આસપાસના વાતાવરણમાં અને પૃથ્વી પર સર્વત્ર માઇક્રોર્ગેનિઝમ્સ (માઇક્રોબ્સ) વસે છે.

માઇક્રોર્ગેનિઝમ્સ વિવિધ પ્રકારનાં હોય છે. તેમાંથી આપણે બેક્ટીરિયા, વાઇરસ અને ફંગસ સાથે વધારે સંપર્કમાં આવીએ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

માઇક્રોબાયોટા, માઇક્રોબાયોમ અને સુપ્રા-ઓર્ગિનિઝમ

માઇક્રોબાયોટા એટલે વનસ્પતિ અને પ્રાણીઓ જેવા ‘હોસ્ટ’ સજીવોમાં રહેતા તમામ બિનહાનિકારક અને હાનિકારક માઇક્રોર્ગેનિઝમ્સનો સમૂહ.

માનવદેહને એક ઇકોસિસ્ટમ તરીકે સમજી શકાય જ્યાં દસ હજારથી વધુ પ્રકારનાં જીવાણુઓ વસવાટ કરે છે!

માઇક્રોબાયોમ એટલે માનવશરીરની અંદર અને ઉપર રહેલ તમામ માઇક્રોર્ગેનિઝમ્સનો સમૂહ.  જેનેટિક્સના સંદર્ભમાં, માઇક્રોબાયોમ એટલે શરીર સાથે સંકળાયેલ તમામ માઇક્રોર્ગેનિઝમ્સના જીન્સની માહિતી (માઇક્રોબ્સનો જેનેટિક સ્ટડી).

મનુષ્યનું શરીર જેટલા કોષો ધરાવે છે, તેનાથી વધુ મોટી સંખ્યામાં – ટ્રિલિયન્સ એંડ ટ્રિલિયન્સ – માઇક્રોર્ગેનિઝમ્સ ધરાવે છે. તેમાં હજારો પ્રકારનાં, લાભકારક અને હાનિકારક માઇક્રોબ્સ સાથે રહે છે. ઘણા વૈજ્ઞાનિકો આવા માઇક્રોર્ગેનિઝમ્સ સાથેના હ્યુમન બોડીને ‘સુપ્રા ઓર્ગેનિઝમ કહે છે.

માઇક્રોઓર્ગેનિઝમ્સનો જેનેટિક અભ્યાસ

આપ વાચકમિત્રોએ હ્યુમન જીનોમ પ્રૉજેક્ટ કે એચજીપી વિશે રસપ્રદ લેખો અમારા ‘મધુસંચય’ બ્લૉગ પર વાંચ્યા હશે. જેનેટિક સાયન્ટિસ્ટોએ  હ્યુમન જીનોમના અભ્યાસ સાથે માઇક્રોર્ગેનિઝમ્સના જીનોમના અભ્યાસની તરફેણ કરી છે. માઇક્રોર્ગેનિઝમ્સ અને તેમનાથી થતા ઇન્ફેક્શન્સને સમજવા માઇક્રોબાયોમની માહિતી જરૂરી છે. તે અર્થે અમેરિકામાં નેશનલ ઇંસ્ટિટ્યૂટ્સ ઑફ હેલ્થએન આઇ એચ – ના ઉપક્રમે હ્યુમન માઇક્રોબાયોમ પ્રૉજેક્ટ કે એચએમપી પ્રયોજાયો છે.

અમેરિકામાં સૌ પ્રથમ બેક્ટીરિયાના સંપૂર્ણ જીનોમનો સ્ટડી 1995માં થયો, જ્યારે ક્રેગ વેન્ટર નામના જેનેટિસ્ટ વૈજ્ઞાનિકે હિમોફિલસ ઇંફ્લુએન્ઝા નામના બેક્ટીરિયાના જીન્સનો અભ્યાસ કર્યો. હિમોફિલસ ઇન્ફલ્યુએન્ઝા બેક્ટીરિયા તેવો પ્રથમ ‘ફ્રી લિવિંગ’ સજીવ છે જેના કંપ્લિટ જીનોમનું સિક્વંસિંગ કરવામાં આવ્યું હોય. હિમોફિલસ ઇન્ફલ્યુએન્ઝામાં આશરે 18 લાખ નાઇટ્રોજન બેઝ પેર છે. અન્ય એક બેક્ટીરિયા ઇ કોલાઇના જીનોમમાં આશરે 46 લાખ નાઇટ્રોજન બેઝ પેર હોવાનું મનાય છે.

હ્યુમન માઇક્રોબિયલ ફ્લોરાને સમજવા તેમજ તેનાથી થતા ઇન્ફેક્શન્સની સારવારમાં હ્યુમન માઇક્રોબાયોમ પ્રૉજેક્ટનાં સંશોધનો ઉપયોગી થશે.

શરીરમાં હાનિકારક અને મદદરૂપ બેક્ટીરિયા એક સાથે

સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે શરીરની અંદર અને ઉપર હાનિકારક અને મદદરૂપ બંને પ્રકારનાં બેક્ટીરિયા (બેક્ટીરિઆ/ બેક્ટિરિયા/ બેક્ટેરિયા) સાથે સાથે રહી શકે છે. શરીરની ઉપર તથા અંદર રહેલાં અબજો અબજો બેક્ટીરિયા પૈકી મોટાં ભાગનાં બેક્ટીરિયા બિનહાનિકારક હોય છે. તેમાંથી કેટલાંક આપણને ઉપયોગી છે. આંતરડાંમાં રહેલાં કરોડો બેક્ટીરિયા ઇન્ટેસ્ટાઇનને હેલ્થી રાખે છે, પાચનમાં મદદરૂપ થાય છે અથવા રોગથી બચાવે છે. આવાં બેક્ટીરિયા ’પ્રોબાયોટિક્સ’ પણ કહેવાય છે. લેક્ટોબેસિલસ અને બાઇફિડોબેક્ટીરિયા આંતરડામાં મદદરૂપ બેક્ટીરિયા છે. ચામડી પર રહેલ સ્ટેફાયલોકોકસ એપિડર્મિસ નામનાં બેક્ટીરિયા બાહ્યત્વચાને અન્ય જીવાણુઓથી બચાવે છે. આંતરડામાં રહેલ એશ્કેરિશિયા કોલાઇ (ઇ કોલાઇ) ઘણે ભાગે નિર્દોષ છે, પણ ઇ કોલાઇનાં અમુક સ્ટ્રેઇન ખાસ સંજોગોમાં ડાયેરિયા કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પણ કરી શકે છે. શરીરમાં સ્ટ્રેપ્ટોકોકસ તથા સાલ્મોનેલા પ્રકારનાં બેક્ટીરિયા હાર્મફુલ સાબિત થાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

માઇક્રોબિયલ ઇન્ફેક્શન્સની સારવાર અર્થે એન્ટિબાયોટિક્સ

માઇક્રોબિયલ ઇન્ફેક્શનથી રક્ષણ માટે એન્ટિમાઇક્રોબિયલ એજન્ટ્સ મદદરૂપ છે, તે આપે અમારા ‘અનુપમા’ ના લેખમાં જાણ્યું છે. શરીરના મોટા ભાગના ચેપી રોગો (સંક્રમણ) માં એન્ટિબાયોટિક મેડિસિન્સ વપરાય છે.

માઇક્રોઓર્ગેનિઝમ્સથી થતાં ઇન્ફેક્શન્સ વિવિધ પ્રકારનાં હોય છે. તેમના માટે જવાબદાર જીવાણુઓ (કૉઝેટિવ માઇક્રોઓર્ગેનિઝમ્સ) જુદાં જુદાં હોય છે, તેથી દરેકની સારવાર માટે ઉપયોગી એન્ટિબાયોટિક કે એન્ટિમાઇક્રોબિયલ પણ અલગ અલગ જાતનાં હોય છે.

વિશ્વના પ્રથમ એન્ટિબાયોટિક ‘પેનિસિલિન’ની શોધ સ્કોટિશ બેક્ટેરિયોલોજીસ્ટ ડૉક્ટર એલેક્ઝાંડર ફ્લેમિંગ દ્વારા 1928માં કરવામાં આવી. તેના એક દશક પછી તેને ક્લિનિકલ ઉપયોગમાં પ્રયોજાયું. પેનિસિલિનને મેડિસિન તરીકે ચિકિત્સા ક્ષેત્રમાં લાવવાનો શ્રેય ઑક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેંડના ડૉ હોવર્ડ ફ્લોરી અને ડૉ અર્ન્સ્ટ બોરિસ ચેઇનને જાય છે. પેનિસિલિનની શોધ માટે 1945માં ફિઝિયોલોજી માટેનું નોબેલ પ્રાઇઝ ગ્રેટ બ્રિટનના ડૉ ફ્લેમિંગ- ડૉ ફ્લોરી- ડૉ ચેઇનને સંયુક્તપણે એનાયત થયું તે આપે ‘અનુપમા’ના લેખમાં વાંચ્યું.

એન્ટિબાયોટિક મેડિસિન્સ ‘વંડર ડ્રગ્સ’ ગણાય છે. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ ગ્રામ પોઝિટિવ તથા ગ્રામ નેગેટિવ બંને પ્રકારનાં બેક્ટીરિયાની વિશાળ શ્રેણી પર અસરકર્તા છે. પેનિસિલિન પછી ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાયસિન જેવાં ‘બ્રોડ સ્પેક્ટ્રમ’ ગણાતાં એન્ટિબાયોટિક્સ આવ્યાં. સ્ટ્રેપ્ટોમાયસિન ટીબીના ઇલાજમાં ખૂબ વપરાયું.  જેંટામાયસિન પણ ખૂબ સફળ થયું. આજે એમ્પિસિલિન, એમોક્સિસિલિન, સિફાલોસ્પોરીન, સિપ્રોફ્લોક્સાસિન ઇત્યાદિ એન્ટિબાયોટિક્સ રોજિંદા જીવનમાં ઇન્ફેક્શન્સના ઉપચાર માટે ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ થતાં હોય છે.

એન્ટિમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ

જો એન્ટિમાઇક્રોબિયલ પ્રોડક્ટનો અયોગ્ય ઉપયોગ સમજદારી વિના અનુચિત રીતે થાય તો માઇક્રોબ્સ પર તેનો પ્રભાવ ઘટતો જાય છે. એન્ટિમાઇક્રોબિયલ દવાઓ બિનજરૂરી રીતે, અયોગ્ય રીતે આડેધડ વાપરવામાં આવે તો માઇક્રોઓર્ગેનિઝમ્સ તેનાથી બચવાના રસ્તા શોધી લે છે અને દવાની અસર ઓછી થતી જાય છે.

માઇક્રોર્ગેનિઝમના વધતા પ્રતિરોધને પરિણામે એન્ટિમાઇક્રોબિયલની ઘટતી અસરકારકતાને એન્ટિમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ ( AMR ) કહે છે.

વિશ્વની ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને હેલ્થ કેર ઉદ્યોગ એન્ટિમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ મોટી સમસ્યા છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ

એંટિબાયોટિક દવાને ઇંફેક્શન અને તેના કૉઝેટિવ ઓર્ગેનિઝમ પરથી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. એન્ટિબાયોટિક ટ્રીટમેન્ટની સફળતા ડોઝની નિયમિતતા, સેવન વિધિ, અવધિના ચુસ્ત પાલન પર પણ નિર્ભર છે. તેને મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ અને સૂચનોની અનુસાર જ લેવી જોઈએ. જ્યારે ચિકિત્સકનાં સૂચનોનું કે દવા લેવાના નિયમોનું ઉચિત પાલન ન થાય તો રોગજન્ય જીવાણુઓ પર દવાની અસર ઘટે છે. પરિણામે જીવાણુ જે તે એન્ટિબાયોટિકનો પ્રતિકાર કરતાં શીખે છે. આવા માઇક્રોબ્સ એન્ટિબાયોટિક સામે ‘ઇમ્યુન’ થતાં શીખે છે.

એન્ટિબાયોટિક દવા સામે માઇક્રોર્ગેનિઝમનો આવો પ્રતિકાર અને પરિણામે દવાની ઘટતી અસરકારકતાને એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ કહેવાય છે.

એન્ટિબાયોટિક રેસિસ્ટન્સને પરિણામે એન્ટિબાયોટિક દવાની જે તે માઇક્રોર્ગેનિઝમ પર અસર થતી નથી, તેથી તેનાથી થતા ઇન્ફેક્શન પર કાબૂ મેળવવો મુશ્કેલ થાય છે. માઇક્રોબિયલ રેસિસ્ટન્સ ડેવલપ થતાં ઇન્ફેક્શન ઘાતક નીવડી શકે છે. એન્ટિબાયોટિક રેસિસ્ટન્ટ બેક્ટીરિયાથી થતાં ઇન્ફેક્શન્સની સારવાર નિષ્ફળ જતાં વિશ્વમાં 7,00,000 દર્દીઓ મૃત્યુ પામે છે. થોડાં વર્ષોમાં અગ્રણી એન્ટિબાયોટિક્સ પણ એવાં નિષ્ક્રીય થતાં જણાશે કે ઇન્ફેક્શનથી લાખોની સંખ્યામાં દર્દીઓ જીવ ખોશે! વિશ્વના હેલ્થ-કેર ઇંડસ્ટ્રી સામે એન્ટિમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ મોટો પડકાર છે.

સુપર બગ શું છે?

જે બેક્ટીરિયા ઇન્ફેક્શન્સમાં અસરકર્તા મુખ્ય એન્ટિબાયોટિક્સ સામે રેસિસ્ટન્ટ થઈ જાય છે, તેવા બેક્ટીરિયાને સુપર બગ કહે છે.

મેથિસિલિન નામક એન્ટિબાયોટિક અગાઉ સ્ટેફાયલોકોકસ બેક્ટીરિયાનાં કેટલાંક સ્ટ્રેઇન સામે ભારે અસરકર્તા હતું. હવે કેટલાક સ્ટેફાયલોકોકસ ઓરિયસ પ્રકારનાં બેક્ટીરિયા મેથિસિલિન એન્ટિબાયોટિક સામે રેસિસ્ટન્ટ થઈ ગયાં છે. મેથિસિલિન-રેસિસ્ટન્ટ સ્ટેફાયલોકોકસ ઓરિયસ (MRSA) હવે સુપર બગ તરીકે ઓળખાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ અને સુપર બગ વિશ્વમાં શાથી ફેલાય છે?

એન્ટિબાયોટિકનો ‘મિસ યુઝ’ અને ‘ઓવરયુઝ’ એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ માટે જવાબદાર છે.

ડેવલપિંગ કંન્ટ્રીઝ (ભારત સહિતનાં ઘણા એશિયન દેશો તથા આફ્રિકન દેશો) માં એન્ટિબાયોટિકના પ્રિસ્ક્રીપ્શન અને વેચાણ પર ઓછાં નિયંત્રણો છે. ત્યાં એન્ટિબાયોટિક બેફામ રીતે વપરાય છે. વળી એન્ટિબાયોટિકનો અપૂરતો ડોઝ અને અપર્યાપ્ત અવધિનો ઉપયોગ માઇક્રોર્ગેનિઝમ્સને રેસિસ્ટન્સ કરવાની અનુકૂળતા આપે છે. આવા કેસમાં માઇક્રોર્ગેનિઝમ નેચરલ રેસિસ્ટન્સ પ્રાપ્ત કરે છે અથવા જેનેટિક મ્યુટેશનથી રેસિસ્ટન્સ મેળવે છે. પછી આવો એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ બેક્ટીરિયાના એક સ્ટ્રેઇનમાંથી બીજા સ્ટ્રેઇનમાં અને એક એન્ટિબાયોટિક પછી બીજા એન્ટિબાયોટિક સામે વિસ્તરતો જાય છે.

મેડિકલ પ્રોફેશન અને હેલ્થ કેર સંસ્થાઓ મેથિસિલિન-રેસિસ્ટન્ટ સ્ટેફાયલોકોકસ ઓરિયસ (MRSA) ના અનુભવથી ડરી ગયા છે.

આવાં રેસિસ્ટન્ટ બેક્ટીરિયા (બેક્ટીરિઆ/ બેક્ટિરિયા/ બેક્ટેરિયા) અથવા સુપર બગ હોસ્પિટલમાંથી સમાજમાં અને દેશમાં ફેલાય છે. રેસિસ્ટન્ટ બેક્ટીરિયા શરીરમાં ધરાવતી વ્યક્તિ બીજા દેશમાં ટ્રાવેલ કરે ત્યારે તે બેક્ટીરિયા બીજા દેશમાં પહોંચે છે. આમ, એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ વિશ્વમાં ફેલાઈ શકે છે.

જાપાનિઝ સુપર બગ ફંગસ ‘કેન્ડિડા ઑરિસ’

આ તદ્દન તાજા (એપ્રિલ 2019) એલાર્મિંગ ન્યૂઝ છે.

કેન્ડિડા ઓરિસ કે કેંડિડા ઔરિસ નામે ઓળખાતી અતિ ઘાતક જાપાનિઝ સુપર ફંગસ વિશ્વના અનેક દેશોમાં ફેલાવા લાગી છે. વિશ્વના હેલ્થ-કેર પ્રોફેશનલ્સ માટે આ ભારે ચિંતાનો વિષય છે.

કેન્ડિડા ઑરિસ (C Auris) આમ તો એક પ્રકારનું યીસ્ટ (ફંગસનો એક પ્રકાર) છે.

કેન્ડિડા ઑરિસ માનવ સ્વાસ્થ્ય માટે એવી ખતરનાક ફંગસ છે કે અમેરિકાની સીડીસી – સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન – સંસ્થાએ તેને ‘સુપર બગ’ ફંગસ જાહેર કરેલ છે. અમેરિકામાં જાહેર સ્વાસ્થ્ય-રોગ નિયંત્રણ સેવાઓ સાથે સંકળાયેલ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની ચેતવણી ગંભીરતાથી લેવાય છે.

કેન્ડિડા ઑરિસને જાપાનિઝ સુપર બગ ફંગસ પણ કહે છે, કારણ કે તેના ઇન્ફેક્શનને જાપાનમાં 2009માં નોંધવામાં આવ્યો હતો. આ સુપર બગ ફંગસ બે ખૂબ જાણીતી અને ઇફેક્ટિવ મનાતી એંટી ફંગલ દવાઓ સામે રેસિસ્ટન્સ મેળવી ચૂકી છે. કેન્ડિડા ઑરિસ સ્કીન પરના જખમ કે ઘા દ્વારા અથવા કેથેટર દ્વારા  શરીરમાં અને લોહીમાં જાય છે. તે લિવર, ફેફસાં કે યુરિનરી ટ્રેક્ટમાં ઇન્ફેક્શન ફેલાવી શકે છે. જો કે કેંડિડા ઑરિસ પર્યાપ્ત ઇમ્યુનિટી ધરાવતા તંદુરસ્ત મનુષ્યને હાનિ ન પહોંચાડે તેવું મનાય છે.

કેન્ડિડા ઑરિસ ઇન્ફેક્શનના અમેરિકામાં 600થી વધુ કેસ નોંધાયા છે જ્યારે યુકેમાં પણ તે ઘાતક હોવાનું નોંધાયું છે. વિશ્વના અન્ય દેશોમાં તે ફેલાયેલ છે, પરંતુ ઘણા દેશોમાં આ ઇન્ફેક્શનના ‘કન્ફર્મ ડિટેક્શન’ની ટેકનોલોજી ન હોવાથી તેનો વ્યાપ કળી શકાતો નથી.

સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (યુએસએ) દ્વારા આ સુપર બગ ફંગસ કેન્ડિડા ઑરિસને ‘ગ્લોબલ થ્રેટ’ જાહેર કરવામાં આવેલ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

અનામિકા: લેખ ‘વિશ્વમાં એન્ટિબાયોટિક રેસિસ્ટન્સની સમસ્યા: બિનઅસરકારક થતી એન્ટિમાઇક્રોબિયલ દવાઓ’: સંક્ષિપ્ત માહિતી

 • પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ્સથી થતાં ઇન્ફેક્શન્સમાં સારવાર માટે ઉપયોગી એન્ટિબાયોટિક્સ કે એંટિમાઇક્રોબિયલ્સ (Antibiotics/ Antimicrobials)
 • વિશ્વનું પ્રથમ એંટિબાયોટિક તે ડૉ એલેક્ઝાંડર ફ્લેમિંગ દ્વારા શોધાયેલ પેનિસિલિન
 • ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ: Dr Alexander Fleming (1881-1955)
 • વનસ્પતિ-પ્રાણી સજીવ હોસ્ટમાં રહેતા તમામ પ્રકારનાં બિનહાનિકારક અને હાનિકારક માઇક્રોર્ગેનિઝમ્સનો સમૂહ તે માઇક્રોબાયોટા (Microbiota)
 • માઇક્રોબાયોમ (Microbiome) એટલે માનવશરીરની અંદર અને ઉપર વસતાં બધાં માઇક્રોર્ગેનિઝમ્સનો સમૂહ
 • માનવશરીર રૂપી ઇકોસિસ્ટમમાં વસતાં માઇક્રોર્ગેનિઝમ્સની અંદર રહેલ જેનેટિક મટીરિયલ તે પણ કહેવાય માઇક્રોબાયોમ
 • એંટિમાઇક્રોબિયલ્સનો અવિવેકી ઉપયોગ નોતરે એન્ટિમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ Antimicrobial Resistance – AMR)
 • એન્ટિબાયોટિક્સના મિસયુઝ કે ઓવરયુઝ પરિણમે એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ (Antibiotic Resistance) માં
 • પહેલાં જે એન્ટિબાયોટિક્સથી પ્રભાવિત થતાં હોય તેવાં બેક્ટીરિયા સમય વીત્યે તે પ્રમુખ એન્ટિબાયોટિક્સ સામે રેસિસ્ટન્સ ડેવલપ કરી લે, તેવાં બેક્ટીરિયા કહેવાય ‘સુપર બગ’ (Super Bug)
 • મેથિસિલિન-રેસિસ્ટન્ટ સ્ટેફાયલોકોકસ ઓરિયસ (MRSA)
 • એંટિફંગલ દવાઓ સામે રેસિસ્ટંટ થઈ રહેલ કેન્ડિડા ઑરિસ (Candida Auris) નામક યીસ્ટ (ફંગસ)
 • સુપર બગ ફંગસ તરીકે ઓળખાયેલ કેન્ડિડા ઑરિસને ‘ગ્લોબલ થ્રેટ’ જાહેર કરે છે સીડીસી – સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન, યુએસએ (CDC- Centres for Disease Control and Prevention, USA)

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * **** * * ** *** * ** ** *** *** * * *** * * ** * *

3 thoughts on “વિશ્વમાં એન્ટિબાયોટિક રેસિસ્ટન્સની સમસ્યા: બિનઅસરકારક થતી એન્ટિમાઇક્રોબિયલ દવાઓ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s