અંગ્રેજી ફિલ્મ · ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો

હોલિવુડની મુખ્ય ફિલ્મ કંપનીઓ, પ્રસિદ્ધ સ્ટુડિયોઝ અને ઓસ્કાર એવોર્ડ્ઝ

આપ માની શકશો કે અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગનો આરંભ હોલિવુડ (હૉલિવુડ) માં નહીં, પણ ન્યૂ જર્સીમાં થયો હતો!! જી હા, ન્યૂ જર્સીમાં હડસન નદીના કાંઠે ફોર્ટ લિ ખાતે શરૂઆતની સાયલેન્ટ ફિલ્મો શુટ થઈ.

અમેરિકાના મહાન શોધક ટોમસ આલ્વા એડિસનની મોશન પિક્ચર પરની શોધખોળ માટેનો સ્ટુડિયો ‘બ્લેક મારિયા’ ન્યૂ જર્સીમાં વેસ્ટ ઓરેન્જ ખાતે હતો. એડિસનના કાઇનેટોગ્રાફ – કાઇનેટોસ્કોપ પર સુધારા વધારા તથા ટૂંકી મૂગી ફિલ્મોના પ્રયોગો બ્લેક મારિયા સ્ટુડિયોમાં થયા હતા.

અમેરિકામાં ફિલ્મોનું નિર્માણ ન્યૂ જર્સીમાં શરૂ થયું હતું તે હકીકત અણજાણી રહી છે! હોલિવુડમાં ફિલ્મ નિર્માણ 1910 પછી શરૂ થયું.

હોલિવુડમાં વિશ્વના સૌથી મોટા સ્ટુડિયો સ્થપાતાં તે અમેરિકામાં ફિલ્મ નિર્માણનું કેંદ્ર બન્યું.

યુનિવર્સલ સ્ટુડિયો, વોર્નર બ્રધર્સ, વોલ્ટ ડિઝની સ્ટુડિયો સહિત અન્ય ઘણા સ્ટુડિયોએ સિનેમા જગતની શ્રેષ્ઠ ફિલ્મો બનાવી છે. સંખ્યાબંધ ફિલ્મોએ એકેડમી એવોર્ડ્ઝ – ઓસ્કાર –  જીતી વિક્રમ રચ્યા છે. આ વાતો જાણવામાં આપને પણ રસ છે ને?

હોલિવુડના ઐતિહાસિક સ્ટુડિયોઝ, તેમાં નિર્મિત યાદગાર શ્રેષ્ઠ ફિલ્મો તેમજ ફિલ્મ જગતમાં ઓસ્કાર એવોર્ડ તરીકે ઓળખાતા એકેડેમિ એવોર્ડ્ઝના ઇતિહાસની રસપ્રદ વાતો ‘અનામિકા’ ના આજના લેખમાં જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મોશન પિક્ચરના ઇતિહાસમાં ટોમસ આલ્વા એડિસનના કાઇનેટોગ્રાફ – કાઇનેટોસ્કોપના પાયારૂપ  સર્જનનું ઘણું મહત્વ છે. 1893માં શિકાગોના વર્લ્ડ કોલંબિયન એક્સ્પોઝિશન (શિકાગો એક્સ્પો 1893) માં તેના નિદર્શન પછી કાઇનેટોસ્કોપને દેશ-વિદેશ્નમાં ખ્યાતિ મળી.

ફ્રાન્સના લુમિએર બ્રધર્સની ફિલ્મો અમેરિકામાં પ્રથમ વાર ન્યૂ યૉર્કમાં 1896ના 29 જૂનના દિવસે પ્રદર્શિત થઈ.

1907માં હડસન તટે ફોર્ટ લિમાં અમેર્રિકાની પહેલી ફિલ્મનું શુટિંગ થયું. 1909માં ફોર્ટ લિમાં અમેરિકાનો પ્રથમ સિને સ્ટુડિયો ‘ચેમ્પિયન ફિલ્મ કંપની’ એ ઊભો કર્યો. ત્યાર પછી કેલિફોર્નિયામાં હોલિવુડ (હૉલિવુડ) માં ફિલ્મ નિર્માણ શરૂ થયું. અને ત્યાં ફિલ્મ ઉદ્યોગ ખીલવા લાગ્યો.

ફિલ્મ નિર્માણ કેન્દ્ર બનતું હોલિવુડ

આપ જાણો છો કે હોલિવુડ એક મોટો વિસ્તાર છે, જે લોસ એન્જેલસ શહેર (કેલિફોર્નિયા સ્ટેટ, યુએસએ) માં આવેલો છે. ઓગણીસમી સદીના અંત ભાગમાં એચ જે વ્હિટલી નામના પ્રોપર્ટી ડેવલપરે હોલિવુડ (હૉલિવુડ) વિસ્તાર વિકસાવ્યો.

હોલિવુડમાં ઉતારાયેલ પ્રથમ ફિલ્મ ન્યૂ યૉર્કના મશહૂર ફિલ્મ ડાયરેક્ટર ડી ડબલ્યુ ગ્રિફિથ દિગ્દર્શિત ‘ઇન ઓલ્ડ કેલિફોર્નિયા’ હતી. 1910માં ડી ડબલ્યુ ગ્રિફિથ દ્વારા તે ફિલ્મ ન્યૂ યૉર્કની બાયોગ્રાફ કંપની માટે બની હતી.

હોલિવુડમાં પહેલો સ્થાયી ફિલ્મ સ્ટુડિયો 1911માં નેસ્ટર ફિલ્મ કંપનીએ સ્થાપ્યો. આજે નેસ્ટરના પહેલા હોલિવુડ સ્ટુડિયોના સ્થાન પાસે સીબીએસ ટેલિવિઝન સ્ટુડિયો બનેલો છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

તે પછીના બે-ત્રણ દાયકાઓમાં મશહૂર ફિલ્મ પ્રોડક્શન કંપનીઓના સ્ટુડિયો હોલિવુડમાં ઊભા થતા ગયા. તેમાં પેરેમાઉન્ટ, યુનિવર્સલ, કોલંબિયા, યુનાઇટેડ આર્ટિસ્ટ્સ, વોર્નર બ્રધર્સ તથા એમજીએમ તરીકે જાણીતી મેટ્રો-ગોલ્ડવિન-માયર ઉપરાંત ટ્વેંટિએથ સેંચ્યુરી ફોક્સનો સમાવેશ થાય. આ સિને કંપનીઓએ હોલિવુડની અવિસ્મરણીય શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્માણ કર્યું.

હોલિવુડમાં ઘણી કંપનીઓ રચાઈ; કેટલીયે ખોવાઈ ગઈ!!!

હોલિવુડમાં ગળાકાપ સ્પર્ધાને કારણે આજે ફિલ્મ કંપનીઓ અને સ્ટુડિયોનાં વ્યાવસાયિક સંબંધો ઘણા સંકુલ બની ગયા છે. એન્ટરટેઇનમેન્ટ બિઝનેસમાં ટકી રહેવા ફિલ્મ સ્ટુડિયોઝ અને કંપનીઓ જાતજાતના ખેલ ખેલતી હોય છે! ફિલ્મ નિર્માણ અને વિતરણમાં એટલા પેચીદા કરારો હોય છે કે સામાન્ય વ્યક્તિને તે સમજાય નહીં! વ્યવસાયના વિવિધ તબક્કે પ્રતિસ્પર્ધી કંપનીઓ પરસ્પર કોઈક રીતે સંકળાયેલી હોય તેમ પણ બને!

એક જમાનામાં ડંકો વગાડતો આરકેઓ સ્ટુડિયો આજે નથી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

હોલિવુડના સુપ્રસિદ્ધ ફિલ્મ સ્ટુડિયો તથા તેમની જાણીતી ફિલ્મો

આપણે નામનાપાત્ર ફિલ્મ કંપનીઓ-સ્ટુડિયો પર નજર નાખીએ તો પહેલાં યુનિવર્સલ પિક્ચર્સ યાદ આવે. હાલ પણ કાર્યરત હોય તેવા અમેરિકાના સૌથી જૂના સ્ટુડિયોમાંથી એક એવા યુનિવર્સલ સ્ટુડિયોની સ્થાપના 1912માં થઈ. જૂનાં જમાનામાં ‘ડ્રેક્યુલા’ (1931) અને ‘ફ્રેન્કન્સ્ટાઇન’ (1931) થી માંડી સ્ટિવન સ્પિલબર્ગની ‘જૉઝ’, ‘ઇટી: ધ એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ’ અને  ‘જુરાસિક પાર્ક’ તેમજ કોલિન ટ્રેવરોની ‘જુરાસિક વર્લ્ડ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર ‘યુનિવર્સલ સ્ટુડિયોઝ’ અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ હરોળમાં છે.

પેરેમાઉન્ટની સ્થાપના 1912માં થયેલી. પેરામાઉન્ટની યાદગાર ફિલ્મોમાં ‘ગોડફાધર’, ‘ટાઇટેનિક’ ‘મિશન ઇમ્પોસિબલ’ ‘ટ્રાન્સફોર્મર્સ’ જેવી ફિલ્મો ગણી શકાય.

1919માં સ્થપાયેલ ‘યુનાઇટેડ આર્ટિસ્ટ્સ’ના સ્થાપકો ડી ડબ્લ્યુ ગ્રિફિથ, ડગ્લાસ ફેરબેન્ક્સ, ચાર્લિ ચેપ્લિન અને મેરી પિકફોર્ડ હતાં. દાયકાઓ પછી યુનાઇટેડ આર્ટિસ્ટ્સને મેટ્રો ગોલ્ડવિન મેયર (એમજીએમ)  કંપનીએ હસ્તગત કરી.

મેટ્રો-ગોલ્ડવિન-મેયર એમજીએમના ગર્જના કરતાં સિંહ આપણને ‘ગોન વિથ ધ વિંડ’ અને ‘ડોક્ટર ઝિવાગો’ જેવી ક્લાસિકલ ફિલ્મો સાથે જેમ્સ બોન્ડ ફિલ્મોની યાદ અપાવે. એમજીએમના મૂળમાં મેટ્રો, ગોલ્ડવિન તથા મેયર – આમ ત્રણ  કંપનીઓ હતી. મેટ્રો-ગોલ્ડવિન-મેયરની  1939માં આવેલ ‘ગોન વિથ ધ વિંડ’ ફિલ્મે બોક્સઓફિસ પર એવા રેકોર્ડ બનાવ્યા હતા કે વર્ષો સુધી કોઈ પણ ફિલ્મ ત્યાં સુધી પહોંચી શકી નહતી! એમજીએમની ‘થંડરબોલ’, ‘ગોલ્ડફિંગર’, ‘ટુમોરો નેવર ડાઇઝ’ અને ‘ડાઇ અનધર ડે’ જેવી જેમ્સ બોન્ડ ફિલ્મ્સ સદાબહાર રહી છે.

1924માં સ્થાપિત કોલંબિયા પિક્ચર્સનાં મૂળ 1918ની કંપની સીબીસી ફિલ્મમાં છે. ફ્રેંક કાપ્રા જેવા સિદ્ધહસ્ત ડાયરેક્ટરના દિગ્દર્શનમાં ઉતરેલ ફિલ્મો – જેવી કે ‘ઇટ હેપન્ડ વન નાઇટ’ –  થકી કોલંબિયાને પ્રસિદ્ધિ મળી. એક જમાનામાં કોલંબિયાએ ડિઝનીની મિકી માઉસ જેવી સિરિઝનું વિતરણ પર કરેલું. કોલંબિયાની જાણીતી ફિલ્મોમાં ‘ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઇ’, ‘અ મેન ફોર ઓલ સિઝન્સ’, ‘ગાંધી’, ‘જુમાનજી’, ‘એમેઝિંગ સ્પાઇડરમેન’ વગેરેનો સમાવેશ થાય.

વોલ્ટ ડિઝની પિક્ચર્સ આજે અમેરિકન સિનેમા ઇન્ડસ્ટ્રીની મહાકાય ફિલ્મ કંપની લેખાય છે. 1923માં સ્થપાયેલ વોલ્ટ ડિઝની તેનાં મિકી માઉસ અને ટોમ-જેરી જેવાં કાર્ટૂન ચલચિત્રોથી આગળ વધી હાલ એનિમેશન ફિલ્મોમાં માસ્ટર બનેલ છે. પિક્સાર તથા માર્વેલ સ્ટુડિયોઝના લીધે વોલ્ટ ડિઝની ફિલ્મ નિર્માણ ક્ષેત્રે વિશ્વમાં અગ્રગણ્ય કંપની બની ચૂકી છે. ડિઝનીની તાજેતરનાં વર્ષોની સુપર હિટ ફિલ્મોમાં કેપ્ટન માર્વેલ, કેપ્ટન અમેરિકા, આયર્ન મેન-3, સ્ટાર વોર્સ, એવેન્જર્સ સિરીઝ આદિ સમાવિષ્ટ છે.

વોર્નર બ્રધર્સને દાયકાઓથી હોલિવુડની સુપર જાયન્ટ કંપનીઓમાં સ્થાન પામી છે. સ્થાપકો હતા ચાર વોર્નર ભાઈઓ: હેરી, આલ્બર્ટ, સામ અને જેક વોર્નર. તાજેતરના દાયકાઓમાં વોર્નર બ્રધર્સની બોક્સઓફિસ હીટ ફિલ્મોમાં ‘ધ મેટ્રિક્સ’, ‘ધ ઇન્સેપ્શન’, હેરી પોટર સિરિઝ વગેરેને મૂકી શકાય.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

હોલિવુડમાં સૌથી વધારે ઓસ્કાર જીતનાર દિગ્દર્શકો અને ફિલ્મો

અમેરિકામાં ઓસ્કારના નામે ઓળખાતા એકેડેમિ એવોર્ડ્સનું મહત્વ આપ સૌ જાણો છો. સૌ પ્રથમ ઑસ્કાર એવૉર્ડ્ઝ 1929માં હોલિવુડની રૂઝવેલ્ટ હોટેલમાં ડગ્લાસ ફેરબેંક્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા.

અમેરિકામાં સિનેમેટિક આર્ટ્સ અને સાયંસિઝ સાથે સંકળાયેલ પ્રોફેશનલ્સની સંસ્થા છે જે ‘એકેડેમિ ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિઝ’ ( AMPAS )  તરીકે ઓળખાય છે.

એકેડેમિ ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિઝ દ્વારા ફિલ્મ ક્ષેત્રમાં સર્જન, કલા કે ટેકનિકલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન, શ્રેષ્ઠતા કે સિદ્ધિ બદલ પ્રતિ વર્ષ  એવોર્ડ અપાય છે જેને ટૂંકમાં એકેડેમિ એવોર્ડ કહે છે. આવા એન્યુઅલ એવોર્ડ્ઝ અમેરિકન ફિલ્મો ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફિલ્મોને પણ અપાય છે. અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રતિષ્ઠિત સન્માન ગણાતા એકેડેમિ એવોર્ડ્સને ઓસ્કાર એવોર્ડ્સ પણ કહે છે.

અમેરિકન ફિલ્મો માટેના એકેડેમિ એવોર્ડ્ઝમાં સૌથી મહત્વની પાંચ કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ એક્ટર, શ્રેષ્ઠ એક્ટ્રેસ અને શ્રેષ્ઠ સ્ક્રીન પ્લેનો સમાવેશ થાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

હોલિવુડમાં સૌથી વધુ ખ્યાતિ અને સન્માન પામનારા દિગ્દર્શકોમાં જોહન ફોર્ડ, ફ્રેંક કાપ્રા, વિલિયમ વાયલરથી માંડીને સ્ટિવન સ્પિલબર્ગનાં નામ પ્રથમ પંક્તિમાં આવે.

અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિગ્દર્શન માટે સૌથી વધારે એકેડેમી એવોર્ડ – ઓસ્કાર  જીતનાર ડાયરેક્ટર જોહન ફોર્ડ (1894-1973)  છે. હોલિવુડમાં જોહન ફોર્ડ એક માત્ર ડાયરેક્ટર છે જેમણે કારકિર્દીમાં શ્રેષ્ઠ દિગ્દર્શન માટે ચાર ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા. બેસ્ટ ડાયરેક્શન માટે ઓસ્કાર જીતનાર જોહન ફોર્ડની ચાર ફિલ્મો હતી: ‘ધ ઇન્ફોર્મર’ (1935), ‘ધ ગ્રેપ્સ ઑફ રેથ’ (1940), ‘હાઉ ગ્રીન વોઝ માય વેલિ’ (1941) અને ‘ધ ક્વાયટ મેન’ (1952),

ફ્રેંક કાપ્રા (1897-1991)ત્રણ ફિલ્મોમાં શ્રેષ્ઠ દિગ્દર્શનના ઓસ્કાર જીત્યા. તે ત્રણ ઓસ્કાર વિનર  ફિલ્મો હતી: ‘ઇટ હેપન્ડ વન નાઇટ’, ‘મિસ્ટર સ્મિથ ગોઝ ટુ વોશિંગ્ટન’ અને ‘મિટ જોહન ડો’.

વિલિયમ વાયલર (1902-1981) ને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે ત્રણ ફિલ્મો માટે એકેડમી એવોર્ડ – ઓસ્કાર મળ્યા: ‘બેન હર’, ‘ધ બેસ્ટ યર્સ ઓફ અવર લાઇવ્ઝ’ અને ‘મિસિસ મિનિવર’.

અમેરિકાના ફિલ્મ ઉદ્યોગમાં મહત્તમ એકેડેમી એવોર્ડ જીતનાર ત્રણ હોલિવુડ ફિલ્મો છે અને તે દરેકે અગિયાર-અગિયાર ઓસ્કાર જીત્યા છે. હોલિવુડના ઇતિહાસમાં સૌથી વધારે ઓસ્કાર જીતનારી આ ત્રણ ફિલ્મો છે: વિલિયમ વાયલરની  ‘બેન હર’ (1959), જેમ્સ કામરૂનની  ‘ટાઇટેનિક’ (1997) તથા પીટર જેકસનની ‘ધ લોર્ડ ઑફ ધ રિંગ્સ: ધ રિટર્ન ઑફ ધ કિંગ’ (2003).

હોલિવુડના ઇતિહાસમાં સૌથી મહત્વની પાંચેપાંચ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીતનાર માત્ર ત્રણ ફિલ્મો છે: ફ્રાંક કાપ્રા દિગ્દર્શિત ‘ઇટ હેપન્ડ વન નાઇટ’ (1934), માઇલો ફોરમેન દિગ્દર્શિત અને જેક નિકોલસન અભિનીત ફિલ્મ ‘વન ફ્લ્યુ ઓવર ધ કકુઝ નેસ્ટ’ (1975) તથા જોનાથન ડેમ્મ દિગ્દર્શિત અને એંથની હોપકિન્સ અભિનીત ‘ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સ’ (1991). આજ સુધીના એકેડેમિ એવોર્ડ્સના ઇતિહાસમાં માત્ર આ ત્રણ ફિલ્મો એવી રહી છે જેણે ટોચના પાંચ ઓસ્કાર જીત્યા છે: બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્શન, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રિનપ્લે.

એક પ્રશ્ન આપ પૂછશો: એક્ટિંગ માટે સૌથી વધારે ઓસ્કાર એવોર્ડ મેળવનાર કલાકાર કોણ? કેથેરાઇન હિપબર્ન એક માત્ર હોલિવુડ એક્ટ્રેસ છે જેમણે બેસ્ટ એક્ટ્રેસ તરીકે ચાર એકેડેમી એવોર્ડ જીત્યા છે. અન્ય કોઇ અભિનેતા-અભિનેત્રી કલાકારે કારકિર્દીમાં આટલા ઓસ્કાર જીત્યા નથી!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

હોલિવુડની હાઇએસ્ટ ગ્રોસિંગ મુવિઝ

હોલિવુડની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મો કઈ? બોક્સ ઓફિસ પર સૌથી હિટ થનાર હોલિવુડની  બ્લોકબસ્ટર મુવિઝ કઈ? હોલિવુડની  ઓલ ટાઇમ હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોમાં પ્રથમ પાંચ મુવિઝનું વિશ્વભરનું ટોટલ કલેક્શન 90,000 કરોડ જેટલું મનાય છે. ભારતમાં નિર્મિત ઓલ ટાઇમ હાઇએસ્ટ ગ્રોસિંગ મુવિઝમાં પ્રથમ ક્રમની પાંચ ફિલ્મોનું બોક્સઓફિસ કલેક્શન 6500 કરોડ જેટલું હોવાનો અંદાજ છે.

વિશ્વભરમાં આજ પર્યંત સૌથી વધારે કમાણી કરનાર, ઓલ ટાઇમ હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મોમાં પ્રથમ ક્રમે માર્વેલ-વોલ્ટ ડિઝનીની ‘એવેન્જર્સ: એન્ડ ગેઇમ’ આવે. 2019માં પ્રદર્શિત થનાર ‘એવેન્જર્સ: એન્ડ ગેઇમ’નું અંદાજિત બોક્સઓફિસ કલેક્શન આશરે ત્રણસો કરોડ ડોલર (અ..ધ..ધ  22500 કરોડ રૂપિયા!) નું છે.

સમગ્ર દુનિયામાં બોક્સ ઓફિસ પર ઓલ ટાઇમ રેકોર્ડબ્રેક કલેક્શન કરનાર અન્ય હોલિવુડ મુવિઝમાં જેમ્સ કેમરૂનની ‘અવતાર’ (ટ્વેન્ટિએથ સેન્ચ્યુરિ ફોક્સ) તથા ‘ટાઇટેનિક’ (પેરેમાઉન્ટ-ટ્વેન્ટિએથ સેન્ચ્યુરિ ફોક્સ), જે જે અબ્રામ્સની સ્ટાર વોર્સ એપિસોડ 7 (લ્યુકાસ ફિલ્મ-વોલ્ટ ડિઝની) તથા એન્થની રુસો-જો રુસોની ‘એવેન્જર્સ ઇંફિનિટી વોર’ (માર્વેલ-વોલ્ટ ડિઝની) ફિલ્મોનો સમાવેશ થાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

અનામિકા લેખ ‘હોલિવુડની મુખ્ય ફિલ્મ કંપનીઓ, પ્રસિદ્ધ સ્ટુડિયોઝ અને ઓસ્કાર એવોર્ડ્ઝ’ : સંક્ષિપ્ત
  • હોલિવુડ/ હૉલિવુડ વિસ્તાર લોસ એન્જેલસ (કેલિફોર્નિયા સ્ટેટ, યુએસએ) માં: Hollywood, Los Angelos (California, USA)
  • હોલિવુડમાં બનેલ પ્રથમ ફિલ્મ ‘ઇન ઓલ્ડ કેલિફોર્નિયા’, દિગ્દર્શક ડી ડબલ્યુ ગ્રિફિથ દ્વારા, બાયોગ્રાફ કંપની માટે: The first film shot in Hollywood – ‘In Old California’, directed by D W Griffith (1875-1948) for Biograph Company
  • 1911માં સ્થપાયો હોલિવુડનો પ્રથમ ફિલ્મ સ્ટુડિયો નેસ્ટર ફિલ્મ કંપનીનો: Nestor Film Company founded the first film studio in Hollywood (1911)
  • હોલિવુડના સુપ્રસિદ્ધ સ્ટુડિયોઝમાં Universal Studios, Paramount, United Artists, Metro-Goldwyn-Mayer (MGM), Columbia, Walt Disney, Warner Brothers આદિ
  • અમેરિકન ફિલ્મ જગતના વિશ્વવિખ્યાત ઓસ્કાર એવોર્ડ /એકેડેમિ એવોર્ડનું સંચાલન કરે છે એકેડેમિ ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિઝ: Oscar Awards / Academy awards admistered by Academy of Motion Picture Arts and Sciences (AMPAS)
  • હોલિવુડના ઇતિહાસમાં સૌથી વધારે ઓસ્કાર (11 ઓસ્કાર) એવોર્ડ જીતનાર ત્રણ ફિલ્મો ‘બેન હર’, ‘ટાઇટેનિક’ તથા ‘ધ લોર્ડ ઑફ ધ રિંગ્સ: ધ રિટર્ન ઑફ ધ કિંગ’: Three films that won the highest number (11 awards each) of Oscars/Academy Awards are ‘Ben Hur’, ‘The Titanic’ and ‘The Lord of the Rings: The Return of the King’
  • દિગ્દર્શન માટે સૌથી વધારે ચાર ફિલ્મો માટે બેસ્ટ ડાયરેક્શનનો ઓસ્કાર એવોર્ડ જીતનાર દિગ્દર્શક હતા જોહન ફોર્ડ: John Ford (1894-1973) won four Oscar Awards for the best direction for the films
  • વિશ્વમાં આજ સુધીની ઓલ ટાઇમ હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ માર્વેલ-વોલ્ટ ડિઝનીની ‘એવેન્જર્સ: એન્ડ ગેઇમ’ (2019): The all-time highest grossing movie is Marvel-Walt Disney’s ‘Avengers: Endgame’ (2019)

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

આપને નીચેના લેખોમાં પણ રસ પડશે:

મુંબઈનાં પ્રસિદ્ધ થિયેટરોનો ભવ્ય ભૂતકાળ

દાદાસાહેબ ફાલકેની સર્વ પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર’

ગુજરાતી રંગભૂમિના સિતારા અમૃત કેશવ નાયકની અજાણી કહાણી

વિશ્વના હોટેલ ઉદ્યોગનો ઇતિહાસ

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

1 thoughts on “હોલિવુડની મુખ્ય ફિલ્મ કંપનીઓ, પ્રસિદ્ધ સ્ટુડિયોઝ અને ઓસ્કાર એવોર્ડ્ઝ

Leave a comment