અંગ્રેજી સાહિત્ય · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: જીવનકથા · વિષય: પરિચય · વિષય: સાહિત્ય

વિલિયમ શેક્સપિયર: વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જક

 

વિલિયમ શેક્સપિયર અંગ્રેજી સાહિત્યના સૌથી મહાન સર્જક અને વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર તરીકેનું સન્માન પામે છે.

સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં જન્મેલા શેક્સપિયર આજે પણ સૌથી લોકપ્રિય સાહિત્યકાર છે. ચાર ચાર સદીઓ પછી પણ શેક્સપિયરને અંગ્રેજી ભાષાના સર્વોત્તમ સહિત્યસર્જકોની યાદીમાં મોખરે મૂકવામાં આવે છે. હેમ્લેટ, મેકબેથ અને ઓથેલો જેવાં તેમનાં નાટકો આજે પણ દુનિયાભરના રંગમંચ પર ભજવાઈ રહ્યાં છે, તે વાત શેક્સપિયર સૌથી મહાન નાટ્યકાર હોવાનું જીવંત પ્રમાણ છે. સિદ્ધહસ્ત કવિ તરીકે અનેક ભાવભર્યા સોનેટનું સર્જન કરનાર વિલિયમ શેક્સપિયરને કેટલાક વિદ્વાનો ઇંગ્લેન્ડના ‘રાષ્ટ્રીય કવિ’ માને છે.

શેક્સપિયરની યુવાની એલિઝાબેથન એરામાં વીતી. પંદરમી-સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં સત્તા માટેના શાહી  કાવાદાવાઓ વરવા બન્યા. છેવટે 1558માં ઇંગ્લેન્ડની રાજગાદી ક્વિન એલિઝાબેથ પ્રથમને મળી. રાણી એલિઝાબેથ પ્રથમનો શાસનકાળ ‘એલિઝાબેથન યુગ’ તરીકે ઇંગ્લેન્ડના સુવર્ણકાળ સમો નીવડ્યો. બસ, આ યુગમાં 1564માં લંડન પાસે સ્ટ્રેટફોર્ડ-અપોન- એવન ટાઉનમાં વિલિયમ શેક્સપિયરનો જન્મ.

સાડા ચારસો વર્ષ પહેલાંનાં અંગ્રેજી ભાષાના શિરમોર સમા સર્જકનો જીવનવૃત્તાંત પૂર્ણ રીતે ક્યાંય મળતો નથી!! ઉત્તમ ટ્રેજેડી નાટકો લખનાર શેક્સપિયરના જીવનનાં ઘણાં પાસાંથી આજે પણ આપણે અજાણ છીએ. તેમની અંગત જિંદગી તેમજ સર્જનો વિશે બે સદીથી વિવાદો ચાલ્યા કરે છે, તે એક કરુણતા જ ને!

‘અનામિકા’ના આજના લેખમાં અંગ્રેજી સાહિત્યના બેતાજ બાદશાહ વિલિયમ શેક્સપિયરનો પરિચય મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

 ** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

દુનિયાભરમાં ખ્યાતનામ સર્જક વિલિયમ શેક્સપિયર

ઇંગ્લિશ ભાષામાં સાહિત્યસર્જનના મહારથી તરીકે વિલિયમ શેક્સપિયરની નામના વિશ્વવ્યાપી  છે.

દુનિયામાં અંગ્રેજી માધ્યમની એક પણ શિક્ષણસંસ્થા એવી નહીં હોય જેના અભ્યાસક્રમમાં કોઈ તબક્કે શેક્સપિયરની સાહિત્યકૃતિ ન ભણાવાઈ હોય! દુનિયાના તમામ નાટ્યલેખકો પૈકી શેક્સપિયરનાં નાટકો સૌથી વધારે ભજવાયાં છે. થિયેટરની નાટ્યપ્રવૃત્તિઓથી ધબકતું એવું કોઈ મહાનગર નહીં હોય, જેના સ્ટેજ પર શેક્સપિયરનું ડ્રામા ન ભજવાયું હોય!

શેક્સપિયર એક ‘ઑલ ટાઇમ બેસ્ટ સેલિંગ’ સાહિત્યકાર રહ્યા છે. શેક્સપિયરનાં નાટકો દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં અનુવાદિત થયાં છે. અંદાજ એવો છે કે તેમની કૃતિઓના વેચાણની સંખ્યા ત્રણસોથી ચારસો કરોડ જેટલી હશે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

શેક્સપિયરના જન્મ પૂર્વેનું ઇંગ્લેન્ડ

વર્ષ 1564માં શેક્સપિયરનો જન્મ થયો, ત્યારે ઇંગ્લેન્ડમાં ક્વિન એલિઝાબેથ ફર્સ્ટ (રાણી એલિઝાબેથ પ્રથમ) નો રાજ્યકાળ હતો.

રાણી એલિઝાબેથ પ્રથમ વર્ષ 1558માં ગાદી પર બેઠાં, તે પૂર્વેનાં સો વર્ષનો ઇંગ્લેન્ડનો ઇતિહાસ કેવી ઊથલપાથલથી ભરેલો રહ્યો તે વાત આપે અમારા અન્ય બ્લૉગ ‘મધુસંચય’ના લેખ (12/08/2019) માં  વાંચી છે. 1509માં રાજા હેન્રી આઠમાએ સત્તા સંભાળી અને રોમન કેથલિક ચર્ચ સાથે વાંધો પડતાં પોપની સત્તાને ફગાવી દીધી. રોમના ચર્ચને સ્થાને હેન્રી આઠમાએ ચર્ચ ઑફ ઇંગ્લેન્ડની સ્થાપના કરી.

1547માં કિંગ હેન્રી આઠમાનું મૃત્યુ થયું તે પછીના અગિયાર વર્ષ સુધી ઇંગ્લેન્ડની રાજગાદી માટે જે દાવપેચ ખેલાયા તે આપે ‘મધુસંચય’ના અન્ય લેખ (19/08/2019) માં વાંચ્યું.

1558માં રાણી એલિઝાબેથ પ્રથમ ગાદી પર આવ્યા અને દેશને સ્થિર શાસન મળ્યું. ઇંગ્લેંડના ઇતિહાસમાં 1558-1603 સુધીનો ક્વિન એલિઝાબેથ પ્રથમનો શાસનકાળ ‘એલિઝાબેથન એરા’ કે ‘એલિઝાબેથ યુગ’ તરીકે જાણીતો છે.

સો વર્ષની અસ્થિરતા પછી, ઇંગ્લેન્ડમાં એલિઝાબેથન એરામાં કલા-સાહિત્ય સર્જનને ખીલવાની તકો સાંપડી. યુવાન શેક્સપિયરના સાહિત્યસર્જનને પોષનાર એલિઝાબેથન યુગ હતો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

શેક્સપિયરનું બાળપણ અને યુવાની

વિલિયમ શેક્સપિયરનો જન્મ ઇંગ્લેન્ડમાં એવન (એવોન) નદીને કાંઠે વસેલ સ્ટ્રેટફોર્ડ-અપોન-એવન ટાઉનમાં 1564માં થયો હતો.

સ્ટ્રેટફોર્ડ-અપોન-એવોન ટાઉન ઇંગ્લેન્ડની વોરવિકશાયર કાઉન્ટિમાં લંડનથી આશરે 150 કિલોમીટર દૂર છે. એવન નદીના પ્રદેશમાં જન્મનાર શેક્સપિયરને ‘બાર્ડ ઑફ એવન’ કે ‘સ્વાન ઑફ એવન’ જેવાં ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે.

વિલિયમ શેક્સપિયરના પિતા જોહન શેક્સપિયર ગર્ભ શ્રીમંત ન હતા. વ્યવસાયમાં હાથ અજમાવ્યા પછી શેક્સપિયરના બાળપણમાં તેઓ સ્ટ્રેટફોર્ડ ટાઉનના બેલિફનો માનભર્યો હોદ્દો પામ્યા હતા. જોહન દંપતિને આઠ સંતાનો થયાં હતાં, તેમાં વિલિયમ ત્રીજું સંતાન હતા.

શેક્સપિયરની જન્મતારીખ, બાળપણ અને શિક્ષણ વિશે અધિકૃત રેકોર્ડ પૂર્ણતયા ઉપલબ્ધ નથી. એવું મનાય છે કે તેમણે સ્ટ્રેટફોર્ડ ટાઉનની ‘કિંગ્સ ન્યૂ સ્કૂલ’માં શિક્ષણ મેળવ્યું હતું. ત્યાં તેમણે લેટિન ભાષાનો સઘન અભ્યાસ કર્યો હોવાનું તથા લેટિન સાહિત્યનું અધ્યયન કર્યું હોવાની શક્યતા છે. તેમણે આગળ યુનિવર્સિટી સ્ટડી કર્યો હોવાની કોઈ જ નોંધ નથી.

1582માં માત્ર અઢાર વર્ષની ઉંમરે વિલિયમ શેક્સપિયરનાં લગ્ન 26 વર્ષની યુવતી એન્ન હેથઅવે (એન્ન હેથવે) સાથે થયાં. શેક્સપિયર દંપતિને ત્રણ બાળકો થયાં- બે પુત્રી અને એક પુત્ર. કમનસીબે પુત્ર અગિયાર વર્ષની બાળ વયે મૃત્યુ પામ્યો. બે પુત્રીઓ બચી.

1585-1592ના પીરિયડ માટે શેક્સપિયરના જીવનની માહિતી મળતી નથી. ‘લોસ્ટ યર્સ’ કહેવાતાં 1585 પછીનાં સાત વર્ષ દરમ્યાન તેઓ ક્યારે  લંડન સ્થળાંતર કરી ગયા તે રેકોર્ડ પર નથી. લંડનમાં તે સ્થાયી થઈને રહ્યા કે લંડન-સ્ટ્રેટફોર્ડ ફરતા રહ્યા હતા તે વિશે ભિન્ન મંતવ્યો છે. આ સમયગાળા અંગે સંશોધકોએ મનગઢંત વાતો વહેતી કરી છે જેની ખરાઈ કરવી મુશ્કેલ છે.

1592 પછી શેક્સપિયરની લંડનમાં હાજરીની અને લેખન પ્રવૃત્તિની નોંધ લેવાઈ છે. એલિઝાબેથન યુગના તે સમયગાળામાં લંડનના અમીર સમાજમાં થિયેટ્રિકલ એક્ટિવિટિઝ ફૂલીફાલી હતી. આમ છતાં નાટકમાં સ્ત્રી પાત્રો તો પુરૂષો જ ભજવતા! (‘અનામિકા’ના વાચકોને દાદાસાહેબ ફાળકેના ‘રાજા હરિશ્ચંદ્ર’ ફિલ્મના સાળુંકે તથા ગુજરાતી રંગમંચના જયશંકર સુંદરી યાદ આવે ને?) સો વર્ષ સુધી રાજકીય કાવાદાવાઓમાં ગૂંગળાયેલા લંડનનો આમવર્ગ હજી રૂઢિચુસ્ત હતો; માત્ર કેટલાક શ્રીમંતો-ઉમરાવો નાટક જેવી મનોરંજનની પ્રવૃત્તિઓને પોષતા હતા.

1594 પછી શેક્સપિયરની લેખન પ્રવૃત્તિઓ તથા નાટ્યપ્રવૃત્તિઓ વિશેષ પ્રકાશમાં આવી. તે દરમ્યાન લંડનમાં શેક્સપિયર અને અન્ય સાથીઓએ મળીને ‘લોર્ડ ચેમ્બરલેઇન્સ મેન’ નામે નાટક કંપની ઊભી કરી, જે આગળ ચાલીને ‘ધ કિંગ્સ મેન’ તરીકે ઓળખાઈ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

શેક્સપિયરના નાટ્યલેખનના તબક્કાઓ

શેક્સપિયરના નાટ્ય-લેખનના ત્રણ તબક્કાઓ જણાય છે. તેમણે પ્રથમ તબક્કામાં ઐતિહાસિક નાટકો, બીજામાં કોમેડી-રોમેન્ટિક નાટકો અને ત્રીજા તબક્કામાં ટ્રેજેડી નાટકો લખ્યાં.

શેક્સપિયરના સાહિત્યસર્જનની આધારભૂત ‘ક્રોનોલોજીકલ’ નોંધ નથી. તેમણે કઈ કૃતિ કયા વર્ષમાં ક્યારે લખી તેની ચોક્કસ માહિતી નથી. 1580-1590ના દાયકામાં તેમણે લેખન પ્રવૃત્તિઓ શરૂ કરી હશે તેવું અનુમાન છે.

તેમની કારકિર્દીની શરૂઆતનાં નાટકો ઇતિહાસ આધારિત હતાં. ‘કિંગ હેન્રી છઠ્ઠો’  (King Henry VI) તથા ‘રિચાર્ડ ત્રીજો’ જેવાં ઐતિહાસિક નાટકો શેક્સપિયરનાં પ્રારંભિક નાટકો છે.

કારકિર્દીના મધ્ય તબક્કામાં તેમણે કોમેડી અને રોમેંટિક નાટકોનું સર્જન કર્યું. ‘એઝ યુ લાઇક ઇટ’, ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ તથા ‘મચ એડો અબાઉટ નથિંગ’ જેવાં નાટકો તેનાં ઉદાહરણો છે.

લેખનકાર્યના છેલ્લા તબક્કામાં તેમણે ટ્રેજેડી નાટકો લખ્યાં. સર્જનશીલતાના આખરી ગાળામાં શેક્સપિયરનાં સર્વોત્તમ ટ્રેજેડી નાટકો – જેવાં કે હેમ્લેટ, મેકબેથ, ઓથેલો, કિંગ લિયર – આપણને મળ્યાં.

1610 પછી તેમની જાહેર પ્રવૃત્તિઓ મંદ પડી ગઈ. તેમની છેલ્લી નોંધપાત્ર કૃતિ 1613માં સર્જાઈ. ત્રણ જ વર્ષ પછી 1616માં ઇંગ્લિશ ભાષાના મહાન સાહિત્યસર્જક વિલિયમ શેક્સપિયરની જીવનલીલા સંકેલાઈ ગઈ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

નાટ્યકાર શેક્સપિયર, ‘ધ કિંગ્સ મેન’ અને ગ્લોબ થિયેટર

એલિઝાબેથન યુગમાં નાટ્યપ્રવૃત્તિઓ લોકભોગ્ય બની અને શેક્સપિયર પણ તેમાં જોડાયાં. સમરસિયા મિત્રો સાથે તેમણે નાટક કંપની બનાવી. ‘અનામિકા’ના કેટલાક વાચકોને નવાઈ લાગશે કે શેક્સપિયર ખુદ નાટક લખતા અને એક અભિનેતા તરીકે નાટકનું પાત્ર પણ ભજવતા. શરૂઆતમાં ‘લોર્ડ ચેમ્બરલેઇન્સ મેન’ નામે ઓળખાયેલ શેક્સપિયરની નાટ્યકંપની સ્ટેજ પર ભારે સફળતાને વરી.

1999માં કંપનીએ પોતાની ડ્રામા એક્ટિવિટિઝ માટે લંડનમાં પ્લેહાઉસ ‘ગ્લોબ’ બનાવ્યું. લાકડા – ટિમ્બર – થી બંધાયેલા ‘ગ્લોબ થિયેટર’માં ભજવાનાર પ્રથમ નાટક શેક્સપિયરનું ‘જુલિયસ સિઝર’ હતું.

વર્ષ 1603માં ક્વિન એલિઝાબેથ પ્રથમનું અવસાન થયું અને કિંગ જેમ્સ પ્રથમ ગાદી પર આવ્યા. ત્યાર પછી, ‘લોર્ડ ચેમ્બરલેઇન્સ મેન’ નાટક કંપની નવા નામે ‘ધ કિંગ્સ મેન’ તરીકે ઓળખાઈ. 1613માં એક ભીષણ આગમાં ગ્લોબ થિયેટર તારાજ થયું. 1614માં ગ્લોબને ફરી બાંધવામાં આવ્યું, જો કે તે અરસામાં  નિવૃત્તિ લઈને શેક્સપિયર પોતાને વતન સ્ટ્રેટફોર્ડ-અપોન-એવન ચાલ્યા ગયા હતા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

આજે લંડનનું ‘શેક્સપિયર્સ ગ્લોબ’ થિયેટર

શેક્સપિયરનું ગ્લોબ થિયેટર 1644માં બંધ પડ્યું પછી તેનું અસ્તિત્વ મિટાઇ ગયું.

વીસમી સદીમાં અમેરિકન અભિનેતા-દિગ્દર્શક સેમ વનમેકરના પ્રયત્નોથી મૂળ ગ્લોબની નજીક જ, નવા ગ્લોબ થિયેટરનું પુન: નિર્માણ થયું.

1997માં તેને નવાં નામ-રૂપથી ‘શેક્સપિયર્સ ગ્લોબ’ તરીકે ફરી પુન: જીવિત કરાયું. સેમ વનમેકરે તેની બાંધણી અને મૂળ રચનાને અસલ ‘ગ્લોબ થિયેટર’ જેવી રાખવા સંનિષ્ઠ પ્રયત્નો કર્યા હતા. તે અનુસાર, આજે સ્ટેજ ફરતે અર્ધ વર્તુળમાં સામે પ્રેક્ષકોને ઊભા રહીને નાટક જોવા માટે ખાડા – પિટ – ની વ્યવસ્થા છે. આ પિટની પાછળ બેસીને જોવા માટે ચઢતા ક્રમમાં ગોઠવેલી લાકડાની બેંચો છે અને ઉપર ગેલેરીઓ છે. ઊંડાઈ ધરાવતા પિટમાં ઊભા રહીને જોનાર પ્રેક્ષકોની ટિકિટ ઓછી હોય છે. (જૂની સિનેમાનો ‘પિટ ક્લાસ શબ્દ યાદ આવે ને?)

‘શેક્સપિયર્સ ગ્લોબ’નું નિર્માણ પૂર્ણ થાય તે પહેલાં 1993માં સેમ વનમેકરનું અવસાન થયું. તેઓ જીવિત હોત તો આ વર્ષ 2019માં તેમની 100મી વર્ષગાંઠ ઉજવાઈ હોત! ‘અનામિકા’ના વાચકોને ખુશી થશે કે આજે પણ ભારે સફળતાપૂર્વક ‘શેક્સપિયર્સ ગ્લોબ’ ચાલી રહ્યું છે. તેમાં શેક્સપિયરનાં નાટકો અને અન્ય કાર્યક્રમો પણ થાય છે.

‘શેક્સપિયર્સ ગ્લોબ’માં આજે ઊભા રહીને નાટક જોવા માટે પિટ ક્લાસની ટિકિટ માત્ર (!) પાંચ પાઉન્ડની છે!!!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

શેક્સપિયરનું સાહિત્યસર્જન

શેક્સપિયરે 37 (કે 38?) નાટકો તથા 154 જેટલાં સોનેટ લખ્યાં હોવાનું મનાય છે. જો કે તેમનાં કેટલાંક નાટકો તેમણે લખ્યાં છે કે અન્ય કોઈએ, તે બાબતે વિવાદ છે. તેમનાં કોઈક નાટકો અન્યના સહયોગથી લખાયાં હોવાનું પણ બહાર આવ્યું છે.

શેક્સપિયરની કૃતિઓના વિષયવસ્તુમાં એક તરફ જીવન, રમૂજ, ઉત્કટ પ્રેમ અને મહત્ત્વાકાંક્ષા છે, તો બીજી તરફ નિષ્ફળતા અને નિરાશા, ઉદ્વિગ્નતા અને દુ:ખ, ઇર્ષ્યા અને બદલો વિશેષ જણાય છે. તેમનું રોમેન્ટિક નાટક ‘રોમિયો એન્ડ જુલિયેટ’ આબાલવૃદ્ધમાં પ્રિય રહ્યું છે. ‘ધ કોમેડી ઑફ એરર્સ’ અને ‘એઝ યુ લાઇક ઇટ’ જેવાં કોમેડી નાટકોએ સૌનું મનોરંજન કર્યું છે. ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ શાળા-કોલેજોમાં ભણાવાતું ખ્યાતનામ નાટક રહ્યું છે. શેક્સપિયરની ટ્રેજેડીઝ દુનિયાભરના તખ્તા પર ભજવાતી રહી છે. વિશ્વના રંગમંચ પરનાં સૌથી સફળ ટ્રેજેડી નાટકોમાં ‘હેમ્લેટ’, ‘ઓથેલો’ અને ‘મેકબેથ’ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. ‘જુલિયસ સિઝર’ અને ‘કિંગ લિયર’ની લોકપ્રિયતા પણ ઓછી આંકી શકાય તેવી નથી.

1592-93ના ગાળામાં લંડનમાં પ્લેગનો રોગ ફેલાયો અને શહેરમાં બરબાદી સાથે હાહાકાર મચી ગયો. તે સમયે નાટ્યપ્રવૃત્તિઓ મંદ પડી. શેક્સપિયર દ્વારા તે અરસામાં કેટલાંક સોનેટ પણ સર્જાયાં હોવાનું જણાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

શેક્સપિયરે અંગ્રેજી ભાષામાં ઉમેર્યા નવા શબ્દો

શેક્સપિયરે અંગ્રેજી ભાષાની મોટી સેવા કરી છે. શેક્સપિયરના અગણિત ચાહકો જાણતા નથી કે તેમણે અંગ્રેજી ભાષામાં સંખ્યાબંધ નવીન શબ્દો ઉમેર્યા છે. જી હા, પોતાની સાહિત્યકૃતિઓમાં નવા નવા શબ્દોના ઉપયોગથી શેક્સપિયરે અંગ્રેજીના શબ્દભંડોળમાં નવીન શબ્દોનો ઉમેરો કર્યો છે અને ઇંગ્લિશ લેન્ગ્વેજને સમૃદ્ધ કરી છે.

‘અનામિકા’ના વાચકમિત્રોને શેક્સપિયરના ‘શોધેલા’ નવા શબ્દો જાણવામાં રસ પડશે. તેમણે સર્વ પ્રથમ પ્રયોજેલા અંગ્રેજી શબ્દોમાં amazement, courtship, unwillingness, import, addiction જેવાં ભાવવાચક નામ,  critical, motionless, useless, informal, impartial, distrustful, unreal, compact, auspicious, uncomfortable જેવાં વિશેષણો તથા dislocate, dishearten જેવાં ક્રિયાપદો સહિત બીજાં અનેક શબ્દોનો સમાવેશ થાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

શેક્સપિયરના જીવનનાં અજાણ રહેલાં પાસાંઓ

વિશ્વના રંગમંચને શ્રેષ્ઠ કરુણાંતિકાઓ – ટ્રેજેડીઝ – આપનાર શેક્સપિયરના જીવનની કરુણતા એ છે કે આપણી પાસે તેમની સંપૂર્ણ જીવની નથી!

શેક્સપિયરના સાહિત્યસર્જન અંગે વિવાદોનો પાર નથી. તેમની કેટલીક કૃતિઓની ‘ઑથરશિપ’ પર પણ સવાલો ઊઠ્યા છે. તેમના દ્વારા લખાયેલ કહેવાતાં અમુક નાટકો અન્ય કોઈએ લખ્યાં હોવાની વાત પણ બહુચર્ચિત છે.

લેખન સિવાય શેક્સપિયરના જીવનનાં ઘણાં પાસાંઓથી આપણે બેખબર છીએ.

શેક્સપિયરને બે પુત્રીઓ હતી અને બંને પરિણિત હતી. પણ તેમના વંશજોની વિગતો ક્યાં? તેમના કોઈ વંશ-વારસદારો આજે હોવાની માહિતી મળતી નથી. શેક્સપિયરની ડાયરી કે અંગત નોંધ ઉપલબ્ધ નથી. તેમણે લખેલા કોઈ જ પત્ર જાણમાં નથી. નથી તેમના મિત્રોએ કોઈ નોંધ રાખી, કે નથી તેમના સમકાલીનોએ પુસ્તકોમાં પૂરતી માહિતી આપી.

શેક્સપિયરના દેખાવ કે ‘ફિઝિકલ અપિયરન્સ’થી વિશ્વ અજાણ રહ્યું છે. તેમની ધાર્મિક માન્યતાઓ વિશે જાણી શકાતું નથી. તેમના અંગત જીવનની ઘણી બાબતો અજાણ જ રહી છે.

અગણિત લેખકો અને કવિઓ દુનિયામાં ખ્યાતિ મેળવતા હોય છે. પરંતુ ભાષા, સ્થળ અને કાળના સીમાડા વળોટીને વિશ્વભરના વાચકોનો પ્રેમ જીતનાર સાહિત્યસર્જકો ગણ્યાગાંઠ્યા હોય છે. તેમાં રશિયાના લિયો ટોલ્સ્ટોય કે ઇંગ્લેન્ડના ચાર્લ્સ ડિકન્સ હોઈ શકે; તેમાં કદાચ કોઈ ગ્રીક કવિ હોમરને મૂકવા સૂચવે. તે સર્વ ઉપરાંત એક મહાન સર્જકને ઉમેરવા હોય તો નિર્વિવાદપણે વિલિયમ શેક્સપિયરને તે બહુમાન જરૂર મળે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

અનામિકા-લેખ: વિલિયમ શેક્સપિયર: વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જક
  • વિલિયમ શેક્સપિયર (1564-1616) ની ગણના અંગ્રેજી સાહિત્યના સૌથી મહાન સર્જકોમાં
  • વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર તરીકે શેક્સપિયરની નામના
  • શેક્સપિયરનો જન્મ ઇંગ્લેન્ડમાં એવન (એવોન) નદી-કિનારે સ્ટ્રેટફોર્ડ-અપોન-એવનમાં 1564માં
  • તેમણે રચ્યાં 37 (કે 38?) નાટકો અને 154 સોનેટ્સ
  • તેમનાં ત્રણ પ્રકારનાં નાટકો ઐતિહાસિક, કોમેડી-રોમેન્ટિક અને ટ્રેજેડીઝ
  • હેમ્લેટ, મેકબેથ, ઓથેલો, જુલિયસ સિઝર, કિંગ લિયર, રોમિયો એન્ડ જુલિયેટ તથા મર્ચન્ટ ઑફ વેનિસ તેમનાં પ્રસિદ્ધ નાટકો
  • શેક્સપિયરની નાટક કંપની ‘લોર્ડ ચેમ્બરલેઇન્સ મેન’ તથા ‘ધ કિંગ્સ મેન’નાં મોટા ભાગનાં નાટકો ભજવાયાં લંડનના ‘ગ્લોબ થિયેટર’માં; અસલ થિયેટરની રચનાને ન્યાય આપતું નવું ‘શેક્સપિયર્સ ગ્લોબ’ થિયેટર આજેય લોકપ્રિય, તેમાં આજેય ભજવાય છે શેક્સપિયરનાં નાટકો
  • વિલિયમ શેક્સપિયર, બાર્ડ ઓફ એવન / સ્વાન ઓફ એવન: William Shakespeare (1564-1666) –Also spelt as William Shakspere, Known as Bard of Avon/ Swan of Avon, the most renowned writer of English language and the greatest dramatist of the world
  • સ્ટ્રેટફોર્ડ-અપોન-એવન, વોરવિકશાયર, ઇંગ્લેન્ડ: Stratford-upon-Avon, Warwickshire, United Kingdom
  • સેમ વનમેકર/ સામ વેનમેકર, અમેરિકન એક્ટર-ડાયરેક્ટર, શેક્સપિયર્સ ગ્લોબના નિર્માતા: Sam Wanamaker (1919-1993), American actor-director, Founder of Shakespeare’s Globe
  • ગ્લોબ થિયેટર / શેક્સપિયર્સ ગ્લોબ થિયેટર, લંડન, યુકે: Globe Theatre / Shakespeare’s Globe theatre, London, UK

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે

***** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

3 thoughts on “વિલિયમ શેક્સપિયર: વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જક

Leave a comment