.
પ્રિય અનામિકા,
તેં બ્લોગ-પોસ્ટ્સ પરની ચર્ચા વાંચી. મુક્ત ચર્ચાની તક મળે તે કેવું સરસ.
ચિ. નેહાએ પ્રશ્નો ઉઠાવ્યા અને પોતાના વિચારો વિના સંકોચે રજૂ કર્યા, તે તને ગમ્યું ને? જીવન દ્રષ્ટિના વિકાસ માટે આમ વિચારવું ઉપયોગી છે.
નેહા કર્તવ્યશીલતા અને સમાજના વલણ વિશે ચિંતનીય વાત કરે છે. ઘણાના મનમાં આ પ્રકારના અન્ય પ્રશ્નો થતા હોય છે: સમાજ અમારી કર્તવ્યશીલતાને નહીં સમજે તો? કોઈ અમારા કાર્યોને નહીં મૂલવે તો?
આ સંદર્ભમાં તેં તારા બાળપણની સ્ટોરી યાદ કરી છે: વૃદ્ધ માણસના આંબા વાવવાની વાર્તા. પ્રેરણાદાયક વાર્તા છે.
તેં મેગેલનને પણ યાદ કર્યો તેથી મને સાનંદાશ્ચર્ય થયું. વર્ષો પહેલાં રેનેસાં ભણાવતી વેળા મેં તને મેગેલનની વાત કરી હતી … તને યાદ રહી ગઈ! મને ખુશી થઈ.
મેગેલનની સાહસવૃત્તિને કેવી રીતે બિરદાવીશું? આફતો સામે ઝઝૂમતાં રહીને ધ્યેયસિદ્ધિ માટે ખપી જવાની તેની કહાણીને કેમ ભૂલાય? અદભૂત કમિટમેન્ટ!
મારે મન તો મેગેલન જેટલું જ મહત્વ તેના લગભગ અણજાણ ઈટાલિયન સહ-પ્રવાસીનું છે. જાનને મુઠ્ઠીમાં લઈ તે ઈટાલિયન મેગેલન સાથે પ્રવાસ કરતો રહ્યો; એક એક ઘટનાની, દરેક વિગતની સૂક્ષ્મ નોંધ કરતો રહ્યો! તેના વિના દુનિયાને મેગેલનની સાહસગાથાનો પરિચય ક્યાંથી મળત? તે ઈટાલિયન જાંબાજની કથાને કેટલા જાણે છે? સમાજથી કોઈ અપેક્ષા વિના, કશું પણ પામ્યા સિવાય, ભૂખ-તરસ વેઠીને, હંમેશા માથા પર કફન બાંધીને તેણે કર્તવ્યશીલતા દીપાવી! ધન્ય છે તેને! આવા જાણ્યા-અજાણ્યા વિરલાઓથી તો સંસાર ચાલે છે.
શા માટે સમાજની મૂલવણીની ચિંતા કરવાની? જો તમે તમારા કાર્યો વિષે સ્પષ્ટ છો, તમને તમારા વિચારોમાં શ્રદ્ધા છે, ધ્યેયમાં નિષ્ઠા છે, તો તમે આગે બઢો! કોઈ સાથે છે કે નહીં તેની ચિંતા છોડો! કોઈ તમારી કદર કરે છે કે નહીં, તેની ફિકર ન કરો. તમારા આત્મસંતોષ માટે પણ કાર્ય કરતાં શીખો. તમને જીવન જીવવામાં આનંદ મળશે!
સસ્નેહ આશીર્વાદ.