અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: કલાક્ષેત્રો · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 36

.

પ્રિય અનામિકા,

લાંબા સમયગાળા પછી તને પત્ર લખી રહ્યો છું.

મારી વિદ્યાર્થિની ચિ. પ્રીતિને તું જાણે છે. પ્રીતિના લગ્નપ્રસંગને કારણે અમે ઘણા વ્યસ્ત રહ્યા.

તમે ત્યાં બરફની ચાદર ઓઢીને બેઠા છો તેવો તમારો ફોન અહીં અમને ઠંડી ચડાવી ગયો છે. અઠવાડિયાથી વાતાવરણ થીજી ગયું છે. અનામિકા! ઘણા વર્ષો પછી આવી રોમ રોમ હરખાવતી ઠંડી અમે માણીએ છીએ.

અનામિકા! હવે ગયા પત્રના અનુસંધાને મુદ્દાની વાત પર આવું.

નટસમ્રાટ જયશંકર ‘સુંદરી’ 1926માં ફરી ‘મુંબઈ-ગુજરાતી નાટક મંડળી’માં જોડાયા ત્યારે ગુજરાતી પ્રજાને સિનેમા- ચલચિત્રનું ઘેલું લાગી ચૂક્યું હતું અને નાટક પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું હતું.

રમણભાઈ નીલકંઠના ‘રાઈનો પર્વત’માં યાદગાર અભિનય પછી 1932માં જયશંકર ‘સુંદરી’ પોતાને વતન ઉત્તર ગુજરાતના વિસનગર ખાતે પહોંચી ગયા. આમ છતાં, ‘સુંદરી’ પ્રસંગોપાત નાટ્યરસિકોને માર્ગદર્શન આપતા રહ્યા; રસિકલાલ પરીખ અને જશવંત ઠાકર જેવા સમર્થ નટકલા ઉપાસકોને નાટ્યપ્રવૃત્તિઓમાં ‘સુંદરી’ એ ઘણો સહયોગ આપ્યો.

1949માં ‘ગુજરાત વિદ્યાસભા’નો શતાબ્દી મહોત્સવ ઉજવાયો. તે પ્રસંગે રમણભાઈ નીલકંઠના અમર સર્જન ‘રાઈનો પર્વત’ના નાટ્યપ્રયોગની જવાબદારી જયશંકર ‘સુંદરી’એ લીધી. તને નવાઈ લાગશે, અનામિકા! જાલકાનું પાત્ર રમણભાઈના પુત્રી વિનોદિની નીલકંઠ દ્વારા ભજવાયું. જયશંકર ‘સુંદરી’ના દિગ્દર્શનમાં નાટક એવું સુંદર ભજવાયું કે ગુજરાતી રંગભૂમિના વિકાસ માટે ‘ગુજરાત વિદ્યાસભા’એ નક્કર આયોજન ઘડી કાઢ્યું. તે અનુસાર રંગભૂમિ માટે ‘નાટ્યવિદ્યામંદિર’ અને તેના પ્રાયોગિક ઘટક તરીકે ‘નટમંડળ’ની રચના કરી. આ સમગ્ર પ્રવૃત્તિઓના સંકલન અર્થે ગુરુપદે જયશંકર ‘સુંદરી’ની વરણી થઈ. રંગમંચના કલાકારો-દિગ્દર્શકોંની તાલીમાર્થે ‘સુંદરી’એ ભારે વિચાર-વિમર્શ પછી અભ્યાસક્રમ ઘડ્યો.

અનામિકા! ગુજરાતી રંગભૂમિની પદ્ધતિસર તાલીમ માટેનો આ પ્રથમ વ્યવસ્થિત અભ્યાસક્રમ.

ભારતમાં નાટ્યશાસ્ત્ર-રંગભૂમિની આવી સર્વાંગી, ઘનિષ્ઠ તાલીમ વિશે કોઇએ કદી વિચાર્યું નહતું.

1950માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં  ગુજરાતી નાટ્યકાર ચં.ચી. મહેતાના પ્રયત્નોથી નાટ્યવિભાગનો આરંભ થયો અને ડ્રામેટિક્સના સ્નાતક કક્ષાના અભ્યાસની શરૂઆત થઈ. ઉપકુલપતિ હંસાબહેન મહેતા (ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના પત્ની) ને પણ તેનો શ્રેય જાય છે.

એમ. એસ. યુનિવર્સિટીના નાટ્યશાસ્ત્રરંગભૂમિનો સ્નાતક અભ્યાસક્રમ ઘડવા માટે જયશંકર ‘સુંદરી’નો ‘નાટ્યવિદ્યામંદિર’નો અભ્યાસક્રમ આધાર બન્યો. પછી તો જશવંત ઠાકરના પ્રયત્નોથી 1960માં અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. તે પછી 1970માં અમદાવાદની સૌથી જૂની કોલેજ ગુજરાત કોલેજમાં પણ નાટ્યવિભાગ શરૂ થયો.  આમ, જયશંકર ‘સુંદરી’એ આરંભેલ કાર્યપ્રવૃત્તિ ગુજરાતમાં આવકાર પામી.

અનામિકા! ‘સુંદરી’ના કેટલાક વિશિષ્ટ નાટ્યપ્રયોગોની વાત હવે પછી તને લખીશ.  ચિ. ગુડિયા તેના નવા એમપીથ્રી પ્લેયર પર જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળી તને યાદ કરે છે તેમ તેનો ફોન હતો.

ચિ. અમરને સંભાળીને ડ્રાઈવ કરવા કહેજે. તમારા બંનેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થું છું. સસ્નેહ આશીર્વાદ.

* *  * *  * *  * *

3 thoughts on “અનામિકાને પત્ર: 36

Leave a comment