અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 47

.

પ્રિય અનામિકા,

તમારા મિત્રવર્તુળમાં વિજ્ઞાન અને ધર્મના મુદ્દે વિખવાદ થયો તે મને જરાયે ન ગમ્યું.

મિત્રોમાં કે ગ્રુપના સભ્યોમાં દ્રષ્ટિબિંદુ ભિન્ન હોઈ શકે, મતમતાંતર હોઈ શકે; હોવા જોઈએ, પરંતુ તેના ફળરૂપે અસહિષ્ણુતા જન્મે, દુર્ભેદ્ય વાડા સર્જાય અને સંવાદ જ શક્ય ન બને તે સમાજના હિતમાં નથી. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે વિચારોની અર્થપૂર્ણ આપ-લે સમષ્ટિ માટે લાભદાયી છે. માનવજાતના વિકાસ માટે સંયમપૂર્ણ અને વિવેકપૂર્ણ વિચારવિનિમય અનિવાર્ય છે.

માત્ર ધર્મ અને વિજ્ઞાન જ નહીં, કોઇ પણ વિષય પર એકાંતી દ્રષ્ટિ, ઉપલકિયું જ્ઞાન, અજ્ઞાન, મમત્વ કે અહંકારમાંથી જન્મેલ ‘મારો મત જ સાચો’ તેવો દુરાગ્રહ સભ્યતાને રૂંધે છે.

ધર્મ અને વિજ્ઞાન બંને જીવનનાં અપરિત્યાજ્ય આયામો છે જે સમાજને આધાર આપે છે. જે વ્યક્તિ બંને આયામોને જ્યાં સુધી તેના અંતરંગ સ્વરૂપમાં સમજી ન શકે, ત્યાં સુધી તેના વિશે વિવાદ ન છેડે તે સમાજ માટે ઇષ્ટ છે.

અનામિકા! ધર્મ તથા વિજ્ઞાન બંને, તેમના શુદ્ધ સ્વરૂપમાં, સત્યની ખોજમાં મદદરૂપ છે. કહેવાતા ધર્મના ઠેકેદાર સમા ગણ્યાગાંઠ્યા ‘ધર્મરક્ષકો’ની બુદ્ધિવિહિન  ધર્માંધતા તથા વિજ્ઞાનના ચશ્મા પહેર્યાનો ભ્રમ સેવતા કેટલાક રેશનાલિસ્ટોની બુદ્ધિ-પરિમિત દ્રષ્ટિ – બંને ખતરનાક છે – સમાજ માટે, અને માનવજાત માટે પણ. નર્યા બુદ્ધિવાદને સહારે વિકસતા વિજ્ઞાનને કેટલાં અચલ સત્ય લાધ્યાં છે? એકાંગી દ્રષ્ટિમાં કદી પૂર્ણતા, સમગ્રતા સમાઈ શકે કરી? અસંયમિત ધર્માંધતા કે અપરિપક્વ રેશનાલિઝમ કદી સમાજનું ભલું કરી શક્યા નથી.

તમને જણાતા તમારા કહેવાતા ‘સત્ય’ને સમાજ પર શોર-શરાબાથી કે તાકાતથી ઠોકવું તેમાં મને તો સભ્યતાની અવગતિ જણાય છે. અન્યની દ્રષ્ટિને, ભાવનાને, જીવનકલાને યથોચિત આદર આપવામાં ધર્મનું ગૌરવ છે. તે જ રીતે અન્યના મત કે અભિપ્રાયને, વિચારને, સિદ્ધાંતને ગ્રંથિ-મુક્ત થઈ સહિષ્ણુતાથી અવલોકવો, બુદ્ધિથી ઉપર ઊઠીને વિશિષ્ટ દ્રષ્ટિકોણથી પરખવો અને ત્યાર પછી જ પોતાને સત્ય જણાતા અવલોકન કે વિચારને ઘોષિત કરવું તે સાચા રેશનાલિસ્ટનું લક્ષણ છે.

પરિશુદ્ધ ધર્મ હૃદયમાં, જીવનમાં વણાઇ જાય છે. તે જીવનમૂલ્યોને ઉજાગર કરી માનવજીવનને સૌંદર્ય બક્ષે છે, જ્યારે મૂળભૂત ધર્મમાંથી ફલિત ધર્મસ્વરૂપો કે આધારવિહોણા સંપ્રદાયો માનવજાતને વાડાઓમાં ધકેલી જીવનને બદસૂરત કરે છે.

પસંદગી આપણે કરવાની છે. આપણે આપણા જીવનમાં ધર્મને કયા સ્વરૂપે અપનાવીશું?

ધર્મ અને વિજ્ઞાનની પરિભાષાને ઊંડા મંથન પછી જ સમજી શકાય છે. સાચો બુદ્ધિવાદી, વિવેકશીલ માનવી તો મતમતાંતરોની વ્યર્થ ચર્ચાથી પર રહી, ધર્મ અને વિજ્ઞાનનાં વિશિષ્ટ પ્રયોજનોને સ્વીકારી, બંનેનાં વિવેકપૂર્ણ સમન્વયથી જીવનપથ દીપાવશે. તે પોતાની જીવન યાત્રા સત્યની ખોજમાં ઉચિત માર્ગે નિશ્ચલતાથી આગળ ધપાવશે.

અનામિકા! તું તારા મિત્રોને આ સમજાવજે. ક્ષુલ્લક, અર્થવિહોણા મતભેદોને વળગી સંબંધ તોડવા કે પોતાના દ્રષ્ટિબિંદુને અંતિમ સત્ય માની વાડામાં પૂરાઈ જવામાં બુદ્ધિવાદની હાર છે. તેમના વચ્ચે સંવાદ પુનઃ સ્થાપિત કરજે.

આવો નિખાલસ સંવાદ તમારા મિત્રવર્તુળના જ નહીં, સમાજના અને માનવજાતના હિતમાં છે.

સ્વાસ્થ્ય સંભાળશો. … સસ્નેહ આશીર્વાદ.

.

6 thoughts on “અનામિકાને પત્ર: 47

  1. સાચે જ, સરસ લખ્યું. અતી ધાર્મીક અને અતી વૈજ્ઞાનીક વ્યક્તીના સાધન જુદાં હોવા છતાં ધ્યેય એક જ છે. બન્ને એકસરખા વન્દનીય છે. આપને પરીમીતીના લેખ પણ ગમશે.

    http://rutmandal.info/parimiti/

    Like

  2. બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે
    શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
    નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
    Please visit my blog :…http://gaytrignanmandir.wordpress.com

    Like

Leave a comment