.
પ્રિય અનામિકા,
ઇતિહાસમાં આવું જવલ્લે જ બને છે. જ્યારે બને છે ત્યારે આપણે કહીએ છીએ: દુનિયામેં કુછ ભી હો સકતા હૈ! હું સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની વાત કરી રહ્યો છું.
તમે બે દિવસ સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની મુલાકાતે જવાના છો તે વાત મને ખુશી આપે છે. વૉશિંગ્ટન ડીસીમાં સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની વિઝિટ એ તો એક સ્વપ્નું કહેવાય.
તાજ્જુબી એ વાતની છે કે આ મ્યુઝિયમ્સ માની ન શકાય તેવાં વિચિત્ર સંજોગોમાં અસ્તિત્વમાં આવ્યાં! સ્મિથસોનિઅન સાથે જોડાયેલ બધી જ વાતો વિચિત્ર! અનામિકા! સ્મિથસોનિઅનનો ઇતિહાસ જાણ્યા પછી તું પણ બોલીશ: દુનિયામેં કુછ ભી હો સકતા હૈ!
સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સનો શ્રેય જાય અઢારમી સદીમાં જન્મેલ બ્રિટીશ વૈજ્ઞાનિક જેમ્સ સ્મિથસનને.
ઇંગ્લેન્ડના એક ઉમરાવના નાજાયજ સંતાન જેમ્સ સ્મિથસન. અંગ્રેજ પિતા, પણ અનૌરસ સંતાન તેથી માતાએ પેરિસમાં છુપી રીતે તેમને જન્મ આપ્યો. સ્મિથસને ઇંગ્લેન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસકર્યો. સમગ્ર યુરોપમાં ટ્રાવેલ કરી રસાયણશાસ્ત્ર અને ખનિજ શાસ્ત્રમાં નામના મેળવી. તેમને પ્રતિષ્ઠા અને ધન બંને ખૂબ મળ્યાં. સ્મિથસન ઇંગ્લેન્ડના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો કેવેંડિશ, જોસેફ પ્રિસ્ટલી અને લેવોઝિયરના મિત્ર બન્યા. ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત રૉયલ સોસાયટીના મેમ્બર પણ બન્યા!
અખૂટ સંપત્તિના માલિક, પણ અનામિકા! સ્મિથસન – લગ્ન કર્યા વિના- 1829માં નિ:સંતાન મૃત્યુ પામ્યા. વિલ અનુસાર તેમનો વારસો તેમના ભત્રીજાને મળ્યો. તેનું પણ અપુત્ર મૃત્યુ! કેવી વિચિત્રતા! સ્મિથસનના વિલમાં શરત હતી કે જો ભત્રીજો નિ:સંતાન મૃત્યુ પામે તો તેમની તમામ સંપત્તિ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને જાય. તે સંપત્તિમાંથી અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં એક ‘સ્મિથસોનિઅન ઇન્સ્ટિટ્યૂશન’ સ્થાપવામાં આવે કે જે જ્ઞાનનો પ્રસાર કરે. અનામિકા! વિલ પણ કેવું વિચિત્ર! સ્મિથસન, કે જે ઇંગ્લેન્ડના વતની, જેમણે ન કદી અમેરિકાની ધરતી પર પગ મૂક્યો, તે યુએસએને પોતાની અઢળક સંપત્તિ ડોનેટ કરી જાય! આજ સુધી સ્મિથસનના વિલની આ વાત કોઈ સ્પષ્ટ રીતે સમજી શક્યું નથી.
જે હોય તે, પણ ઇંગ્લેન્ડના શાસનકર્તાઓએ પણ નિષ્ઠાપૂર્વક સ્મિથસનના વિલનો અમલ કર્યો. અમેરિકાને પાંચ લાખ ડોલરથી વધારે ફંડ મળ્યું, જેમાંથી અમેરિકાની સરકારે 1846માં વૉશિંગ્ટન ડીસીમાં ‘સ્મિથસોનિઅન ઇન્સ્ટિટ્યૂશન’ની સ્થાપના કરી. આજે તો ‘સ્મિથસોનિઅન ઇન્સ્ટિટ્યૂશન’ વિશાળ વટવૃક્ષ બનેલ છે, જેની છત્રછાયામાં કેટલાંયે સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સ ચાલે છે. આજે સ્મિથસોનિઅન બેનમૂન મ્યુઝિયમ્સ તથા વિવિધ સંશોધનો ચલાવતું વિશ્વનું સૌથી મોટું ઇન્સ્ટિટ્યૂશન છે.
મારો એક વિદ્યાર્થી ગયા અઠવાડિયે ન્યૂ યૉર્કમાં કૂપર હેવિટ – સ્મિથસોનિઅન ડિઝાઇન મ્યુઝિયમની મુલાકાત લઈ આવ્યો. તેણે મને હડસન યાર્ડસ સ્ટેર-કેસ સ્થાપત્ય ‘વેસલ’ના હીથરવિક અને હીથરવિક – હેરમાન-મિલરની સ્પન ચેરની વાત મઝાના વર્ણન સાથે લખી છે.
ચાલો, તમારી આંખોથી હું અહીં બેઠાં બેઠાં સ્મિથસોનિઅનની મુલાકાત લઉં છું. ખુશ પણ થાઉં છું. આવી સમજદારીની ખુશીઓ જ જીવનનો ખજાનો છે.
સસ્નેહ આશીર્વાદ.
* * * * *
ગુજરાતીમાં આવી વાતો વાંચવા નથી મળતી.. તેથી ખુબ સારું જ લાગે છે.
LikeLike