.
પ્રિય અનામિકા,
આ વર્ષની અમેરિકાની રેકર્ડ-બ્રેક ઠંડીએ તમને થથરાવી દીધાં છે. હવે તમારા માટે, તમારા અમેરિકન મિત્રો માટે એક ખાસ સમાચાર છે. અમેરિકાના સાઉથ-વેસ્ટ છેડા પર કેલિફોર્નિયા તરફથી નવી વેધર-સિસ્ટમ ‘ઓમેગા બ્લોક’ ડેવલપ થઈ રહી છે. આ વેધર પેટર્ન સાઉથથી નોર્થ તરફ જઈ ફરી નીચે સાઉથ ઇસ્ટ તરફ પ્રયાણ કરશે. ઓમેગા બ્લોક કેટલાક ઉત્તર-પૂર્વીય રાજ્યો અને કેનેડાના બોર્ડર પ્રદેશો તરફ જઈ ત્યાંના ટેમ્પરેચરને ઊંચું લઈ જશે. મિશિગન તથા ગ્રેટ લેઈક્સ સૂર્યપ્રકાશની મઝા લેશે, પરંતુ ત્યાંથી નીચે સાઉથ-ઈસ્ટ તરફનાં રાજ્યોને ઓમેગા બ્લોક ઠારી દેશે.
અમે અહીં ભારતમાં બેઠા બેઠા અમેરિકન પ્રેસિડેંટની ચૂંટણીમાં રસ લઈએ છે. અમેરિકાના પ્રેસિડેન્ટની રેસમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રંપના વિવાદો ઉછળતા રહે છે; સાથે ડેમોક્રેટિક પાર્ટીના હિલેરી ક્લિંટન અને અમેરિકન ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા વચ્ચેના વણસેલા સંબંધો ચર્ચામાં રહે છે. અનામિકા! અમેરિકામાં ડેમોક્રેસિની મઝા એ છે કે અમેરિકન પ્રેસિડેન્ટ ઓબામાના હાથ પણ ક્યારેક હેઠા પડે છે. તાજેતરમાં જોયું કે ઝિકા વાયરસ સામે જંગે ચડવા પ્રેસિડેન્ટ ઓબામાએ અમેરિકન કોંગ્રેસ સમક્ષ 1.9 બિલિયન ડોલરની માગણી મૂકી તો કોંગ્રેસે તે નકારી દીધી!! પરિણામે પ્રેસિડેન્ટ ઓબામાને ‘ઈબોલા ફંડ’ની રકમ ઝિકા વાયરસના પ્રોગ્રામમાં વાપરવી પડશે.
છાશવારે ઊભા થતા નવા નવા વાયરસ કે રોગચાળાના હાઉને મહાત કરવા જીનેટિક્સ (જેનેટિક્સ), બાયોટેકનોલોજી તથા મોલિક્યુલર બાયોલોજીને વિશેષ વિકસાવવાની જરૂર છે. અનામિકા! જીનેટિક્સની વાત નીકળે, તો ફ્રેડરિક મિશર, જેમ્સ વૉટસન અને ફ્રાંસિસ ક્રીક પહેલાં યાદ આવે. જો કે આવું વિધાન મોરિસ વિલ્કિન્સ અને રોઝલિંદ ફ્રેંકલિન સહિત અસંખ્ય સંશોધકોને અન્યાય નથી કરતું?
સ્વિટ્ઝરલેન્ડના ફિઝિશિયન-ડૉક્ટર ફ્રેડરિક મિશર (1844-1895) બેઝલ શહેરના પ્રતિષ્ઠિત અને સંસ્કારસંપન્ન કુટુંબમાં જન્યા. પિતાના પગલે ડૉક્ટર બન્યા. તે જમાનામાં સજીવના કોષ (Cell સેલ) વિષે ઝાઝી માહિતી ન હતી. ફ્રેડરિક મિશરને કોષકેંદ્રના પ્રોટિન્સમાં રસ હતો. શ્વેતકણ (WBC) ના કોષકેંદ્રમાંથી ફ્રેડરિક મિશરે નવું કેમિકલ કંપાઉંડ તારવ્યું જેને તેમણે ન્યુક્લિન નામ આપ્યું. પછીથી ન્યુક્લિનને ન્યુક્લિઈક એસિડ તરીકે ઓળખવામાં આવ્યું. આપણે આજે જાણીએ છીએ કે ડીએનએ તથા આરએનએ ન્યુક્લિઈક એસિડ છે. આમ, ન્યુક્લિઈક એસિડ અને ડીએનએની શોધનો યશ સ્વિસ સંશોધક ડૉક્ટર ફ્રેડરિક મિશરને જાય છે.
ડીએનએનું ડબલ હેલિક્સ (ડબલ હીલિક્સ) સ્ટ્રક્ચર ‘વૉટ્સન-ક્રિક મોડલ’ દ્વારા સમજાવનાર જેમ્સ વૉટ્સન અને ફ્રાંસિસ ક્રિકનું યોગદાન અવર્ણનીય છે. તને નવાઈ લાગશે, અનામિકા, કે શિકાગો (યુએસએ)માં જન્મેલ જેમ્સ વૉટ્સન કોલેજમાં પ્રાણીશાસ્ત્રના વિદ્યાર્થી. અમેરિકામાં ઝુઓલોજીમાં પીએચડી કરી વૉટ્સન કેમ્બ્રિજ ઇંગ્લેંડ પહોંચ્યા. ઇંગ્લેંડમાં જન્મેલ ફ્રાંસિસ ક્રિક શરૂઆતમાં યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)ના ફિઝિક્સના વિદ્યાર્થી. બીજા વિશ્વયુદ્ધ પછી તેમને બાયોલોજીમાં રસ પડ્યો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમણે રીસર્ચ વર્ક આરંભ્યું. 1951માં કેવેંડિશ લેબોરેટરી (કેમ્બ્રિજ, યુકે) ખાતે તેમના રીસર્ચ વર્કમાં અમેરિકાથી આવેલા જેમ્સ વૉટ્સન પણ જોડાયા. તેમનાં સંશોધનો મોલિક્યુલર બાયોલોજીમાં ન્યુક્લિઈક એસિડનાં બંધારણ (ડીએનએની મોલિક્યુલર રચના) પર કેંદ્રિત હતાં. મોરિસ વિલ્કિન્સ અને રોઝલિંદ ફ્રેંકલિનનાં સંશોધનોનાં પરિણામોની મદદથી વૉટ્સન અને ક્રિક રાત-દિવસ મથતા રહ્યા.
આખરે 1953માં તેમણે ડીએનએના બે સ્ટ્ર્ન્ડ્ઝની ડબલ હીલિક્સ સ્ટ્રક્ચરની રૂપરેખા તૈયાર કરી. ઇંગ્લેંડના વિશ્વપ્રસિદ્ધ સાયન્ટિફિક જર્નલ ‘નેચર’ (Nature) ના એપ્રિલ, 1953ના અંકમાં વૉટ્સન અને ક્રિકનો ડીએનએના ડબલ હીલિક્સ સ્ટ્રક્ચરનો લેખ પ્રસિદ્ધ થયો. તે સમયે ક્રિક 37 વર્ષના, તો વૉટ્સન માત્ર 25 જ વર્ષના હતા. અનામિકા! આટલી નાની ઉંમરમાં કેવી વિરાટ સિદ્ધિ!
ડીએનએના વૉટ્સન-ક્રિક મોડલથી જીનેટિક્સના વિજ્ઞાનને નવી દિશા મળી ગઈ. ડીએનએનું ડબલ હીલિક્સ સ્ટ્રક્ચર સમજાવનાર જેમ્સ વૉટ્સન, ફ્રાંસિસ ક્રિક અને મોરિસ વિલ્કિન્સને 1962માં મેડિસિન (ફિઝિયોલોજી)માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું.
ક્યારેક આવી અલક મલકની વાતો પત્રમાં આવી નિરાંતે કરવાની મઝા નિરાળી હોય છે!
સસ્નેહ આશીર્વાદ.
.
3 thoughts on “અનામિકાને પત્ર: 1604”