અનામિકાને પત્રો · મીડિયા/ સમાચાર/રિપોર · વિષય: પરિચય · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1701-2

.

પ્રિય અનામિકા,

ઉત્તરાયણ પૂર્વે અમદાવાદમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017’ પૂરી થઈ.

આ વર્ષની વાઇબ્રન્ટ ગુજરાત 2017માં માત્ર ચૌદ વર્ષના વિદ્યાર્થી હર્ષવર્ધન ઝાલાએ સૌનાં દિલ જીતી લીધાં છે. અમદાવાદની એક શાળામાં દસમા ધોરણમાં અભ્યાસ કરતા હર્ષવર્ધન ઝાલાએ પાંચ કરોડના ‘એમઓયુ’ સાઇન કરેલ છે. હર્ષવર્ધન ઝાલાએ લેન્ડ માઇન્સ ડિટેક્શન ડ્રોન બનાવેલ છે. આ સ્માર્ટ ડ્રોન જમીનમાં છુપાયેલ સુરંગ – લેન્ડ માઇન્સ – ને શોધી શકે છે. લશ્કરી દળો- અર્ધ લશ્કરી દળોને અજાણ્યા, દુર્ગમ વિસ્તારોમાં  લેન્ડ માઇન્સનો ડર ખૂબ સતાવતો હોય છે. તેમની સુરક્ષા- સલામતી માટે આ લેન્ડ માઇન્સ ડિટેક્શન ડ્રોન વરદાન સાબિત થશે. જમીનથી અદ્ધર ઉડીને હર્ષવર્ધનનો સ્માર્ટ ડ્રોન જમીનમાં છુપાયેલ લેન્ડ માઇન્સને શોધી કાઢી તેને નિષ્ક્રિય કરી શકે છે.

હર્ષવર્ધન ઝાલાને પ્રોત્સાહિત કરવામાં અમદાવાદની ‘મેકર ફેસ્ટ’ સંસ્થાનો મોટો ફાળો છે. જો કે ‘મેકર ફેસ્ટ’ને સંસ્થા કહેવું એક ભૂલ છે; તેને અમદાવાદની સંસ્થા કહેવું તે પણ ભૂલ છે. અનામિકા! મેકર ફેસ્ટ વાર્ષિક ફેસ્ટિવલ છે. એક ઇવેંટ છે. તેથી ય વિશેષ સમાજને ઉપયોગી એક મુવમેંટ છે; પ્રેરક ઉમદા મિશન છે. ‘મેકર ફેસ્ટ’નું કાર્યક્ષેત્ર અમદાવાદ પૂરતું સીમિત નથી. તે અમેરિકા તેમજ ભારતમાં કાર્યરત છે. અમદાવાદમાં હોવા છતાં તેની પ્રવૃત્તિઓ ભારતભરમાં નેશનલ સ્તર પર વિસ્તરેલી છે.

મેકર ફેસ્ટનું સંચાલન ‘મોટવાણી જાડેજા ફેમિલી ફાઉંડેશન’ની છત્રછાયા નીચે ચાલે છે. મેકર ફેસ્ટની પ્રવૃત્તિઓ સુશ્રી આશાબેન જાડેજા મોટવાણીના નેતૃત્વમાં ફૂલીફાલી છે. આશાબહેનના પતિ તે અમેરિકાની વિશ્વવિખ્યાત સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીના અતિતેજસ્વી ભારતીય પ્રોફેસર સ્વર્ગીય રાજીવ મોટવાણી.  મૂળ જમ્મુના રાજીવ મોટવાણી આઇઆઇટી, કાનપુરના બીટેક ગ્રેજ્યુએટ. અમેરિકા જઈ યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી 1988માં પીએચડીની પદવી મેળવી. અનામિકા! પ્રખર પ્રતિભાવાન રાજીવ મોટવાણી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર થયા. સર્ચ એંજિન ગુગલના સ્થાપક સર્જી બ્રિન અને લેરિ પેજને સૌ જાણતા જ હોય. તેમણે સ્ટેનફૉર્ડ યુનિવર્સિટી ખાતે તેમના સર્ચ એંજિનને તૈયાર કર્યું. ગુગલના સર્જી બ્રિન અને લેરિ પેજને તેમનું સર્ચ એંજિન તૈયાર કરવામાં સ્ટેનફોર્ડ ખાતે રાજીવભાઈએ કીમતી માર્ગદર્શન આપ્યું હતું. તને નવાઈ લાગશે, અનામિકા, કે સર્જી બ્રિન અને લેરિ પેજ રાજીવભાઈને પોતાના મેંટર જ માનતા. રાજીવ મોટવાણીના અકાળ અવસાન પછી તેમની સ્મૃતિમાં ગુગલ કંપનીએ સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીને પચ્ચીસ લાખ ડોલરની ભેટ આપી. ગુગલની તે રકમમાંથી સ્ટેનફોર્ડમાં રાજીવ મોટવાણીની યાદમાં પ્રોફેસરશિપ – ચેર સ્થાપવામાં આવી.

તેમના જીવનકાળ દરમ્યાન રાજીવભાઈએ અસંખ્ય યુવાનોને અને નવસાહસિકોને આગળ વધવામાં મદદ કરી. એન્જલ ઇન્વેસ્ટર રાજીવભાઈએ નવા સાહસોમાં રોકાણ કરી ઘણા આંત્રેપ્રેન્યોર્સને ઉત્તેજન આપ્યું.

વર્ષ 2009માં  અમેરિકામાં માત્ર 47 વર્ષની વયે સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી રાજીવ મોટવાણીનું અકાળ અવસાન થયું. સમાજની સેવા અર્થે રાજીવભાઈના કુટુંબીજનોએ મોટવાણી જાડેજા ફેમિલી ફાઉન્ડેશનની સ્થાપના કરી. અનામિકા! પતિના સ્વર્ગવાસ પછી આશાબહેને આંત્રપ્રેન્યર્સને આગળ લઈ જવાની પ્રવૃત્તિ આગળ ધપાવી છે. કલા, સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતમાં નવસર્જન તથા નવસંશોધન પ્રેરતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે આશાબહેન જાડેજાએ ‘મેકર ફેસ્ટ’નો આરંભ કર્યો.

મેકર ફેસ્ટને અમેરિકાના મેકર ફેર (Maker Faire) ની ભારતીય આવૃત્તિ કહી શકાય. અમેરિકામાં ડેલ ડુહર્ટી (ડેલ ડૉર્ટી) એ સાન ફાંસિસ્કો બે એરિયા ખાતે મેકર ફેરના ઇવેંટનો આરંભ 2006માં કર્યો. આજે તો મેક મેગેઝિન તથા મેકર ફેર અમેરિકા, યુરોપ, આફ્રિકા, જાપાન બધે લોકપ્રિય છે.

અમદાવાદનો બુદ્ધિમાન કિશોર હર્ષવર્ધન ઝાલા મેકર ફેસ્ટ  તથા વાઇબ્રન્ટ ગુજરાત 2017ના લીધે પ્રસિદ્ધિમાં છે. હર્ષવર્ધનની વાત તારા મિત્રવર્તુળમાં જરૂર ચર્ચજે.

સસ્નેહ આશીર્વાદ.

*** ***  *** ***

અનામિકાને પત્ર: 1701-2  ….  સંક્ષેપ

હર્ષવર્ધન ઝાલા : વાઇબ્રન્ટ ગુજરાત : Harshavardhan Jhala – Vibrant Gujarat

લેન્ડ માઇન્સ ડિટેક્ટિંગ ડ્રોન: Land Mines Detecting Drone

મેકર ફેસ્ટ : આશાબહેન જાડેજા: Maker Fest : Asha Jadeja

મેકર ફેર : ડેલ ડુહર્ટી (ડેલ ડૉર્ટી) : Maker Faire: Dale Dougherty

રાજીવ મોટવાણી: સ્ટેનફૉર્ડ યુનિવર્સિટી: Rajiv Motwani : Stanford University

 

5 thoughts on “અનામિકાને પત્ર: 1701-2

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s