પ્રિય અનામિકા,
દુનિયાની પરિસ્થિતિ દારુણ દાવાનળ જેવી બનતી જાય છે. ક્યાંથી જ્વાળા ભડકીને ક્યારે કયા ભાગને ભરખી જશે તે સમજાઈ શકે તેવું નથી. અમેરિકા અને ઉત્તર કોરિયા અણુયુદ્ધની ધમકીઓથી વિશ્વને ધ્રુજાવી રહ્યાં છે, ત્યારે રશિયાનું વલણ બળતાંમાં ઘી હોમી રહ્યું છે. ચીન જેવા દેશો લાલ આંખો દેખાડતાં રહીને પાડોશી દેશોને પ્રભાવિત કરતા રહે છે. જ્યાં આતંકવાદ થમતો હોવાના સંકેત મળે છે, ત્યાં તેને પોષતા દેશો તેની વાટ સંકોરતા રહે છે. ચીનના જોરે કૂદતું પાકિસ્તાન ભારત માટે માથાનો દુખાવો બની રહે છે.
નાદાનિયતના સૂર તો એવા પણ ઊઠે છે કે આરપારની લડાઈ લડી વાત પૂરી કરો. પણ શું યુદ્ધ કરવાથી આવા પ્રશ્નો હલ થઈ જશે? અનામિકા! તારી જેમ દરેક બુદ્ધિવાદી જાણે છે કે યુદ્ધ કોઈ બચ્ચાનો ખેલ નથી. યુદ્ધ ભયાવહ બરબાદી નોતરે છે. માનવ-ખુવારી, સંસાધન-સ્રોતોનો વિનાશ, ખેતીવાડી-ખોરાક-પાણીની સમસ્યાઓ, વેપાર-ઉદ્યોગની પાયમાલી, આર્થિક-સામાજીક-રાજકીય પ્રશ્નોની વણઝાર… અને આ બધાં ઉપરાંત યુદ્ધમાં સંડોવાયેલા દેશો વચ્ચે રહી જતું કાયમી વૈમનસ્ય!
તમારા મિત્રવર્તુળમાં વર્તમાન પરિસ્થિતિ પર પ્રશંસનીય ચર્ચા થઈ. સરસ. તારા જર્મન મિત્રની ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ (All Quiet on the Western Front)’ની વાતમાં મને વિશેષ રસ પડ્યો. 1930 ની એકેડેમી એવોર્ડ વિજેતા આ અમેરિકન ફિલ્મને સૌ ફિલ્મ રસિકો જાણે. પ્રથમ વિશ્વયુદ્ધની પશ્ચાદભુમિકામાં બનેલ આ ચોટદાર એપિક મુવિ ‘ઓલ ક્વાયેટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંન્ટ’ ની સ્ટોરી એરિક મારિયા રેમાર્ક નામના જર્મન સૈનિક-લેખકની નવલકથા પર આધારિત હતી. તને નવાઈ લાગશે, અનામિકા, કે લેખક પોતે જર્મની તરફથી પહેલા વિશ્વયુદ્ધમાં લડેલા. સૈનિક તરીકેના સ્વાનુભવો પરથી તેમણે નોવેલ લખી. વિશ્વયુદ્ધનો સાદ્રશ ચિતાર, યુદ્ધની નિષ્ઠુર વાસ્તવિકતા વચ્ચે લડતા સૈનિકની માનસિક અને શારીરિક સ્થિતિ અને યુદ્ધોત્તર કાળે સમાજના સામાન્ય જનજીવનમાં જોડાવા ઈચ્છતા સૈનિકની વિટંબણાઓથી એરિક રેમાર્કની નવલકથા રોચક બની છે. લૂઇસ માઇલસ્ટોનના દિગ્દર્શનમાં બનેલ આ ફિલ્મ ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’ને બેસ્ટ પ્રોડક્શન (બેસ્ટ પિક્ચર) તથા બેસ્ટ ડાયરેક્ટર એમ બે ઓસ્કાર એવોર્ડ મળ્યા. ‘અમેરિકન ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટ’ દ્વારા ‘ટોપ રેન્ક’ ગણાયેલ આ મુવિ ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’ લાયબ્રેરી ઑફ કોંગ્રેસની નેશનલ ફિલ્મ રજીસ્ટ્રીમાં સ્થાન પામ્યું છે.
આ સંદર્ભમાં એક અન્ય વાત ઉમેરું? મારા એક વિચારશીલ મિત્રે હમણાં મને વિયેતનામના એક સૈનિક-લેખકે લખેલ નવલકથાની વાત કરી. વિયેતનામ તેમજ વિયેતનામ વોર વિશે હું ખૂબ જાણું, પરંતુ આ નવલકથા વિશે મેં અગાઉ સાંભળ્યું ન હતું. બાઓ નિન્હ (બાઓ નિન) નામના આ વિયેતનામી લેખકની નોવેલ ‘ધ સોરો ઓફ વોર (The Sorrow of War)’ તેમના વિયેતનામ યુદ્ધના જાત અનુભવો પરથી પ્રેરિત છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિયેતનામના બે ભાગ પડ્યા: નોર્થ વિયેતનામ અને સાઉથ વિયેતનામ. અનામિકા! તું જાણે છે કે વીસેક વર્ષ ચાલેલા વિયેતનામ યુદ્ધમાં ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ ખુવાર થયા. અમેરિકાની મદદ હોવા છતાં દક્ષિણ વિયેતનામ હાર્યું. નોર્થ – સાઉથ વિયેતનામ એક થતાં સામ્યવાદી વિયેતનામ દેશ અસ્તિત્વમાં આવ્યો.
બાઓ નિન્હની નવલકથા ‘ધ સોરો ઓફ વોર’ વિયેતનામ યુદ્ધ અને તેને પરિણામે વિયેતનામી સૈન્ય અને પ્રજાએ ભોગવેલ ત્રાસનો હૃદયદ્રાવક ચિતાર આપે છે. ‘ધ સોરો ઓફ વોર’ નવલકથા ‘ધ ડેસ્ટિની ઓફ લવ’ તરીકે પણ ઓળખાય છે. બાઓ નિન્હનો જન્મ ઉત્તર વિયેતનામના હેનોઇમાં 1952માં થયેલો. યુવાન નિન્હ માત્ર 17 વર્ષની ઉંમરે ખ્યાતનામ ‘ગ્લોરિયસ 27મી યુથ બ્રિગેડ’માં જોડાયા. 500થી વધારે સૈનિકોનું આ દળ દક્ષિણ વિયેતનામ – અમેરિકા સામે લડતાં ખપી ગયું; તેમાંથી જે માત્ર દસ યુવાનો બચ્યા તેમાં બાઓ નિન્હ એક હતા. અનામિકા! યુદ્ધ તો પૂરું થયું, પણ તેમના મન પર અમીટ છાપ છોડતું ગયું. અમેરિકાનાં બી-52 બોમ્બર પ્લેન્સ દ્વારા બેફામ બોંબવર્ષા, હજારો નિર્દોષ જીવોનો પાશવી નરસંહાર અને યુદ્ધથી પાયમાલ થતાં દેશનાં દૃશ્યો બાઓ નિન્હ કદી ભૂલી ન શક્યા. તેમણે આ સઘળી હકીકતો સાથે એક પ્રેમકથાના તાણાવાણા ગૂંથી પોતાની પ્રથમ નવલકથા ‘ધ સોરો ઓફ વોર’ લખી. કોમ્યુનિસ્ટ સરકાર અને સામ્યવાદીઓને નાપસંદ હોવા છતાં આ નવલકથા દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ પામી અને ઇન્ટરનેશનલ બેસ્ટસેલર બની.
એરિક મારિયા રેમાર્કની ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’ તથા બાઓ નિન્હની ‘ધ સોરો ઓફ વોર’ જેવી નવલકથાઓ આપણને યુદ્ધથી દૂર રહેવા લાલ બત્તી ધરે છે. શું માનવજાતના શત્રુસમાન કેટલાક સ્વાર્થી જૂથો-સંગઠનો અને સંકુચિત દ્રષ્ટિ ધરાવતા રાજકારણીઓ તે અંગે વિચારશે ખરા?
આવી બીજી વાતો ફરી ક્યારેક.
સસ્નેહ આશીર્વાદ.
** ** ** ** ** ** **
અનામિકાને પત્ર: 1802: પૂરક માહિતી
- ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ: All Quiet on the Western Front
- એરિક મારિયા રેમાર્ક: Erich Maria Remarque
- લૂઇસ માઇલસ્ટોન: Lewis Milestone
- વિયેતનામ / વિયેટનામ: Vietnam
- બાઓ નિન્હ / બાઓ નિન: Bao Ninh
- ધ સોરો ઓફ વોર/ ધ ડેસ્ટિની ઓફ લવ : The Sorrow of War/ The Destiny of Love
- વિયેતનામ યુદ્ધ: Vietnam War
- પ્રથમ વિશ્વયુદ્ધ: First World War (1914 – 1918)
- દ્વિતીય વિશ્વયુદ્ધ: Second World War (1939 – 1945)
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * *
One thought on “અનામિકાને પત્ર: 1802”