પ્રિય અનામિકા,
તમારી લોકાલિટીમાં વિમેન એમ્પાવરમેન્ટ કમિટીમાં તારી ઉચ્ચ પદે પસંદગી થઈ તે બદલ અભિનંદન. અહીં અમારે ત્યાં પણ મહિલા સશક્તિકરણની હવા સારી ચાલી છે. ફેમિનિઝમ અને વિમેન એમ્પાવરમેન્ટની વાતો નક્કર સ્વરૂપમાં ફેરવાય તે ઇચ્છનીય છે. તમારે ત્યાં અમેરિકામાં અને યુરોપમાં પણ આ વિચારો ઘણા પરિપક્વ બન્યાછે અને સમાજ પર તેનો પ્રભાવ જોવા મળે છે. અમારે અહીં હજી લાંબી મજલ કાપવાની છે.
ફેમિનિઝમનો વિચાર ફ્રાંસમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જન્મ્યો, ત્યાંથી ધીરે ધીરે યુરોપ અને અમેરિકામાં ફેલાયો. મહિલાઓને પુરૂષ સમાન આર્થિક, સામાજીક અને વ્યક્તિગત હક્કોની માગ સાથે સામાજીક અને રાજકીય આંદોલનો ફેમિનિઝમને વ્યાખ્યાયિત કરે છે. ઇંગ્લેંડમાં 1918માં તથા અમેરિકામાં 1919માં સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યો. અમેરિકા જેવા દેશમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી પણ સેક્સ ડિસ્ક્રિમિનેશન એવું હતું કે સ્ત્રીને મળતું મહેનતાણું પુરૂષના મહેનતાણાના અડધાથી થોડું વધારે હતું! પશ્ચિમી દેશોમાં સમાન કામ માટે પણ પુરૂષ-સ્ત્રીના વેજીઝમાં ભારે અસમાનતા હતી. વિશ્વભરમાં ફેમિનિઝમના મોજાં ફેલાયાં. 1950-60ના અરસામાં ઇજિપ્ત જેવા ઇસ્લામિક સંસ્કૃતિથી પ્રભાવિત દેશમાં ત્યાંના પ્રેસિડેન્ટ અનવર સાદતની પત્નીએ સ્વયં મહિલાઓને સમાન અધિકાર માટે પ્રયત્નો કર્યા હતા! તું માની શકીશ, અનામિકા, કે આધુનિક સભ્યતાના પુરસ્કર્તા મનાતા ફ્રાંસ જેવા યુરોપિયન દેશમાં છેક વર્ષ 1965 સુધી પત્નીએ પોતાની આજીવિકા સ્વતંત્ર રીતે કમાવા પોતાના પતિની સંમતિ લેવી પડતી હતી!
વિમેન એમ્પાવરમેન્ટ આજે મહિલાઓને પોતાના હક્કો ભોગવવા માટે સમર્થ કરે છે. સ્ત્રીઓ પોતાના આર્થિક, સામાજીક, રાજકીય, કાયદાકીય અને અન્ય તમામ હક્કો પુરૂષ-સમોવડી થઈ ભોગવી શકે અને સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે તેમને સશક્ત કરવી તે જ મહિલા સશક્તિકરણ.
અમેરિકામાં 1950ના દાયકામાં રંગદ્વેષ કે વર્ણભેદ – રેશિયલ ડિસ્ક્રિમિનેશન – ની ભાવના ચરમ સીમા પર હતી. ઘણા માની ન શકે, અનામિકા, કે અશ્વેતોને માટે જાહેર સ્થળ કે જાહેર સુખસુવિધાઓના ઉપયોગો માટે વિવિધ નિયંત્રણો હતાં. કેટલાંક શહેરોમાં બસ જેવા પબ્લિક ટ્રાંસપોર્ટમાં પણ અશ્વેતોને બેસવા માત્ર પાછલી સીટો રહેતી. શ્વેત નાગરિકને બેસવાનો પ્રથમ અધિકાર રહેતો! આ પરિસ્થિતિમાં બદલાવ લાવનાર અશ્વેત મહિલા રોઝા પાર્ક્સ હતાં.
1955ની પહેલી ડિસેમ્બરે સાંજે મોન્ટગોમેરી શહેરમાં રોઝા પાર્ક્સ બસમાં પોતાની સીટ પર બેઠેલા હતા, જ્યારે એક શ્વેત મુસાફર માટે તેમને સીટ ખાલી કરવાનું બસ-ડ્રાઇવરે કહ્યું. રોઝા પાર્ક્સે પોતાની સીટ ન છોડી. પોલિસ બોલાવવામાં આવી. રોઝા પાર્ક્સની ધરપકડ થઈ. અશ્વેત કોમ્યુનિટિ સંગઠિત થઈ. તેમણે મોન્ટગોમેરી બસ સર્વિસનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. બ્લેક કોમ્યુનિટિએ ખૂબ મુશ્કેલીઓ વેઠીને લાંબી લડત આપી. તેમને માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર) જેવા મહાન નેતામળ્યા. અનામિકા! એક વર્ષ સુધી અશ્વેત લોકોએ મોન્ટગોમેરી શહેરમાં બસ સર્વિસનો બોયકોટ કર્યો. આ બનાવ ‘મોન્ટગોમેરી બસ બોયકોટ’ તરીકે પ્રખ્યાત થયો. આખરે અમેરિકન સુપ્રિમ કોર્ટે ભેદભાવભરી સીટ-વ્યવસ્થાને ગેરવ્યાજબી ઠેરવી. અશ્વેતોની જીત થઈ. રોઝા પાર્ક્સના બનાવથી શરૂ થયેલ અશ્વેત આંદોલન બાદ અશ્વેતો એક પછી એક ઘણા હક્ક જીતતા ગયા.
દુનિયામાં રેશિયલ ડિસ્ક્રિમિનેશન સામે આંદોલનોએ જેન્ડર ડિસ્ક્રિમિનેશન સામે વિરોધ જગાવવામાં પણ ભાગ ભજવ્યો. ઇંગ્લેંડમાં 1970ના દાયકા સુધી પુરૂષ અને સ્ત્રીના વેતનમાં ભેદભાવ રહેતો. ઇંગ્લેંડમાં મહિલા કર્મચારીઓએ 1969માં લંડનના પ્રસિદ્ધ ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે દેખાવો કર્યા. ‘ઇક્વલ પે’ની માગણી સાથે આંદોલન લાંબું ચાલ્યું. છેવટે 1975માં ઇંગ્લેંડમાં પુરૂષ અને સ્ત્રીનાં સમાન વેતનનો ‘ઇક્વલ પે એક્ટ’ અમલી બન્યો.
આ પછી તો વારંવાર ફેમિનિઝમ અને વિમેન એમ્પાવરમેન્ટની વાતો ચમકતી રહે છે. અનામિકા! તેં ન્યૂ યૉર્કના મેનહટનમાં ‘ચાર્જિંગ બુલ’ સ્ટેચ્યુ સામે ‘ફિયરલેસ ગર્લ’ ના સ્ટેચ્યુની વાત જાણી ને? ચાર ફૂટનું ફિયરલેસ ગર્લનું બ્રોંઝ સ્ટેચ્યુ કોર્પોરેટ ફેમિનિઝમને પ્રમોટ કરવા સ્ટેટ સ્ટ્રીટ ગ્લોબલ એડવાઇઝર્સ નામની કંપનીએ મૂકેલ છે. ક્રિસ્ટીન વિસ્બલ નામક મહિલા શિલ્પકારે ફિયરલેસ ગર્લનું સ્ટેચ્યુ બનાવ્યું છે. મહિલા સશક્તિકરણ – વિમેન એમ્પાવરમેન્ટ – ના પ્રતીક સમું ફિયરલેસ ગર્લનું સ્ટેચ્યુ ન્યૂ યૉર્ક શહેરમાં આકર્ષણનું કેંદ્ર બન્યું છે.
તમારા મિત્રોના આ વિષયમાં પ્રતિભાવો જણાવજે.
સસ્નેહ આશીર્વાદ.
** ** ** ** ** ** **
અનામિકાને પત્ર: 1703 : ફેમિનિઝમ તથા વિમેન એમ્પાવરમેન્ટ : અગત્યના મુદ્દા
ફેમિનિઝમ: Feminism
મહિલા સશક્તિકરણ : વિમેન એમ્પાવરમેન્ટ: Women Empowerment
રંગભેદ – વર્ણભેદ: રેશિયલ ડિસ્ક્રિમિનેશન: Racial discrimination
પુરૂષ અને સ્ત્રી વચ્ચે જાતિભેદ: સેક્સ ડિસ્ક્રિમિનેશન – જેન્ડર ડિસ્ક્રિમિનેશન – Sex/ Gender discrimination
ટ્રફાલ્ગર સ્ક્વેર, લંડન, ઇંગ્લેન્ડ – યુકે: Trafalgar Square, London, UK
રોઝા પાર્ક્સ : Rosa Parks
મોન્ટગોમેરી, અમેરિકા: Montgomery, Alabama, United States of America
મેનહટન, ન્યૂ યૉર્ક, યુએસએ : Manhattan, New York, USA
ફિયરલેસ ગર્લ : Fearless Girl
ક્રિસ્ટન/ ક્રિસ્ટીન વિસ્બલ : Kristen Visbal
** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **
6 thoughts on “અનામિકાને પત્ર: 1703”